ચંપુ મને હવે ઓળખતું હતું. દિવસે દિવસે એનું કદ પણ વધ્યું. અને અસ્સલ એની મમ્મી જેવું દેખાવા લાગ્યું હતું. અમારી દોસ્તીને ત્રણ-ચાર મહિના થયા હશે, આજે પહેલી વાર એવું બન્યું કે ચંપુ એની જગ્યાએ નહોતું. મને બહું ખરાબ લાગ્યું, રોટલીનો ટુકડો ત્યાં મૂકી દઈ હું સ્કૂલે જતી રહી.
સાંજે આવીને જોયું તો રોટલી એમજ પડી રહી હતી, પછી તો રોજ આમજ થવા લાગ્યું. રોટલી ગમે ત્યારે ગાયબ થઈ જતી પણ ચંપુ દેખાતું નહીં. મારા સ્કૂલના ટાઈમે એ ખાઈ જતું હશે કદાચ. સાંજે પણ હું એને જોતી તો એ વાંદરાના ટોળામાં ઉછળ-કૂદ કરતું, ધાબેથી કે ફળિયામાંથી થઈ ને આગળ વધી જતું.
જે હોય તે, પણ એ જ્યારે જ્યારે અહીંથી પસાર થાય છે, ત્યારે એ એક સેકન્ડ માટે પણ અટકે તો છે જ. મને શોધે તો છે જ. મારી રોટલી યાદ આવતી હશે એને ? એ નાનું છોડવું, કે જેને એ એની મમ્મી સમજીને વળગી રહેતું હતું એ પણ એને યાદ આવતું હશે ને ? એ ભલે મારા હાથે લેતું નથી હવે. પણ તોય હું રોજ રોટલી મુકું છું. મારા ભાવતા બિસ્કિટ હોય કે એને ભાવતી ખીચડી, અઠવાડિયે એકવાર એની જગ્યાએ અચૂક મુકી દઉં છું.
પરાણે મન મનાવીને દિવસો જઇ રહ્યાં હતાં, વળી આજે તો મારું મગજ ગયું ! બે દિવસની રોટલી અને આજ સવારના બિસ્કિટ પણ હજુ એમજ પડ્યા હતા,'' આ ચંપુડાને કાંઈ ભાન-બાન પડે છે કે નહીં? મન પડે એમજ રહેવું છે એને ? એને જવું હતું, તો જવા દીધું ને મેં ? વાંદરાઓ સાથે આખો દિવસ રખડયા કરે છે, સાવ રખડેલ થઈ ગયું છે. તો પણ મેં કાંઈ કીધું નથી, કે વઢી નથી. તો હવે શું છે ? ટાઈમ ટુ ટાઈમ ખાઈ તો લેવું જોઈએ ને ?
ગુસ્સામાં હું અંદર દોડી. મમ્મીને બધી વાત જણાવી, ''આટલા દિવસ મેં એની સંભાળ કરી, ખવડાવ્યું-પીવડાવ્યું, મારુ સિક્રેટ દોસ્ત બનાવ્યું, એ જતું રહ્યું તોય મેં ચલાવી લીધું, અને હવે એ ક્યાંક જતું રહ્યું ? એને ભાન નથી પડતી ? કે હું રાહ જોતી હોઈશ ?
મમ્મી થોડીવાર મને સાંભળતી રહી, મને પૂછ્યું, ''તને હું જંગલમાં મૂકી આવું તો ?''
મને ધ્રાસકો લાગ્યો, ''તું... શું કામ મને જંગલમાં મૂકી આવે ?''
મમ્મી, ''પહેલા જવાબ આપ.''
ગુસ્સાથી લાલચોળ મેં પરાણે કંટ્રોલ કરી કહ્યું, ''મને જરાય ના ગમે, એમ થોડું ચાલે ? તું એમ જંગલમાં મૂકી આવે ? ત્યાં હું કરું શું ? ખાવા-પીવાનું-નાહવા-ધોવાનું બધું કેમનું થાય ? પછી પિક્ચરોમાં બતાવે એમ બધાને મારી નાખીને ખાવાના ? છી.....''
''હું પપ્પાને કહી દઈશ તું આવું કહેતી'તી. તું મૂકી આવીશ તો એ પાછી લઇ આવશે મને.'' કહીને હું એનાથી અળગી થઈને બારીએ ગઈ, પણ ચંપુ દેખાયું જ નહીં.
મમ્મી, ''શાંતિ રાખ ને ! હું તને ક્યાંય મૂકી આવવાની નથી. તને વાસ્તવિકતાનું ભાન કરાવવા કહી રહી છું. જો ચંપુ એક વાંદરૂ છે. એની મમ્મીથી એ છૂટું પડી ગયું એટલે થોડા દિવસ ગભરાયેલું એ ત્યાં ભરાઈ રહ્યું, બરાબર ? તે એને ખાવા-પીવાની સગવડ કરી આપી. ત્યારે એ એટલું સશક્ત કે સમજણું નહોતું કે ત્યાંથી ક્યાંય જઇ શકે. ધીમે-ધીમે એ મોટું થયું એટલે સમજ પણ આવી હશે, કે એની જગ્યા "આ" નથી. એને પણ એના સમાજમાં રહેવું હશે. ક્યાં સુધી એ અહીં આમજ રહેતું ? એને પણ સ્વતંત્ર રહેવું હોય, ફરવું હોય.
"પણ મમ્મી..." મને કોઈ વાત મગજમાં ઉતરી રહી નહોતી, "બસ ચંપુ આમ ગયું જ કેમ ?"
''પહેલાં સાંભળ, વચ્ચે બોલ નહીં." મમ્મીના "પ્રવચન" ક્યારેય પુરા નથી થાતાં,
એટલે એણે ઉમેર્યું,"એને તારી યાદ આવતી પણ હશે તોય ક્યાં સુધી એ લાગણીથી બંધાયેલું રહે ? એનો રસ્તો એણે કરી લીધો હશે, અને કરવો જ જોઈએ. તારા સ્વાર્થ માટે તું એને અહીં રહેવાની કે આવવાની ફરજ પાડે એ તો ખોટું છે ને ? તને એની આદત પડી ગઈ છે, એનું વળગણ થઈ ગયું છે. તું જેમ જંગલમાં ના રહી શકે એમ એ પણ અહીં ના જ રહી શકે. આજે નહીં તો કાલે એને જવું જ પડે, બેટા.''
''તો મમ્મી, એ મને મળ્યું જ કેમ ? અને... મને જ કેમ મળ્યું એ તો કહે ? કેમ કોઈ બીજાને ના દેખાયું ?''બધી જ વ્યથા આજ તો મમ્મી આગળ ઠાલવી જ દેવી હતી.
મમ્મીએ મને થોડી વધારે પાસે ખેંચીને સમજાવ્યું, ''બેટું... લોકો આપણને મળે એટલે આપણાં થઈ નથી જતાં, કોઈ આપણી ખુશીનું નિમિત્ત બનીને જાય છે તો કોઈ આપણને એમની ખુશીનું નિમિત્ત બનાવીને જાય છે. જીવીએ ત્યાં સુધીમાં હજારો લોકો આપણને મળે એ બધાય આપણાં થઈ જાય તો વિચાર, શું થાય ?''
મને હસવું આવી ગયું, ''ના ભાઈ ના હો, બધા નઈ જોઈતાં. બાજુ વાળી હેલી તો મને દીઠીય નથી ગમતી. પણ મમ્મી, ચંપુ...''
''અરે બેટા, ચંપુને તું હવે જીવવા દે એની રીતે. એ પાછું આવી પણ જશે તો તું એને ક્યાં સુધી રાખી શકીશ ? આ તો એની મમ્મી નો'તી ને તે એને સાચવ્યું. વિચાર કે તે એને ભગાડી દીધું હોત તો કદાચ એ મરી પણ ગયું હોત. એટલે કે તે એને જીવાડ્યું છે, તો પછી એ ખુશ રહે એમ એને જીવવા પણ દેવું પડશે ને ?
તું પણ એક દિવસ મોટી થઈશ, તારે પણ મને મૂકીને જવું જ પડશે ને ?
જીવનમાં આવા બધા વળગણ તો આવવાના જ, પણ નિયત સમયે એને છોડતા પણ શીખવું જોઈએ.'' મમ્મીએ થોડી વધારે સલાહ સાથે મારું મન માનવવા પ્રયત્ન કર્યો.
જો કે મમ્મીની વાત તો સાચી જ હતી, હું સમજી પણ શકતી હતી છતાં મારા મગજમાં અસમંજસ વાળું વાતાવરણ ડહોળાઇ રહ્યું હતું ''ભલે મને એનું વળગણ હશે પણ, હવે...? મારું શું ? મને થોડી ખબર હતી કે એ જતું રહેશે ? એને થોડી બી યાદ નહીં આવે મારી ? હેં મમ્મી ?''
"બેટા, આવું વિચારવું જ શું કામ ? તે એને તારું માન્યું, એની સંભાળ રાખી. હવે એ ખુશ રહે એ જોઈને તારે ખુશ થાવું જોઈએ.
મનગમતું કોઈ આપણું દૂર રહીને ખુશ રહે એ સારું ? કે સાથે રહીને એની સ્વતંત્રતા ખોવે એ સારું ?
તું એને બાંધી રાખીને તારું બનાવવા ઈચ્છે છે ? બોલ જોઈ ?'' ( મમ્મી હવે મને સમજાવીને કંટાળી હતી, પણ મારા મગજમાં એની વાત તો ઠસાવીને જ રહેશે.)
''શુ બોલું ? મારે બાંધવું નથી. મારે પણ એને કુદકા મારતાં જોવું છે. ખુશ જોવું છે પણ... ''મારી સાથે જ'',
કેમ નથી આવતું એ મારી પાસે ?'' દૂરથી મને જોઈને પણ હવે પાસે આવતું નથી. મારી વાત સાંભળવા બેસતું નથી. એ તો ઠીક પણ ત્રણ દિવસથી મેં એને જોયું નથી...
મને ફાળ પડી, એને કાંઈક થઈ ગયું હશે તો ? ના ના એમ તો થોડું કાંઈ થવાનું હતું ! મેં મારા માટે લાવેલો મંદિરનો દોરો એને પહેરાવેલો છે.
એ આવે કે ના આવે અડધીની જગ્યાએ આખી રોટલી મૂકુ છું. રાહ જોવાની આદતને હું જાણી જોઈને અવગણું છું. પાણીમાં રમીને ફળિયામાં પાડેલા એના પગલાં શોધું છું.
થોડા દિવસમાં ફરી એ રોટલી ગાયબ થવા લાગી. ફરી નિત્યક્રમ ચાલુ થયો.
હિંડોળો, રોટલી, ફળિયું અને એક સેકન્ડ માટે પણ મારી નજરને ટકરાતી એ ગોળમટોળ, નિર્દોષ, બે આંખો.
સમય સાથે મેં સ્વીકારી લીધું છે, "ભલે મારી પાસે આવે કે ના આવે પણ ચંપુ હંમેશા ખુશ જ રહેશે."
હજુ પણ ફળિયામાં પગ મુકતાં જ અનાયાસે મારી નજર એ છોડવાં પર જાય છે, ચંપુ મને ત્યાં જ વળગેલું દેખાય છે. હિંડોળે બેસતાં જ એ વાડમાંથી ધીમેકથી બહાર આવીને ફળિયામાં રમતું દેખાય છે. હું હજુ પણ એની સાથે વાતો કરું છું ને મારી પાસે એ મને બેઠું દેખાય છે. એ ભલે સામે ના હોય, એના માટે લાવેલી રોટલી હાથમાંથી પડી જાય ત્યારે એ મારા હાથે રોટલી લઈને ખાતું દેખાય છે.
મને એ પોતાની માનતું હશે કે નહીં મને ખબર નથી. હું માનું છું, ''ચંપુ મારું જ છે, મારું જ રહેશે અને એટલે જ ખુશ પણ રહેશે જ.''.
વળગણ કહો કે ગાંડપણ હું કોઈને નિમિત્ત માત્ર ગણીને ભૂલી નથી શકતી.
સમાપ્ત.