Valgan - 1 books and stories free download online pdf in Gujarati

વળગણ - 1


ગોળમટોળ નાનકડી બે આંખો નિયત સમયે અટકી અને ફરી રફતાર પકડી અદ્રશ્ય થઈ ગઈ.
અને મને ફરી વિચારોના ચક્રવ્યૂહમાં ફસાવી દીધી.

આજથી બે વર્ષ પહેલાં આ જ ફળિયામાં, આ જ હિંડોળે ઝૂલતાં અચાનક બે-ત્રણ ચીસો સંભળાઈ, સાથે એક ધડાકો પણ. આજુબાજુથી એક-બે જણાં બુમો પાડતાં, લાકડીઓ લઈને મારી સામે ધસી આવ્યા. ચૌદેક વર્ષની મને કોઈ વાતનો અંદાજો આવી રહ્યો નહોતો. બધાને મારી સામે દોડતાં આવતાં જોઈ મેં મારા બંને હાથથી મારા કાન ઢાંકયા અને કોણીઓથી ઢંકાય એટલી આંખો ઢાંકી દીધી. થોડી વારમાં જ જાણેકે સામેથી આવતું પૂર મને ધક્કો મારીને આગળ નીકળી ગયું. મારો રાજધાની એક્સપ્રેસની સ્પીડે વધી ગયેલા મારા શ્વાસને સહેજ રાહત થઈ. મેં પાછળ જોયું, તો લાઈટના થાંભલે એક વાંદરૂ ચોંટી ગયું હતું. બધાએ લાકડી મારી મારીને એને ત્યાંથી છૂટું કર્યું. પણ અફસોસ કે એને બચાવી શકાયું નહીં. કોઈએ લાઈટ વિભાગમાં જાણ કરી એટલે ત્યાંથી માણસો આવીને બધું રીપેર કરી ગયા.

રાત્રે જમ્યા બાદ અમારા ફળિયામાં બધા સ્વેચ્છાએ નિયમિત હાજરી આપતાં, અને રોજબરોજની તાજી ઘટનાઓનું પૃથક્કરણ થતું. હું પણ ક્યારેક પપ્પા સાથે હિંડોળે બેસી એમની વાતો સાંભળતી. આજે તો હું ખાસ એ સમયની રાહ જોઈ રહી હતી.

એક પછી એક લોકો આવીને પોતપોતાની જગ્યાએ ગોઠવાવવા લાગ્યા. વાતોનો દોર ચાલુ થયો. કોઈની દુકાનમાં ચોરી થઈ હતી તો કોઈને ઓફિસમાં ઝગડો. કોઈને ઘરમાં બબાલ થઈ હતી તો કોઈને એક્સિડન્ટ નડ્યો હતો. પણ મને આ કોઈ જ વાતોમાં રસ નહોતો. મને જે વાતમાં રસ હતો એ કદાચ બીજા બધા માટે ગૌણ હશે.

છેવટે અધીરી એવી મેં, જે કાકા, એ વાંદરાને ઉંચકીને ક્યાંક લઇ ગયા હતાં એમને જ પૂછી લીધું. ''અનિલકાકા એ વાંદરાને શુ થયું હતું, તમે એને ક્યાં લઇ ગયા હતાં ?''
અનિલકાકા, '' એ તો મરી ગયું'તું બેટા, એટલે એને દાટી દેવું પડે. ''
પછી એ સમયે એજ વિષયની ચર્ચામાં મને ઘણું એવું જાણવા મળ્યું.

અમારા ઘરની બરાબર સામેના ઘરના ધાબા ઉપર કેરીની ગોટલીઓ સુકાતી હતી. એટલે જ કદાચ એ અમારા ધાબેથી લાઈટના થાંભલાને થાપ મારી સામેના ધાબે જવા કુદયુંહશે. પણ વિચારવાની બાબત એ હતી કે જોનારે એના પેટ ઉપર નાનકડું બચ્ચું પણ વળગેલું જોયું હતું. જે આ બધી ધમાલમાં ક્યાંય કોઈની નજરે ચડ્યું નહીં. જોકે એમાં કોઈને રસ પણ નહોતો.
લાઈટવિભાગની બેદરકારીને મુદ્દો બનાવી કલાકેક ચર્ચા ચાલી અને બધા છૂટાં પડ્યા.

નવા દિવસની નવી સવાર. રોજિંદા નિત્યક્રમ, રોજિંદી ઘટમાળ. હું હોંડોળે બેઠી અને નજર એ લાઈટના થાંભલે ગઈ. જાણે કે એ મને કહેતો હોય, ''મારો શું વાંક ? હું તો બધાની સગવડ પુરી પાડવા અહીં રાત દિવસ ખડે પગે રહુ છું. આ અબોલ જીવ કે નાના ભૂલકાંઓ સાથે જ્યારે આવા દુઃખદ બનાવ બને છે ત્યારે ખરેખર મને બહુ લાગી આવે છે, પણ હું શું કરી શકું ? ચૂપચાપ જોયા સિવાય ? ''

વાત તો સાચી જ છે. લોકોએ સગવડો ઉભી કરી છે પણ એના થકી થતા નુકસાન પણ ધ્યાનમાં લેવા જોઈએ ને ! શુ કામ આવા બનાવોની રાહ જોવાની ? કોઈ ફરિયાદ કરે ત્યારે જ આવી ને રિપેરિંગ કરવાનું ? ના કરે નારાયણ ને, હમણાં કોઈ માનવ બાળની માતાની આવી દશા થઈ હોત તો ? શું ચૂપચાપ જઇને દાટી આવતાં ? કે સાંજે એની ચર્ચા કરવા જેટલી કે દુઃખ વ્યક્ત કરવા જેટલી પણ માણસાઈ ના હોત કોઈના માં ?
પણ ના, ત્યારે તો ટોળેટોળાં રસ્તા ઉપર ઉતરી આવત, લાઈટ વિભાગ સામે મોરચા મંડાત. છેવટે બાળક માટે સરકારી સહાય લીધા પછી જ ઘટનાની ચર્ચાનો અંત આવત. આમ તો બરાબર જ છે. સરકારની બેદરકારી માટે એમ થવું જ જોઈએ. પણ એ ફક્ત માણસ જાત માટે જ કેમ ?

બે-ત્રણ દિવસ વીત્યા. રાત્રે હિંડોળે ઝૂલતાં કોઈ તીણો અવાજ સંભળાયો. મેં મારા કાન સતેજ કર્યા. થોડીવાર પછી ફરી એજ અવાજ. મેં ઉભા થઈને આજુબાજુ જોયું પણ કાંઈ દેખાયું નહીં. આગળની બાજુએ ફુલછોડની વાડ પાસેથી અવાજ આવતો હોઈ હું અંદર દોડી. પાછા આવતી વખતે દોડતાં- દોડતાં જ મોબાઇલની લાઈટ ચાલુ કરી દીધી, ને સીધી વાડ પાસે ગઈ. કૈક અજુગતાં હલન-ચલનથી બે ડગલાં પાછળ ખસી ત્યાં તો બે ચમકતી લખોટીઓ હવામાં લટકતી દેખાઈ. થોડી હિંમત ભેગી કરીને ભાગવાની તૈયારી સાથે ફરી થોડી નજીક ગઈ અને હાથની આંગળીએ ત્યાંનું એક છોડવું સહેજ દૂર કરીને જોયું, તો !!!!!

હૃદય ઝડપથી ધબકવા લાગ્યું, આંખમાં પાણી આવી ગયા. ખુશીના કે દુઃખના એ સમજાયુ નહીં. આજે ત્રણ દિવસ થઈ ગયા ત્યારે આ અહીં ક્યાંથી ? કેટલી નિર્દોષ એ લખોટીઓ !!!, ના...એ લખોટીઓ નો'તી. એ ગોળમટોળ ઝીણકી એવી બે આંખો હતી. હા, એજ વાનરબાળની. જે પેલા દિવસે કદાચ લાઈટના થાંભલે થાપ દેતી વખતે છૂટી ગયું હતું.

મારી તો વગર પગારની નોકરી ચાલુ થઈ ગઈ. એની આગળ-પાછળ-ઉપર-નીચેનું બધું જ વિચારવાની.

મેં છોડવું સહેજ ખસેડયું પણ બચ્ચું તો ત્યાં એને વળગેલું જ રહ્યું. કેટલું ચીપકીને વળગ્યું હતું એ ? જાણે કે એની મમ્મીને વળગ્યું હોય ? મારુ ગળું ભરાઈ આવ્યું. એણે ત્રણ દિવસથી ખાધું નહીં હોય એ વિચારે ફરી અંદર દોડી. મમ્મી પૂછતી રહી પણ મારી પાસે ક્યાં ટાઈમ હતો ? હું અડધી રોટલી લઈને ભાગતી બહાર આવી. એ ત્યાં એજ સ્થિતિમાં બેઠું હતું, જાણે મારી રાહ જોતું હોય. મેં એને રોટલી ધરી.
એણે એ રોટલી સામે જોયું પછી મારી સામે જોયું. પણ જરાકેય હલ્યું નહીં. એટલે મેં રોટલીનો નાનો ટુકડો કરીને એની પાસે ફેંકયો, ફરી કોઈ પ્રતિક્રિયા નહીં. હવે શુ કરું ? મને તો હતું કે ભૂખ્યું હશે ને ખાઈ લેશે ! કહેવું પણ કોને ? એને ત્યાંજ રહેવા દઈ ફરી હિંડોળે આવીને બેઠી. થોડી વારમાં જ છોડવું હલ્યું. પહેલા એનું મોઢું અને પછી એ આખેઆખું બહાર આવી ગયું. રોટલી ઉપાડીને આગળ પાછળ ફેરવીને સૂંઘી. જીભથી કદાચ ટેસ્ટ પણ કરી. થોડીવારની આ રમત પછી એ ખાઈ ગયું અને ફરી એના છોડવે જઈને લપાઈ ગયું.

''એને ખબર હશે કે એની ''માઁ'' હવે નથી રહી ? આ છોડવાને એની ''માઁ'' સમજતું હશે ?'' કેટલું નિર્દોષ હતું એ બચ્ચું અને એનુ વર્તન ! મેં પક્ષીઓ માટે ભરી રાખેલું પાણીનું કુંડું એની નજીક મૂકી દીધું.

હવે તો રોજ એ હિંડોળો, એ છોડવું અને ગોળમટોળ આંખો. હું રોજ રોટલી આપતી એ બહાર આવી થોડું રમતું, પાણીના કુંડામાં પગ ઝબોળી ફળિયામાં નાના નાના પગલાં પાડતું. કાલીઘેલી રમતો કરીને ખાતું અને ફરી એની જગ્યાએ જતું રહેતું. હવે તો કોરો ભાત કે ખીચડી પણ એને ભાવતી હતી. મમ્મી-પપ્પાને એ છોડવાંની નજીક જવાની મેં મનાઈ ફરમાવી દીધી હતી. મેં તો એનું નામ પણ પાડી દીધું, ''ચંપુ.''

ચંપુ હવે મારું સિક્રેટ દોસ્ત હતું. આજુબાજુના કોઈ દોસ્તોને મેં આ વાત જણાવી જ નહીં. રખેને કોઈ બીજું એને દોસ્ત બનાવી લે તો ? હું એની સાથે બહુ જ બધી વાતો કરતી, અને એ રોટલી ખાતાં-ખાતાં મારી બધી જ વાતો સાંભળતું પણ ખરું.

આખો દિવસ તો ખબર નહીં એ ક્યાંય જતું કે નહીં ! પણ હું જોઉં ત્યારે તો એ મને ત્યાંજ મળતું. કદાચ એને પણ મારી આદત પડી ગઈ હશે ને એ પણ મારી રાહ જોતું હશે.
હવે એ મારાથી જરાય બીતું નહીં. એકવાર તો મેં ઘરના મંદિરમાંથી કાળો દોરો લાવી એના ગળામાં પહેરાવી દીધો, કે કોઈની નજર ના લાગે.

(વધુ આવતા અંકે...)


બીજા રસપ્રદ વિકલ્પો