(રિયાન અને કિઆરાનો થયો આમનોસામનો.કિઆરાએ રિયાનને સબક શીખવાડ્યો.વિન્સેન્ટની ગેરહાજરી કિઆરા અને એલ્વિસ બંનેને ખલી તેમણે તેને મહામહેનતે શોધી કાઢ્યો.વિન્સેન્ટનો અહાના પ્રત્યેનો પ્રેમ જોઇને કિઆરાએ તેની મદદ કરવાનો નિર્ણય લીધો.કિઆરાનું એલ્વિસના ઘરમાં નવવધુ જેવું સ્વાગત થયું.વિન્સેન્ટ તે બંનેને તેમનો બેડરૂમ જોવા લઇ ગયો.જે તેણે બનાવ્યો હતો કઇંક ખાસ રીતે)
કિઆરા અને એલ્વિસ તેમનો બેડરૂમ જોવા માટે આતુર હતાં. એક અઠવાડિયા પછી એલ્વિસ તેનો બેડરૂમ જોવાનો હતો.બેડરૂમ જોઇને એલ્વિસ અને કિઆરાની આંખો આશ્ચર્યથી કે સુખદ આંચકાથી પહોળી થઇ ગઈ.
એલ્વિસના બેડરૂમની બાજુમાં જે ગેસ્ટ બેડરૂમ હતો તેને કિઆરાના બેડરૂમમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.બેડરૂમના દરવાજાની ડિઝાઇન એ રીતે કરવામાં આવી હતી જેમ કે એક કબાટમાં બે દરવાજા હોય અને તે જે રીતે ખુલે એક જમણી બાજુએ તો બીજો ડાબી બાજુએ તે રીતે તે બંને દરવાજા ખુલતા હતાં.તે બંને દરવાજા પર એક હાર્ટ દોરવામાં આવ્યું હતું.ઉપર લાકડાની સુંદર કોતરણી વાળી લંબચોરસ ફ્રેમ પર લખવામાં આવ્યું હતું.
"Way to Elvis and Kiara's heart."
એલ્વિસના બેડરૂમના દરવાજા પર ઓન્લી કિઆરા અને કિઆરાના બેડરૂમ પર ઓન્લી એલ્વિસ એવું લખ્યું હતું.
"વાહ."કિઆરા અને એલ્વિસ બંનેના મોઢામાંથી એકસાથે આ ઉદગાર નીકળ્યો.
"ચલો અંદર,આ તો શરૂઆત છે.તમે બંને પોતપોતાના બેડરૂમમાં જાઓ."વિન્સેન્ટે કહ્યું.
એલ્વિસ અને કિઆરા તેમના હ્રદયના દરવાજા ખોલીને પોતપોતાના બેડરૂમમાં ગયાં.બંને બેડરૂમને જોડતી જે દિવાલ હતી તેને તોડી નાખવામાં આવી હતી અને તેની જગ્યાએ મજબૂત પારદર્શક કાચ લગાવવામાં આવ્યો હતો.તેમનો બેડ ગોળાકાર હતો.બંનેના બેડરૂમમાં એલ્વિસ અને કિઆરાના નાના મોટા ફોટોગ્રાફ્સ હતાં.બેડરૂમમાં દિવાલો પર રોયલ શાઇનીંગ વ્હાઇટ કલર કરવમાં આવ્યો હતો.
તે સિવાય બંનેના બેડરૂમમાં વોર્ડરોબ્સ,બાથરૂમ,ચેન્જીંગ રૂમ હતો.કિઆરાની મોટી મોટી ચાર બેગો આવી ગઇ હતી.તે સિવાય અમુક મોટા બોક્ષ પણ હતાં.કિઆરાનો સામાન જોઇને વિન્સેન્ટ અને એલ્વિસને ચક્કર આવ્યાં.
"તો એલ્વિસ અને કિઆરા,હેપી ન્યુ લાઇફ.આજથી તમારી એક અલગ જ પ્રકારની નવી જિંદગી શરૂ થઇ રહી છે.હું આશા રાખું છું કે તમે તમારા બંનેનો ફિઝીકલ ના થવાનો નિર્ણય યાદ રાખશો.હું નથી ઇચ્છતો કે મારા બંને ખાસ વ્યક્તિ પર લોકો ગંદી ટિપ્પણીઓ કરે..આ કાચના કારણે તમે અલગ અલગ બેડરૂમમાં હોવા છતા એકબીજાની સાથે હોવાનો અહેસાસ કરી શકશો.ચલો,હું નીકળું"વિન્સેન્ટે કહ્યું.
