ભાગ ચાર
આજનો શબ્દ છે, " ઋણ "
ગમે તે વ્યક્તિ કે,
ગમેતે વ્યક્તિના, દિલનો દરવાજો ખોલવા માટેની સાંકળ.
હદયને ઝંઝોડી, એક માણસને બીજા માણસ પ્રત્યે, પ્રેમનો ભાવ જન્માવી,
એકબીજાની નજીક લાવતા " સેતુ " સમાન કવિતા, કે જે,
શું છે ?
તે નહીં, પરંતુ.....
શું હોવું જોઈએ ? એ સમજાવતી મારી આ રચના કવિતા રૂપે.
સમગ્ર માનવજાત, અને આખી સૃષ્ટિનું
નિર્માણ અને સંચાલન કરતા સર્જનહાર એવા,
હે પરમકૃપાળુ પરમાત્મા,
તમે મને એક મનુષ્ય તરીકેનું જીવન પ્રદાન કરવા,
મારી મા ની યોનીમાં,
એક અંશ તરીકે મૂકનાર એવા,
હે પ્રભુ, હે પરમાત્મા
હું તમારો, સૌથી પહેલો અને સૌથી મોટો ઋણી છું.
નવ મહિના સુધી મને ઉદરમાં રાખી,
પોતે અસહ્ય પીડા સહન કરી ને પણ,
મને આ દુનિયામાં લાવનાર, ને મારી કાળજી રાખતી એવી
હે મારી વ્હાલી જનેતા,
હું તારો પણ આજીવન ઋણી છું.
મારી સાથે-સાથે, આખા પરિવારનું પણ
પાલન-પોષણ અને ભરણ-પોષણ કરી,
મને લાડકોડથી મોટો કરતા,
ને નિસ્વાર્થ પ્રેમ આપતા એવા,
મારા વ્હાલા પિતા,
હું તમારો પણ એટલો જ ઋણી છું.
મારા સુખી જીવન, અને લાંબા આયુષ્ય માટે,
સાફ દિલની લાગણીને,
જુગ-જુગ જીવોના આશીર્વાદ સાથે,
મારા કાંડે રાખડી બાંધી,
સદાય મારું ભલું ઈચ્છતી, એવી
હે મારી લાડકી બહેન,
હું તારો પણ ઋણી છું.
તકલીફ પડે ત્યારે અડધી રાત્રે,
ને અવાર-નવાર આવતા જતા રહી,
દિલથી મારી ખબર-અંતર પૂછતા એવા,
કે જેના વગર હું અધૂરો છું, એવા
મારા વ્હાલા ભાઈ
હું તારો પણ એટલો જ ઋણી છું.
મારા ઉજ્જવળ ભવિષ્ય માટે,
સતત મારામાં જ્ઞાનનો સંચાર કરતા, ને મને
સદાય આગળ વધવાની હિંમત આપી,
સાચો રસ્તો બતાવતા એવા,
આદરણીય મારા ગુરુજીને, કોટિ-કોટિ વંદન સાથે, કે
હે મારા ગુરુજી
હું તમારો પણ એટલોજ ઋણી છું.
મારા પ્રત્યેક સુખ અને ખુશીમાં મારી પાછળ,
ને
મારા કપરા દુઃખમાં આગળ રહેતા, ને
ભાઈથી પણ અધિક પ્રેમ આપતા, તેમજ
મારા ગમે તેવા કપરા સમયમાં પણ,
ખડે પગે ઊભા રહી, વફાદારી નિભાવતા એવા,
મારા સર્વે વ્હાલા મિત્રો,
હું તમારો પણ, એટલો જ ઋણી છું.
જીવનમાં, રોજી-રોટી માટે કરેલ નોકરી, ધંધો કે રોજગારમાં,
મને પ્રત્યક્ષ કે પરોક્ષ, કામ આપનાર અપાવનાર એવા,
બધાજ વેપારી, શેઠ કે ગ્રાહક મિત્રો,
એ તમામે તમામ લોકોના, દિલથી આભાર સાથે,
હું તેમનો પણ ઋણી છું.
સાથે-સાથે
પૃથ્વી પર મનુષ્ય જીવન જેના થકી ટક્યું છે, એવા
ધરતી, આકાશ, વાયુ અને પાણી,
એ ચારેય દેવોનો,
હું આજીવન ઋણી રહીશ.
મારા અંતે અને મારી છેલ્લી ઘડીએ,
મહાપરાણે, ને અનિચ્છાએ પણ,
કુદરત અને વિધિના વિધાન ને નજર સામે રાખી, સમજી
મને પોતાના ખભે ઉંચકી,
સ્મશાન સુધી પહોંચાડનાર, અને
મારી યાદોમાં આંસુ સારનાર એવા,
મારા જાણ્યા-અજાણ્યા,
સર્વે શુભ-ચિંતકોનો, તો હું,
હંમેશને માટે, ઋણી રહીશ.
હવે ખાસ અગત્યની વાત.
પોતાનાં ઘર, પરિવાર, મિત્રો ને બધીજ જૂની યાદો, સંભારણા છોડી ને,
મારા પરિવારને પોતાનો માની, મારા પર વિશ્વાસ મૂકી,
મને એક પતિ તરીકે સ્વીકારી,
સતત મારા ઘર, મારા પરિવારની આબરૂ વધારી,
મારું કુળ રોશન કરનાર,
સાથે સાથે, એટલાજ.....
પ્રેમ અને ઉત્સાહથી, મારી દરેક વાતમાં
મને પૂરેપૂરો સાથ, સહકારને માર્ગદર્શન આપનાર,
મારી કોઈપણ કપરી પરિસ્થિતિમાં,
આર્થિક, સાંસારિક કે શારીરિક,
પુરો સહકાર આપી, ઘરની વાત ઘરમાંજ રાખી, કાયમ મારી આબરૂ જાળવતી, એવી
મારી ના બોલેલી વાતને પણ સમજી લેતી,
મારી જીવનસંગિની, મારી પત્ની,
તુજ મારૂ જીવન છો.
તારા વગર હું, કંઈજ નથી.
તારો તો હું, હરહંમેશને, સાતભવ સુધી ઋણી છું, અને રહીશ.
વાચક મિત્રો, મારી આ રચના તમને કેવી લાગી ?
એનો પ્રતિભાવ તમે જરૂરથી આપશો, એ વિશ્વાસ સાથે,
શૈલેશ જોષી.