visarjan pacchi sarjan books and stories free download online pdf in Gujarati

વિસર્જન પછી સર્જન

લે. કેતન મોટલા ‘રઘુવંશી’

 

 ‘’વિસર્જન પછી સર્જન ‘’

 

સવારના સાડા છ વાગે એટલે પત્ની લીલાવંતીના હાથની અડધો કપ કડક મીઠી ચા પીને વાસુદેવરાય પક્ષીઓ માટે દાણાની થેલી  લઇ એમ.જી ગાર્ડનમાં કસરત કરવા નીકળી પડતા. અડધો કલાક વોકિંગ કરે પછી દસ મિનિટ યોગ અને ત્યારબાદ ચાલતા રસ્તામાં શ્રીરામ હોટલની અડધી ચા. પછી ઘરે આવી નાહી-ધોઈ પૂજાપાઠ કરી અને શાકભાજી લેવા જવાનું. સાંજે  સાડાપાંચે લાઇબ્રેરી અને આઠવાગ્યે તો ભોજન કરી લેવાનું. નવ વાગે તો સ્તુતિપાઠ કરી સૂઈ જવાનું. છેલ્લા દસ વર્ષથી રિટાયર મામલતદાર વાસુદેવરાયનો આ નિત્યક્રમ હતો. રોજની જેમ આજે પણ વાસુદેવરાય એમ.જી ગાર્ડનમાં ચાલવા નીકળ્યા પરંતુ આજે એમને કશું અચરજ થાય તેવું દ્રશ્ય જોયું. રોજ વહેલી સવારે ગુડ મોર્નિંગ દાદા એવું કહેતો તરવરિયો યુવાન પાર્થ  બાંકડે સૂનમૂન થઈ બેઠો હતો.

'ગુડ મોર્નિંગ પાર્થ બેટા, આજે કેમ અહીં એકલો બેસી રહ્યો છે કસરત નથી કરવી?' વાસુદેવરાયે આશ્ચર્ય થી પૂછ્યું.

'ના દાદા, આજે ખાસ મૂડ નથી. 'પાર્થે  નિરાશાજનક જવાબ આપ્યો.

'કેમ બેટા કંઈ પ્રોબ્લેમ છે ?' પાર્થનો ઊતરેલો ચહેરો જોઈ વાસુદેવાયે પૂછ્યું.

‘દાદા શું વાત કરું તમને ! તકલીફ તો ઘણી છે પણ ઉકેલ મળતો નથી.’

 ‘બેટા શું તકલીફ છે જરા માંડીને વાત કર.’ તે પોતે પાર્થની તકલીફ દૂર કરશે તેવા આશયથી વાસુદેવરાયે પૂછ્યું.

 ‘દાદા મારી નિરાલી વિના મારાથી રહેવાતું નથી...’ આટલું કહેતા પાર્થ પોક મૂકીને રડી પડ્યો.

 અરે બેટા ! ધીરજ રાખ, આમ ન કરાય. વાસુદેવરાય પાર્થના ખભે હાથ મૂકી સાંત્વના આપતા બોલ્યા.

 ‘મારા અને નિરાલીના લગ્નને ૬ વર્ષ થયા. નિરાલી ખૂબ સંસ્કારી અને ખાનદાન પરિવારમાંથી હતી. નિરાલી પ્રેમાળ અને લાગણીશીલ સ્વભાવની પરણીને આવ્યાના બીજા દિવસે જ મારા મમ્મી-પપ્પા, મોટાભાઇ, ભાભી પરિવારના સૌના દિલ જીતી લીધા. ઘરમાં હું સૌથી નાનો એટલે નાના દીકરાની પુત્રવધુ તરીકે બધાના કામ હસીને કરતી. છ વર્ષમાં ક્યાંય કોઈ ફરિયાદનો  શબ્દ નહીં. પાર્થ લગ્નના એ સોનેરી દિવસોને યાદ કરતા બોલ્યો.

 ‘હા બેટા, સંસ્કારી, ગુણવાન પત્ની હોય તો સંસાર સુવર્ણમય બની જાય.’

 ‘લગ્નજીવન દરમિયાન અમારે નેન્સી અને પ્રિયાંશ એમ બે બાળકો જનમ્યા.   પ્રિયાંશના જન્મ પછી તો નિરાલી એટલી ખુશ હતી કે ના પૂછો વાત. મને કહેતી કે ઈશ્વર મારા ઉપર ચાર હાથે વરસ્યા છે. તમારા જેવા પતિદેવ, દેવ જેવા દુર્લભ સાસુ-સસરા અને ગુણોના ભંડાર જેવા મોટાભાઈ, ભાભી અને આપણા નેન્સી અને પ્રિયાંશ જેવા સંતાનો પ્રાપ્ત કરી તો ધન્ય થઇ ગઈ. મારે હવે કંઈ જોઈતું નથી. હે ઈશ્વર ! તમે આમજ  અમારા પરિવાર પર કૃપાદૃષ્ટિ વરસાવતા રહેજો.’ નિરાલી   ખુશી વ્યક્ત કરતા બોલી હતી.

 ‘હા નિરાલી હું પણ તારા જેવી અર્ધાંગિનીને પામીને ધન્ય થયો છું. તારા પિયરના સંસ્કારો જ પરિવારને ખુશ રાખી શક્યા છે.’ પાર્થ નિરાલીના વખાણ કરતા બોલ્યો.

‘ખુબ સરસ, આવી સુંદર, સુશીલ પત્ની છે તો પછી દુઃખી શાનો છે ?’ વાસુદેવરાય  વચ્ચે બોલ્યા.

 ‘દાદા અમારા સુખી પરિવાર કોણ જાણે કોની નજર લાગી ગઈ. એક દિવસ અચાનક નિરાલીને માથામાં જોરદાર દુ:ખાવો ઉપડ્યો અને ચક્કર આવતા પડી ગઈ. મોટાભાઇ, ભાભી નિરાલીને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. મને મોટા ભાઈનો ફોન આવતા જ હું હોસ્પિટલ દોડી ગયો.’ પાર્થ એકીશ્વાસે બોલી ગયો.

 ‘અરેરે ! પછી શું થયું દીકરા ?’

 ‘હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર શરૂ થઈ. બધા મેડિકલ રિપોર્ટ આવી ગયા હતા. ડૉક્ટર સાહેબે મને અને મોટાભાઈને તેમની ચેમ્બરમાં બોલાવ્યા. મારો જીવ અધ્ધર થઈ ગયો અને દબાતા પગલે સાહેબની ચેમ્બરમાં દાખલ થયા.

   ‘જુઓ મિસ્ટર પાર્થ,  અમે બધા રિપોર્ટનો અભ્યાસ કર્યો છે. નિરાલીબેનને બ્રેઇન ટ્યુમર છે. હજુ પચાસ ટકા અસર છે પણ ડોન્ટ વરી આપણે તાત્કાલિક સારવાર ચાલુ કરી દઈશું.’ ડોક્ટરસાહેબ સડસડાટ બોલી ગયા.

 બ્રેઇન ટ્યુમરનું નામ સાંભળતા જ પાર્થના મોતિયા મરી ગયા.

‘હે ભગવાન ! મોટાભાઈ હવે નિરાલીનું શું થશે ?’ એમ કહી પાર્થ ત્યાં જ ઢળી પડ્યો. ‘અરે ચીંતા ન કર ભઈલા. આપણે નિરાલીનો ઈલાજ કરાવીશું.’ મોટાભાઈ સાંત્વના આપતા બોલ્યા.

 ‘ડોક્ટર સાહેબ ભલે ગમે તેટલો ખર્ચ થાય પણ મારી નિરાલીને ગમે તે ભોગે બચાવી લેજો.’ પાર્થ ગળગળો થઈ બે હાથ જોડી બોલ્યો.

 ‘એક મહિનાની સારવાર ચાલી કલકત્તાથી સ્પેશિયલ ડોક્ટર પણ બોલાવ્યા પરંતુ નિરાલીનું આયુષ્ય જ ન હતું. તે કાયમ માટે અમને નોંધારા મૂકી ને ચાલી ગઈ. પાર્થની આંખોમાંથી દડદડ દડદડ આંસુ વહી રહ્યા હતા.

 ‘બેટા, ઈશ્વરના દરબારમાં સારા માણસોની  જરૂર છે. ને આમ હિંમત ન હારીશ દીકરા.’ વાસુદેવરાય પાર્થના માથે હાથ ફેરવી સાંત્વના આપતા બોલ્યા.

 ‘દાદા નિરાલી ગઈ એની આગલી રાત્રે મને કહેતી હતી કે હું હવે નહીં રહું પણ આપણી નેન્સી અને પ્રિયાંશની જવાબદારી તમને સોંપતી જાઉં છું. તમને જીવનની મઝધારમાં એકલા છોડી જાઉ છું. બની શકે તો મને માફ કરજો અને સારું પાત્ર શોધી લેજો..’ તે દિવસે નિરાલીની આંખોમાં એક અનોખી ચમક હતી. પછી બસ પછી તો વહેલી સવારે અમને છોડી ચાલી ગઈ. મારો પ્રિયાંશ તો હજૂ બે જ વર્ષનો છે તે છેલ્લા એક મહિનાથી મને રોજ પૂછે છે ‘પપ્પા, મમ્મા ક્યારે આવશે ? ડોક્ટર અંકલને કહો ને કે મમ્માને ઘરે મૂકી જાય મને નથી ગમતું મમ્મા વિના.....’ મારા પ્રિયાંશ ને હું શું જવાબ આપું દાદા..? હવે આ બધું નથી સહન થતું મારાથી. મારે મરી જવું છે..’ પાર્થ નિરાશ થઈ બોલ્યો.

 ‘દીકરા, તું એમ ન માનજે  કે આ જગતમાં એકલો તું જ દુઃખી છે. હું પણ તારા જેવી જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું. મારી લીલાવંતી પણ ગઈ સાલ મને છોડીને ચાલી ગઈ. લીલાવંતી વિનાનું એક વર્ષ મને એક યુગ જેવું લાગ્યું. આ બધા કર્મોના ફળ ભોગવવાના હોય છે બેટા. હું મામલતદાર હતો ત્યારે કુટુંબ અને સમાજથી અભિમાનમાં એક વેત ઊંચો ચાલતો. કોઈનું કદી કામ કર્યું નથી કે નથી કોઈને સરખો જવાબ આપ્યો. એ બધો હિસાબ ચુકતે કરવો પડે છે. દીકરા ભેગો ઓશિયાળો થઈને રહું છું.  દીકરો તો સવારે ઓફિસે ચાલ્યો જાય પણ દીકરાની વહુના જુલમ....! આ.... હા.... હા..... કેવા કેવા જુલ્મો સહન કરું છું તે શબ્દોમાં વર્ણવી નહીં શકું..’ વાસુદેવરાય રડમસ થઇ બોલ્યા.

 ‘પણ દાદા આ મુશ્કેલીનો અંત ક્યારે ?’ પાર્થ ઉકેલ માંગતા પૂછ્યું.

 ‘કાલે જ., કાલે હું આદર્શ મેરેજ બ્યુરોમાં એક પાત્ર સાથે મીટીંગ કરવા જાઉં છું તુ આવે છે ને.....?’ વાસુદેવરાય આછા સ્મિત સાથે બોલ્યા....

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED