રણમાં ખીલ્યું ગુલાબ Ronik દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રણમાં ખીલ્યું ગુલાબ



રણમાં ખીલ્યું ગુલાબ:ફલક તક સાથ ચલને કી ના દુઆ કીજિયે જિન્દા હૂં જમીં પર મૈં, પહલે યહાં વફા કીજિય
હવે આરવી નામનો કાંટો દૂર થઇ ગયો હતો. ‘બ્રેક-અપ’નું કારણ ગમે તે હોય, પણ ‘બ્રેક-અપ’નું પરિણામ તો નિગાહને ‘ગમે’ તેવું જ રહ્યું

પ્રહર, આજ-કાલ તમે ઉદાસ દેખાવ છો. ઘરમાં બધું બરાબર તો છે ને?’ નિગાહે એની જ ઓફિસમાં, એની બાજુમાં બેસીને કામ કરતા પ્રહરને સાવ સ્વાભાવિક અને ઔપચારિક પ્રશ્ન પૂછ્યો. પ્રહર બીજી બધી રીતે સારો હતો પણ સ્વભાવથી એ અતડો હતો. ઓફિસમાં કોઇની સાથે બહુ ભળતો ન હતો. જેટલું પૂછો એટલાનો જ જવાબ આપે. વધારે કોઇ વાતચીત નહીં. બપોરના ટી-બ્રેકના સમયમાં પણ એ સાથી કર્મચારીઓની જેમ કૅન્ટીનમાં જઇને ચા પીવાને બદલે પોતાના ડેસ્ક પર જ ચા મગાવી લે. નિગાહને અંદરખાને પ્રહર ગમતો હતો, પણ એને પ્રહરનું આવું અતડું વર્તન સમજાતું ન હતું. સૌથી વધારે આશ્ચર્યજનક વાત એ હતી કે ઓફિસમાં બધાંની સાથે અતડો રહેતો નિયમિત સમયાંતરે કોઇની સાથે મોબાઇલ ઉપર બહુ હસી-હસીને, મીઠી-મીઠી વાતો કરતો રહેતો હતો. ટી-બ્રેક દરમિયાન પણ એનું કૅન્ટીનમાં નહીં જવાનું કારણ એ જ હતું. ચાની ચુસ્કીની સાથે એ કોઇ કડક-મીઠી ચા જેવી યુવતીની સાથે રોમેન્ટિક અદામાં વાતો કરતો હતો. સામા છેડે કોઇ યુવતી જ હતી એ વિશે હવે કોઇના મનમાં શંકા રહી ન હતી. દર બે વાક્યે પ્રહરની જીભ પરથી ‘હની, સ્વીટી, ડાર્લિંગ, જાનૂ’ જેવાં સંબોધનો ચાસણીની જેમ ટપકતાં રહેતાં હતાં. બાજુમાં બેઠેલી નિગાહ કાન સરવા કરીને વાતચીત સાંભળવાની કોશિશ કરતી હતી. અડધુંપડધું સંભળાઇ જતું હતું અને પૂરેપૂરું સમજાઇ જતું હતું. એક દિવસ હિંમત કરીને નિગાહે પૂછી લીધું, ‘આઇ થિંક યુ આર સ્ટેડી વિથ સમવન, આરન્ટ યુ?’ ‘હમ્મ!’ ટૂંકો જવાબ મળ્યો. પણ નિગાહ આજે નક્કી કરીને આવી હતી કે બધું જાણી જ લેવું છે. એણે બીજો પ્રશ્ન પૂછ્યો, ‘હુ ઇઝ ધેટ લકી ગર્લ? મે આઇ નો હર નેમ?’ એ દિવસે, બસ, એ એક જ દિવસે પ્રહરે કમ્પ્યૂટર પરથી નજર હટાવીને બાજુમાં બેઠેલી નિગાહ ઉપર સ્થિર કરી અને જવાબ આપ્યો, આરવી. આરવી મહેતા નામ છે એનું. તમે પૂછ્યું એટલે જણાવી દઉં કે નસીબદાર આરવી નહીં પણ હું છું. એનાં જેવી સુંદર અને વફાદાર પ્રેમિકા કોઇ ભાગ્યશાળી પુરુષને જ મળે. તમે પોતે એને જોશો તો સ્ત્રી હોવાં છતાં તમે દંગ રહી જશો. અચ્છા! તો હવે એ કહેશો કે હું એને ક્યારે જોઇશ? ‘હું સમય નથી જણાવતો પણ એટલું વચન આપું છું કે એક વાર હું તમારી સાથે આરવીની મુલાકાત અવશ્ય કરાવીશ. પ્રહર ફરીથી એના કામમાં ડૂબી ગયો. આટલું તો એ ક્યારેય કોઇની સામે ઓફિસમાં બોલ્યો ન હતો. નિગાહને એ વાતનો છૂપો આનંદ થયો કે એને ગમતા પુરુષે આજે પહેલી વાર એની સાથે આટલી વાત કરી હતી; એને એ વાતનો ચચરાટ પણ થયો કે એ વાતચીત બીજી કોઇ સ્ત્રી માટે થઇ હતી. એનાં મનમાં આરવી માટે ઇર્ષા જન્મી રહી હતી. ખરેખર એક દિવસ એવો આવ્યો જ્યારે ફક્ત નિગાહને જ નહીં, પણ ઓફિસના તમામ સાથીઓને આરવી સાથે મુલાકાત કરવાની તક મળી. પ્રહર સામે ચાલીને આરવીને પોતાની સાથે લઇ આવ્યો. ફોર્મલ ઇન્ટ્રોડક્શન કરાવ્યું, ‘ધિસ ઇઝ આરવી મહેતા. શી ઇઝ ગોઇંગ ટુ બી આરવી પ્રહર શાહ વેરી સૂન.’ ઓફિસમાં સન્નાટો પ્રસરી ગયો. આરવીની સુંદરતાનો જાદુ બધાના દિલ-દિમાગ ઉપર ફરી વળ્યો. એ નીરવતાનો ભંગ ખુદ આરવીએ જ કર્યો, ‘હાય ટુ એવરીબડી!’ બધાં ભાનમાં આવ્યાં. એ દિવસે આરવીએ માત્ર પોતાની સુંદરતાથી જ નહીં, પોતાની સંસ્કારિતાથી પણ સહુુનાં દિલ જીતી લીધાં. આરવી પ્રથમ મુલાકાતમાં જ બધાંની ફ્રેન્ડ બની ગઇ. બધું બરાબર ચાલતું હતું ત્યારે એક દિવસ નિગાહે જોયું કે પ્રહરના ચહેરા પર ઉદાસી જોવા મળતી હતી. આવું ચાર-પાંચ દિવસથી ચાલતું હતું પણ એ દિવસે એ સરેઆમ જોઇ શકાતું હતું. નિગાહથી પૂછ્યા વિના ન રહેવાયું, ‘પ્રહર, આજ-કાલ તમે ઉદાસ દેખાવ છો. ઘરમાં બધું બરાબર છે ને?’ જવાબમાં અધમણનો નિસાસો અને પછી એક ટનનો ખુલાસો : ‘નિગાહ, ઘરમાં તો બધું બરાબર છે, પણ ઘરની બહાર હવે કંઇ નથી બચ્યું.’ ‘શું થયું છે?’ ‘આરવીએ મારી સાથે ‘બ્રેક-અપ’ કરી દીધું. મેં લાખ પ્રયત્નો કર્યા એને મનાવવાના પણ એ માનતી જ નથી. બ્રેક-અપ માટેનું કારણ શું છે એ પણ મને જણાવતી નથી. હું બહુ પરેશાન છું.’ પ્રહર ભલે પરેશાન હતો, નિગાહ ખુશ થઇ ગઇ આ સાંભળીને. એને તો જાણે બગાસું ખાતાં પતાસું મળી ગયું! એને પ્રહર પહેલાથી ગમતો જ હતો; આ તો આરવીનાં કારણે એ મન મારીને બેસી રહી હતી. હવે આરવી નામનો કાંટો દૂર થઇ ગયો હતો. ‘બ્રેક-અપ’નું કારણ ગમે તે હોય, પણ ‘બ્રેક-અપ’નું પરિણામ તો નિગાહને ‘ગમે’ તેવું જ રહ્યું. ‘પ્રહર, આજે સાંજે શું કરવાના છો?’ નિગાહે ધીમે ધીમે પ્રહર સાથેનું અંતર ઘટાડવા માંડ્યું. ‘હું તો નવરો જ છું. મારે હવે ક્યાં કોઇને મળવા જવાનું છે? ઘરે જઇને મમ્મી-પપ્પા સાથે થોડીક વાતો કરીશ. પછી જમીને સૂઇ જઇશ. ઊંઘ તો નહીં આવે એટલે છાતી પર થયેલા જખમ વલૂરતો, પડખાં ઘસતો,
પથારીમાં પડ્યો રહીશ.’ ‘હું પણ સાંજે ફ્રી છું. આપણે ક્યાંક નિરાંતે બેસીશું?’ નિગાહે તક ઝડપી લીધી. પ્રહરે ફિક્કું સ્મિત કરીને નિગાહનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. પછી તો બંને નજીક આવતાં ગયાં. નિગાહ સંસ્કારી અને ચરિત્રવાન યુવતી હતી. જેને પ્રેમ કરે તેના માટે સર્વસ્વ કુરબાન કરી દે તેવી હતી. ધીમે ધીમે પ્રહર-નિગાહ એકમેકના સહવાસમાં રહી શકાય તે માટે વધુ ને વધુ પ્રયાસો કરતાં રહ્યાં. કાૅફી શોપ, કેન્ડલ લાઇટ ડિનર્સ, સિનેમા હોલ, વન-ડે પિકનિક જેવા કાર્યક્રમો આયોજાતા રહ્યા. ક્યારેક નર્યું એકાંત હોય ત્યારે પ્રહર બહેકી ઊઠતો અને યુવાન પ્રેમિકાની રૂપાળી કાયા તરફ આકર્ષાઇ જતો, પણ નિગાહ એને રોકી લેતી હતી, ‘નહીં પ્રહર! હમણાં નહીં, એક વાર આપણું મેરેજ થઇ જવા દે પછી હું તારી જ છું ને?’ પ્રહર ફ્રસ્ટેટેડ થઇ જતો હતો પણ એનું કંઇ ચાલતું ન હતું. રવિવારનો દિવસ હતો. બપોરનો સમય. પ્રહર અને નિગાહ શહેરની એક પ્રખ્યાત રેસ્ટોરાંમાં લંચ લઇ રહ્યાં હતાં. નિગાહને એક બાબતનું આશ્ચર્ય થતું હતું; જમતાં-જમતાં પ્રહર એના મોબાઇલમાં કોઇકની સાથે ચેટિંગ કરી રહ્યો હતો. થોડીક વાર તો નિગાહ કંઇ બોલી નહીં, પછી એણે ટકોર કરી, ‘પ્રહર, એવું તે શું મહત્ત્વનું છે કે તું જમવા પર પણ ધ્યાન આપતો નથી?’ ‘નિગાહ, ડાર્લિંગ! મારો એક સ્કૂલટાઇમનો ફ્રેન્ડ છે. નીલેશ એનું નામ. એ બીમાર છે. એને અચાનક ચેસ્ટ પેઇન થયું છે. એની વાઇફ મને મેસેજ કરીને મારું ગાઇડન્સ માગે છે. કદાચ મારે લંચ અધૂરું મૂકીને જવું પડશે…’ પ્રહરે આટલું કહ્યું ત્યાં તો એના હાથમાં પકડેલી ‘સ્પૂન’ છટકી; ડિશમાંથી સબ્જી ઊછળીને એના શર્ટ ઉપર પડી. તેલનો રેલો ઊતર્યો. ‘ઓહ, મારું શર્ટ બગડ્યું. હું બાથરૂમમાં જઇને સાફ કરી આવું નહીંતર ડાઘ જશે નહીં.’ કહીને પ્રહર ઝડપથી ઊભો થઇને બાથરૂમ તરફ ચાલ્યો ગયો. ઉતાવળમાં પોતાનો મોબાઇલ લઇ જવાનું ભૂલી ગયો. નિગાહે કુતૂહલવશ પ્રહરનો મોબાઇલ હાથમાં લીધો. એ ‘અનલોક્ડ’ હતો. છેલ્લી ‘ચેટ’ એણે વાંચી, પ્રહરે બીજા કોઇની સાથે નહીં, પણ એની પ્રેમિકા આરવીની સાથે ‘ચેટ’ કરી હતી. નિગાહ જેમ-જેમ વાંચતી ગઇ, બધું સમજાતું ગયું. પ્રહર અને આરવી વચ્ચે ‘બ્રેક-અપ’ થયું જ ન હતું. પ્રહર જુઠ્ઠું બોલ્યો હતો. ‘ચેટિંગ’માંથી જાણવા મળતું હતું કે આરવી અત્યારે જ પ્રહરને મળવા માટે બોલાવી રહી હતી. શહેરની એક બદનામ હોટલમાં એ બંને આજે મળવાનાં હતાં. બધું ખુલ્લું થઇ ગયું. પ્રહર આવ્યો અને મીઠાશપૂર્વક બોલ્યો, ‘ડાર્લિંગ, મારે જવું પડશે. નીલેશની હાલત ખૂબ ગંભીર છે. તું લંચ પતાવીને ઘરે ચાલી જજે. બાય!’ પ્રહરની કારની પાછળ જ નિગાહ પણ ‘કેબ’માં બેસીને, એનો પીછો કરતી હોટલ સુધી પહોંચી ગઇ. બરાબર દસ મિનિટ્સ પછી એણે પ્રહરને ફોન કર્યો, ‘તું ક્યાં છે?’ ‘હું આઇ.સી.યુ.માં નીલેશની સાથે છું.’ પ્રહરનો જવાબ સાવ નફ્ફટ હતો, ‘ડાર્લિંગ, તું ક્યાં છો? રેસ્ટોરાંમાં જ કે….?’ ‘હું ‘હોટલ પિંક રોઝ’ના કમરા નંબર ત્રણસો ત્રણના બારણાંની બહાર ઊભી છું. બદમાશ! હિંમત હોય તો બારણું ખોલ.’ નિગાહનો અવાજ પ્રહર બંને રીતે સાંભળી શકતો હતો, મોબાઇલમાંથી પણ અને બારણું વીંધીને આવતી ત્રાડરૂપે પણ. એ પછી શું થયું હશે એ મારે લખવાની જરૂર નથી. તમે સારી રીતે કલ્પી શકો છો.