Tulsi paan books and stories free download online pdf in Gujarati

તુલસી પાન

તુલસીપાન

~~~~~

 

 

"ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની,

હો જી રે...

અમે તારા નામની રે અલખના રે ધામની રે..." 

 

ઈશ્વર જેને દ્રષ્ટિ નથી આપતો તેને સૂરની મીઠાશનો દરિયો આપી દે છે! મોહનના બાપુનો ફોટો ઓઢણાંનાં પાલવ વડે લૂછતાં લૂછતાં વાલી મધમીઠાં સૂરે આ ભજન ગાતી રહી. વચ્ચે વચ્ચે મનનાં તાર મૃત પતિ સાથે જોડીને એ વાતોએ વળગી ગઈ :

"મોહનના બાપુ, તમે તો આ ભજન ગાતાં ગાતાં જ અલખનાં ધામે વયા ગિયા પણ આ સંસારની ધખતી ધૂણીમાં મુને એકલી શેકાવા મેલી દીધી તે તમને વચાર જ નો આવ્યો કે આ આંધળી ને ઉપરથી બે જી' હોતી જીવશે કેમની? પણ મોહનના બાપુ, પાડ માનો આ અલખધણીનો જ ને તમારું પુઈન આડું આયવું કે દેવતાના ચક્કર જેવો દીકરો મને મળ્યો. બેય આંખ્યે દેખતો આપણો છોરો આજ લગણ મારી આંખ્યું બનીને જ જીવ્યો સે. આવતી ઉજળી આઠમે એનો હથેવાળો કરી દવ સું..તમે વરઘોડિયાને માથે હાથ મેલવા હાજર રે'જો હોં ને, મોહનનાં બાપુ..!" 

 

એ ઉજળી આઠમે વાલીનો મોહન પરણ્યો. વાલીને તો હરખનો પાર નહીં! આંધળી મા જે રાંધીને દેતી એ કોક દિ' બળેલો રોટલો તો કોક દિ' દાઝેલું શાક મોહન વખાણ કરીને ખાઈ લેતો. હવે મા દીકરો બેય વહુનાં હાથનું સરખું ખાવા તો પામશે એ એક વિચારે વાલી ઘણી નિરાંત અનુભવતી. બાકીનું બધું કામ તો વાલીને ફાવતું જ હતું. બસ, હવેથી ભાણું સચવાય એનો એને વિશેષ રાજીપો હતો. 

 

નવાઈની વાત નથી કે કરમફૂટલી વાલીની આંધળી આંખોનું આ સપનું પણ છેતરામણું નીકળ્યું. જેમ જેમ વહુ સાથે વાલીનાં દિવસો વિતતા ગયા તેમ તેમ વાલીનાં મનને એક પ્રશ્ન પીડવા લાગ્યો કે નવો જમાનો સ્વાર્થનું આટલું બધું ઝેર ક્યાંથી લાવ્યો હશે? વહુને એક આંખ ન ગમતી આ આંધળી સાસુ ભર્યાં ભાણાની ક્યાં વાત, બળેલા રોટલામાંથીય જવા લાગી. વળી, કળજુગ એકલી વહુને જ થોડો ઘેરો ઘાલે ? દીકરો પણ વહુનાં રંગે એવો તો રંગાયો કે એક દિવસ વહુએ સાસુનાં લૂગડાંનું પોટલું વાળી દીધું ને દીકરો પોતે આ સાહીઠેક વરસની 'આંધળી ડોહી'ને પોટલાં સમેત છકડામાં બેસાડીને લઈ ગયો અને આંધળાની સંસ્થાનાં ઓટલે લઈ જઈને બેસાડી દીધી! 

"એ મોહન, ક્યાં ગિયો, ઊભો તો રે' બટા.." અજાણ્યે ઓટલે બેસતાં જ વાલીને હૈયે ફાળ પડી.

"મને આમ ક્યાં મેલીને ..?" બેબાકળી વાલીએ દીકરાને શોધવા હાથ લંબાવ્યા પણ હાથ હવામાં અફળાયા કર્યાં. છકડાંની ઘરઘરાટી સાંભળતાં જ વાલીનું હૈયું ફાટી પડ્યું:

"મારો વાંક ગનો તો કે'તો જા, મારા પેટ.." વાલીને અંધત્વ આટલું પીડાદાયક ક્યારેય નહોતું લાગ્યું!

 

જીવનમાં આવતો પરિવર્તન કાળ પ્રસવની પીડા જેવો હોય છે. અસહ્ય પીડા મહદંશે સુખદ અંત તરફ લઈ જાય છે. 

 

એક માનું કલ્પાંત સાંભળી સંસ્થાનાં દરવાજા ખૂલી ગયાં. એ વાલીબા માટે સુખનાં પ્રદેશનાં દરવાજા હતાં! કળિયુગ ગમે તેવો ક્રૂર હોય પણ કાળી વાદળીની રૂપેરી કોર જેવી સેવા અને કરુણાની પરબો હજુ આવા "વાલીબા"ઓને હથેળીનો છાંયડો આપવા બેઠી છે. વાલીબાને થોડો સમય લાગ્યો આટલાં કારમાં આઘાતમાંથી બહાર આવતાં. દીકરા વહુનાં ભયંકર તિરસ્કારનાં દાઝોડાં જે વાલીબાને રૂંવે રૂંવે બાળતા હતાં તેનાં પર આ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજનાં સ્ટાફ, તેનાં સ્થાપક અને રહેવાસી અંધ બાળાઓએ વ્હાલનો, પ્રેમનો અને હૂંફનો એવો તો ઠંડો મલમ લગાડ્યો કે બા ધીમે ધીમે નવજીવન પામી રહ્યાં, મનથી અને તનથી પણ. 

 

આખી સંસ્થા માટે વાલીબા લાડકા દાદીમા બની ગયાં. દીકરીઓને વ્હાલથી માથામાં તેલ ઘસી આપવાનું હોય કે નાનકડી બાળાઓને વાર્તા કહેવાની હોય, લગ્ન લાયક દીકરીઓને ઘરકામ શીખવવાનું હોય કે કોઈની સારવાર કરવી હોય, વાલીબા હાજરાહજૂર. આ સંસ્થાનું અભિન્ન અંગ બની ગયાં વાલીબા. એમને દીકરા વહુની યાદ આવવા જેવા કારણો ઊભા જ ન થતાં. હા, ભજન ગાતી વખતે મોહનના બાપુની યાદ આવી જતી ને 'એમનો ફોટો છોરાએ પોટલામાં ભેળો કેમ નહીં મેલ્યો હોય ? હશે, ઉતાવળે ભૂલી ગ્યો હશે બાપડો' એવું મનોમન વિચારી લેતાં વાલીબા. 

 

કાળનું ચક્ર અવિરત ફરતું જ રહે છે. આ કાળને સહુએ ક્રૂર જ કેમ ગણાવ્યો હશે એના જવાબ હવે અહીં મળશે. પંદરેક વર્ષ લગભગ એક સરખાં સુખમાં વીતી ગયાં પણ હવે ઉંમર વધવા સાથે વાલીબાની તબિયત અને યાદશક્તિ બન્ને ઘસાવા લાગ્યાં. પોતાનું ગામ કે દીકરા વહુનાં નામ સરનામા - આ બધું જ ભૂલાવા લાગ્યું. કોઈ પૂછે તો કહેતાં કે, "હું આંય જ છું, પેલ્લેથી જ". બાનું ઘટતું વજન અને નબળાઈ કોઈક મોટા રોગની ચાડી ખાવા લાગ્યાં. ધીમે ધીમે પથારીવશ થઈ રહેલાં વાલીબાને કેન્સરનું નિદાન થયું. સંસ્થા પર જાણે કે કાળી ઉદાસી છવાઈ, એ સાંજે કોઇનાં ગળા નીચે કોળિયો ઉતરી શક્યો નહીં.

 

તે છતાં હારી જાય એ બીજાં, અહીઁ તો ગજબની હામ હૈયે ભરીને જીવનાર અનોખાં માનવીઓની ગજબની દુનિયા છે. ઈશ્વરને ખુદ રોજ આહ્વાન કરે છે કે આ લોકો કે, 'આપ, હજુય આપ..અમે ઝીલી લઈશું તારા દરેક પડકારને.' હકીકતે, જન્મથી જેનાં ચર્મચક્ષુઓએ ફકત અંધકાર જ જોયો છે એમનાં દિવ્યચક્ષુનું તેજ વિધાતાની આંખો આંજી દે તેવું હોય છે. આ તેજનાં કિરણો તળે તેઓ તમામ અસંભાવનાઓને સતત મ્હાત દેતાં રહે છે. 

આ કપરા સમયે તે તેજનો સ્ત્રોત વાલીબાની સેવા તરફ વળ્યો.બાનો આ ઉંમરે કોઈ ઈલાજ શક્ય નથી એ સહુ સમજી ગયાં હતાં. સંસ્થામાં વાલીબાની આસપાસ જ સહુની અવરજવર રહેવા લાગી.

બાની સારવાર કરતી અંધ દીકરીઓ પાસે વાલીબા મધરાતે શીરો માંગે તો દીકરીઓ એવે સમયે પણ શીરો બનાવીને શીરાનાં કોળિયા બાને ભરાવે કેમ કે ડોકટરની સૂચના હતી કે બા જે માંગે તે આપી જ દેવું. બસ,બા ને રાજી રાખી લો.  

 

વાલીબા ધીમે ધીમે મગજ પરનો કાબૂ પણ ગુમાવી રહ્યાં હતાં. કોઈને ઓળખવા, ભૂખ તરસનું ભાન, કુદરતી હાજતોનું ભાન વ. સમજણ બહાર જતાં રહ્યાં. રોગનો ફેલાવો વધતો ગયો અને બાની તકલીફો પણ. હવે સંસ્થામાં કોઈથી પણ બાની પીડા જોઈ શકાતી નહોતી. ડોકટરો માટે પણ આશ્ચર્ય હતું કે હજુ બા કેમ ટકી રહ્યાં છે!  

 

એ આશ્ચર્યનો જવાબ પણ મળી ગયો. બા છેલ્લા બે દિવસથી સાવ મૌન થઈ ગયાં હતાં. તેમની ચેતના જાણે કોઈ અતલ ઊંડાણમાં ઉતરી જતી લાગી. સેવાનું સ્થાન હવે બાનો જીવ છૂટી જાય તે પ્રાર્થનાએ લઈ લીધેલું. એવામાં ત્રીજી સવારે અચાનક બા બોલી ઊઠ્યાં:

"મને મારા છોરા મોહન પાસે લઈ જાવ, મારા ઘેરે મને મેલી આવો.".

આહા! આ શું ? આટઆટલાં વરસોમાં બાએ દીકરાને યાદ નહોતો કર્યો, છેલ્લાં છ માસથી તો તેમની તમામ યાદ શક્તિઓ ચાલી ગઇ હતી તેમાં ઈશ્વરની આ તે કેવી રમત કે મરણ પથારીએ એમને દીકરો યાદ આવ્યો ? 

કેન્સરની કારમી પીડા ભોગવતી વૃદ્ધ અંધ માતા અચાનક પળેપળ દીકરાને ઝંખવા લાગી. બાનો જીવ ન છૂટવાનું કારણ પકડાઈ ગયું પણ જે દીકરાએ માતાને અહીં ઓટલે જ તરછોડી દીધેલી અને એ પછીનાં વર્ષોમાં બાને એક વખત જોવા પણ ન આવેલ એ દીકરાને સંસ્થા લાવે ક્યાંથી ? 

બાને દાખલ કરતી વખતે બાને પૂછીને એમનાં ગામનું નામ રજીસ્ટરમાં લખેલું એ પરથી પૂરા બે દિવસ સુધી તમામ ચક્રો ગતિમાન કરીને મોહનની ભાળ મેળવી સંસ્થાએ તેને ફોન કર્યો :

"ભાઈ, તારી મરણપથારીએ પડેલી મા તારા ઘરે આવવા ઝંખે છે, તું એને લઈ જા તો એ જીવ સદ્ગતિ પામે, બસ છેલ્લી ઘડીઓ જ છે !" 

