white cobra - part 17 - last part books and stories free download online pdf in Gujarati

સફેદ કોબ્રા - ભાગ 17 - છેલ્લો ભાગ

સફેદ કોબ્રા

ભાગ - 17

સફેદ કોબ્રાનો આખરી દાવ


સફેદ કોબ્રાની વાત સાંભળી ધનરાજ પંડિત આશ્ચર્યચકિત થઈ ગયો હતો. રાજવીરનું મગજ પણ સુન્ન થઈ ગયું હતું અને રાજવી પંડિત દિવાલ તરફ માથું અડાડી છત તરફ જોવા લાગી હતી. ત્રણેય જણા સફેદ કોબ્રાએ ચાલેલી ચાલથી આઘાતમાં આવી ગયા હતા.

ધનરાજ પંડિતે પોતાની જાતને બરાબર સંભાળી હતી. એમના મનમાં ઊભા થયેલા કેટલાય પ્રશ્નનો જવાબ એમને સફેદ કોબ્રા પાસેથી જોઈતો હતો.

“જો તું સફેદ કોબ્રા છે, તો પછી તને ખબર જ હશે કે મંત્રી, સલીમ સોપારી અને સિયાનું ખૂન કોણે કર્યું?” ધનરાજે સફેદ કોબ્રાને પૂછ્યું હતું.

“મેજર ધનરાજ પંડિત તમે આટલો સામાન્ય કોયડો પણ ઉકેલી શકતા નથી? કંઇ વાંધો નહિ, હું તમને સમજવું છું.” સફેદ કોબ્રાએ હસીને ધનરાજ પંડિતને કહ્યું હતું.

“સૌથી પહેલા તો સલીમ સોપરીએ એકટર શહેઝાદખાનની સેક્રેટરી નિશાને મારી અને સૌથી મોટી ભૂલ કરી નાખી. નિશાને કારણે મારે શહેઝાદખાનને પણ મરાવવો પડ્યો હતો. પરંતુ આ બંન્નેના ખૂનથી મને કોઈ વાંધો આવે એમ ન હતો. મને વાંધો ખાલી રમ્યા મૂર્તિના થયેલા ખૂનથી હતો. એ ઈન્ડિયામાં મારું નેટવર્ક મુંબઈથી ચલાવતો હતો. અને એનું ખૂન તમે કરી નાખ્યું અને હજી હું રમ્યા મૂર્તિના બદલે બીજા કોઈને એની ખુરશીમાં બેસાડું એ પહેલા જ શહેઝાદખાનનાં ઘર પર જયારે એની લાશની તપાસ માટે હું ગયો હતો ત્યારે તમે મારી પત્ની જેનીફર અને બાળકોનું અપહરણ કરી મારા આખા ડ્રગ્સના ધંધાની ગેમ બગાડી નાખી હતી.” આટલું બોલી સફેદ કોબ્રા ઉભો રહ્યો હતો.

ધનરાજ પંડિત આટલી વાત સાંભળી શું બોલે છે એ સાંભળવા સફેદ કોબ્રા ઉભો રહ્યો હતો.

“સફેદ કોબ્રા તું વાત આગળ બોલ, મારે અત્યારે કશું બોલવું નથી.” ધનરાજ પંડિત એની ચાલાકી સમજી ગયો હતો. એ ધનરાજ પંડિત પાસે ગુસ્સો કરાવવા માંગતો હતો. પરંતુ એમણે પોતાનો ગુસ્સો કાબુમાં રાખી આખી વાત સફેદ કોબ્રા પાસેથી સાંભળવી હતી.

“સારું.. જેવી તમારી ઈચ્છા હવે આગળ સાંભળો. મારી પત્ની અને મારા બાળકોને બંધક બનાવી તમે મારી પાસે જ એટલે કે મને રાજવીર શેખાવત સમજી મારા હાથે જ મારી ગેંગનો સફાયો કરવાનું કહ્યું હતું. હું ચુપચાપ મારો ગુસ્સો અને અકળામણ પી ગયો હતો. મારી પત્ની અને બાળકોને બચાવવા મારે મારી જ ગેંગના સભ્યોને મારવા પડે એમ હતા. સૌથી પહેલા તમે મને મંત્રી ગોપીનાથ સાવંતને મારવાનું કહ્યું હતું. એ દિવસે મારા હાથમાં ઝેરવાળી સોય લઈને ગયો હતો. પછી મેં વિચાર્યું કે બધાની સામે મંત્રીને મારવાથી બધા સભ્યોને મારા પર શંકા જઈ શકે એમ છે. એટલે મેં મારી ગાડી મોકલી મારા ફાર્મ હાઉસ પર એમને બોલાવ્યા હતા. મંત્રીજી મને જોઈને ચોંકી ગયા હતા. કારણકે એમના માટે તો હું રાજવીર શેખાવત જ હતો. પણ હું જ સફેદ કોબ્રા છું એ જાણી એમને આંચકો લાગ્યો હતો. મેં એમને સારી વાતો કરી અને ગાડીમાં પાછા મોકલી દીધા અને એજ ગાડીનાં ડ્રાઈવરે એમનું ખૂન કરી એમની લાશ રસ્તામાં ફેંકી દીધી હતી. સિયાને કોફીમાં ઝેર મારી જ હાજરીમાં હોટલ સનરાઈઝમાં વેટર તરીકે કામ કરતા મારા માણસે આપ્યું હતું અને સલીમ સોપારીને મેં જ સાપના ડંખથી મરાવડાવ્યો હતો. મેં હાલ પુરતું મારું સામ્રાજ્ય મારા હાથે બરબાદ કરી નાખ્યું. પરંતુ મારા રૂપિયા હું ઇન્ડિયાથી બહાર લઈ ગયો અને મારા એ રૂપિયા ટ્રાન્સફર કરનાર રફીકને પણ એરપોર્ટ પર સાઈનનાઈટ ગોળી આપી મરાવી નાખ્યો. કારણકે એ પણ સલીમની જેમ ગદ્દાર બનવાની તૈયારીમાં હતો. હવે મારી પત્ની અને બાળકોને પણ મારા રૂપિયાની જેમ બહાર લઈ જઈ રહ્યો છું. અને હા હવે હું ફોન મુકું છું. આનાથી વધારે મારે તમારા કોઇપણ સવાલના જવાબ આપવા નથી. મારી વાત તમે મોબાઈલમાં રેકોર્ડ પણ કરી હોય તો મને કોઈ ફરક પડતો નથી. કારણકે સફેદ કોબ્રા કેવો લાગે છે અને એ કોણ છે? કોઈ જાણતું નથી.” આટલું બોલી સફેદ કોબ્રાએ ફોન કાપી નાખ્યો હતો.

સફેદ કોબ્રાની વાત ધનરાજ પંડિતે ગુસ્સામાં આવી પોતાના બે હાથ દીવાલ પર પછાડ્યા હતા. “હું સફેદ કોબ્રાને કોઇપણ સંજોગોમાં છોડીશ નહિ. ભલે અત્યારે અહીંયાથી ભાગી ગયો. પરંતુ ઇન્ડિયામાં એણે એનું ડ્રગ્સ સામ્રાજ્ય ઉભું કરવા પાછા તો આવવું જ પડશે.” આટલું બોલી એ ચુપ થઇ ગયા હતા.

રાજવી પંડિતે પોતાના પતિએ ખભા પર હાથ મુકીને એમને આશ્વાસન આપ્યું હતું. ત્રણેય જણા ભોંયરામાંથી ઉપરના માળે આવ્યા હતા. ભોંયરાનો દાદરો ઉપર ચઢતાં સામેની દિવાલ પર ધનરાજ પંડિતે તળાવ કિનારે પાણી ભરતી હોય એવી સ્ત્રીનું પેન્ટિંગ જોયું. જ્યારથી એ આ ઘરમાં આવ્યા ત્યારથી એ પેન્ટિંગને જોતા હતા. પરંતુ આજે અચાનક એ પેન્ટિંગને જોઈ એમના મનમાં ચમકારો થયો હતો.

“રાજવીર, સફેદ કોબ્રાનો એટલે કે ડુપ્લીકેટ રાજવીર શેખાવતનો પીછો કરીને હું આ ઘર સુધી પહોંચ્યો હતો. એજ દિવસે એ નાગપુરથી ૧૦૦ કિલોમીટર પહેલા એક ગામમાં દાખલ થયો હતો. અને ગામમાં આવેલી જૂની પુરાની હવેલી જેવી જગ્યાએ અડધો કલાક માટે એ રોકાયો હતો. એ વખતે મને કંઈ અજુગતું લાગ્યું ન હતું. એટલે હું એ વાત ભૂલી ગયો હતો. પણ અત્યારે મને લાગે છે કે એ હવેલીમાં ચોક્કસ કંઇક રહસ્ય છુપાયેલું છે. એટલે હું એ હવેલીમાં જવાનો છું. તું મારી સાથે આવીશ?” ધનરાજ પંડિતે રાજવીરને પૂછ્યું હતું.
“સફેદ કોબ્રાનો સફાયો કરવા દુનિયાના છેડા સુધી હું તમારી સાથે આવી શકું એમ છું.” આટલું બોલી રાજવીરે જોડે આવવાની સમંતિ આપી હતી.

ધનરાજ પંડિતે પત્નીને બધો સમાન પેક કરવા કહ્યું હતું. અને રાજવીરને સાથે લાવેલા હથિયારો દેખાડવા બીજા રૂમમાં લઈ ગયા હતા.

થોડીવારમાં જ ત્રણેય જણા ગાડીમાં બેસી અને સફેદ કોબ્રા જે હવેલીમાં અડધો કલાક રોકાયો હતો એ ગામ તરફ જવા નીકળ્યા હતા. રાજવીરે બે કરોડ રૂપિયાની બેગ પણ સાથે લઈ લીધી હતી. કારણકે આટલાં રૂપિયા આ ઘરમાં રાખવા એને યોગ્ય લાગ્યા ન હતા.

“મેજર સાહેબ રૂપિયા મેં મારા માટે નથી લીધા, પરંતુ હવેલીમાં સફેદ કોબ્રાનાં માણસોને ફોડવા માટે આ રકમ ઘણી ઉપયોગી થઇ શકે છે. અને જો પૈસાથી પતી જતું હોય તો હથિયાર ચલાવવાનો વારો આવે નહિ.” રાજવીરે પૈસા સાથે લેવાની એના કૃત્યની ચોખવટ કરતાં ધનરાજ પંડિતને કહ્યું હતું.
લગભગ અઢી કલાક પછી એ લોકો જૂની પુરાની હવેલી સામે પહોંચી ગયા હતા. ધનરાજ પંડિતે ગાડી હવેલીથી થોડે દૂર ઉભી રાખી હતી. હવેલીનો મુખ્ય દરવાજો મોટો અને લોખંડનો હતો અને બહારથી અંદરની હલચલ દેખાતી ન હતી.

“હું અને રાજવીર બંને અંદર જઈએ છીએ. તું ગાડી લઈ દરવાજાથી થોડે દૂર ઉભી રહેજે અને અમારા અંદર ગયા બાદ અમારી રાહ જોજે અને ગાડી ચાલુ રાખજે. અમે અંદરથી બહાર આવી હું ઈશારો કરું એટલે ગાડી લઈને ઝાંપા પાસે આવી જજે. અમે તરત ગાડીમાં બેસી જઈશું. અને જો એક કલાકમાં અમે બહાર ના આવ્યા તો તું અહીંયા થી આઠ કિલોમીટર દૂર આવેલા પોલીસ સ્ટેશને પહોંચી જજે અને ફરિયાદ કરી દેજે.” આટલી સુચના પત્નીને આપી ધનરાજ પંડિત ગાડીમાંથી નીચે ઉતર્યા હતા.

ધનરાજ પંડિતે હાથમાં પિસ્તોલ અને ખિસ્સામાં થોડી ગોળીઓ ભરી લીધી હતી.

રાજવીરે બે હાથમાં બે પિસ્તોલ અને એણે પણ પોતાનાં બે ખિસ્સામાં ગોળીઓ ભરી લીધી હતી.

બંને જણ હથિયાર સાથે સજ્જ થઈ હવેલીના દરવાજા પાસે આવ્યા હતા. દરવાજો ખખડાવી ધનરાજ પંડિત અને રાજવીર દિવાલના ટેકે ઊભા રહી ગયા. એક બંદુકધારીએ આવીને દરવાજો ખોલ્યો અને ધનરાજ પંડિતે એના પગ પર ગોળી મારી એને પાડી દીધો હતો ત્યારબાદ બંને જણ હવેલીમાં દાખલ થઇ ગયા હતા. હવેલીમાં દાખલ થતા જ સામે એક રૂમ દેખાતો હતો. એ રૂમની અંદર ધનરાજ અને રાજવીર દાખલ થયા હતા. એ રૂમમાં એક જણ કોમ્પ્યુટર ઉપર બેઠો હતો. એ યુવાન કોમ્પ્યુટર ઓપરેટર જેવો માણસ હતો. એની પાસે કોઈ હથિયાર હોય એવું લાગતું ન હતું.
“ધનરાજ પંડિતે અને રાજવીરે બંને એ એના માથા ઉપર બંદુક મૂકી હતી.”

“સફેદ કોબ્રા વિશેની અને એના ડ્રગ્સના ધંધા વિશેની જેટલી પણ માહિતી હોય એ અમને આપી દે. નહિ તો આ બધી જ ગોળીઓ તારા માથામાં ઉતારી દઈશું.” ધનરાજ પંડિત બોલ્યો હતો.

બંદુકધારી માણસોને જોઈ એ ગભરાઈ ગયો હતો.
“જુઓ મને મારતા નહિ. સફેદ કોબ્રાના ધંધાની બધીજ માહિતી આ ચાર હાર્ડડિસ્કમાં છે. આની અંદર દુનિયાભરમાં ફેલાયેલું એનું સામ્રાજ્ય છે.” આટલું બોલી એ યુવકે ચારે ચાર હાર્ડડિસ્ક મેજર ધનરાજ પંડિતને આપી દીધી હતી.
રાજવીરે એના ખિસ્સામાંથી બે લાખ રૂપિયા કાઢી એને આપ્યા હતા અને એ બંને રૂમમાંથી બહાર નીકળી ગયા હતા. બહાર નીકળ્યા પછી ઘાયલ ચોકીદારને પણ રાજવીરે બે લાખ રૂપિયા આપ્યા હતા અને બંને જણા હવેલીમાંથી બહાર નીકળી ગયા હતા.

ધનરાજે દૂર ગાડી લઈને ઉભેલી પત્નીને ઈશારો કરી બોલાવી હતી. રાજવી પંડિત ઝડપથી ગાડી લઈ ત્યાં આવી ગઈ હતી. અને બંને જણ એમાં ઝડપથી બેસી ગયા હતા.

ત્રણેય જણા ગાડીમાં મુંબઈ જવા નીકળી ગયા હતા.

રાજવીરે પણ હવે મુંબઈ થઇ પુના જશે એવું એણે ધનરાજ પંડિતને જણાવ્યું હતું.

ગાડી ચલાવતાં છ કલાક વીત્યા હશે ત્યારે ધનરાજ પંડિતે સફેદ કોબ્રાને ફોન લગાડ્યો હતો. ફલાઈટ હમણાં જ મોરેશિયસ એરપોર્ટ પર લેન્ડ થઇ હતી. ધનરાજ પંડિતનો ફોન જોઈ સફેદ કોબ્રાએ ફોન ઉપાડ્યો હતો.

