Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

સ્માર્ટ ચીંટુ અને સ્માર્ટફોન - ૭. ચિંટુને ફોન એ એક માત્ર સહારો

"ચીંટુને ખોટી ટેવ પાડી છે..! મોબાઈલમાં રમવાનું ને આંખો ફોડવાની!" પપ્પાએ એક વાર ઉગ્રતા પકડી લીધી. "જ્યારે હોય ત્યારે એને ફોન જોઈએ.. ફોન ન આપો તો રડવાનું ચાલું..!"

ચીંટુને તો મમ્મી કેવી રીતે પ્રતિકાર કરે છે તે ચૂપચાપ જોવાનું હતું. "આખો દિવસ ઘરે રહો તો ખ્યાલ આવે કે છોકરું કેમ સચવાય? તમને પણ સાંજે આવીને મોબાઈલમાંથી બહાર નીકળી ચીંટુ તરફ જોવાનો ટાઇમ જ ક્યાં હોય છે? ફોન આપીએ ત્યારે તો ઘરનું કામ થાય છે! એ બહાને એક ખૂણામાં શાંતિથી પડ્યો તો રહે છે. બીજા એકેય રમકડાં તમારા રાજકુમારને ગમતાં નથી"

"તારે જે કરવું હોય તે કર. છોકરાંને ખોટી ટેવો પડે તો મને દોષ દેતી નહીં!" પપ્પાએ હથિયાર હેઠાં મૂકી તો દીધાં, પણ ભવિષ્ય અંગે ચેતવણી પણ કરી.

ચીંટુને ભારે કંટાળો ચડતો હતો. એને થયું કે ચાલો હવે પપ્પા ઓફીસ જવા નીકળી જશે. સવાર સવારમાં બે ધોલ ખાઈને દયામણું મોં રાખીને સોફાનો ખૂણોય હવે ખૂંચતો હતો. પરિસ્થિતિનો તાગ મેળવીને મોં ફેરવીને રડવાનું ચાલુ કર્યું. પોતાની સહાય માટે કોઈ પક્ષ તૈયાર હોય પછી લાભ ઉઠાવી લેવામાં ખોટું પણ શું? રડવા જેવું હથિયાર બીજુ શુ અસર કરવાનું? તાત્કાલીક પરિણામ મેળવવું હોય તો રડતા આવડવું જરૂરી છે. ચીંટુ ને પોતાને રડીને કામ પાર પડયાનો અનુભવ તો ખરો જ ને મમ્મી એ કરેલા પ્રયોગો - રડીને કામ પાર પાડવાના - અને તેના જવલ્લન્ત પરિણામો અંગેની જાણ પણ ખરી. અને તેવું થયું પણ ખરુ. તેણે રડવાનું શરૂ કર્યું.

"જુઓ, સવાર સવારમાં રડાવી દીધો ચીંટુને! હવે એને પહેલા છાનો રાખો પછી જજો. તમને ખબર તો પડે કે આ તમારા ચીંટુની ટેવો કેવી છે?" મમ્મીએ ચીંટુનાં પપ્પાના પારખા લેવા ચાલું કર્યું.

"એમાં શું મોટી વાત છે..!" એમ કહી પપ્પાએ ચીંટુ પર બે-ચાર પ્રયોગો કરી જોયા. રમકડાં આપી જોયા, હાથ ફેરવ્યો, ગુસ્સાનો સમજાવવા-ફોસલાવવાનો અખતરો ફોગટ સાબિત થયો. પ્રયોગ કર્યો, ઊંચકીને રમાડવા પ્રયાસ કર્યો.., હવામાં ઉછાળીને ઝીલવાની ક્રિયા કરી..! ચીંટુ શાંત. ખડ ખડ હસવાનું ચાલું કર્યું. એને મઝા પડી ગઈ. ''જોયું ને..! દીકરો કોનો છે? ,આમ રમાડાય..! પપ્પાએ વિજયનાદ કર્યો.

"હા તો સાંજે આવીને રમાંડજો તમારા ચીંટુને . મારે ઘરનું કામ તો થાય..!" મમ્મીએ ચીંટુનો કાર્યભાર સોંપી દીધો હોય એમ શ્વાસ લીધો.

ચીંટુને પણ સાંત્વના મળી ગઈ. ને, સાંજે પપ્પાના આવતાની સાથેજ મમ્મીએ યાદ કરાવી ચીંટુની સોંપણી કરી, "લો, સંભાળો તમારા લાડલાને..!"

પગથી ઝુલા ને ફંગોળા અને થોડી વાર દડેથી રમવાનું ચાલ્યું. ચીંટુને મળેલી એ મોજ કલાક માંડ ચાલી..
''ચાલ, હવે રમકડાથી રમ.." કહી પપ્પાએ એને છૂટો મુક્યો એવું જ રડવાનું ચાલુ.

"એક કલાક પણ છોકરું સચવાતું નથી. થોડીવાર સુધી માથાકૂટ ચાલતી રહી. આખો દિવસ અમે કઈ રીતે સાચવતા હોઈશું, એ વિચારો!" મમ્મીએ ઉધડો લેવાનું શરૂ કર્યું.


"તારે ઘરમાં રહીને બીજુ શુ કામ હોય? જમવાનું, સાફ-સફાઈ કપડાં ધોવા... એમાંય વોશિંગમશીન છે.. તારી જવાબદારી.. - પપ્પાએ સાથોસાથ પોતાના કામનો હિસાબ આપવા શરૂ કર્યું.


જવાબદારી શબ્દ મમ્મીને થોડો વધારે લાગી આવ્યો. "જવાબદારી?" આંખોમાં ઝળઝળિયાં બાઝયા. "કેમ, છોકરો મારો એકનો જ છે? ઘરે રહીને જુઓ તો ખબર પડે કે ઘરનું કામ કેમ થાય!' મમ્મીએ ચિંટુ તરફ મોબાઈલ લંબાવ્યો. "લે, આ ફોન લઈ અંદરની રૂમમાં જા." મમ્મીએ નિસાસો નાખ્યો.


ભાવતું હતું ને વૈદ્યે કીધું. ચીંટુએ ગંભીર મો કરી વિવાદનો હીસ્સો બનવાનો રસ નહોતો. મોબાઈલ સામે ચાલીને આવે એનાથી રૂડું બીજું શું હોય! તે બીજી રૂમમાં જવા માટે મમ્મી તરફથી ગ્રીન સિગ્નલ મળી ગયું હતું. તે છુટકારના ભાવ સાથે તે ચાલ્યો.- તે તો પહોંચી ગયો - બીજી રૂમમાં, ટીકટોક ની મનોરંજન ભરી દુનિયામાં! જ્યારે બીજી બાજુ વાગયુદ્ધ ચાલતું રહ્યું.