હત્યાનો ભેદ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હત્યાનો ભેદ

હત્યાનો ભેદ

-રાકેશ ઠક્કર

ઘરડાઘરમાં આજે હલચલ મચી ગઇ હતી.

એક વૃધ્ધ યુગલે જીવનનો અંત લાવી દીધો હતો. થોડા મહિનાઓ પહેલાં જ ગંગાબેન અને સીતારામના જીવનના અંતિમ વર્ષો ચાલી રહ્યા હતા ત્યારે એમનો આધુનિક જમાનાનો દીકરો જ ઘરડાઘરમાં મૂકી ગયો હતો. ત્યારે કોઇને કલ્પના ન હતી કે બંને ઝેર ખાઇને જીવન ટૂંકાવી દેશે. તેમની આત્મહત્યાથી બાજુના રૂમમાં રહેતા રંજનબેન- પ્રકાશભાઇ હેબતાઇ ગયા હતા. ગંગાબેન અને સીતારામ સાથે તેમના સારા સંબંધો હતા. બંને એકબીજા સાથે સુ:ખ – દુ:ખની વાતો કરતા હતા. બંને અલગ કારણોથી ઘરડાઘરમાં આવ્યા હતા. ગંગાબેન અને સીતારામની પાસે અઢળક દોલત હતી પણ એમને પુત્ર એક રૂપિયો આપતો ન હતો. બધી જ મિલકત નાલાયક પુત્રએ પચાવી પાડી હતી. તેમને રસ્તા પર લાવી દીધા હતા. ના છૂટકે તેમણે ઘરડાઘરમાં આશરો લેવો પડ્યો હતો. જ્યારે રંજનબેન- પ્રકાશભાઇનો પુત્ર એટલો ગરીબ હતો કે પોતાના મા-બાપનું ભરણપોષણ કરવા સક્ષમ ન હતો. બંને પોતાના પુત્ર પર ભારરૂપ ના બને એવા આશયથી ટ્રસ્ટ સંચાલિત આ ઘરડાઘરમાં આવ્યા હતા.

મિત્ર જેવા થઇ ગયેલા ગંગાબેન-સીતારામના યુગલને ગુમાવ્યાનો અફસોસ એમના ચહેરા પર દેખાતો હતો. એ સાથે મોં પર એક ડર દેખાતો હતો. તેમને ઘરડાઘરના સંચાલક દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે રાત્રે તેઓ મળ્યા હતા અને જમવાનો સમય થયો એટલે રોજની જેમ પોતાની રૂમમાં જતા રહ્યા હતા. શરીરે સ્વસ્થ હતા પણ પુત્રના ત્રાસથી પરેશાન હતા. બે દિવસ પહેલાં જ પુત્ર એમને મળવા આવ્યો હતો. એ તેનાથી દુ:ખી હતા. સવારે પ્રકાશભાઇ ચાલવા જવા માટે એમની રૂમ પર ગયા ત્યારે જમવાની થાળીઓની બાજુમાં જ બંનેની લાશ પડી હતી. તેમના મોતનો રંજનબેન- પ્રકાશભાઇને મોટો આઘાત લાગ્યો હતો એ બધાં સમજી શકે એમ હતા.

પોલીસ તપાસ દરમ્યાન ગંગાબેન અને સીતારામના ભોજનમાં વિષ હોવાનું બહાર આવ્યું હતું. પણ એ પહેલાં મરનાર સીતારામના ઝભ્ભામાંથી ઝેરની પડીકી મળી આવતાં એ સાબિત થઇ ગયું હતું કે બંનેએ જાતે જ ભોજનમાં ઝેર નાખી જીવનનો અંત લાવી દીધો હતો. તેથી ઘરડાઘરમાં ભોજનાલય ચલાવતા માણસની સામાન્ય પૂછપરછ જ કરવામાં આવી હતી. ગંગાબેન અને સીતારામના પુત્રએ પહેલાં તો એમની લાશો સ્વીકારવાની ના પાડી દીધી હતી. પણ પોલીસની સમજાવટથી એમણે સ્વીકારી હતી.

ગંગાબેન અને સીતારામના મૃત્યુ પછી તેમના પડોશી રંજનબેન અને પ્રકાશભાઇ ગૂમસૂમ રહેતા હતા. એક સપ્તાહ પછી તેમણે ઘરડાઘર છોડી જવાનો નિર્ણય કર્યો. ઘરડાઘરમાં રાત્રે તેમને ગંગાબેન અને સીતારામના ભૂત દેખાતા હતા. તે ડરી ગયા હતા. તેમને બીજા રૂમમાં રહેવાની ઘરડાઘરના સંચાલકે વ્યવસ્થા કરવાની વાત કરી આપવાનું કહ્યું અને ભૂત-પ્રેત મનનો વહેમ હોય છે એવું સમજાવ્યું. પણ એ બહુ ડરી ગયા હતા. સંચાલકને થયું કે રંજનબેન અને પ્રકાશભાઇ ભૂત હોવાની વાતને વળગી રહેશે અને બીજા લોકોને પણ એવો વહેમ ઊભો થશે તો ઘરડાઘરની પ્રતિષ્ઠા બગડશે. તેમણે રંજનબેન અને પ્રકાશભાઇને ઘરડાઘર છોડવાની રજા આપી દીધી.

એક મહિનો વીતી ગયો હતો. ઘરડાઘરમાં ગંગાબેન અને સીતારામના મૃત્યુની વાત ભૂલાઇ ચૂકી હતી. એક દિવસ સંચાલકે કોઇ કારણથી ઘરડાઘરનું વિઝિટ રજીસ્ટર જોયું ત્યારે એ ચોંકી ગયા. તેમણે કંઇક નક્કી કર્યું. તે રંજનબેન અને પ્રકાશભાઇએ લખાવેલા એમના પુત્રના ઘરના સરનામે પછાત વિસ્તારની એક ચાલીના રૂમમાં પહોંચ્યા. ત્યારે જાણવા મળ્યું કે રંજનબેન અને પ્રકાશભાઇ તો એક મહિના પહેલાં જ પુત્ર સાથે રૂમ ખાલી કરી ગયા હતા. તેમને રંજનબેન અને પ્રકાશભાઇનું નવું સરનામું મળ્યું. એમણે શહેરના પોશ વિસ્તારમાં ફ્લેટ ખરીદી લીધો હતો. સંચાલકને થયું કે એમના પુત્રને લોટરી લાગી નહીં હોય ને? તેમને કોઇ શંકા જતાં પોલીસમાં જાણ કરી. પોલીસે રંજનબેન અને પ્રકાશભાઇના ફ્લેટ પર જઇ તપાસ કરી અને સઘન તપાસમાં જાણવા મળ્યું કે ગંગાબેન અને સીતારામના મૃત્યુના બીજા જ દિવસે એમના બેંકના ખાતામાં મોટી રકમ જમા થઇ હતી. પોલીસે પુરાવાઓ એકઠા કરીને રંજનબેન અને પ્રકાશભાઇ સાથે ગંગાબેન અને સીતારામના પુત્ર વિરુધ્ધ હત્યાનો ગુનો દાખલ કરી દીધો. પોલીસે સંચાલકની બુધ્ધિ કુશળતા માટે આભાર માન્યો.

ગંગાબેન અને સીતારામની હત્યાનો ભેદ ઘરડાઘરના વિઝિટ રજીસ્ટર પરથી ઉકેલાયો હતો. એક દિવસ ગંગાબેન અને સીતારામનો પુત્ર એમને મળવા આવ્યો હતો અને એમના નામનું વીલ બનાવવા કહ્યું હતું. જેથી વારસો બીજાને ના મળી જાય. ત્યારે તેણે રંજનબેન અને પ્રકાશભાઇ વિશે જાણ્યું હતું. તેણે એક યોજના બનાવી કાઢી હતી અને ફરીથી એ રંજનબેન અને પ્રકાશભાઇને જ મળવા આવ્યો હતો. અને ઝેરની પડીકી આપી ગયો હતો. રજીસ્ટરમાં બીજી વખત રંજનબેન અને પ્રકાશભાઇને મળવાની નોંધ જોઇ સંચાલકને નવાઇ લાગી હતી. ગંગાબેન અને સીતારામના મોત પછી ભૂતને કારણે તે ઘરડાઘર છોડી ગયા એ વાત હવે કોઇ ઇશારો કરતી હતી. સીતારામનો પુત્ર મોતના બે દિવસ પહેલાં રંજનબેન અને પ્રકાશભાઇને મળ્યો એ બાબત શંકા ઉપજાવી ગઇ. અને પ્રકાશભાઇ ચાલીની રૂમમાંથી ફ્લેટમાં રહેવા જતા રહ્યા હોવાની તપાસ પછી પાકું થઇ ગયું કે એમણે જ ઝેર આપ્યું હોવું જોઇએ. પોલીસની કડક તપાસમાં રંજનબેન અને પ્રકાશભાઇએ ગરીબીથી ત્રાસીને પોતાના પુત્રના સોનેરી ભવિષ્ય માટે પૈસાની લાલચમાં ગંગાબેન અને સીતારામના પુત્રની મદદથી ઝેર લાવીને આપ્યું હોવાની કબૂલાત કરી લીધી. સંચાલકને થયું કે એક પુત્રને તેના મા-બાપથી છૂટકારો જોઇતો હતો અને એક મા-બાપને પોતાના પુત્રને સુખી કરવો હતો. હવે ઘરડાઘરને બદલે જેલમાં જિંદગી પૂરી કરવી પડશે.

***