સફેદ કોબ્રા - ભાગ 16 Om Guru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફેદ કોબ્રા - ભાગ 16

સફેદ કોબ્રા

ભાગ-16

સફેદ કોબ્રાનો ડંખ


રૂમ ખોલતાં જ જોયેલું દ્રશ્ય મેજર ધનરાજ પંડિત અને રાજવી પંડિત માટે જીવનનું આઘાતજનક દ્રશ્ય હતું. કલ્પનાઓમાં દૂર-દૂર સુધી વિચારી ના શકાય અને પહેલી દ્રષ્ટિએ તો જરાય પણ સમજી ના શકાય એ દ્રશ્ય જોઈ બંનેની આંખ સામે અંધારા આવવા લાગ્યા હતા.

મેજર ધનરાજ પંડિતે પોતાની જાતને સંભાળી અને સૌ પ્રથમ રાજવીને હાથ પકડી જમીન પર બેસાડી દીધી હતી.

“રાજવીર.. તું અહીં ક્યાંથી?” ધનરાજ પંડિતે એના માથા પર બંદુક મુકતાં કહ્યું હતું.

એક સોફાચેર પર રાજવીરને સાંકળથી બાંધવામાં આવ્યો હતો. એના મોંઢા પર બ્રાઉન ટેપ મારવામાં આવી હતી. એના બંને હાથ અને પગ સાંકળથી બાંધવામાં આવ્યા હતા. પગની સાંકળ મોટી રાખવામાં આવી હતી, જેથી કરીને એ જાતે રૂમમાં આવેલા ટોઇલેટ-બાથરૂમમાં જઈ શકે.

ધનરાજ પંડિતે રાજવીરનાં મોંઢા ઉપર મારેલી પટ્ટી ઉખાડી નાખી. પટ્ટી મારેલી જગ્યા એકદમ લાલ થઇ ગયી હતી અને એના મોં પર ફોલ્લા પડી ગયા હતા.

“મેજર સાહેબ, મારા હાથ-પગ ખોલી દો. હું ઓરીજીનલ રાજવીર શેખાવત છું. મારી પત્ની અને બાળકોને પુનાના ઘરમાં બંદી બનાવવામાં આવ્યા છે. એ લોકો સકુશળ છે કે નહિ એ મારે જાણવું છે. મેજર સાહેબ તમને યાદ છે? મારા પિતા કારગીલની લડાઈમાં શહીદ થયા એ વખતે એમનાં અગ્નિસંસ્કારમાં તમે હાજર હતા અને મારા અને સુરજના ખભે હાથ મૂકી તમે અમને સાંત્વના આપી હતી.” રાજવીરે પોતાની સચ્ચાઈ સાબિત કરવા મેજર સાહેબને કહ્યું હતું.
મેજર ધનરાજને રાજવીરની વાત સાંભળી વિશ્વાસ આવી ગયો કે આજ ઓરીજીનલ રાજવીર શેખાવત છે. એમણે સૌપ્રથમ મોબાઈલ ફોન રાજવીરના હાથમાં આપ્યો હતો. પરંતુ હજી એની સાંકળો ખોલી ન હતી.

રાજવીરે પુના એની પત્નીને ફોન કર્યો હતો.

“હેલો સ્મિતા... તું અને છોકરાઓ કેમ છે? તમને બંદી રાખેલા ગુંડાઓ જતા રહ્યા?” રાજવીરે રડતાં-રડતાં પૂછ્યું હતું.
“હા... એ ગુંડાઓ જતા રહ્યા છે. પણ તમે જલ્દીથી પુના આવી જાવ. એ લોકો હમણાં કલાક પહેલા જ ઘર માંથી નીકળ્યા છે.” રાજવીરની પત્ની ધ્રુસકે ને ધ્રુસકે રડતાં બોલી રહી હતી.

“તું ચિંતા ના કર. હું બે દિવસમાં ઘરે આવી જઈશ.” આટલું બોલી રાજવીરે ફોન કાપી મેજર સાહેબને પાછો આપ્યો હતો.
“રાજવીર મને તારા પર વિશ્વાસ આવી ગયો છે. પરંતુ જ્યાં સુધી તું આ ષડયંત્રની સાચી હકીકત નહિ કહે ત્યાં સુધી હું તારી જંજીરો છોડીશ નહિ. હવે તું મારા પૂછ્યા વગર બધી જ હકીકત બોલતો જા.” ધનરાજ પંડિતે રાજવીરને કહ્યું હતું.
“સૌથી પહેલા મેજર સાહેબ આ ષડયંત્ર મારું નથી. પરંતુ સફેદ કોબ્રાનું રચાયેલું છે. આ વાત એ વખતની છે જયારે મેં બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ડ્યુટી જોઈન્ટ કરે આઠ જ દિવસ થયા હતા. એક દિવસ હોટલ સનરાઈઝનાં માલિક રમ્યા મૂર્તિનો મારા પર ફોન આવ્યો હતો. અને મને મળવા હોટલ સનરાઈઝમાં બોલાવ્યો હતો. હું સમજી ગયો હતો કે મહિને હપ્તો નક્કી કરવા માટે મને એ બોલાવી રહ્યો છે. અને એટલે હું એમને મળવા હોટલ સનરાઈઝ પહોંચ્યો હતો. રમ્યા મૂર્તિની જોડે મારી ઉંમરની આસપાસનો એક વ્યક્તિ એમની કેબિનમાં બેઠો હતો. લગભગ મારા જેટલી જ હાઈટ અને બોડી ધરાવતો હતો. રમ્યા મૂર્તિએ મારી જોડે એના ડ્રગ્સના ધંધાને નજર અંદાજ કરવા અને કોઇપણ જાતની પોલીસ કાર્યવાહી એની હોટલ કે એના માણસો પર ન કરવા મહિને વીસ લાખની રકમ નક્કી કરી હતી. ત્યારબાદ અમે બંને એ કોફી પીધી હતી.” આટલું બોલી રાજવીર શેખાવતે પાણી માંગ્યું હતું.
રાજવીર માટે પાણી લેવા માટે ધનરાજ પંડિતની પત્ની ભોંયરામાંથી ઉપરનાં માળે ગઈ હતી.

“હા તો કોફી પીધા પછી શું થયું?” ધનરાજ પંડિતે રાજવીરને વાત આગળ વધારવાનો ઈશારો કરતા પૂછ્યું હતું.

“કોફી પીધા પછી જયારે મારી આંખ ખુલી ત્યારે હું આ ભોંયરામાં કેદ હતો. રમ્યા મૂર્તિ જોડે બેઠેલો એ વ્યક્તિ મારી સામે બેઠો હતો. એનું નામ રફીક હતું. એવું એણે મને જણાવ્યું. અને એની બરાબર બાજુમાં બરાબર મારા જ જેવો નાક, નકશો અને ચહેરો ધરાવતો માણસ બેઠો હતો. એક સેકંડ માટે તો મને થયું કે મારી સામે દર્પણ છે. પછી થોડી મિનિટોમાં જ મને સમજાઈ ગયું કે એ મારો હમશકલ છે.
“મારા એ હમશકલે મને કહ્યું કે તારા જેવા અદ્દલ મોંઢાની પ્લાસ્ટિક સર્જરી ઓસ્ટ્રેલીયાનાં ડોકટરો પાસે કરવામાં બહુ મોટો ખર્ચો થયો છે. પરંતુ એ ખર્ચો એટલે કરવો પડ્યો છે કે મારે ખૂબ મોટું કામ મારા ધંધા માટે કરવાનું છે. અને એના માટે મારે બહાર સ્વત્રંત રીતે ફરીને કામ કરવા માટે મેં તારા ચહેરાની પસંદગી કરી છે. બાંદ્રા પોલીસ સ્ટેશનમાં તારી ટ્રાન્સફર પણ મેં જ કરાવી છે. મારા ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાવી તારા જેવો અદ્દલ ચહેરો કરાવ્યા બાદ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં મેં તારી બદલી કરાવી, જેથી હું તને અહીં કેદ કરી તારા બદલે ત્યાં ડ્યુટી જોઈન્ટ કરી શકું અને મારું મહત્ત્વનું કામ પતાવી શકું.” આટલું બોલી રાજવીર થોડું ઉભો રહ્યો હતો.
રાજવીર હવે આગળ બોલવા લાગ્યો હતો.

“એ પોતે મારા બદલે ત્રણ મહિના મારી જગ્યાએ પોલીસ અધિકારી બની કામ કરશે અને ત્રણ મહિના સુધી મારે અહીંયા ભોંયરામાં આ રીતે કેદી બનીને જીવવાનું છે. મારી પત્ની અને મારા બાળકોને પુનામાં એમણે બંધક બનાવી દીધા છે અને એમને બંધક બનાવ્યાનો વિડીયો રફીકે મને એના મોબાઈલમાં બતાવ્યો હતો. મારા જેવો દેખાતો હતો એ માણસ રફીકને જે સુચના આપતો હતો એ પ્રમાણે રફીક કામ કરતો હતો. મને એવું લાગે છે કે મારો હમશકલ રફીકનો બોસ છે. અને ત્રણ મહિના સુધી હું આ રીતે સપોર્ટ કરીશ તો મારો હમશકલ મને બે કરોડ રૂપિયા આપશે. જે ઉપલા માળે કબાટમાં પડ્યા છે. એવું પણ એણે મને કહ્યું હતું.” આટલું બોલી એ ફરી શ્વાસ લેવા ઉભો રહ્યો હતો.

રાજવી પંડિત એ જ વખતે પાણી, ચા અને નાસ્તો લઈને રૂમમાં પ્રવેશી હતી.

રાજવીર પાણીની આખી બોટલ પી ગયો હતો અને ચા-નાસ્તો કરવા લાગ્યો હતો.

રાજવીરે ચા-નાસ્તો પતાવ્યો પછી ધનરાજ પંડિતે વાત આગળ વધારવા કહ્યું હતું.

“મારી પત્ની અને બાળકોને એ લોકો એ બંધક બનાવી લીધા હતા. આ બંગલામાં રહેતી જેનીફર નામની સ્ત્રી રોજ મને ત્રણ વખત ભોજન આપવા માટે આ રૂમમાં આવતી હતી. અને મારી પત્ની અને બાળકો જોડે દિવસમાં એકવાર વાત કરાવતી હતી. મારું ભ્રષ્ટાચારનું પાપ મને નડી રહ્યું છે, એવું હું રોજ વિચારતો હતો અને એક દિવસ આ બંધન માંથી છૂટી હું એ બધાને ખતમ કરી નાખીશ એવો મનસુબો ઘડીને આ અંધારી કોટડીમાં જીવન જીવી રહ્યો હતો. થોડા દિવસ પહેલા મારા મોંઢા પર પટ્ટી મારી દેવામાં આવી હતી. એ પટ્ટી જેનીફરે મારી હતી. અને મને કહ્યું હતું કે ‘ભૂલથી પણ તારી સાંકળોનો કે તારો અવાજ કરવાની કોશિશ કરતો નહિ. નહિતર તારી પત્ની અને બાળકોને ખતમ કરી નાખીશું. હું તને હવેથી બે ટાઇમ જ ભોજન આપીશ. અને પાણીની રોજ બે બોટલથી વધારે મળશે નહિ. આ રૂમનો દરવાજો અંદરથી લોક કરી દેજે, હું ત્રણ વખત દરવાજો ખખડાવું તો જ તારે દરવાજો અંદરથી ખોલવાનો રહેશે. જો એકવાર પણ ગફ્લત કરી છે તો તારા પત્ની અને બાળકોના અંજામ માટે તું જવાબદાર હોઈશ.’ આ રીતે મને વારંવાર ધમકી આપી ત્રણ મહિનાથી આ લોકો યાતનાઓ આપી રહ્યા હતા. પહેલા તો હું રોજ સ્નાન પણ કરતો હતો. પણ થોડા દિવસથી બધુજ બંધ કરાવી દીધું હતું. મારી પત્ની અને બાળકો જોડે પણ મને વિડીયો કોલથી એમને બતાવી દેવામાં આવતા હતા. પણ વાત કરવા દેતાં ન હતા. મારી પત્ની જોડે મને જે ફોનથી વાત કરાવતાં હતા એ ફોન સામે કબાટમાં મુકેલો છે. પરંતુ આ બધું શું થઇ રહ્યું છે અને કેમ થઇ રહ્યું છે એ હજી હું સમજી શક્યો નથી.” રાજવીરે વાત પૂરી કરતાં કહ્યું હતું.

ધનરાજ પંડિતે રાજવીરની લોખંડની બધી બેડીઓ ખોલી નાખી હતી. બેડીઓ ખોલતા જ રાજવીર ધનરાજ પંડિતને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો હતો. એ જીવતો બચી ગયો છે એનો એને ખુબ આનંદ હતો.

“મેજર સાહેબ, આ બધું શું ચાલી રહ્યું છે એ તમે જાણો છો? મને સમજાવો. મને કશી ખબર પડતી નથી.” રાજવીરે ધનરાજ પંડિતને પૂછ્યું હતું.

ધનરાજ પંડિતે રાજવીરને એમના દીકરા સોહમનાં મૃત્યુ થી લઈ રમ્યા મૂર્તિ, સિયા, સલીમ સોપારી અને મંત્રીના ખૂન વિશેની આખી ઘટના કહી સંભળાવી. સાથે-સાથે એમણે જેનીફર અને એના બે બાળકોને આ ઘરમાં બંધક બનાવી અને પોતે સફેદ કોબ્રાની ગેંગનો સફાયો કંઇ રીતે કર્યો એ વાત પણ એને કહી હતી. મેજર ધનરાજ પંડિતની વાત સાંભળી એના દિલને ઠંડક મળી પરંતુ એ ઊંડા વિચારમાં પડી ગયો.
ઊંડા વિચારમાં રહેલા રાજવીરના ચહેરા પરનો રંગ ઉડી ગયો હતો. પોતાનો હમશકલ એની જગ્યા એ જઈને ત્રણ મહિનાથી કામ કરી રહ્યો હતો અને કોઈને જરાપણ શંકા ના પડી. એ વાતની એને ખુબ નવાઈ લાગતી હતી.

“મેજર સાહેબ, સફેદ કોબ્રાનું શું થયું? અને મારો હમશકલ ક્યાં ગયો? એ હજી મારી જગ્યા એ કામ કરી રહ્યો છે? મને ફોન આપો હું પોલીસ સ્ટેશને ફોન કરી સચ્ચાઈ જણાવું.” રાજવીરે ધનરાજ પંડિતને કહ્યું હતું.

“તારો હમશકલ ઇન્ડિયા બહાર જવા નીકળી ગયો છે. અને તું પોલીસ સ્ટેશનમાં ક્યારેય જણાવતો નહિ કે તારો હમશકલ તારા બદલે કામ કરતો હતો. કારણકે એણે જે કામ કર્યું છે એનાથી તારી ઉપર કોઈ મુસીબત આવી નથી. તું આજે પુના તારી પત્ની અને બાળકો પાસે જતો રહે. તારા અને મારા મનમાં ઊભા થયેલા સવાલોનો જવાબ આપણને હમણાંજ મળી જશે.” આટલું બોલી એમણે કબાટમાંથી ફોન કાઢ્યો હતો અને જેનીફર લખેલાં નંબર પર કોલ કર્યો હતો.

જેનીફર, હમશકલ રાજવીર શેખાવત અને એના બાળકો બિઝનેસ લોન્ચમાં બેઠા હતા. ફ્લાઈટ ઉપડવામાં હજી એક કલાકની વાર હતી.

જેનીફરના મોબાઈલમાં રીંગ વાગી હતી. નંબર જોઈ એણે તરત ફોન પોતાના પતિને આપી દીધો હતો.

“હેલો મેજર સાહેબ, તમે ખરેખર મેજર હોવાને લાયક છો. મને લાગતું નહતું કે તમે ઓરીજીનલ રાજવીર શેખાવત સુધી પહોંચી શકશો. પરંતુ પહોંચી ગયા ખરા એટલે તમે હોંશિયાર છો એ વાત સાબિત થાય છે. મારા વતી રાજવીરના ખબર-અંતર પુછજો અને મારી મહેમાનગતિમાં કોઈ તકલીફ પડી હોય તો હું ક્ષમા માંગું છું. અને એના બે કરોડ રૂપિયા ઉપર કબાટમાં પડ્યા છે એ એને આપી દેશો. કારણકે મફતમાં કોઈની પણ પાસે કામ નહિ કરાવવું એ મારો નિયમ છે.” આટલું બોલી હમશકલ રાજવીર શેખાવત ખડખડાટ હસવા લાગ્યો હતો.

“સાલા હરામખોર હું તને નહિ છોડું.” એવી રાજવીરની બૂમ એને સંભળાઈ હતી.

“મેજર સાહેબ, રાજવીરને સમજાવો આટલી બુમાબૂમ ના કરે. એનું બ્લડપ્રેશર વધી જશે.” હમશકલે ફોનમાં હસતાં-હસતાં રાજવીર માટે કહ્યું હતું.

“જો, હવે તું મારી વાત સાંભળ રાજવીરના હમશકલ. જયારે તારા મનમાં પ્રશ્નો હતા ત્યારે તે મને પૂછ્યા હતા અને મેં એ સવાલોનાં સાચા જવાબ આપ્યા હતા. હવે મારા પ્રશ્નોના જવાબ આપવાનો વારો તારો છે. મારે તને કેટલાંક પ્રશ્નો પુછવા છે.” મેજર ધનરાજ પંડિતે હમશકલ રાજવીર શેખાવતને કહ્યું હતું.

“હા ચોક્કસ મેં પુછેલા સવાલોનાં જવાબ તમે આપ્યા હતા એટલે મારી ફરજ તમારા મનમાં ઊભા થયેલા કુતુહલને દૂર કરવાની બને છે. હવે તમે બોલો શું પ્રશ્ન છે?” હમશકલ રાજવીરે કહ્યું હતું.

“તું કોણ છે અને સફેદ કોબ્રા ક્યાં છે?” મેજર ધનરાજ પંડિતે પહેલો સવાલ પૂછ્યો હતો.

મેજરનો સવાલ સાંભળી હમશકલ રાજવીર ખડખડાટ હસવા લાગ્યો હતો.

“મેજર સાહેબ હું તમને હોશિયાર સમજતો હતો. પરંતુ તમે તો મૂરખ નીકળ્યા. તમે હજી સમજ્યા નહિ કે ‘હું જ સફેદ કોબ્રા છું.’ જેનીફર મારી પત્ની અને આ બે બાળકો મારા છે. હમશકલ રાજવીર ઉર્ફે સફેદ કોબ્રાએ એની અસલિયત જાહેર કરતાં કહ્યું હતું.

ક્રમશ: ......

(વાચકમિત્રો, સફેદ કોબ્રા આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું... - ૐ ગુરુ )