“તારા ધંધાનો કાચો ચિઠ્ઠો હવે મારી પાસે આવી ગયો છે. તારા ડ્રગ્સના સામ્રાજ્યની બધી વિગત જે ચાર હાર્ડડિસ્કમાં છે એ ચારેય હાર્ડડિસ્ક મારી પાસે આવી ગઈ છે. તે આ જગ્યા ખાલી એ એક સિક્યુરીટી ગાર્ડના ભરોસે, કોઈને બહુ શંકા ના જાય એટલે લો પ્રોફાઈલ રાખી હતી. એ મને સમજાઈ ગયું. હવે તારા સુધી પહોંચતા મને વાર નહિ લાગે.” ધનરાજ પંડિતે સફેદ કોબ્રાને કહ્યું હતું.

“મેજર સાહેબ, આ કામ તમારે પહેલા કરવાનું હતું. તમે જયારે ભોંયરામાં રહેલા રાજવીર શેખાવતને શોધી કાઢ્યો ત્યારે જ મને સમજાઈ ગયું હતું કે તમે આ મારી છુપી જગ્યા સુધી પહોંચી જશો. એટલે મેં ત્યાંની હાઈસિક્યુરીટી હઠાવી ખાલી એક જ સિક્યુરીટી ગાર્ડને મૂકી દીધો અને કોમ્પ્યુટર રૂમમાં રહેલા બીજા કોમ્પ્યુટર ઓપરેટરોને હઠાવી એક જ કોમ્પ્યુટર ઓપરેટરને બેસાડી રાખ્યો હતો. મેં મારી ઓરીજીનલ હાર્ડડિસ્ક અને માહિતી ત્યાંથી સલામત જગ્યાએ રવાના કરી દીધી છે. તમે થોડા મોડા પડ્યા. જયારે તમે મને પ્રશ્ન પૂછવામાં વ્યસ્ત હતા ત્યારે મારા માણસો મારો બધો ડેટા લઈને ત્યાંથી નીકળી ગયા હતા. હવે તમારા હાથમાં જે ચાર હાર્ડડિસ્ક છે એ સાવ ખાલી છે. અને આ મારી આખરી ચાલ છે. તમે મારી સામે ક્રાઈમનાં શતરંજની બાજી હારી ગયા છો. આ પહેલી ગેમ હું જીત્યો. થોડા મહિનાઓમાં જ હું ઇન્ડિયા પાછો આવું છું. એક નવા ચહેરા અને એક નવા નામ સાથે મને આશા છે તમે મારું સ્વાગત કરવા તૈયાર હશો. એ વખતે ફરીવાર આપણી આ રમત શરૂ કરીશું. મને મારી જીત મુબારક અને તમને તમારી હાર મુબારક. હા ફિલ્મોમાં વિલન હંમેશા હારે અને હીરો જીતે. પરંતુ આજનાં આ કળિયુગમાં વિલન જીતે અને હીરો હારે. ગુડ બાય....” આટલું કહી સફેદ કોબ્રાએ ફોન મૂકી દીધો હતો.

“આપણે સમજતા હતા કે ગેમ આપણે રમી રહ્યા છીએ. પરંતુ શતરંજની રમતની બંને બાજુથી ગેમ સફેદ કોબ્રા રમી રહ્યો હતો. ભલે એ એકવાર એ જીત્યો. પરંતુ બીજીવાર હું એને નહિ જીતવા દઉં.” આટલું બોલી ધનરાજ પંડિતે ગાડી મુંબઈ તરફ ભગાવી મૂકી દીધી હતી.

ત્રણેય જણા આખા રસ્તે ચુપ રહી પોતાની અંદર ઊભા થયેલા ગુસ્સાને પી રહ્યા હતા....

સંપૂર્ણ....

(વાચકમિત્રો, સફેદ કોબ્રા આ ધારાવાહિક આપને કેવી લાગી એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આની સીઝન-૨ ભવિષ્યમાં લખી શકાય.... - ૐ ગુરુ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED