Anatmaj books and stories free download online pdf in Gujarati

અનાત્મજ

લેખક : નિરુપ મિત્ર

ગુજરાતી અનુવાદ : મલ્લિકા મુખર્જી

ચરિત્ર : સચિન, બિપાશા, અનિરુદ્ધ, સુહાસ

(સમય- સવારના પાંચ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધીનો કોઈ પણ સમય. મંચ પર બાજુ-બાજુ માં બે રૂમ છે. વચ્ચે એક દીવાલ છે. સજેસ્ટીવ પણ હોઈ શકે. એ દીવાલની વચ્ચે એક દરવાજો છે, જે બંધ છે. ડાબી બાજુની રૂમ એ બેઠકરૂમ છે. એમાં એક અરીસા સાથેનું ડ્રેસીંગ ટેબલ છે. બીજું થોડું ફર્નિચર પણ છે. જમણી બાજુના રૂમમાં એક પલંગ છે. પલંગ પર ચાદર બિછાવેલી નથી. ઓશિકાના કવર પણ ચઢાવેલ નથી. એક નાનું કબાટ અથવા ખાના વાળું રેક છે. તેની એક દિવાલ પર ખીંટીએ એક બેલ્ટ લટકે છે. એક ખૂણામાં ટીપોય છે. તેના પર એક પાણીનો કુંજો અને તેના પર એક ગ્લાસ મુકેલો છે. સ્ટેજ પર કોઈ નથી. બંને રૂમના પ્રવેશદ્વાર અલગ અલગ છે. પરદો ખૂલે છે. થોડી જ વારમાં બિપાશા પ્રવેશે છે. ઉંમર બત્રીસ-તેત્રીસ વર્ષ. નાહીને આવી છે તેથી તેના વાળ ભીના છે. સાડી પહેરી છે. આવીને ડ્રેસીંગ ટેબલની સામે બેસે છે. માથું ટુવાલથી લૂછે છે. માથું ઓળે છે. પાંથીમાં સિંદૂર પુરવા જાય છે ત્યાં જ અનિરુદ્ધનો પ્રવેશ. દરવાજા પાસે ઊભો રહે છે.)

અનિરુદ્ધ : બિપાશા

બિપાશા : કોણ? (પાછળ ફરીને જુએ છે) ઓહ! અનિરુદ્ધ આવો.

અનિરુદ્ધ : (સોફા પર બેસતાં-બેસતાં) રસ્તો લાંબો હતો. થાકી ગયો છું. પહેલાં થોડીવાર બેસું.

બિપાશા : પણ વધુ વખત સુધી નહીં. અત્યારે પાંચ તો વાગી ગયા છે. થોડી વારમાં જ સચિન ઓફિસેથી પાછા આવશે.

અનિરુદ્ધ : આજે મને આવતા જરા મોડું થઈ ગયું નહીં?

બિપાશા : મને એમ કે આજે તમે આવશો જ નહીં.

અનિરુદ્ધ : તું મને પૂછ તો ખરી કે આજે મોડું કેમ થયું?

બિપાશા : ઘરે બેઠા બેઠા કેવી રીતે ખબર પડે કે કેમ મોડું થયું?

અનિરુદ્ધ : વિચાર તો કર, કોઈ ખાસ કારણ હોઈ શકે.

બિપાશા : તમે એક પુરુષ છો. તમારા મોડા આવવા માટેના કેટલાય કારણો હોઈ શકે અને ના આવવા માટેના પણ. હું તો ફક્ત રસ્તા પર નજર નાખીને રાહ જોઈ શકું. આશંકા કરી શકું... બસ બીજું કાંઈ નહીં.

          (થોડી ક્ષણો માટે શાંતિ છવાઈ જાય છે)

અનિરુદ્ધ : સુહાસ ક્યાં છે? શું હજી સ્કૂલેથી પાછો નથી આવ્યો?

બિપાશા : ના. એના મિત્ર સાથે કહેવડાવ્યું છે કે સ્કૂલેથી આવતા મોડું થશે. કદાચ એના પેલા પ્રિય સાહેબને મળવા ગયો હશે.

અનિરુદ્ધ : બિપાશા, આજે તારો ચહેરો આમ ઉદાસ કેમ જણાય છે?

બિપાશા : કાલિખ લાગેલો ચહેરો તો આવો જ દેખાય ને?

અનિરુદ્ધ : તારી તબિયત તો સારી છે ને બિપાશા?

બિપાશા : મારી તબિયત તો હંમેશા ઘોડા જેવી જ હોય છે. ભગવાનને ઘણી પ્રાર્થના કરું છું કે કોઈ મોટો રોગ મને લાગુ પડે. પણ આશ્ચર્ય! શરદી ખાંસી પણ થતી નથી.

અનિરુદ્ધ : મને લાગે છે કે આજે તું મને આઘાત આપ્યા સિવાય વાત જ નહીં કરે. એક વાત પૂછું? તને વાત-વાતમાં આમ ગુસ્સો કેમ આવે છે?

બિપાશા : ગુસ્સો? હું ક્યાં ગુસ્સે થાઉં છું? કોના પર ગુસ્સો કરું? (થોડી ક્ષણ ચૂપ રહે છે) ગુસ્સો નથી અનુ, ડર.... મને ડર લાગે છે. મારું હૃદય હર પળ એક અજાણ્યા ડરથી ધ્રુજયા કરે છે. તમને ખબર છે? છેલ્લા થોડાક સમયથી સચિન અને સુહાસ વચ્ચે અવાંછિત બનાવો બન્યા કરે છે. મને...મને ચોક્કસ ખબર છે કે એક દિવસ એ ભયંકર ક્ષણ આવશે. ત્યારે હું શું કરીશ અનિરુદ્ધ?

અનિરુદ્ધ : હું છું ને બિપાશા. હંમેશા તારી સાથે જ છું. શું હજી પણ તને મારામાં વિશ્વાસ નથી?

બિપાશા : (ઉત્તેજિત થઈ જાય છે) ના. મને વિશ્વાસ નથી. મારી મુગ્ધાવસ્થામાં તમારી એ પ્રવંચના..... એક ક્ષણ માટે પણ કોઈએ ભૂલવા દીધી નથી. એ વખતે મને તમારામાં અગાધ વિશ્વાસ હતો, છતાં તમે તમારી જવાબદારીમાંથી આબાદ છટકી ગયા હતા. હું તમારા બાળકની મા બનવાની છું એ જાણવા છતાં તમે ભાગી ગયા હતા. જેમ તેમ કરીને બધાએ સચિન સાથે મારા લગ્ન પતાવ્યા. મારા પાપની એ જ્વાળાથી મે સચિનને પણ ભસ્મ કરી નાખ્યા.

           (થોડી ક્ષણો શાંતિ છવાઈ જાય છે) 

અનિરુદ્ધ : કોણ જાણે કેમ, આજે બધું જ બેસુરું થતું જાય છે. (ઉભો થાય છે) હું જાઉં છું.

(દરવાજા તરફ જાય છે. બિપાશા તરત જ ઊઠીને પાછળ દોડે છે અને અનિરુદ્ધનો હાથ પકડી લે છે.)

બિપાશા : (વિનમ્રતાથી) જતા ના રહેશો પ્લીઝ. આ રીતે ના જાઓ. તમે એ તો કહ્યું જ નહીં કે  આજે તમારે આવતા મોડું કેમ થયું? બોલો તો ખરા, કેમ મોડું થયું? 

અનિરુદ્ધ : (રૂંધાયેલા અવાજે) તે મને સાંભળવાની જિજ્ઞાસા જ ક્યાં બતાવી?

બિપાશા : અત્યારે તો પૂછું છું ને. બેસો, પ્લીઝ બેસો ને. 

            (બંને જણા પાછા આવીને બેસે છે.)

            ચા પીશો?

અનિરુદ્ધ : ના.

બિપાશા : કેમ? ચા તો તમને ખૂબ જ પ્રિય છે.

અનિરુદ્ધ : સચિનના આવવાનો સમય થઈ ગયો છે. 

બિપાશા : ઠીક છે. ચા ના પીતા, પણ આજે મોડું કેમ થયું એ તો કહો.

અનિરુદ્ધ : મારા પાડોશી નો દીકરો બાબુ છે ને, એની પાસેથી મેં સાંભળ્યું હતું કે આજે એની   સ્કૂલમાં પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન છે. સુહાસ અને બાબુ એક જ ક્લાસમાં ભણે છે.

બિપાશા : એમ? પણ સુહાસે તો મને કંઈ જ નથી કહ્યું.  

અનિરુદ્ધ : મને લાગે છે કે એ તને સરપ્રાઈઝ આપવા માંગતો હશે. બાબુએ કહ્યું છે કે સુહાસને ત્રણ પ્રાઇઝ મળ્યા છે. વર્ગ પરીક્ષામાં પહેલું ઇનામ મળ્યું છે. કવિતા-પઠન અને વાદ-વિવાદમાં પણ પહેલું ઇનામ. 

બિપાશા : (હસીને) સાચે જ? કેટલો જબરો છે! મને તો એને કશું કહ્યું જ નથી. આવવા દો એને. શેતાન નહીં તો.

અનિરુદ્ધ : એક વાત કહું? મોટો થઈને સુહાસ જરૂર નામના મેળવશે. એ કોઈ સાધારણ છોકરો નથી.

બિપાશા : (દીર્ઘ નિસાસો નાખતા) એ સાધારણ નથી માટે જ તો મને બીક લાગે છે, અનિરુદ્ધ. મને ચોક્કસ ખબર છે કે કોઈ પણ સત્ય લાંબો સમય સુધી એનાથી છુપાવી શકાશે નહીં. એ ભયંકર દિવસની કલ્પનાથી જ હું ધ્રૂજી ઊઠું છું. તમને ખબર છે? આજે સ્કૂલે જતા પહેલા એણે એના પપ્પાના રૂમની સાફ-સફાઈ કરી. એમના કપડાં, ઓશિકાના કવર, ચાદર બધું જ ધોયું. આજે એ એમ કહેતો હતો કે પપ્પાને ચકિત કરી નાખીશ. સચિન એને જેટલો દૂર ધકેલી રહ્યો છે એટલો જ એ એમની નજીક જવા માટે મરણિયો થઈ રહ્યો છે. 

(અનિરુદ્ધ ચૂપ રહે છે. લગભગ સાંજ થઈ ચુકી છે. અનિરુદ્ધ ઊઠીને લાઇટ ચાલુ કરે છે. જમણી બાજુના રૂમમાં અંધારું છે. બિપાશા બંધ દરવાજાની આગળ આવીને ઊભી રહે છે.)

બિપાશા : અનુ...કેટલા વર્ષો નો એક યુગ બને છે?

અનિરુદ્ધ : કદાચ બાર વર્ષનો. ચોક્કસ ખબર નથી. 

બિપાશા : (કલાન્ત સ્વરે) તો તો એક યુગથી પણ વધુ સમયથી આ દરવાજો બંધ થઈ ગયો છે. એક યુગથી પણ વધુ સમય વીતી ગયો છે. આ બંધ દરવાજાની આ તરફ બેસીને હું આંખોમાંથી આંસુ વહાવું છું અનિરુદ્ધ, તો પણ પેલી તરફ રહેલા માણસના દિલની આગ બુઝાવી શકી નથી. 

અનિરુદ્ધ : (વાતને બદલવાનો પ્રયત્ન કરતાં) આજે મોડું કેમ થયું ખબર છે? ફેન્સી માર્કેટમાં સુહાસ માટે એક પ્રેઝન્ટ ખરીદવા ગયો હતો. જો તો ખરી, એક વિદેશી ઘડિયાળ લાવ્યો છું.. જો. 

             (ખિસ્સામાંથી ઘડિયાળનું બોક્સ કાઢે છે.) 

બિપાશા : વાહ! ખરેખર ખૂબ સરસ છે. સુહાસ જરૂર ખુશ થશે. (ઘડિયાળ નો ટાઈમ જોતાં) અરે!  આ શું? સાડા પાંચ વાગી ગયા છે. હવે તમે જાઓ. સચિન હમણાં આવતા જ હશે. 

અનિરુદ્ધ : (ઊભો થતાં) જાઉં છું. પણ સુહાસની ઘડિયાળ... 

બિપાશા : એ તો હું એને આપી દઈશ. 

અનિરુદ્ધ : (દરવાજા તરફ જાય છે) 

બિપાશા : અનુ.... (અનિરુદ્ધ ઉભો રહે છે) હું તમને વાતવાતમાં ખૂબ દુઃખ પહોંચાડું છું નહિ? 

અનિરુદ્ધ : એ તો મારો હક છે. 

બિપાશા : શું કરું? આખો દિવસ મનમાં એક અજાણ્યા આતંકનો ભાર લઈને ફર્યા કરું છું. તમે  આવો છો ત્યારે બધો જ ગુસ્સો તમારા પર ઠાલવું છું. 

અનિરુદ્ધ : (બિપાશાના ખભે હાથ દઈને) જાણું છું. વિપા... જો આનો કોઈ ઉપાય હોત તો... 

બિપાશા : હવે તમે જાઓ. હવે તમને વધારે વખત સુધી રોકી રાખવાનું સાહસ મારામાં નથી. અનિરુદ્ધ : એક અનુમતિ આપીશ? 

બિપાશા : શાની અનુમતિ? 

અનિરુદ્ધ : આજે હું હજી એક વાર આવીશ. સચિન નાહીધોઈને બહાર નીકળશે ત્યારે...આજે સુહાસને મળવાની ખૂબ જ ઇચ્છા છે.

(બિપાશા થોડીક વાર ચૂપ રહે છે) આવજો, પણ સચિન જો ઘરમાં હોય તો ના આવતા. 

(અનિરુદ્ધ ચાલ્યો જાય છે. બિપાશા આવીને ડ્રેસિંગ ટેબલના સ્ટૂલ પર બેસે છે. માથા પર સાડીનો છેડો ઓઢીને આમતેમ ચહેરો ફેરવીને જુએ છે, પછી તરત જ માથા પરથી પાલવ હટાવી લે છે. સ્વગત) 

શું થશે? કોના માટે? એ તો મારી તરફ નજર સુદ્ધાં નાંખતા નથી.

(લગભગ ૧૩ થી ૧૪ વર્ષનો છોકરો પગ દબાવતા બિલ્લી પગે ઘરમાં પ્રવેશે છે. હાથમાં બધા ઇનામો છે. તે વિપાશાના ખોળામાં મૂકીને જોર થી બોલી ઊઠે છે.)

સુહાસ   : મમ્મી જો તો ખરી... આજે શું થયું? 

બિપાશા : અરે વાહ! ટ્રોફી, મેડલ, પુસ્તકો કોણે આપ્યું તને આ બધું? 

સુહાસ   : હું શા માટે કહું?

બિપાશા : પણ હું કહી શકું છું. 

સુહાસ   : તમે કહી શકો છો? બને જ નહીં ને. તમને કઈ રીતે ખબર પડે?

બિપાશા : મારો અંતરાત્મા જ કહી આપે છે, એટલે ખબર પડી જાય. 

સુહાસ   : ખાક ખબર પડે? બોલો જોઈએ? હું જોઉં તો ખરો.

બિપાશા : મને લાગે છે કે એક તો વાદવિવાદ માટે હશે. બીજું કવિતા પઠન માટે અને ત્રીજુ ક્લાસની પરીક્ષામાં  ફર્સ્ટ આવવા માટે.

 સુહાસ   : અરે મમ્મી તમને તો બધી જ ખબર પડી ગઈ! મેં તો ધાર્યું હતું કે હું તમને ચોંકાવી દઈશ. જરૂર પેલા વિવેકે કહી દીધું હશે. એક નંબરનો ચુગલીખોર છે.

બિપાશા : ના રે ના. એણે મને કહ્યું જ નથી ને. 

સુહાસ   : તો પછી કોણે કહ્યું?

બિપાશા : પહેલા તું મને એ બતાવ કે કયું ઈનામ કોના માટે મળ્યું છે?

સુહાસ   : (ખુશ થઈને) જો આ પુસ્તકો છે ને, તે વર્ગમાં પ્રથમ આવ્યો એના માટે. આ મેડલ છે ને તે વાદ-વિવાદમાં પ્રથમ આવ્યો એના માટે, અને આ ટ્રોફી છે ને તે કવિતા-પઠન માં પ્રથમ આવ્યો તેના માટે મળ્યો છે. મમ્મી હવે તો તમે ખુશ છો ને?

બિપાશા : હું તો ખૂબ જ ખુશ છું બેટા, પણ એ તો કહે તેં કઈ કવિતા ગાઈ હતી? 

સુહાસ  : મમ્મી, એ તો બહુ મજાની વાત છે. મેં એ કવિતા જાતે જ બનાવીને ગાયેલી. 

બિપાશા : શું વાત કરે છે? જાતે જ બનાવીને ગાઈ? કઈ કવિતા? 

સુહાસ   : અરે બહુ જ મજા પડી. કવિતા ગાતા પહેલાં મેં એક પ્રવચન પણ આપ્યું. 

બિપાશા : પ્રવચન?

સુહાસ   : હા, મેં કહ્યું કે કવિવર રવીન્દ્રનાથ કહી ગયા છે કે તારી જો હાંક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે... પણ જો હાંક સુણીને બધા જ આવી જાય તો શું કરવું? એ વિશે તેઓ કશું કહી ગયા નથી. તેથી એ જ વિષય પર મેં આ કવિતા લખી છે, જે હું અહીંયા ગાઈ સંભળાવું છું.

બિપાશા : પછી તે શું ગાયું? 

સુહાસ   : હું ગાઈ બતાવું?

બિપાશા : હા...હા... ગા તો ખરો. હું પણ જરા સાંભળું. 

સુહાસ   : તારી જો હાંક સુણી બધા જ આવી જાય તો ક્યાં બેસવાનું કહીશ રે.. ક્યાં સુવા દઈશ અને શું ખાવાનું આપીશ રે.. બોલને ક્યાં બેસવાનું કહીશ રે.. 

જો કોઈના માંગે અરે.. અરે..ઓ અભાગી, 

જો કોઈના માંગે તને છોડીને જવા રે.... 

બિપાશા : (હસતાં હસતાં) અરે બાપરે, તું તો બહુ જબરો હોં. જા હવે હાથ-મોં ધોઈને નાસ્તો કરી  લે.

સુહાસ   : મમ્મી સ્કૂલમાં અમે ખાધું છે, જરાય ભુખ નથી. 

બિપાશા : આ જો તો ખરો સુહાસ, આ ઘડિયાળ કેટલી સુંદર છે! 

સુહાસ   : હાથમાં ઘડિયાળ લઈને વાહ! ખુબ સુંદર ઘડિયાળ છે. કોણે આપી મમ્મી?

વિપાશા : આ છે ને વિદેશી ઘડિયાળ છે. તારું બીજું એક ઈનામ.

સુહાસ   : પણ કોણે આપી એ તો કહે?

બિપાશા : એ... એ તો તારા કાકા એ આપી છે. ફેન્સી માર્કેટમાંથી ખરીદી લાવ્યા છે. 

સુહાસ   : કોણે આપી છે? 

બિપાશા : કાકાએ... અનિરુદ્ધ કાકાએ... 

            (સુહાસ તરત જ ઘડિયાળ ટેબલ પર મૂકી દે છે)

           શું થયું? ના ગમી તને?

સુહાસ   : મારે નથી જોઈતી. 

બિપાશા : કેમ હમણાં જ તો તેં કહ્યું કે ઘડિયાળ ખૂબ સુંદર છે. 

સુહાસ  : (કંટાળો વ્યક્ત કરતાં) મને અનિરુદ્ધ કાકા જરાય ગમતા નથી. 

બિપાશા : છી... એવું ના કહેવાય બેટા. અનુ કાકા તને કેટલો પ્રેમ કરે છે.

સુહાસ  : પણ હું ક્યાં કહું છું કે તેઓ મને પ્રેમ કરે. (અચાનક યાદ આવતા) મમ્મી, પપ્પાના કપડા બધા સુકાઈ ગયા? 

બિપાશા : હા, મેં એમના બધા કપડાં એમની રૂમમાં મૂકી દીધા છે.

(સુહાસ ઝડપથી બહાર નીકળી જાય છે.  બિપાશા નિસાસો નાંખતા બધા જ ઈનામો અને ઘડિયાળ લઈને અંદર જાય છે. થોડી ક્ષણો માટે સ્ટેજ ખાલી છે. જમણી બાજુના રૂમમાં સુહાસ પ્રવેશે છે. લાઇટ ચાલુ કરે છે. એના પપ્પાના કપડા ગોઠવે છે. હેંગરમાં ઝભ્ભો લટકાવે છે, ધોયેલી ચાદર પલંગ પર પાથરે છે. ઓશિકાના કવર લગાવે છે. બિપાશા જમણી બાજુના આ રૂમમાં પ્રવેશે છે.)

સુહાસ   : જો મમ્મી, બધું બરાબર ગોઠવાઈ ગયું ને?

બિપાશા : તેં તો બહુ સરસ ગોઠવી દીધું. ચાલ હવે જઈએ. તારા પપ્પા આવતા જ હશે. 

સુહાસ   : ઊભાં રહો મમ્મી, આ કૂંજામાં પાણી ભરવાનું બાકી છે. (ખાલી કુંજો લઈને બહાર જાય છે.) બિપાશા ફરીથી ચાદર જરા સરખી કરે છે. સુહાસ પાણી ભરીને લાવીને કુંજાને ટિપોઈ પર મૂકીને ઉપર ગ્લાસ મૂકે છે.)

             મમ્મી આજે તો પપ્પા ચકિત થઈ જશે નહીં? 

બિપાશા : રોજ રોજ આટલા અપમાન, આટલી અવહેલના, આટલી બધી ગાળાગાળી સાંભળ્યા પછી પણ તું તારા પપ્પા માટે આટલું બધું કેમ કરે છે સુહાસ?

સુહાસ   : એ ભલે ને મને ગાળો આપે. ગમે તેમ તોય એ મારા પપ્પા છે. મમ્મી તને ખબર છે? પપ્પા ખૂબ જ એકલા છે. એકલા રહી રહીને તેઓ આવા બની ગયા છે. તમારી સાથે વાત નથી કરતા. ખબર નહીં કેમ, મારા પ્રત્યે તો એમને સખત તિરસ્કાર છે. 

            (બિપાશા વેદનાથી આંખો મીંચી દે છે.) 

            મમ્મી, મને લાગે છે કે પપ્પાના મનમાં જરૂર કોઈ મોટું દુઃખ છુપાયેલું છે. 

બિપાશા : તને કઈ રીતે ખબર પડી? 

સુહાસ  : મેં ઘણીવાર પપ્પાને એકાંતમાં રડતા જોયા છે. 

બિપાશા : બેટા, તું બીજી કોઈ વાત કર. ચાલ, પેલા રૂમમાં જઈએ. અહીં મને બીક લાગે છે. 

સુહાસ  : શું થયું મમ્મી? 

બિપાશા : (પોતાની જાતને સંભાળતા) ના... કંઈ નહીં... એમના આવવાનો સમય થઈ ગયો છે. ચાલ, આપણે જઈએ. અહીં આપણને જોશે તો એમનો ગુસ્સો બેકાબૂ બની જશે. તને તો ખબર જ છે. 

સુહાસ  : (બિપાશાના ખભે માથું મૂકીને) આજે પપ્પા નહીં લડે. તમે જો જો તો ખરા. 

બિપાશા : (સુહાસના માથે હાથ ફેરવતા) બેટા, જો ક્યારેક તને એવી ખબર પડે કે તારી મમ્મી બહુ ખરાબ છે તો તું શું કરીશ? મને ધિક્કારીશ?

સુહાસ  : (વિપાશાને ભેટી પડતાં) ખાલી ખાલી આવા પ્રશ્નો કેમ પૂછે છે મમ્મી? મને જરાય નથી ગમતું.

બિપાશા : (અચાનક નજર પડતા) હેં... અરે બેટા તારા ગળા પર આટલા બધા નહોર કોણે માર્યા?

સુહાસ   : બિલ્લુ જોડે ઝઘડો થયો હતો.

બિપાશા : વારેવારે તારે બિલ્લુ જોડે ઝઘડો કેમ થાય છે દીકરા? ગયા વખતે પણ તું... 

સુહાસ   : તે મારા પપ્પા વિશે ખરાબ ખરાબ બોલે છે. મજાક કરે છે. ટોણા મારે છે. 

બિપાશા : મજાક કરે છે? શું મજાક કરે છે? બોલ શું મજાક કરે છે?

સુહાસ : (મોઢા પર આંગળી દબાવી) ચુપ! (કાન માંડીને સાંભળે છે.. ધીમા સ્વરે) મમ્મી, પપ્પા આવતા લાગે છે.

બિપાશા : હેં... ચાલ બેટા, પેલા રૂમમાં જતા રહીએ. (બંને જણ ઊભા થઈને બાજુની રૂમમાં આવી જાય છે. સુહાસ ઉત્સુકતાથી ઊભો છે. બિપાશાના ચહેરા પર ભયની લાગણી છે. થાકેલા, મૂરઝાયેલા, રૂક્ષ ચહેરા સાથે સચિન જમણી બાજુની રૂમમાં પ્રવેશે છે. ચારે તરફ ચમકીને જુએ છે. ધીમેથી પલંગ પર બેસે છે. બૂટ કાઢે છે. પલંગ નીચેથી સ્લીપર કાઢીને પહેરે છે. શર્ટ ખોલીને હેંગર પર મૂકવા જતા ચમકે છે.)

ફરી...ફરીથી મારા રૂમને કોણે સજાવ્યો? કોણે મારા કપડાં ધોયા? ચાદર બદલી.. મારી અનુમતિ વિના કોણ મારા રૂમમાં આવ્યું હતું? 

(ફરીથી પલંગ પર બેસે છે.)

દયા... હેં...દયા! મારા પ્રત્યે આટલી બધી દયા, લાગણી બતાવવાનું કારણ શું છે? મારે કોઈની દયાની, કોઈની લાગણી ની જરૂર નથી.

 (ડાબી બાજુની રૂમમાં બિપાશા સ્તબ્ધ ઊભી છે. સુહાસ પપ્પાના રૂમમાં જવા આગળ  વધે છે. બિપાશા હાથ પકડીને એને રોકે છે.)

બિપાશા : ક્યાં જાય છે?

સુહાસ  : પપ્પાના રૂમમાં જાઉં છું. 

બિપાશા : ના જઈશ બેટા. અત્યારે ના જઈશ. 

સુહાસ  : હું જઈશ મમ્મી, તમે મારો હાથ છોડી દો. 

બિપાશા : ના હું તને નહીં જવા દઉં. 

          (સુહાસ હાથને ઝાટકો આપીને ચાલી જાય છે.) 

સચિન : મારી રૂમ અવ્યવસ્થિત હોય એમાં કોને શું? મારા કપડાં ગંદા હોય તેથી આ ઘરમાં કોને તકલીફ થાય છે? મેં તો કોઈને પણ પોતાની રીતે રહેતા રોક્યા નથી, તો પછી મારી બાબતમાં કોઈએ માથું મારવાની શું જરૂર છે? 

(સુહાસ આવીને સચિન ની પાછળ ઉભો રહે છે. સચિન તેને જોઈ શકતો નથી.) 

સચિન : કાવર્ડ...જવાબ પણ નથી આપતા. કબૂલ કરવાની હિંમત નથી કોઈના મા?

સુહાસ : પપ્પા.. 

સચિન : કોણ... કોણ છે? ઓહ તું? શું કામ છે?

સુહાસ : પપ્પા, મેં તમારી રૂમ ગોઠવી છે. આ બધું જ મેં કર્યું છે. 

સચિન : કેમ? કેમ કર્યું તે આ બધું? (ઉભો થાય છે) 

સુહાસ  : બસ એમજ. હવેથી હું તમારું બધું જ કામ કરીશ પપ્પા. બધુ આમ જ ગોઠવીને વ્યવસ્થિત રાખીશ. 

સચિન : તારે કશું જ કરવાનું નથી. આ હું તને કહી દઉં છું...હા. 

સુહાસ  : કેમ પપ્પા?

સચિન : બસ મને નથી ગમતું આ બધું.

સુહાસ  : કેમ નથી ગમતું?

સચિન  : આમ સામો પ્રશ્ન ના પૂછ. મને નથી ગમતું. 

સુહાસ  : (રડમસ અવાજે) કેમ નથી ગમતું પપ્પા? તમે જાતે તમારા કપડાં ધુઓ છો, ઘર સાફ કરો છો, તો પછી હું કરું એમાં વાંધો શું છે?

(સચિન થોડીવાર સુહાસ તરફ તાકી રહે છે. પછી બે હાથ જોડીને કહે છે.) 

સચિન : સુહાસ હું તને હાથ જોડું છું. આઈ બેગ ઑફ યુ. મેં તો તમારા લોકો પાસેથી કશું જ ઇચ્છ્યું નથી. મારો એકલા રહેવાનો અધિકાર છીનવી લેવા માટે શા માટે આમ ષડયંત્ર છો તમે બધા? મને શું મારા ઘરમાં બે ઘડી આરામ કરવાનો પણ અધિકાર નથી?