સામેથી અપેક્ષિત જવાબ આવ્યો:

"લે,હજુ જીવે છે મારી મા? આટલા વરહ તમે એને જીવાડી એમ હજુય તમે જ હાંચવી લો અને હાંભળો, ઈ મરી જાય તોય મને ફોન ન કરતાં, કોરોનાકાળ વખતથી હું સમશાને જતો નથી!" 

સંસ્થા માટે આ નવાઈની વાત ન હતી. અનેક અંધ દીકરીઓનાં મા બાપ પણ ખોટા ફોન નંબર અને સરનામા લખાવીને નીકળી જાય છે, ક્યારેય પાછું વાળીને જોતાં પણ નથી તો આ તો અગાઉ કહ્યું એમ સ્વાર્થનું ઝેર પીધેલ નવા જમાનાનો વહુઘેલો દીકરો હતો !

 

દિવસ જેમ ચડતો ગયો તેમ બાની જીદ સનેપાત સુધી પહોંચી ગઈ, બસ એક જ રટણ. સંસ્થા પાસે કોઈ રસ્તો નહોતો એ દીકરાને મનાવવાનો પણ એમ થોડું લાચાર થઈ જવાય? આવા તો અનેક કોયડા સંસ્થા ઉકેલી ચૂકી હતી. 

 

એ રાત્રે કોઈની આંખોમાં નીંદર નહોતી.નૂતન સૂર્યોદય સાથે જ ઈશ્વરની રમત સામે સંસ્થાએ પણ રમત આદરી.

"હાલો બા, તમારાં દીકરા મોહનનાં ઘરે.." એવું કહીને વાલીબાને ગોદડાંની ઝોળીમાં ઊંચકીને સંસ્થાની ગાડીમાં સુવાડવામાં આવ્યાં. ગાડી ધીમી ગતિએ સંસ્થાનાં ચોગાનમાં ચક્કર મારતી રહી. બાનો સનેપાત અટકી ગયો હતો અને ચહેરો અજબ રીતે ચમકી ઊઠ્યો હતો. અડધીએક કલાકનાં ધીમી ગતિનાં ચક્કરો માર્યાં પછી ગાડી સંસ્થાનાં પાછલે દરવાજે ઊભી રહી. બાને ઊંચકીને રૂમમાં લાવવામાં આવ્યાં. બાનાં પલંગની જગ્યાએ કાથી ભરેલો ખાટલો ગોઠવાઈ ગયો હતો. 

બાને ખાટલામાં સુવાડતાં જ સભ્યોમાંથી કોઈ બોલ્યું  :

"લ્યો બા, આવી ગયાં તમે દીકરાનાં ઘરે. જુઓ, આ તમારો દીકરો મોહન આવ્યો..." 

સંસ્થાનાં ક્લાર્ક વિઠ્ઠલભાઈ મોહનના રોલમાં હતાં. 

વિઠ્ઠલભાઈએ બાનું માથું ખોળામાં લીધું, બાનાં માથા પર વ્હાલથી હાથ ફેરવ્યો :

"મારી મા, તું આવી ગઈ ? હવે હું ક્યાંય નહીં જવા દઉં તને.જો આ તારી વહુએ શીરો બનાવી રાખ્યો છે, હું તને મારા હાથે ખવડાવું . મોઢું ખોલ મા... ઓ મા...કંઇક તો બોલ! હું મોહન, તારો દીકરો મોહન....."  

 

ત્યાં હાજર એક પ્રજ્ઞાચક્ષુ દીકરી પરિસ્થિતિ પામી ગઈ અને વાલીબાનાં મોંમાં મૂકવા તુલસી પાન તોડવા દોડી ગઈ !

 

~ મનીષા મહેતા(ધરા)

બીજા રસપ્રદ વિકલ્પો