કિઆરા અને એલ્વિસ વિન્સેન્ટને ગળે લાગી ગયા.તેને થેંકયુ કહીને તેના આ વિશેષ પ્રેમને તે બંને ગાળ દેવા નહતા માંગતાં.વિન્સેન્ટ ત્યાંથી જતો રહ્યો પણ જતાં જતાં બાલ્કની પણ એકવાર જોઇ લેવાનું કહ્યું.એલ અને કિઆરા બાલ્કનીમાં ગયાં.બાલ્કનીમાં એક સુંદર ટેબલ સજાવેલું હતું જેમા કેક અને બે ઢાંકેલા બાઉલ અને એક કેસરોલ જેવું હતું.સાથે એક શેમ્પેઇનની બોટલ હતી.
"વાહ,તેને કેવીરીતે ખબર પડી કે પાર્ટીમાં આપણે બિલકુલ જમ્યા નથી."કિઆરાએ કહ્યું.
"એટલે જ તે વિન્સેન્ટ છે.તેના વગર મારું જીવન અધુરું છે.મારા બોલ્યા વગર જ તે મારી વાત સમજી જાય છે.ચલ,સેલિબ્રેશન કરીએ આપણા પ્રેમનું,માત્ર આપણે બે જ."એલ્વિસ કિઆરાને લઇને ગયો.
તેમણે કેક કટ કરી,સેલ્ફી પાડી,શેમ્પેઇનની બોટલ ખોલી તેની છોળો ઉડાડીને પોતાના પ્રેમનું સેલિબ્રેશન કર્યું.જો કે તેમણે તે પીધું નહીં.ડિનર કર્યા પછી એલ્વિસે સોફ્ટ રોમેન્ટિક સોંગ પોતાના મોબાઇલમાં ચાલું કર્યું અને કિઆરાની સાથે તેના આલિંગનમાં ખોવાઇ જઇને હળવો રોમેન્ટિક ડાન્સ કર્યો.
"ચલ,સુઇ જઇએ.કાલથી આપણે આપણા નવા જીવનની શરૂઆત કરવાની છે પણ તારે કોલેજ અને મારે નવો એક પ્રોજેક્ટ છે."એલ્વિસે કિઆરાના કપાળે ચુંબન કર્યું.
એલ્વિસ પોતાનસ બેડરૂમ તરફ આગળ વધ્યો.તેણે કિઆરાનો હાથ પકડ્યો હતો પણ કિઆરા આગળ ના વધી.
"એલ,મારે તમને કિસ કરવી છે.આપણે એકબીજાની સાથે ફિઝીકલ ના થઇ શકીએ પણ કિસ તો કરી શકીએને?"કિઆરાએ પૂછ્યું.
"ઓહ માય ડાર્લિંગ,અફકોર્સ હું પણ તારા આ હોઠોને ચુમવા માંગુ છું.તારા પ્રેમનો સુખદ અહેસાસ માણવા માંગુ છું પણ કઇંક છે જે મને રોકે છે.જેના વિશે હું તને હવે જણાવીશ.તે સિવાય તારા મનમાં હજારો પ્રશ્નો ઉઠતા હશે કે અા રિયાન કોણ છે?તે પણ તને જણાવીશ.હું તને મારા ભૂતકાળ વિશે જણાવીશ."એલ્વિસે કહ્યું.
"એટલું તો હું સમજી ગઇ છું કે રિયાન તમને હેરાણ કરવા જ આવ્યો છે.ખેર તેના વિશે વાત કરીને આપણો આટલો સારો દિવસ હું બગાડવા નથી માંગતી.એલ,હજી કેટલા રહસ્યમયી લોકો છુપાવીને રાખ્યા છે ભૂતકાળમાં.કોઇ ગર્લફ્રેન્ડ તો નથી છુપાવીને રાખીને ભૂતકાળમાં જે અચાનક આવીને આ રિયાનની જેમ ઊભી રહી જાય."કિઆરાએ હસીને પૂછ્યું.
એલ્વિસ કિઆરાની વાત પર ગંભીર થઇ ગયો.તેની આંખોની સામે સિમાનો ચહેરો આવી ગયો હતો.તે સિમા જ હતી જેણે તેને પહેલી વાર પ્રેમનો અહેસાસ કરાવ્યો હતો.તે સિમા જ હતી જેના માટે તે પાગલ થયો હતો.
"હા કિઆરા,કોઇ હતું જેને હું ખૂબજ પ્રેમ કરતો હતો.તે મને છોડીને જતી રહી હતી.તેનું નામ સિમા હતું પણ તે મારા ભૂતકાળનો ભાગ હતી.મારું વર્તમાન અને ભવિષ્ય તું જ છો."એલ્વિસે ગંભીર થઇને કહ્યું.