(સચિન પગમાં સ્લીપર પહેરીને, ઝભ્ભો પહેરીને બહાર નીકળી જાય છે. સુહાસ પલંગ પર બેસીને ધ્રુસકે ધ્રુસકે રડે છે. થોડીવાર પછી આંખો લૂછીને લાઇટ બંધ કરીને જતો રહે છે. ડાબી બાજુની રૂમમાં બિપાશા સ્તબ્ધ બેઠેલી જોવા મળે છે. અનિરુદ્ધ આવે છે બિપાશા નું ધ્યાન નથી.) 

અનિરુદ્ધ : બિપાશા..સચિનબાબુની રૂમમાં અંધારું જોઈને જ મને લાગ્યું કે તેઓ ઘરમાં નથી.  એટલે... (બિપાશા બેધ્યાનપણે બેસી રહે છે) 

કેમ આમ બેસી રહી છે? 

(તો પણ બિપાશા નું ધ્યાન નથી. અનિરુદ્ધ બિપાશા ના ખભે હાથ મૂકીને)

એઈ વિપા.. 

(બિપાશા ચમકી ઉઠે છે. આર્તનાદ ભર્યા સ્વરે)

બિપાશા : હાથ ના લગાડશો તમે મને. અડશો નહીં.

અનિરુદ્ધ : શું થયું બિપાશા?

બિપાશા : તમારા સ્પર્શથી બધું જ સળગી ગયું મારું. દેહ.. ઘર.. સંસાર..બધું જ.

અનિરુદ્ધ : તું આ બધું શું બકે છે? 

બિપાશા : સાચું જ કહું છું... તમે મારા જીવનમાં એક શનિ રૂપે પ્રવેશ્યા છો. કેમ છોડી નથી દેતા મને? મને બાળીને રાખ કર્યા પછી જ શું છોડશો તમે મને?

અનિરુદ્ધ : (આહત સ્વરે) પણ હું તો... હું તો... સુહાસને મળવા આવ્યો છું. તેં જ તો મને પરવાનગી આપી હતી.

બિપાશા : ના આવશો.. હવેથી ક્યારેય ન આવશો. સુહાસ તમને ધિક્કારે છે. સાંભળો છો? સુહાસ તમને ધિક્કારે છે. હી હેટ્સ યુ. 

           (થોડીવાર સુધી બિપાશા જ્વલંત દ્રષ્ટિથી તાકી રહે છે.)

અનિરુદ્ધ : (માથું નીચું રાખીને) ઠીક છે, હું જાઉં છું. 

           (દરવાજા તરફ જાય છે)

બિપાશા : જાઓ, તમે બધા જતા રહો અહીંથી. પાપની ચિતા મેં જ સળગાવી છે, તો તમારે શા માટે એમાં બળવું  જોઈએ? વાહ! શું ચમત્કાર છે ....

અનિરુદ્ધ : ચમત્કાર!

            (અનિરુદ્ધ ઉભો રહે છે, પાછા વળીને એક કદમ આગળ આવે છે)

           જાવ જાઓ પાછા કેમ આવ્યા કોઈના ભૂતકાળને આમ કચડીને ચાલ્યા જવાની જ તો રીત છે તમારી... જાઓ.

           (આજ સમયે સુહાસ જમણી બાજુના રૂમમાં પ્રવેશે છે. હાથમાં બધા ઈનામો છે. તે બધા પલંગ પર મૂકીને ચૂપચાપ અનિરુદ્ધ બિપાશા ની વાતો સાંભળે છે.)

અનિરુદ્ધ : (આગળ આવીને બિપાશાનો હાથ પકડે છે) શું થયું છે તને? શું થયું છે? શું મને પણ નહીં કહે? 

બિપાશા : બસ હવે સહન નથી થતું મારાથી. હવે નથી સહેવાતું અનિરુદ્ધ. કોઈ અશુભ આશંકાથી  મારુ હૃદય થર થર ધ્રુજે છે. હું પાગલ થઈ જઈશ.

અનિરુદ્ધ : બિપાશા, ઘણીવાર મેં કહ્યું છે તને, આજે ફરીથી કહું છું… આ રીતે પોતાની જાતને ખતમ ના કરીશ. આ રીતે રિબાવીને ના મારીશ પોતાની જાતને.

           (બિપાશા પોતાનો હાથ છોડાવે છે.) 

બિપાશા : (થોડીવાર ચૂપ રહીને) તો એ સિવાય હું બીજું શું કરું? 

અનિરુદ્ધ : તને થયેલા અન્યાયની જવાબદારી એકલી તારી નથી. એનો પ્રાયશ્ચિત કરવાનો મોકો આપ મને. પ્લીઝ તું ચાલ મારી સાથે.

બિપાશા : તમે ક્યાં લઈ જશો મને?

અનિરુદ્ધ : મારી સાથે, મારા ઘરે.

બિપાશા : તમારા ઘરે… તો પછી તમારો પરિવાર, તમારી પત્ની, તમારી પુત્રી નું શું? તમારા પિતા જેમને ખબર હતી કે તમારા વંશનો દીકરો મારા ગર્ભમાં આકાર લઈ રહ્યો છે,  છતાં પણ કોઈ દયા કે કરુણા નહોતી બતાવી, તેમનું શું?

અનિરુદ્ધ : એ લોકો આગળ હું મારી ભૂલનો એકરાર કરીશ. માફી માગીશ. સહાનુભૂતિની યાચના કરીશ.

બિપાશા : છતાં તમને માફી નહીં મળે તો?

અનિરુદ્ધ : જે થવાનું હશે તે થશે… છતાં હું તને….

બિપાશા : (દીર્ઘ નિશ્વાસ નાખતા) ના. હવે કાંઈ ના થાય અનિરુદ્ધ. તમે ઘણું મોડું કર્યું છે. ખૂબ જ મોડું થઈ ગયું છે. 

અનિરુદ્ધ : કેમ ના થાય?

બિપાશા : હું સચિનને છોડીને ક્યાંય જઈ શકું નહીં.

અનિરુદ્ધ : એક વ્યર્થતાને પકડી રાખવાનો શું ફાયદો થવાનો છે?

બિપાશા : તમે એમને જોયા નથી. એ જાણે કે મૃત્યુની સાધના કરી રહ્યા છે. એકલા…તદ્દન એકલા. તમે એમની પાસેથી હવે બીજું કેટલું છીનવી લેવા માંગો છો?

           (બંને જણા થોડી ક્ષણો બેસી રહે છે.) 

           અનિરુદ્ધ, આ મને શું થઈ ગયું છે? કંઈ ખબર નથી પડતી. એક તરફ અતીતની પીડા બીજી તરફ ભવિષ્ય માટેનો  આતંક, હું એમને છોડવા માંગતી નથી અને હું તમને પણ ખોવા માગતી નથી. 

અનિરુદ્ધ : હું તારી સાથે જ હોઈશ, બિપાશા. હંમેશા તારી સાથે. જો કોઈ દિવસ એવો આવશે તો હું એ સાબિત કરી આપીશ. તું ધારે છે એટલો અમાનુષ હું નથી.

           (સુહાસ જે અત્યાર સુધી બાજુની રૂમમાંથી એમની વાતો સાંભળી રહ્યો હતો, અચાનક ઘણા દિવસથી બંધ બંને રૂમનો વચ્ચેનો દરવાજો ખોલી નાખે છે. અનિરુદ્ધને વિપાશા ચમકી જાય છે અને એકદમ એકબીજાથી દૂર ખસી જાય છે.)

સુહાસ  : (તિરસ્કારની ભાવનાથી) મમ્મી, તમે જરા પણ સારા નથી. તમે બહુ ખરાબ છો. મમ્મી.. 

          તમે બહુ જ ખરાબ છો. 

બિપાશા : શું બોલ્યો તું સુહાસ? 

સુહાસ   : હું તમને ધિક્કારું છું. મમ્મી, હું તમને ધિક્કારું છું.

બિપાશા : આ તું શું બોલી રહ્યો છે, તેનું તને ભાન છે?

સુહાસ   : હું તમને કેટલું ચાહતો હતો મમ્મી, પણ હવે તમને ધિક્કારું છું. 

બિપાશા : (ચીસ પાડીને) ચૂપ થઈ જા સુહાસ, ચૂપ થઈ જા. તારી મમ્મીને તું આ કહી રહ્યો છે? 

સુહાસ   : હું કહીશ, જરૂર કહીશ. હું તમને…. 

અનિરુદ્ધ : સુહાસ તું કોને શું કહી રહ્યો છે, તેની તને ખબર નથી. 

સુહાસ   : (ઘૃણાથી) તમે લોકોએ મારા પપ્પાને ખૂબ દુઃખ પહોંચાડ્યું છે. તમે લોકો ખૂબ ખરાબ છો.

અનિરુદ્ધ : સુહાસ….

સુહાસ   : તમે ના આવશો… હવેથી ક્યારેય ન આવશો અમારે ત્યાં. ક્યારેય ન આવશો.

બિપાશા : સુહાસ, મહેરબાની કરીને તું ચૂપ થઈશ? તું શું કહી રહ્યો છે? તને ખબર છે કે આ તારા કોણ થાય છે?

સુહાસ   : હું કંઈ જાણવા માગતો નથી. મારે કંઈ જાણવું નથી. 

બિપાશા : (સુહાસને બે હાથથી ઢંઢોળીને) જાણવું પડશે. આજે તારે જાણવું જ પડશે. 

અનિરુદ્ધ : (બિપાશાને છોડાવીને) બિપાશા, શું તું પાગલ થઈ ગઈ છે?

બિપાશા : હા હું પાગલ થઈ ગઈ છું. તમે બધાએ ભેગા મળીને મને પાગલ બનાવી દીધી છે. અનિરુદ્ધ : બિપાશા, સાંભળ. મારી વાત તો સાંભળ. 

બિપાશા : નથી સાંભળવી, મારે કોઈની વાત નથી સાંભળવી. દયા કરો, મહેરબાની કરો મારા ઉપર… મારી નાખો…. મને મારી નાખો

           (ઘરની બહાર નીકળી જાય છે. અનિરુદ્ધ અને સુહાસ તેના તરફ તાકી રહે છે. અનિરુદ્ધ  સુહાસ તરફ આવે છે.)

અનિરુદ્ધ : સુહાસ તું સાચું કહે છે. હું સારો વ્યક્તિ નથી. તારી ઇચ્છા નહીં હોય તો હું કોઈ દિવસ નહીં આવું, પણ મારી એક વિનંતી છે કે તારી મમ્મી માટે કોઈ  ગેરસમજ ઊભી  ન  કરતો. તારા સિવાય એનું બીજું કોઈ નથી, સુહાસ.

           (સુહાસ બીજી તરફ મોં ફેરવીને ઊભો રહે છે. અનિરુદ્ધ થોડી ક્ષણો ઊભો રહે છે, પછી જતો રહે છે. થોડીવાર પછી સુહાસ સચિનના રૂમમાં જાય છે અને પલંગ પર બેસી જાય છે. વચ્ચેના દરવાજેથી ડાબી બાજુના રૂમનું  અજવાળુ જમણી બાજુના રૂમમાં  આવે છે. વાતાવરણમાં સ્તબ્ધતા…. બહારના રસ્તા પરથી ટ્રાફિક નો અવાજ આવે છે. દૂર રેડિયો પરથી ગીત પણ વાગે છે. સચિન જમણી બાજુના રૂમમાં પ્રવેશે છે. સુહાસને બેઠેલો જોઈને અને  વચ્ચેનો દરવાજો ખુલ્લો જોઈને આશ્ચર્ય પામે છે.)

સચિન  : કોણ છે? (લાઈટ કરે છે)

સુહાસ  : આવી ગયા પપ્પા તમે? 

સચિન  : તું ? તું આ રૂમમાં શું કરે છે? 

          (સુહાસ પગે લાગે છે) 

          રહેવા દે… મને આ પસંદ નથી. અહીં આ રૂમમાં કેમ બેસી રહ્યો હતો?

સુહાસ : મારી સ્કૂલમાં આજે પ્રાઈઝ ડિસ્ટ્રિબ્યુશન હતું પપ્પા. 

સચિન : મારી વાતનો જવાબ આપ પહેલા. તું આ રૂમમાં શા માટે આવ્યો? વચ્ચેનો દરવાજો કોણે ખોલ્યો?

સુહાસ  : હું તમને પ્રાઈઝ બતાવવા આવ્યો છું. જુઓ તો ખરા, કેટલા બધા ઈનામ મળ્યા છે! મને  આ ટ્રોફી…

સચિન : મારે કંઈ સાંભળવું નથી. આ બધું લઈને તું અહીંથી ચાલ્યો જા. 

સુહાસ : પપ્પા, મને ગીત ગાવામાં અને કવિતા પઠનમાં પણ પ્રથમ ઈનામ મળ્યું છે.

સચિન : મને એકાંતમાં રહેવા દે સુહાસ. તું જા અહીંથી. 

સુહાસ  : હું નહીં જાઉં પપ્પા. 

સચિન  : શું બોલ્યો? નહીં જાય? 

સુહાસ  : તમને છોડીને હું ક્યાંય નહીં જાઉં પપ્પા. 

સચિન  : તારે જવું પડશે. 

સુહાસ  : ના પપ્પા.. હવે હું તમને ક્યારેય એકલા નહીં રહેવા દઉં. 

સચિન : તારે જવું જ પડશે. 

સુહાસ : (રડમસ અવાજે) મારો શું વાંક છે પપ્પા? તમે મને પ્રેમ કેમ નથી કરતા? 

સચિન  : તું અહીંથી જાય છે કે નહીં? 

સુહાસ  :  ના હું અહીંથી નહીં જાઉં.  

          (થોડી ક્ષણો વાતાવરણ તંગ બની જાય છે) 

સચિન  : હું છેલ્લી વાર પૂછું છું કે તું અહીંથી જાય છે કે નહીં?

સુહાસ  :  શા માટે જાઉં? મારો અપરાધ શું છે પપ્પા? 

           (અચાનક ખીંટીએ ટીંગાડેલ પટ્ટો લઈને સચિન, સુહાસ પર તૂટી પડે છે.)

સચિન  :  નહીં જાય? હવે… હવે જઈશ કે નહીં, બોલ? હવે જાય છે કે નહીં, બોલ? બોલ… જાય છે કે નહીં?

           (સુહાસ જરા પણ વિરોધ નથી કરતો. માર ખાતાં-ખાતાં દિવાન પરથી પડી જાય છે.  બિપાશા દોડતી ડાબી બાજુની રૂમમાંથી આવે છે. બે રૂમની વચ્ચેના દરવાજે ઊભી રહીને ચીસ પાડી ઊઠે છે.) 

બિપાશા :  છોડી દો. છોડી દો એને.. આ શું કરો છો? તમે છોડી દો.. હવે ના મારશો પ્લીઝ. છોડી  દો એને…

           (સચિન અચાનક થંભી જાય છે. સુહાસ રડે છે. બિપાશા રડવું રોકી રહી છે. સચિન બન્ને તરફ એક નજર નાખીને પટ્ટો ફેંકીને, મોઢા પર હાથ મૂકી ને દિવાન પર બેસી જાય છે, તેના પગ પાસે સુહાસ પડ્યો છે…. ધ્રુસ્કાં શમી રહ્યા છે.)

સચિન   : આ મેં શું કર્યું? શું કર્યું મેં? હેં ….

સુહાસ   : (સચિનના પગ પકડી લેતા) પપ્પા મને તમારી સાથે રહેવા દો. 

સચિન  : (બે હાથેથી સુહાસને પકડી લેતા) સુહાસ…સુહાસ… બેટા તને ખૂબ વાગ્યું નહીં?

સુહાસ  : પપ્પા મને તમારી સાથે રહેવા દો… 

સચિન  : હું તને આટલો લડું છું, તને ધિક્કારું છું. તને દૂર હડસેલી દેવા માંગું છું, છતાં વારંવાર  તું આ મૃતપ્રાય વ્યક્તિ પાસે પાછો કેમ આવે છે?

સચિન  : પપ્પા તમે મારા પિતા છો. 

સચિન  : ના… નહીં, આ ખોટી વાત છે. તદ્દન ખોટી વાત છે. આનાથી મોટું કોઈ જુઠાણું નથી. હું તારો પિતા નથી. તું મારો પુત્ર નથી. 

          (બિપાશા ના કહેવા માટે બે હાથથી વિનંતી કરે છે) 

સુહાસ  : શું હું તમારો પુત્ર નથી?

સચિન  : ના…ના… તું મારો પુત્ર નથી, સુહાસ. 

          (સુહાસ નો હાથ પકડીને બાજુની રૂમમાં મૂકેલ ડ્રેસિંગ ટેબલ પાસે લઈ જાય છે.)

          જોવું છે તારે? જો બરાબર જો…. આ અરીસામાં. આપણે બંને બાજુ- બાજુમાં ઊભા  છીએ. મારામાં હું નથી અને તારામાં હું નથી. બિંદુ માત્ર પણ સમાનતા નથી. તારી આંખો, નાક, કાન, ચહેરો, ક્યાંય મારી છબી નથી.

બિપાશા : (દિગ્મૂઢ થઈને) આ શું કરો છો? તમે શું કહો છો? તમે એને…હેં...? 

સચિન  : માત્ર સત્ય કહું છું. સુહાસ, તારામાં મારું લોહી નથી. તારા સર્જનમાં મારી કોઈ ભૂમિકા નથી અને તું મારો પુત્ર નથી. 

બિપાશા : સચિન, તમે મને વચન આપ્યું હતું. તમે મને ભિક્ષા આપી હતી. 

સચિન  : ભૂતકાળમાં આપેલ કોઈ વચન આજે મને રોકી નહીં શકે. હું બોલીશ. આજ સુધી ચૂપ રહેવાથી જ મારો દમ ઘૂંટાઈ રહ્યો છે. મારે સત્ય કહેવું જ પડશે. 

સુહાસ  : (આર્ત સ્વરે) પપ્પા, હું તમારો પુત્ર નથી? 

સચિન  : ના સુહાસ, તું મારો પુત્ર નથી. 

સુહાસ  : મારા શરીરમાં તમારું લોહી નથી?

         (સચિન ચૂપ થઈ ગયો. બિપાશા સ્તબ્ધ. થોડી ક્ષણો શાંતિ.) 

         મારા શરીરમાં તમારું લોહી નથી?

         (સચિન માથું ઝુકાવી લે છે. બિપાશા લથડીયા ખાતા ખાતા સુહાસને પકડી લે છે.) બિપાશા : સુહાસ મારી પાસે આવ બેટા. 

સુહાસ : પપ્પા, હું તમને અત્યંત ચાહું છું. છતાં હું તમારો કોઈ નથી? 

        (વાતાવરણમાં સ્તબ્ધતા. સુહાસ રૂમ છોડીને ચાલ્યો જાય છે. બિપાશા અવાજમાં ધ્રૂજારી સાથે)

બિપાશા : ખૂનીને પણ માફી મળી શકે, માત્ર મને જ કોઈ માફી નહીં.

         (સચિન માથાના વાળ ખેંચીને ચૂપ રહે છે. પછી અચાનક…)

સચિન   : ક્ષમા? મને કોણે ક્ષમા આપી? કયા અપરાધની મને આવી સજા મળી? હૈ…?

બિપાશા : બધો વાંક મારો છે. હું  સ્વીકારું છું. સ્ત્રી તરીકેનું  કોઈ પ્રાપ્ય સન્માન પણ મેં માંગ્યું  નહોતું. માત્ર દીકરા માટે થોડો આશ્રય… તમે મને વચન આપ્યું હતું. તે વચન તમે આજે તોડી નાખ્યું.  

સચિન : મારું કશું જ તૂટયું નથી. કશું જ નહીં. 

બિપાશા : (સ્તબ્ધ થઈ જાય છે) હું અહીંથી ચાલી જાઉં તો તમે સુખી થશો?

સચિન  : ક્યાં જઈશ તું?

બિપાશા : આખી જિંદગી વીતી ગઈ, આશરો તો મળ્યો જ નહીં. ગમે ત્યાં જઈશ. તમે ફરીથી  લગ્ન કરીને….

સચિન :  લગ્ન? ફરીથી? હા… હા… એકવાર વિષ પીધું, ખબર પડી કે વિષપાનની કેવી બળતરા હોય. ફરીથી લગ્ન કરું?

બિપાશા : ફક્ત આઘાત અને આઘાત! આઘાત પહોંચાડવામાં જ તમે માનો છો. મારી સાથે દરેક સ્ત્રીની સરખામણી ન કરશો. એક જાણે અપરાધ કર્યો હોય તેથી આખી સ્ત્રી જાત ને બદનામ ન કરાય.

           (સુહાસ દોડતો રૂમમાં પ્રવેશ્યો છે. શર્ટ પર લોહી છે. ડાબા હાથની નસમાંથી લોહી વહે છે. જમણા હાથથી ડાબો હાથ પકડી રાખ્યો છે.)

સુહાસ : પપ્પા, લોહી…. મમ્મી, લોહી બંધ નથી થતું. 

સચિન : લોહી? આટલુ બધુ લોહી? કેવી રીતે વાગ્યું? (દીકરાને પાસે ખેંચતા) આ શું થયું દીકરા? આવી રીતે શું વાગ્યું?

સુહાસ : પપ્પા લોહી બંધ નથી થતું.   

સચિન : શું કરું વિપાશા? શું કરું? 

બિપાશા : કેવી રીતે વાગ્યું દીકરા? 

સુહાસ   : ચાકુથી કાપ્યું મમ્મી. મેં મારી જાતે કાપ્યું.  

બિપાશા : કેમ? કેમ આવું સર્વનાશ કર્યું બેટા, કેમ? 

સુહાસ   :  પપ્પા જોયું કેટલું બધું લોહી? 

સચિન  : (આઘાત સાથે લથડિયાં ખાતાં સુહાસને છાતીસરસો ચાંપીને) આ શું કર્યું પાગલ? મારી વાત પર ગુસ્સો કરીને આ શું કર્યું તેં?

સુહાસ  : જોયું, કેટલું બધું લોહી?

         (સચિન ની છાતી પર ઢળી પડે છે, બેહોશ થઈ જાય છે) 

બિપાશા : આ શું થયું?

સચિન : (એના ગાલ પર મારતાં) સુહાસ… સુહાસ… 

બિપાશા : શું થયું એને?

          (સચિન પેન્ટના ખિસ્સામાંથી રૂમાલ કાઢીને સુહાસના હાથ પર બાંધે છે, પછી એને ખભે  ઊંચકીને)

          હું હોસ્પિટલ જાઉં છું. લાગે છે બેહોશ થઈ ગયો છે. 

બિપાશા : હું આવું?  

સચિન  : ના જરૂર નથી. 

          (જલદીથી બહાર જાય છે. બિપાશા થોડાક ડગલા આગળ વધે છે. સ્ટેજ પાછળ સચિનનો અવાજ આવે છે.  ‘ટેક્સી’… એક ટેક્સી રોકાવાનો અવાજ આવે છે. દરવાજો ખોલવાનો અને પછી બંધ થવાનો અવાજ આવે છે. પછી ટૅક્સી ઉપડવાનો અવાજ……….બિપાશા  પાછી આવીને સચિનના  દિવાન પર  બેસે છે અને પછી ઓશિકા પર માથું મૂકીને રડે છે. થોડી જ વારમાં અનિરુદ્ધ બાજુની રૂમમાં પ્રવેશે છે. બિપાશાને  જોઈને વચ્ચેના દરવાજાથી બીજા રૂમમાં પ્રવેશે છે.)

અનિરુદ્ધ : તું આ રૂમમાં? રડે છે, શું થયું? બિપાશા શું થયું? 

           (બિપાશા આંખો લૂછી ને બેસે છે) 

           શું થયું બિપાશા?

બિપાશા : તમે આવ્યા… એ બહુ સારું થયું. 

અનિરુદ્ધ : આવ્યા વિના રહી ન શક્યો. આખી જિંદગી ભાગતો  જ રહ્યો છું, પણ હવે નહીં. આ શું? આટલું બધું લોહી? શું થયું છે બિપાશા? 

વિપાશા : કંઈ નહીં. સુહાસને હાથમાં થોડું વાગ્યું છે. સચિન એને હોસ્પિટલ લઈ ગયા છે. 

અનિરુદ્ધ : હોસ્પિટલ?

વિપાશા : ઉતાવળા ના થાઓ. મને લાગે છે કે સુહાસને નિશ્ચિંત અને ઉચિત આશ્રય મળ્યો છે. બસ એ કુશળ છે એટલા સમાચાર મળતાં હું અહીંથી ચાલી જવા માંગુ છું. 

અનિરુદ્ધ  : તું અહીંથી ચાલી જવા માંગે છે? 

બિપાશા : હા, હું ત્યાં જવા માંગુ છું જ્યાં સુહાસનો આક્ષેપ મારા સુધી પહોંચી ન શકે કે માં તુ સારી નથી.

અનિરુદ્ધ : મને તો કંઈ સમજાતું નથી. સાચી હકીકત શું છે?

બિપાશા : અનુ, એક ટેક્સી બોલાવી લાવોને. હું તૈયાર થઈને આવું છું. 

અનિરુદ્ધ : (ખુશીથી) તું સાચે જ મારી સાથે આવીશ, વિપા?

બિપાશા : ના.

અનિરુદ્ધ : તો પછી? 

બિપાશા : એ બધું પછી કહીશ, પહેલા ટેક્સી બોલાવી લાવો. હું આવું છું. 

           (બિપાશા બહારની તરફ જાય છે. અનિરુદ્ધ થોડીવાર પછી ચાલ્યો જાય છે. થોડી ક્ષણો સ્ટેજ ખાલી પડે છે. સચિન તેના રૂમમાં પ્રવેશે છે. વચ્ચેના દરવાજેથી વિપાશાના રૂમમાં આવે છે, બૂમ પાડે છે.)

સચિન  :  બિપાશા….. બિપાશા…. 

           (બિપાશા દોડતી આવે છે. સાડી બદલાય છે.)

           મને બોલાવી? તમે મને બોલાવી? 

સચિન  :  સુહાસને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા છે. હું તને લેવા આવ્યો છું.

બિપાશા : એને કેમ છે? સારું તો થઈ જશે ને? 

સચિન  :  ડોક્ટરે કહ્યું છે કે ચિંતાનું કોઈ કારણ નથી. એને સમયસર સારવાર મળી ગઈ છે. થોડુંક પણ મોડું થયું હોત તો ખબર નહીં શું થાત!

બિપાશા : ડોક્ટરે તમને કહ્યું ને કે ચિંતાનું કોઈ કારણ નથી? 

સચિન  : હા કહ્યું તો છે, પણ કદાચ લોહી ચઢાવવું પડશે. મેં કહ્યું છે કે હું આપીશ. જો જરૂર પડશે તો મારા શરીરમાં રહેલ લોહીનું છેલ્લું ટીપું પણ આપી દઈશ.

બિપાશા : સચિન, મને ખબર છે કે તે સારો થઈ જશે. હવે એને કોઈ ડર નથી. 

સચિન  : ચાલ, તું તૈયાર છે ને? 

બિપાશા : ના.

સચિન  : તારે સુહાસને મળવા નથી જવું? 

બિપાશા : હું જાણું છું કે સુહાસે છેવટે તમારું દિલ જીતી લીધું છે. આ ઘરમાં હવે મારી કોઈ જરૂર નથી.

 સચિન  : એટલે તું કહેવા શું માંગે છે?

 બિપાશા : હું અહીંથી ચાલી જવા માંગુ છું. અહીંથી વિદાય લેવાનો આટલો સુંદર પ્રસંગ ફરી ક્યારેય નહીં આવે.

સચિન  : અશક્ય. એવું બની જ ના શકે. 

          (બહાર એક ટેક્સીનો થોભવાનો અવાજ આવે છે. થોડી જ વારમાં અનિરુદ્ધ બાજુની રૂમમાં પ્રવેશી બિપાશા અને સચિન નો સંવાદ સાંભળે છે)

સચિન : (બિપાશાની સન્મુખ આવીને ઊભો રહે છે) જવું છે, કહેવાથી થોડું જવાય છે?

બિપાશા : નાદાની ન કરો, મને જવા દો. 

સચિન : નહિ બિપાશા, એ કેવી રીતે બને? સુહાસ પાછો આવશે ત્યારે?

બિપાશા : મને જવા દો. સુહાસ જો ફરીથી મારી તરફ જોઈને કહેશે કે મા તું સારી નથી. મા તું  ખરાબ છે… (બિપાશા ના અવાજમાં આશંકા અને હાહાકાર વર્તાય છે)

સચિન : (દૃઢ સ્વરે) નહીં, તું અહીંથી જઈ શકે નહીં. હું તને નહીં જવા દઉં. 

બિપાશા : મને જવા દો સચિન, પ્લીઝ. એ પાછો આવશે ત્યારે…. 

સચિન  :  ત્યારે હું કહીશ, સુહાસ તું મારો…. તું અમારો દીકરો છે.

બિપાશા : શું બોલ્યા તમે? જરા ફરીથી કહો…

સચિન  : એ તારો એકલાનો નથી બિપાશા. એ આપણો દીકરો છે. આપણા બંનેનો દીકરો છે.   

          (બિપાશા સચિનને પગે લાગે છે. સચિન તેના ખભે હાથ મૂકીને સ્થિર થાય છે અનિરુદ્ધ ધીમેથી બહારની  તરફ જાય  છે. એક ટેક્સી  ઉપડવાનો અવાજ આવે છે  અને ધીમું  સંગીત વાગે છે.)

******* સમાપ્ત ******

બીજા રસપ્રદ વિકલ્પો