Featured Books
શ્રેણી
શેયર કરો

શમણાંના ઝરૂખેથી - 12 - ગુંજે છે શમણાંનું સંગીત..

૧૨. ગુંજે છે શમણાંનું સંગીત..


...... સુહાસનો ચહેરો અને આઇસ્ક્રીમને લઈને નમ્રતાને 'રાધે હોટેલ'ની વળગેલી વ્યગ્રતા શાંત તો પડી ગઈ, પણ બીજા દિવસે સવારે ઉઠતાની સાથે સુહાસની યાદ આવી ગઈ! યાદોની સાથે ઘરનું કામ પણ ચાલ્યું અને દિવસ પણ પસાર થઈ ગયો.

રાતે સુહાસનો ફોન આવ્યો ત્યારે ખુશીનો કોઈ પાર નહોતો. ખરેખર એમની ઓફિસમાં કામ વધારે રહે છે એવી સ્પષ્ટતા પણ કરી. સંગીતના કલાસની પણ વાત નીકળી. ફરીના અઠવાડિયે પોતે આવશે એવી સુહાસની વાતથી નમ્રતાના હૃદયમાં છલકાતો ઉમળકો એણે વર્તાવા ન દીધો. ચોવીસ કલાકમાં પોતાની જાતને જાણે સાવ બદલી દીધી હોય તેમ તેણે પોતાની વાત આગળ વધારી..

" અવાય તો આવજો. બહુ કામ હોય તો કોઈ વાંધો નહીં.!"
"કેમ, તારી ઇચ્છા છે કે હું મળવા ન આવું?" સુહાસે કટાક્ષ કર્યો.
"આવજો ને! પણ, કામ પહેલું. ને હવે, તમને સરનામુય ખબર છે. આવી જજો."
"ઠીક છે. બે-ચાર દિવસમાં કામ હળવું પડે તો આવી જઈશ." સુહાસની વાતથી નમ્રતાને સારું પણ લાગ્યું.

આમ, ફોન વધારે તો ન ચાલ્યો. 'ગુડ નાઈટ' ના શબ્દોથી ફોન પૂરો થયો, પણ નમ્રતાએ મોડે સુધી એ વાતોને વાગોળ્યા કરી.

* * * * *

જોતજોતમાં બે દિવસ પણ પસાર થઈ ગયા. સંગીતના કલાસનો એક દિવસ પણ પસાર થઇ ગયો. ક્લાસ માટે ચાર દિવસ - એ પણ બે કલાક માટે જવાનું નક્કી થયું. એટલે કે બુધવારથી શનિવાર સુધી રોજે જવાનું. સમય ચાર થી છનો નક્કી થયો હતો. ડાન્સ માટેનો વિચાર હાલ પૂરતોતો બાજુએ જ મૂકી દીધેલ. નમ્રતાએ નિયમિતપણે ક્લાસમાં જવાનું અને ઘરે પણ પ્રેક્ટિસ ચાલુ રાખી. ગુજરાતી ગીતો અને ગઝલ પ્રત્યેનો લગાવ તો હતો જ. ઘરે હોય તો કામ કરતા કરતા મોબાઈલમાં કોઈ ગઝલ ચાલતી હોય તો ક્યારેક પોતે જ ગાતી હોય. કોઈપણ ગીતનો રાગ સેટ ન થતો હોય તો પચાસેક વખત તો એ ગીતને રીપીટ કરી સાંભળ્યા કરતી. આમ, એની પ્રેક્ટ્સ પણ ચાલતી રહી.

ઘરમાં કુલ ત્રણ જણ. સરયુબહેન અને સદાનંદભાઈ એ બે અને એમનું એકનું એક સંતાન એ નમ્રતા; એટલે ઘરમાં વધારે કામનું ભારણ તો હોય નહીં; અને મા-બાપનું પૂરેપૂરું ધ્યાન નમ્રતા માટે જ લાગેલું રહે. મમ્મી-પપ્પા બેઉને મન નમ્રતા એટલે એમનું સર્વસ્વ. નમ્રતા એટલે તેમનું ગર્વ - એમ કહીએ તો કંઈ ખોટું નહીં! નમ્રતાની સમજણ શક્તિ, પ્રેમભાવ અને સચ્ચાઈનો ગુણ જ જાણે તેનાં માં-બાપ માટે ઉત્સાહ પૂરતો હતો.

નમ્રતાના જન્મથી લઈને આજસુધી સદાનંદભાઈના ચહેરા પર ક્યારેય, ગમે તેવી કઠીન પરિસ્થિતિ હોય છતાંય, દુઃખની કરચલીઓ ઉપસી હોય કે બીજાની આંખે ચડી હોય એવું થયું નહોતું. એટલે જ નમ્રતાને કયારેય ખુદનો નિર્ણય લેવામાં મમ્મી-પપ્પાએ કોઈ રોકટોક તો કરવી નથી જ પડી, અને જો એવું કાઈ હોય તો મમ્મી-પપ્પાએ કયારેય ગુસ્સો કરીને એને સમજાવવી નથી પડી.

આવા સુંદર માહોલમાં નમ્રતાનાં ગીતો ગુંજયા કરતાં. રોજ સવારે નિયમિત પૂજા-પાઠ, મમ્મીને જોઈએ તેવી મદદ, બહારથી કાઈ વસ્તુ લાવવાની હોય કે મમ્મી સાથે બજારમાં જવાનું હોય, કે પછી કોઈ સામજિક પ્રસંગમાં જવાનું હોય; નમ્રતાના મુખ પર ક્યારેય આળસનો ભાવ નહોતો આવતો. એનામાં પોતાના મમ્મી-પપ્પાના બધા જ સારા ગુણો એકસાથે આવી ગયા હતા. એ જોઈને સદાનંદભાઈને પોતાની દીકરી માટે ખૂબ માન હતું. એટલે જ ઘરમાં કોઈ પણ વાતચીત ચાલતી હોય તો નમ્રતાની હાજરી અચૂક હોય જ; નહીતો એની હાજરીમાં વાતનો ઉલ્લેખ કરવાનો જ!

"નમ્રતાના પપ્પા, સાંભળો છો?" સાંજે ઘરે આવીને સોફા પર સદાનંદભાઈ બેઠા હતા ત્યારે સરયુબહેને પૂછ્યું, ''હું શું કહું છું? આપણે લગ્નની સામગ્રી, મહેમાનો નું લિસ્ટ બનાવવું વગેરેનું આયોજન શરૂ કરી દેવું જોઈએ. સમાજની વાડીનું તો નક્કી થઈ ગયું છે., બસ, બીજું જે જરૂરી હોય એ અત્યારથી પ્લાન કરી લેવાય ને?"

"હા, એ તો છે જ. પણ, જોને હમણાં સાંજે નમ્રતા ક્લાસમાંથી છૂટીને આવી જાય પછી આપણે બધું આયોજન વિચારીશુ. એનેય પૂછવું પડશે ને કે તેના કેટલા મિત્રો આવશે..., ને એનો અભિપ્રાય તો લેવાનો જ ને!

આમ થોડી ચર્ચાઓ ચાલી હશે ત્યાં નમ્રતા પણ આવી ગઈ.

"જુઓ, યાદ કરીને, તમારી લાડકી આવી પણ ગઈ." મમ્મીએ દરવાજા તરફ ધ્યાન દોર્યું.

મમ્મીના શબ્દો સાંભળી, નમ્રતાએ તરત જ પૂછ્યું, "કેમ મમ્મી, યાદ કરતા'તા? આ ટાઈમે તો હું આવી જ જાવ છું ને?

"કંઈ નહીં, એતો તારા મમ્મીને .. તને સાસરે મોકલવાની ઉતાવળ થઈ છે; એટલે તને યાદ કરી."

પોતાનાં પતીનાં શબ્દો સાંભળી નમ્રતાની મમ્મીએ થોડી આંખો ઊંચી કરી વળતું ચોપડાવી દીધું, "ચિંતા તો મારે કરવી પડે ને! તમારું ચાલે તો તમે નમ્રતાનાં લગ્ન જ ના કરો!"

"બસ, બસ..! બહુ થયું હવે! મારુ શું કામ હતું એ કહો." નમ્રતાએ મીઠા વિવાદને ઠારી દીધો. "અને શું તૈયારી કરવાની છે એ કહી દો."

આટલી વાત ચાલી એટલે સરયુબહેને પોતાની ગણત્રી પ્રમાણે ક્યારે શું શું ગોઠવણી કરવી, કોને આમંત્રણ આપવું વગેરે પોતાનાં પ્રશ્નો મુક્યા. કલાકેક ચર્ચા ચાલી.

ચર્ચા પત્યા પછી પણ નમ્રતાનું મન લગ્નની તૈયારીઓ, મહેમાનો, ગીત-સંગીત, રાસ-ગરબા, લગ્નની વિધિ ને પછી વિદાય સુધી પહોંચી ગયું. રાતે સૂતી વખતે; નમ્રતાના મનમાં સંગીત કે તેની પ્રેકટીસ નહીં, પણ જાણે લગ્નગીતો ને ઘરમાં એકઠા થયેલાં મહેમાનોની મજાક-મસ્તી અને પછી વિદાયનાં દ્રશ્યો ફરી વળ્યાં. મમ્મીના 'લગ્નને બે જ મહિના રહ્યા છે' એ શબ્દોએ થોડી વાર તો હૃદયનાં ધબકારા વધારી દીધા. પણ, મમ્મી સાથે મળીને 'શું શું તૈયારી કરવાની થશે' એના વિચારો પણ કરતી રહી.

સવારે ચાના ટેબલે બેઠા હતા ત્યારે જ એણે મમ્મીને કહ્યું, "મમ્મી, ચિંતા ના કરશો. આજથી જે તૈયારી કરવાની હોય તે શરૂ કરી દઈશું." પછી પપ્પા સામે નજર કરી, "બરોબર છે ને, પપ્પા? ''

"હા, એ તો છે જ ને!" થોડું અટકીને પપ્પાએ ઉમેર્યું, "આમતો લગ્નની તૈયારી જેટલી વહેલી શરૂ કરીએ એટલો પિતાના હૃદય પર ભાર વધવાનું વહેલું શરૂ થઈ જાય; તૈયારીમાં મોડું થાય તો માતાને ભારણ વધવા લાગે!"