કિઆરાએ એલ્વિસના બંને ગાલ પર કિસ કરી અને હસી.તે બંને પોતપોતાના રૂમમાં જતા રહ્યા.કિઆરા કપડાં બદલવા ચેન્જીંગ રૂમમાં ગઇ.થોડીક વાર પછી તે શોર્ટ્સ અને સ્પેગેટી ટીશર્ટ પહેરીને આવી.એલ્વિસે પણ કપડાં બદલીને ટીશર્ટ અને ટ્રેક પેન્ટ પહેર્યા હતાં.કિઆરાને આ અંદાજમાં એલ્વિસ જોતો જ રહ્યો.કિઆરા અને એલ્વિસ પોતપોતાના બેડ પર એકબીજાને જોતા જોતા સુવાનો પ્રયત્ન કરી રહ્યા હતાં પણ કિઆરાને ઊંઘ નહતી આવી રહી.તે બહાર નીકળીને બાલ્કનીમાં આવીને ઊભી રહી ગઇ.ઠંડી હવાની લહેર આવીને તેના ચહેરાને સ્પશર્તી હતી અને તેના વાળને હવામાં લહેરાવી રહી હતી.અચાનક તેની કમર ફરતે પાછળથી બે હાથ વીંટળાઇ ગયાં.એલ્વિસે તેને પાછળથી પોતાના આલિંગનમાં જકડી લીધી હતી.
"શું થયું?ઊંઘ નથી આવતી?"તેણે કિઆરાની ગરદનની સુવાસને પોતાના અંદર લેતા કહ્યું.
"ના,ઘણીવાર તમે એટલા ખુશ હોવને કે તે ખુશી તમને સુવા ના દે.મારીસાથે આજે એવું જ થયું.હું એટલી ઉત્સાહિત થઇ ગઇ કે વાહ અંતે હું મારા ઘરે છું.જ્યાં મારો પ્રેમ,મારું જીવન અને મારું ભવિષ્ય છે.તમારા વગર મારું અસ્તિત્વ અધુરું હતું અને જે દિવસે તમારા પ્રેમને પામીશ.તે દિવસે તે સંપૂર્ણ થશે."કિઅારાએ કહ્યું.
"આવું કેવીરીતે ચાલશે?ઊંઘવું તો પડશેને?"આટલું કહીને એલ્વિસે કિઆરાને પોતાના બે હાથમાં ઊંચકીને અંદર તેમના બેડરૂમની બહાર સોફા પર બેસાડી અને તેની બ્લેંકેટ લઇ આવ્યો.તેણે કિઆરાને પોતાના આલિંગનમાં લીધી અને તે બ્લેંકેટમાં તે બંને એકબીજાની હુંફમાં ,એકબીજાના આલિંગનમાં સુઇ ગયાં.
"કિયુ,આવું રોજ રોજ નહીં ચાલે.રોજ તારે તારા બેડરૂમમાં આરામથી સુવું પડશે.ગુડ નાઇટ."એલ્વિસે કહ્યું.કિઆરા ઘસઘસાટ સુઇ ગઇ હતી.એલ્વિસ હસી પડ્યો.
******
અકીરાને સિમા વિશે હિરેને જણાવ્યું કે તે એલ્વિસનો પહેલો પ્રેમ હતી અને તે એલ્વિસને પૈસા માટે છોડીને જતી રહી હતી.તેણે સિમાને શોધવા ઘણાબધા રૂપિયા ખર્ચી નાખ્યા પણ તેને સિમા વિશે કઇં જ ખબર ના પડી.
"મા,આ સિમાનો તો ક્યાંય અતોપતો નથી.જો તે ના મળી તો હું કિઆરા અને એલ્વિસને અલગ કેવીરીતે કરીશ?કિઆરાની અકડ તોડવા મારે સિમા મળે તે પહેલા કઇંક કરવું પડશે?"અકીરા ગુસ્સામાં બોલી.
"મારી પાસે એક સાવ સીધો,સરળ અને અસરકારક રસ્તો છે.આ જો જે વસ્તુ એલ્વિસ છુપાવવા માંગે છે તે અાપણે જાહેર કરવાનું છે અને તેના માટે આનાથી વધારે સારી જગ્યા કોઇ ના હોઇ શકે.તે કિઆરાને એવી બેઇજ્જત કરીશુંને કે તે ક્યાંય તેનું મોઢું નહીં દેખાડી શકે."મધુબાલાએ કહ્યું.તેણે મોબાઈલમાં કઇંક બતાવ્યું.
"વાહ,જ્યાં સુધી સિમા ના મળે ત્યાંસુધી આ ખૂબજ સરસ અને સરળ રસ્તો છે."અકીરાએ કહ્યું.
