ખરી પડેલો પોપડો Rohit Vanparia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

શ્રેણી
શેયર કરો

ખરી પડેલો પોપડો

શ્રદ્ધા અને દીપા બંને બહેનો હતી. બંને બહેનોના સ્વભાવમાં જમીન આસમાન જેટલો ફરક હતો. શ્રદ્ધાને સવારે વહેલું ઉઠવું ગમતું. આ તેની બચપણની જ ટેવ હતી. નાની હતી ત્યારે ફ્રોક પહેરીને ઘરનાં ફળીયામાં એકલી એકલી રમ્યા કરતી.  એને રમતી જોવી એટલે જાણે બગીચામાં ઉડતું પતંગિયું. નાની દીકરીને એકલા એકલા રમતા જોવી એ એક પિતા માટે સ્વર્ગીય અનુભૂતિ હોય છે.

મમ્મી, પપ્પા હોય કે ભાઇ, ઘરમાંથી કોઇ વસ્તુ લાવવાનું દીપાને કહે તો હજુ દીપા ઉભી થાય એ પહેલા શ્રદ્ધા રમતી રમતી દોડીને એ લઇને આપી દેતી. એના પપ્પા એનાં બીજા સંતાનો પાસે પાણી માગતા ત્યારે તો શ્રદ્ધાનાં કાન તરત જ સરવા થઇ જતાં અને એ દોડીને એના પપ્પાને પાણી ભરી દેતી. પાણી પીતા પિતાને જોઇ રહેવું શ્રદ્ધાને બહુ જ ગમતું.

શાળામાં પણ શ્રદ્ધાની કોઇ ખાસ બહેનપણી ન હતી. એ બહેન દીપા સાથે જ જતી અને આવતી. શાળાએથી આવીને ફરી ઘરનાં ફળીયામાં એકલી એકલી રમ્યા કરતી. મોટી થઇ ત્યાં સુધી એની આ જ ટેવ રહી. ઘરનાં તમામ કાર્યમાં એ કુશળ હતી.

આમને આમ એની લગ્નલાયક ઉમર થઇ ત્યાં સુધી એ એવી જ રહી જેવી એ પહેલેથી જ હતી. માનવમનની બે બાજુઓ હોય છે, એક સારપ અને બીજી એથી વિરૂદ્ધ. શ્રદ્ધામાં માનવમનની આ બીજી બાજુની હંમેશા ગેરહાજરી રહી હતી. જો કે સમાજમાં આવા લોકોની બહુ જ ઓછી કદર હોય છે. દેખાવમાં ખુબ જ સુંદર એવી શ્રદ્ધા તેનાં આ સ્વભાવને કારણે ઘરમાં બધાની વ્હાલી હતી, અને આથી જ એને ક્યારેય પણ માનસિક તકલીફ ન પડે એવું પાત્ર ગોતવું એવો એનાં પપ્પા રાજેશભાઇનો વિચાર હતો. લગ્ન પછી ભૈતિક અભાવની શ્રદ્ધા ઉપર ખાસ અસર નહિ પડે પણ માનસિક તણાવ ક્યારેય ન રહેવો જોઇએ એવું શ્રદ્ધાનાં પપ્પા રાજેશભાઇ માનતા.

લગ્નલાયક ઉમર થતા જ શ્રદ્ધા માટે એક ધનિક કુટુંબમાંથી લગ્ન માટે વાત આવી અને એને જોવાનું ગોઠવાયું. નક્કી કરેલા દિવસે છોકરાનાં પક્ષ તરફથી એનાં કુટુંબીઓ શ્રદ્ધાને જોવા પણ આવી ગયાં. એ લોકોને તો શ્રદ્ધા જોતા જ ગમી ગઇ અને જતા પહેલા જ એ લોકો આની રાજેશભાઈને જાણ પણ કરી ગયાં.

સાંજે જ્યારે શ્રદ્ધાને રાજેશભાઇએ તેને આ સંબંધ મંજુર છે કે કેમ એ બાબતે પુછતા જ શ્રદ્ધાએ કહ્યું કે, ‘પપ્પા તમને જે ઠીક લાગે તે. મને મંજુર છે.’

શ્રદ્ધાનાં આ જવાબમાં રાજેશભાઇને થયું કે શ્રદ્ધાએ સીધી જ હા કહેવાને બદલે ‘તમને જે ઠીક લાગે તે’ એવો જે જવાબ આપ્યો છે, એ શ્રદ્ધાનો મૂળ સ્વભાવ નથી. આ બાબતે જરા ઊંડા ઉતરવું જોઇએ.

આથી જ રાજેશભાઇએ શ્રદ્ધાની બહેન દીપાને બોલાવીને કહ્યું કે, ‘દીપા, તું હળવાસથી શ્રદ્ધાનાં મનમાં ખરેખર શું છે તે જાણી લેજે.’

બધી વાત જાણીને દીપાએ રાજેશભાઇને કહ્યું કે, ‘છોકરો વાને શ્યામ છે તેથી શ્રદ્ધા જરા અચકાય છે.’

રાજેશભાઇ શ્રદ્ધાનાં વગર કહ્યે બધું જ સમજી ગયા. એમને ખબર હતી કે શ્રદ્ધા ક્યારેય કોઇ જ વિરોધ નહિ કરે. બધું હસતે મોં એ સ્વીકારશે. અને જો આ લગ્ન યોજવામાં આવે તો એ પરિવારને પણ શ્રદ્ધા હૃદયથી સ્વીકારી લેશે, પણ એ શ્રદ્ધાનાં મન વિરુદ્ધ કશું જ કરવા માંગતા ન હતાં. એથી જ એમણે ફોન કરીને આ સંબંધ બાબતે ના કહેડાવી દીધી.

થોડા જ સમયમાં શ્રદ્ધા માટે બીજી એક જગ્યાએથી વાત આવી. એ પરિવારમાં છોકરો અને એનાં મમ્મી-પપ્પા એમ ત્રણ જણા જ હતાં. શહેરમાં સારા અને કીમતી વિસ્તારમાં વ્યવસ્થિત ઘર હતું. છોકરો પણ દેખાવમાં વાને ગોરો અને ઠીક હતો. બધુ ગમતાં આખરે શ્રદ્ધાનાં લગ્ન એ પરિવાર સાથે ગોઠવાયા. ખુબ ઉત્સાહથી ગોઠવાયેલા એ લગ્નમાં જ્યારે શ્રદ્ધાની વિદાયનો સમય આવ્યો ત્યારે એ પહેલા જ રાજેશભાઇ લગ્નહોલ છોડીને ઘરે ચાલ્યા ગયાં હતાં. ઘરનાં બધા સમજી ગયા હતાં કે રાજેશભાઇ શાં માટે ઘરે ચાલ્યા ગયા છે. નાનો પુત્ર જ્યારે રાજેશભાઇને લગ્નહોલ પાસે જ આવેલ ઘરે તેડવા ગયો ત્યારે અંદરનાં રૂમમાં રાજેશભાઇ રડતાં હતાં. બારીની તિરાડમાંથી એ જોઇને રાજેશભાઇને ખબર નાં પડે તેમ એમને બોલાવ્યા વગર જ એ પાછો લગ્નહોલ પર આવી ગયો.

શ્રદ્ધાનો પતિ ઘણો પ્રેમાળ હતો. એનું સાહિત્યિક વાંચન સારૂ એવું હતું. જીવન પ્રત્યેનો એનો અભિગમ પણ થોડો સરળ હતો. એ માનતો કે માત્ર શારીરિક આકર્ષણ જ નહિ પણ હંમેશા એકબીજાની પરવા/Care કરવી એટલે પ્રેમ. આથી જ એ શ્રદ્ધાને પ્રેમ સાથેસાથે માન પણ આપતો.

એકવખત શ્રદ્ધા અને પતિ અતુલ સાંજે ચાલવા નીકળ્યા હતાં. ત્યારે અતુલે કહ્યું હતું, ‘અનેક છોકરીઓ જોયા પછી મને તું પહેલી જ નજરે ગમી ગઇ. મારા જીવનમાં તારા આવવાથી મને એવું હંમેશા એવું લાગ્યું છે અને લાગશે કે જાણે મારો આ જન્મફેરો સાર્થક બની ગયો છે. શ્રદ્ધાએ કહ્યું હતું, ‘ તમારા પહેલા મને માત્ર એક જ છોકરો આવ્યો હતો પણ જરા શ્યામવર્ણ હોવાથી અમે ના કહી હતી. જે નશીબમાં હોય એ મુજબ જોડી બને છે.’

બીજીબાજુ શ્રદ્ધાનાં પતિ અતુલનાં પપ્પાનો સ્વભાવ ખુબ જ આકરો હતો. ક્યારે વગર કારણે ગુસ્સો કરી બેસે એ નક્કી જ ન હતું. સ્ત્રીઓ વિશેનાં એમનાં વિચારો જુનવાણી તો હતાં જ વધુમાં હીન પણ હતાં. પોતાનું ધાર્યુ ન થાય એટલે કોણ સાચુ એમાં પડ્યા વગર જ ગુસ્સો કરી બેસતા. શ્રદ્ધાનાં સાસુ લાગણીહીન ન હતાં પણ એ પણ જુનવાણી વિચારોનાં અને અવાસ્તવિક અભિગમ અને જીવન પ્રત્યે ઉદાસીનતા ધરાવતી સ્ત્રી હતી. સ્ત્રીઓ જન્મજાત ઉડતા પતંગિયા જેવી હોય છે, પણ એને દબાવીને, એને એની લઘુતાનો સતત અહેસાસ કરાવી કરાવીને એને નીરસ અને ઉદાસીન પણ બનાવી શકાય છે એનું ઉદાહરણ અતુલનાં મમ્મી હતાં. આત્મવિશ્વાસથી ભરપુર સ્ત્રીઓ કુટુંબ માટે જોખમરૂપ હોય છે એવું અતુલનાં પપ્પા વગર બોલ્યે માનતા. જો કે એ જ્યારે બીજા સાથે વાતો કરતાં ત્યારે હંમેશા આદર્શ, સમજદાર  અને સજ્જન વ્યક્તિ લાગતા પણ એમની બીજી સાઇડ એમની સાથે રહેનારને જ ખબર હતી.

પોતાને હંમેશા સાઈડલાઇન જ કરાય હતી, અત્યાર સુધી એમની કોઇ વાત કે નીર્ણયનું ઘરમાં એટલે કે અતુલનાં પપ્પા પાસે વજન ન હતું એટલે હવે જ્યારે આટલા વર્ષો પછી અતુલનાં મમ્મીને વડીલ તરીકેનું મોભાદાર સ્થાન મળ્યું ત્યારે એમની વહુ પાસેથી વધારે પડતી અને એ પણ અવાસ્તવિક અપેક્ષાઓ હતી. ન સમજાય એવા મુદાઓ ઉપર એ વાતવાતમાં શ્રદ્ધાથી નારાજ થઇ જતા. આમાને આમાં શ્રદ્ધા જેવી નાજુક છોકરી પણ ગુચવાતી જતી હતી.

એકવખત ઘરમાં શિયાળાની ઋતુમાં અડદિયા બનાવવાનાં હતાં. સામાન વગેરે બધું જ તૈયાર કરી નાખવામાં આવ્યું હતું. દરમિયાન શ્રદ્ધાનાં સાસુને કોઇ કામસર બહાર જવાનું થયું. શ્રદ્ધાને અડદિયા બનાવવાની ખુબ જ સારી ફાવટ હતી. પંજાબી સિવાયની દરેક રસોઇ એની ખુબ જ સ્વાદિષ્ઠ બનતી. એ સિવાય રસોઇની ખાસ આઇટમો માટે તો પિતાનાં ઘરે ક્યારેક એને પડોશમાંથી પણ બોલાવવામાં આવતી. એમાં પણ અડદિયા માટે તો ખાસ. પોતે ઘરમાં સાવ નવરી હોવાથી એમણે એકલા હાથે અડદિયા બનાવી નાખ્યા. એને હતું કે સાંજે સાસુ આવીને એનાં વખાણ કરશે. સાંજે જ્યારે સાસુ બહારથી આવ્યા ત્યારે અડદિયા બનેલા જોઇને નારાજ થઈને એમને તો ભવાડો જ કરી મુક્યો. સાથે સાથે અતુલનાં પપ્પાએ પણ ગુસ્સો કરીને રાડારાડી કરી મૂકી. એ પછી જ્યારે જ્યારે અડદિયા બનાવવાનાં થતા ત્યારે શ્રદ્ધાનાં સાસુ રસોડાનાં પ્લેટફોર્મ ઉપર ચડી બધું કરતાં અને શ્રદ્ધાને ઓર્ડર કરતા રહેતા. તે અડદિયા સાવ કાચા અને  રસહીન બનાવતાં.

જ્યારે એક સર્વે કરીને અનેક સ્ત્રીઓને પૂછવામાં આવ્યું કે એને કઇ બાબતમાં સૌથી વધારે આનંદ આવે છે ? જેવી કે પ્રવાસમાં, સેક્સમાં, રખડપટ્ટીમાં, શોપીંગમાં કે કુટુંબીઓ સાથે સમય પસાર કરવામાં વગેરે. ત્યારે આમાંનો કોઇ જવાબ સર્વાનુમત ન હતો. એક જ જવાબ સર્વાનુમત હતો અને એ એ કે સ્ત્રીને પોતાનાં નિર્ણયો ખુદ લેવાની એની સ્વતંત્રતા. અહી તો એ સાબિત થતું હતું કે આ ઘરમાં એ કોઇ નાની બાબતે પણ કોઇ નિર્ણય લેવા એ પરતંત્ર હતી.

અતુલનાં મમ્મીનાં જીવનમાં બન્યું છે તેવું જ હવે એના જીવનમાં પણ બનશે એવો એને અહેસાસ તો લગ્ન પછીનાં થોડા જ દિવસોમાં થઇ ચુક્યો હતો. સમાજની નજરે આ સુખી કુટુંબમાં શ્રદ્ધા અવારનવાર આ રીતે ઝખ્મી થતી. જો કે એનો પતિ પોતે હંમેશા ખુશ રહેતો અને પોતાને ખુશ રાખવાની કોશિશ કરતો એ એક જ મોટામાં મોટો આધાર શ્રદ્ધા માટે હતો.

આમને આમ વર્ષો વીતી ગયા. અતુલ અને શ્રદ્ધા વચ્ચે હજુ એવો જ પ્રેમ હતો. બંનેને બે બાળકો પણ થયા. જે કાંઇ મળ્યું છે એ મારૂ નશીબ છે એમ માનીને શ્રદ્ધા પણ વર્ષો પસાર કરતી હતી. શ્રદ્ધા – અતુલ દ્રારા બધું ભૂલી જવામાં આવતું હતું એમ તો કહી ન શકાય પણ ભીતરમાં ધરબી દેવામાં, દાબી દેવામાં આવતું હતું.

એકવખત શ્રદ્ધા અને અતુલ એમનાં એક કુટુંબીને ત્યાં સાંજે જમવા ગયા. શ્રદ્ધાનાં પક્ષનાં સગા હોવાથી શ્રદ્ધા ત્યાં ખીલી ઉઠતી. જો કે ત્યાં પણ એ ધીમા અને મીઠાસભર્યા અવાજે જ વાતો કરતી. વાતોમાં ને વાતોમાં ચર્ચા થઇ કે એમની દીકરી કૈરવીનાં લગ્ન માટે એક જગ્યાએ વાત ચાલી રહી છે. પણ કૈરવીને  એ છોકરો પસંદ નથી.

શ્રદ્ધા : કેમ, કૈરવી બેટા ? છોકરામાં શું ખામી છે ?

કૈરવી : કેમ કે છોકરો રંગે શ્યામ છે.

શ્રદ્ધા ખુબ જ મોટેથી ઉતેજીત થઇને બોલી, ‘પાગલ થઇ ગઇ છે કે શું ?’

બધા શ્રદ્ધા સામે જોઇ અચંબીત બનીને તેનું આ નવું સ્વરૂપ જોઇ જ રહ્યા.

શ્રદ્ધાને પણ આશ્ર્ચર્ય થયું. જે ભીતર દબાઇને પડ્યું હતું એ બહાર આવી ગયું હતું. એનાંથી અતુલ સામે જોવાઇ ગયું. અતુલની આંખમાં પણ ભીનાશ હતી. બંને ઉપર ભૂતકાળની વાતનો પોપડો ઉખડીને ખરી પડ્યો હતો.