Featured Books
શ્રેણી
શેયર કરો

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-68


(એલ્વિસ અને કિઆરાએ વિતાવ્યો ખૂબજ સુંદર સમય.એલ્વિસે સંભળાવ્યો તેનો ભૂતકાળ માતા સિલ્વી અને પિતા એન્ડ્રિકની કહાની.પિતા સામાન્ય કારકુન જ્યારે માતા બોલીવુડમાં કોરીયોગ્રાફરની આસિસ્ટન્ટ.અચાનક એક દિવસ તેમનું જીવન બદલાઇ ગયું)

અહાનાને ગાર્ડનમાં અપમાનીત કરીને આયાન ત્યાંથી ચાલ્યો ગયો.અહાના આંખમાં અનાધાર આંસુઓ સાથે તુટી ગઇ.ગાર્ડનમાં આવેલા કોલેજના સ્ટુડન્ટ્સ અને અન્ય લોકો માટે અહાના એક તમાશો બની ગઇ હતી.તેના મોબાઇલમાં વારંવાર કિઆરાનો ફોન આવી રહ્યો હતો.કિઆરાનું નામ સ્ક્રિન પર જોઇને અનાયાસે આજે તેની ઇર્ષ્યા થઇ ગઇ.તેણે ફોન કટ કરીને જમીન પર ગુસ્સામાં ફેંક્યો.

પ્રેમએ એક એવી અનુભૂતિ છે જે હ્રદયના ઊંડાણથી અનુભવાય છે.કોઇ વાર કોઇને એક નજરે જોઇને તેના પ્રેમમાં પડી જવાય.તો કોઇવાર કોઇના વ્યક્તિત્વ કે તેના સ્વભાવને અનુભવીને તેના પ્રેમમાં પડી જવાય.અહાનાનો પ્રેમ પહેલી નજરનો પ્રેમ હતો પણ તે એકતરફી હતો.એકતરફી પ્રેમ ઘણીવાર ખૂબજ ખતરનાક બની જતો હોય છે તો ઘણીવાર તે વ્યક્તિની સમજવાની શક્તિ હણી લે છે.

અહાના,વિન્સેન્ટ અને આયાન ત્રણેય એકતરફી પ્રેમમાં હતાં.આયાનના એકતરફી પ્રેમે તેને નાસમજ બનાવી દીધો હતો અથવા કહો તો તેને આંધળો કરી દીધો હતો.તે સમજી નહતો શકતો કે કિઆરા અને એલ્વિને અલગ કરવા અશક્ય છે.તેમનું જોડાણ ખૂબજ પવિત્ર અને ઊંડાણવાળું છે.તે એક વ્યર્થ આશામાં જીવી રહ્યો હતો.જ્યારે વિન્સેન્ટનો એકતરફી પ્રેમ એક નિમર્ળ ઝરણા જેવો સ્વચ્છ અને મનને શાંતિ આપનાર હતો.

અહાનાનો એકતરફી પ્રેમ આયાનના સારા દેખાવ પાછળ થયેલું માત્ર એક આકર્ષણ હતું.ઘણીવાર આવું આકર્ષણ તે વ્યક્તિ અને તેની આસપાસની વ્યક્તિ માટે ખતરનાક બની રહેતું હોય છે.અહાના આજે તુટી ગઇ હતી.આ સમયે તેણે કિઆરા કે અન્ય કોઇને આ વાત જણાવવાની જગ્યાએ એકલતાનું આવરણ પોતાની આસપાસ રચી લીધું.કોલેજ શરૂ થવાને સમય હતો.તે આ ચાર મહિનામાં પોતાની જાતને બદલવા અને એકલા રહેવાના નિશ્ચય સાથે મુંબઇ શહેર છોડીને પોતાના નાનાનાની પાસે દિલ્હી જતી રહી.
******
વિન્સેન્ટ અને કિઆરા અહાનાના આમ અચાનક દિલ્હી કોઇને પણ જણાવ્યા વગર જતા રહેવાના કારણે દુઃખી હતા.કિઆરાએ વિન્સેન્ટને વચન આપ્યું હતું કે તે અહાના સાથે વિન્સેન્ટના પ્રેમની વાત કરશે પણ તે કઇ કરે તે પહેલા જ અહાના જતી રહી હતી.

બીજી તરફ આયાનને મનમાં ડર હતો કે જો અહાના કિઆરાને તેની હરકત વિશે જણાવશે તો કિઆરા તેને નફરત કરશે પણ અહાનાના મુંબઇ છોડીને જતા રહેવાના કારણે તેને નિરાંત થઇ.

આયાન ખૂબજ દુઃખી હતો કેમકે કિઆરા તેને અવગણી રહી હતી.તે તેના મેસેજના જવાબ નહતી આપતી કે તેના ફોન પણ નહતી ઉઠાવતી.તે સમજી ગયો હતો કે કિઆરા હવે તેનાથી દૂર રહેવા માંગે છે છતાં પણ તે એક દિવસ અચાનક કિઆરાએ જ્યાં માર્શલ આર્ટસની એડવાન્સ ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું હતું;ત્યાં પહોંચી ગયો.તે ગેટ પાસે તેની રાહ જોઇને ઊભો હતો.ટ્રેનિંગ પતાવીને કિઆરા બહાર આવી એલ્વિસે કિઆરા માટે રાખેલો બોડીગાર્ડ તેને ગાડી સુધી લઇ ગયો.ત્યાં આયાન આવી પહોંચ્યો.

"કિઆરા,વાત શું છે? તું કેમ મને અવગણે છે?મારા ફોન નથી ઉઠાવતી કે મારા મેસેજનો જવાબ નથી આપતી?આપણે ફ્રેન્ડ્સ છીએ રાઇટ?"આયાને કિઆરાનો હાથ પકડતા કહ્યું.તે બોડીગાર્ડે હાથ છોડાવ્યો અને તેને મારવા જતો હતો પણ કિઆરાએ તેને અટકાવ્યો.

"જો આયાન,હું આજે તારી સાથે સ્પષ્ટપણે વાત કરવા માંગુ છું કે હું મારા જીવનમાં આગળ વધી ગઇ છું.મારું જીવન,મારો પ્રેમ અને મારું ભવિષ્ય માત્ર એલ્વિસ છે.હું તને કોઇ ખોટી આશામાં નથી રાખવા માંગતી.તારી સાથેની દોસ્તીને અહીં જ સ્ટોપ કરું છું.આપણે ક્લાસમેટ્સ રહીશું પણ આગળ હું તારી કોઇ મદદ નહીં કરી શકું.તું પણ મને ભુલીને કોઇ યોગ્ય સાથી શોધી લે.આઈ એમ સોરી પણ આપણું એકબીજાથી દૂર રહેવું જ તારા અને મારા માટે યોગ્ય છે.ગુડ બાય."કિઆરા આટલું કહીને ગાડીમાં બેસી ગઇ.આ બોલતા તેને ખૂબજ તકલીફ થઇ પણ પોતાના હ્રદય પર પથ્થર મુકીને તેણે આયાનનું હ્રદય તોડી નાખ્યું.

******

વિન્સેન્ટ અહાનાના જવાથી ખૂબજ દુઃખી હતો.અહાનાએ તેનો મોબાઇલ નંબર પણ બદલી નાખ્યો હતો જે તેની પાસે નહતો.તે અહાનાના ઘર તરફ આગળ વધ્યો.અહીં તે ઘણીવાર અહાનાને લેવા અને મુકવા આવ્યો હતો પણ તે તેને હંમેશાં ગલીના નાકે ઉતારીને જતો કેમકે ગલી સાંકડી હતી અને ત્યાં ગાડી જઇ શકે એમ નહતી.ગલીની અંદર હરોળબંધ સરકારી વસાહત જેવા પાંચ માળના જુના ફ્લેટ હતાં.

"ઓહ જીસસ,આટલી વાર મુકવા આવ્યો પણ એકેય વાર તેના ઘરનો નંબર ના લીધો.હું પણ કેટલો મુર્ખ છું.ગોડ પ્લીઝ હેલ્પ મી.તે આમ અચાનક કેમ જતી રહી?તે દિવસે પાર્ટીમાં મે તેને અને અાયાનને એકસાથે જોયા હતા.શું આયાને તેની સાથે કઇ ખોટું તો નથી કર્યું ને?હા,બની શકે કે અહાનાએ અાયાન સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુક્યો હોય અને તેણે તેનું હ્રદય તોડી કાઢ્યું હોય.મારે આયાન સાથે વાત કરવી પડશે.જો એવું હશે તો હું આયાનને નહીં છોડું."વિન્સેન્ટ ગુસ્સામાં બોલી રહ્યો હતો.

અચાનક એક ધડાકાનો અવાજ આવ્યો.એક પચાસ વર્ષના પુરુષને એક ગાડી ટક્કર મારીને જતી રહી હતી.વિન્સેન્ટ ગાડી સાઈડમાં પાર્ક કરીને ભાગ્યો.તે પુરુષના કપાળેથી લોહી નીકળતું હતું અને તેમના હાથે પગે પણ વાગ્યું હતું.આસપાસ લોકો તમાશો જોઇ રહ્યા હતાં.વિન્સેન્ટને તેમની પર ગુસ્સો આવ્યો તેણે તે પુરુષને ઉઠાવ્યા અને હોસ્પિટલ લઇ ગયો.તે અહાનાના પાપુ એટલે પપ્પા હતાં.

*********

એલ્વિસ અને કિઆરાનો અદ્ભૂત પ્રેમ અને સમજદારી તેમના સંબંધને ખૂબજ મજબૂત બનાવતો હતો.કિઆરા ઘણીવાર એકદમ નાદાન અને તોફાની છોકરી જેવું વર્તન કરતી જ્યારે અમુક વાર એલ્વિસની પત્નીની જેમ સમજદારી દાખવતી.એલ્વિસે તેના ભૂતકાળની કહાની સંભળાવી પણ બીજે દિવસે તેને શુટીંગ માટે વિદેશ જવું પડ્યું.એલ્વિસની આસપાસ સતત સુંદરતા મહેકતી હતી પણ અવિશ્વાસ નામનો ભમરો તેમના પ્રેમના બાગમાં ફરકી શકે તેમ નહતો.જેનું કારણ કિઆરાની સમજદારી અને વિશ્વાસ હતો.

આજે સાત દિવસ પછી એલ્વિસ શુટીંગ કરીને ઘરે આવ્યો.કિઆરા હવે સમજી ગઇ હતી કે એલ્વિસ સાથે તેણે આ જીવન અમુક સમયે એકલતાભર્યું વિતાવવાનું છે.આ વાત તેના માટે સમજવી તો સહેલી રહી પણ તેને જીવનમાં અમલ કરવી ખૂબજ અઘરી હતી.આ એકલતા કિઆરાને અમુક સમયે અકળાવી જતી.

આજે કિઆરાએ એલ્વિસની પસંદગીનું ભોજન બનાવ્યું હતું.તે બંનેના ડિનરની વ્યવસ્થા તેણે આજે ટેરેસ પર કરી હતી.એક સુંદર ગોળ કાચના ટેબલ પર સુગંધીદાર ફુલોનો ગુલદસ્તો હતો જ્યારે એક મોટી કેન્ડલ હતી.તેણે તેમના બેસવા માટે હિંચકો પણ મુકાવ્યો હતો.બધું જ ભોજન એલ્વિસની પસંદગીનું બનાવ્યું હતું.એક તરફ તેણે રોમેન્ટિક મ્યુઝિક લગાવ્યું હતું જયારે બીજી તરફ તેણે એક નાનકડો લાઇટીંગ વાળો ફાઉન્ટેઇન મુકાવ્યો હતો.તેણે એલ્વિસના ટેરેસને ટેરેસ ગાર્ડનમાં પરિવર્તિત કરી લીધો હતો.

એલ્વિસ આ ખાસ વ્યવસ્થા જોઇને ચોંકી ગયો.તે ખૂબજ ખુશ હતો.તેમણે ડિનર કર્યું,એલ્વિસ અને કિઆરાએ એકબીજાના આલિંગનમાં સુંદર ડાન્સ કર્યો.અંતે તે લોકો હિચકા પર બેસ્યા હતાં.એલ્વિસે તેની વાત આગળ વધારી.

એલ્વિસનો ભૂતકાળ....

સિલ્વી બેન્જામિન,બોલીવુડના ફેમસ કોરીયોગ્રાફરની આસિસ્ટન્ટ હતી.તેના કોરીયોગ્રાફરને એક મોટો પ્રોજેક્ટ મળ્યો હતો.જેના માટે તે પ્રોડ્યુસરને મળવા જવાનું હતું.તેમની તબિયત ખરાબ થતાં સિલ્વીને તેમના ઘરે જવું પડ્યું.

તે કોરીયોગ્રાફરે મોકલેલી ગાડીમાં સિલ્વી તે પ્રોડ્યુસરના બંગલે પહોંચી.તેની ગાડી જોઇને મોટા મોટા બ્રાઉન કલરના ગેટને સિક્યુરિટી ગાર્ડે ખોલ્યો.સિલ્વી ત્યાં જ ઉતરી ગઇ.તેણે નિયમ પ્રમાણે રજીસ્ટરમાં એન્ટ્રી કરી.તે રજીસ્ટરમાં એન્ટ્રી કરીને બંગલાની શોભા જોતા જ આશ્ચર્ય પામી.

એક તરફ સુંદર ગાર્ડન જેમા અલગ અલગ વૃક્ષો અને સુંદર ફુલો વાળા છોડ હતાં.વચ્ચોવચ એક મોટો ફાઉન્ટેઇન હતું.બીજી તરફ ગેરેજ હતું જેમા અલગ અલગ મોંઘી ગાડીઓ હતી.સિક્યુરિટી માટે અલગ એક કેબિન હતી અને બંગલા તરફ જવા માટે સુંદર આરસની પગદંડી હતી.

બે માળના વિશાળ અને સુંદર બાંધકામ ધરાવતા બંગલાને જોઇને સિલ્વી ખૂબજ ભાવુક થઇ ગઇ.તેનું હંમેશાંથી એક સપનું હતું કે તેનું પણ એક આવો બંગલો હોય પણ તેને ખબર હતી કે તેનું આ સપનું ક્યારેય પુરું નહીં થાય.તે જેવી દરવાજા પાસે ગઇ સુંદર કોતરણી વાળો દરવાજો નોકરે તેના બેલ વગાડ્યા વગર જ ખોલ્યો.

સિલ્વી અંદર ગઇ.અંદરનું આલિશાન ઇન્ટીરીયર જોઇને તેને હવે આશ્ચર્ય ના થયું કેમ કે છેલ્લી દસ મિનિટથી તેની આંખો એકદમ ભવ્યતા જોવા ટેવાઇ ગઇ હતી.
"મેમ,ટી,કોફી ઓર કોલ્ડડ્રિંક."એક નોકરે આવીને ખૂબજ સભ્યતાથી પૂછ્યું.

"નથીંગ."બંગલાની ભવ્યતા જોવામાં વ્યસ્ત સિલ્વીએ ના કહી.

"કે હાર્ડ ડ્રિન્ક?"સીડી ઉતરી રહેલા સાઇઠ વર્ષના પુરુષે પૂછ્યું.

"નો નો,નો હાર્ડ ડ્રિન્ક.હું મિટિંગ માટે આવી છું."સિલ્વીએ તે તરફ જ જોયા વગર જ કહ્યું.અચાનક સિલ્વીનું ધ્યાન તે તરફ ગયું.અચાનક તેનું ધ્યાન સીડી તરફ જતાંછોભીલી પડી ગઇ અને તે તેમને જોવામાં લાગી ગઇ. તેમણે બ્લુ કલરનું શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું.તેમની પર્સનાલિટી એકદમ પ્રભાવશાળી હતી.તેમના વાળમાં ક્યાંક ક્યાંક સફેદી દેખાતી હતી.હાથમાં બ્રાન્ડેડ વોચ હતી અને ચહેરા પર ફિક્કુ સ્માઇલ.તે હતા સેમ્યુઅલ માર્ટિન બોલીવુડના જાણીતા પ્રોડ્યુસર.

સિલ્વી તેમને જોતી જ રહી ગઇ.અહીં સેમ્યુઅલના ધ્યાનમાં આ વાત આવતા તેમણે ખોંખારો ખાધો.આટલા મોટા બંગલામાં સેમ્યુઅલ એકલા રહેતા હતાં.બોલીવુડની મોટાભાગની ફિલ્મો તેમણે પ્રોડ્યુસ કરી હતી પણ તે લોકો સામે આવવાનું ટાળતાં.તે પાર્ટીઓમાં ,શુટીંગમાં કે મુહૂર્તમાં લગભગ નહતા જતાં.તેમના હાથમાં હંમેશાં દારૂનો ગ્લાસ રહેતો પણ આજે એક સ્ત્રી મિટિંગ માટે આવવાની હતી એટલે તેમણે સવારથી પીધું નહતું.તે નીચે આવીને સિલ્વી સામે બેસ્યા.તે કઇ બોલે તે પહેલા જ અચાનક બહાર કઇંક જોરદાર અવાજ આવ્યો.સિલ્વી ડરી ગઇ જ્યારે સેમ્યુઅલના ચહેરા પર ચિંતાની રેખાઓ ખેંચાઇ આવી.

સિલ્વી અને સેમ્યુઅલ માર્ટિનની મિટિંગ કેવી રહેશે ?
શું થયું હશે ભૂતકાળમાં ?
રિયાન માર્ટિન અને સેમ્યુઅલ માર્ટિન વચ્ચે શું સંબંધ હશે?

જાણવા વાંચતા રહો.