******
આયાન અને અહાના એકબીજાને ગળે લાગેલા હતાં.ક્યાંય સુધી એમ જ રહ્યા બાદ તે બંને એકબીજાથી અળગા થયાં.આજે પહેલી વાર અહાનાને આયાને ધ્યાનથી જોઇ.કિઆરાની સરખામણીમાં તે થોડીક ઓછી સુંદર હતી પણ તેનો ચહેરો ખૂબજ માસુમ હતો.તે થોડીક ભરાવદાર શરીરવાળી પણ ક્યુટ લાગતી હતી.તેના હોઠ એકદમ ભરાવદાર અને લાલ હતાં.
આયાન તેની મોટી,ગોળ અને અત્યારે રડીને લાલ થયેલી આંખોને જોઇ રહ્યો હતો.પોતાના હાથેથી તેના આંસુ લુછ્યાં.તેણે તેને પાણી આપ્યું.તેને શું બોલવું તે સમજાયું નહીં એટલે તે એક પ્લેટમાં ડિનર લઇને આવ્યો.
"ખાઇ લે.ભૂખ્યા રહેવાથી દુઃખ દૂર નથી થવાનું."આયાન માત્ર આટલું જ બોલ્યો.
"આ વાત તો તારા પર પણ લાગું પડે.તું જમ તો જ હું જમીશ."અહાનાએ જવાબ આપ્યો.
"સારું,સાથે જમીએ."આયાને કહ્યું.તે બંને એક જ થાળીમાંથી જમ્યાં.જમતા જમતા તેમના હાથનો સ્પર્શ થતાં એકબીજાની આંખમાં જોઇ રહ્યા.
"તું એકલી આવી છે?"આયાને પૂછ્યું.
"ના,વિન્સેન્ટ લેવા આવ્યાં હતાં.તે મુકી પણ જવાના છે.ખબર નહીં ક્યાં ગયા?મારે ઘરે જવું છે."અહાનાએ કહ્યું.
"હું મુકી જઉં?મારે પણ ઘરે જવું છે.તારું અને મારું ઘર એક જ સાઇડ છે.બની શકે વિન્સેન્ટને ઘણું કામ હશે.તો તેમને મોડું થાય."આયાને કહ્યું.
અહાના આયાનની સાથે નહતી જવા માંગતી.તે પોતાની જાતને વધુ તકલીફ આપવા નહતી માંગતી.તેણે બહાનું બનાવ્યું કે તે વિન્સેન્ટ સાથે જ જવા માંગે છે પણ આયાને તેને ભાર દઇને કહ્યું.
"પ્લીઝ,ચલને તું સાથે હોઇશ તો સારું લાગશે.હું અત્યારે ખૂબજ ડિસ્ટર્બ છું.તારો સંગાથ હશે તો લાંબો રસ્તો સરળતાથી કપાઇ જશે."આયાને કહ્યું.
અહાના કિઆરાને બાય કહીને ઘરે જવા નીકળી ગઇ.આયાન અને અહાના વચ્ચે આખા રસ્તે કોઇ જ સંવાદ ના થયો.ગાડીમાં ચાલી રહેલા રોમેન્ટિક ગીતો તેમની વચ્ચે એક ખચકાટભરી પરિસ્થિતિ સર્જી રહ્યા હતાં.અંતે અહાનાનું ઘર આવી ગયું.
"બસ અહીં ઉતારી દે.અંદર ગલીમાં તને ટર્ન લેવામાં તકલીફ થશે."અહાના આટલું કહીને ગાડીમાંથી બહાર નીકળી ગઇ.આયાન ગાડીમાંથી બહાર આવ્યો.તેણે અહાનાનો હાથ પકડી લીધો.તેને ગળે લાગી ગયો.
"થેંક યુ.મારી સાથે આવવા માટે,મને ખોટું પગલું ભરતા રોકવા માટે,મારી એકલતાને ખોટા રસ્તે ભટકતા રોકવા માટે."આયાને અહાનાની સામે જોતા કહ્યું.તેણે આસપાસ જોયું.ગલી અત્યારે સુમસામ હતી.કોઇની અવરજવર નહતી.આસપાસ જોઇને આયાને કઇંક એવું કર્યું જે અહાનાને આંચકો અપાઇ ગયું.આયાને અહાનાના ચહેરાને પકડીને તેના હોઠો પર પોતાના હોઠ મુકી દીધાં.
શું પ્લાન હશે મધુબાલાનો કિઆરાને પરેશાન કરવાનો?
એલ્વિસના ભૂતકાળમાં શું હશે?
આયાનનું આ પગલું કોના કોના જીવનમાં તોફાન લાવશે?
જાણવા વાંચતા રહો.