"અને દીકરીને...?" નમ્રતાને પણ જાણવાની ઈચ્છા થઈ.

"દીકરીને સાસરે ગયા પછી માવતારની યાદ આવી જાય ત્યારે" મમ્મીએ જ જવાબ આપી દીધો, થોડું અટકીને, "અને..., જ્યારે સાસરીમાં ઘર જેવું ન લાગે ને ત્યારે! પણ, મને કયારેય એવો ભાર નથી લાગ્યો."

"આપણી દીકરીને પણ ..., ચિંતા જેવું નથી. તેના માટે સારું કુટુંબ મળ્યું છે! હા, દરેક માં-બાપને લગ્નની તૈયારીમાં એટલું ભારણ ન લાગે જેટલું દીકરીની વિદાયમાં ને વિરહમાં લાગતું હોય છે!"

ચા પુરી થઈ ગઈ પણ ટેબલનું વાતાવરણ જાણે ગરમાવો પકડી રહ્યું હતું. તેથી નમ્રતાએ વાતનો દોર સંભાળી લેતા કહ્યું, "મમ્મી.., પપ્પા..! વિદાય થાય એટલે જુદાઈ એવું ક્યાં છે? હું તો અહીં જ રહેવાની - આ જ શહેરમાં. દર રવિવારે આવીને મળી જઈશ. બોલો બીજું શું જોઈએ?

સરયુબહેને વાતનો દોર બદલવા પોતાનો સૂર પૂરતા કહ્યું, "તમે.." નમ્રતાના પપ્પાને, "તમે તૈયાર થાવ. વાતોએ ચડી જઈશું તો તમારે જ મોડું થશે!"

વાતોનો દોર ચાના ટેબલે ભલે અટકી ગયો, પણ નમ્રતાને તો આગલી રાતથી શરૂ થયેલ લગ્નની ચર્ચા વખતથીજ ન સમજાય તેવા સંવેદના સળવળી રહી હતી. પણ, પોતાને હ્રદયના ઊંડાણમાં સુહાસ અને સુહાસના સહયોગની ખાત્રી પણ અનુભવાતી હતી.

રાત્રે મોડે સુધી મમ્મીના 'સાસરીમાં ઘર જેવું ન લાગે ત્યારે..!' એ શબ્દોને લઈને એ વિચારતી રહી. મમ્મીની વાત ખોટી પણ ક્યાં હતી. અત્યાર સુધીમાં નમ્રતાએ સાસુ અને વહુ વચ્ચે થતાં અણબનાવના કેટકેટલાય કિસ્સાઓ જોયા છે, સાંભળ્યા છે - વાસ્તવમાં અને ટીવી સીરીયલોમાંય. વહુની અમુક ટેવ સાસુને ન ગમતી હોય તો કયારેક વહુને સાસુની સલાહ ન ગમતી હોય; તો વળી કયારેક વહુને કે સાસુને સાથે રહેવાનું જ ન ફાવતું હોય..! આ વિચારોએ નમ્રતાને સુલેખાની વાત પણ યાદ આવી ગઈ. એનાં 'છૂટાછેડા સુધી પહોંચેલ સંબંધ'ની વાત યાદ આવતા આખા શરીરમાં કંપારી છૂટી ગઈ..

"શું સુહાસને લઈને મારી સાથે એવું થાય ખરું...?" પ્રશ્નની સાથે જ સુહાસનો ચહેરો નજર સામે તરવરી ઉઠ્યો. બાઇક પર સાથે જવાનું, બગીચામાં મળવાનું દ્રશ્ય, અને આઉસક્રીમ...

"ના, એવું શક્ય નથી. એમનો સ્વાભાવ ખૂબ અલગ છે. એમની સાથે મને કોઈ તકલીફ નહીં પડે. એ મને સમજે છે, અને સમજશે જ. થોડીઘણી બાંધ-છોડ તો દરેક સંબંધમાં કરવી જ પડતી હોય છે! એમણે કોઈ વાત માટે વિરોધ પણ ક્યાં કર્યો છે? મારો સંગીત માટેનો શોખ હોય કે પછી ભવિષ્યમાં નોકરી કરવાની ઈચ્છા થાય તો પણ એમના ઘરમાં કોઈને વિરોધ નથી." એકબાજુ વિચારો ચાલી રહ્યા હતા ને પોતાની નજર મોબાઇલનાં ફોટો ગેલેરીમાં ફરતી રહી.

પોતાનાં લગ્નજીવનને લઈને શરૂ થયેલા વિચારો અને તેને લઈને ઉપડેલ મૂંઝવણ શનિવારે સાંજે છ વાગે અચાનક જ મૂળમાંથી ઉખડીને ફેંકાઈ ગયા. સંગીતનાં ક્લાસમાંથી છૂટવાનાં સમયે મોબાઈલમાં આવેલ 'રાધે હોટલ પર રાહ જોવ છું!' એવા મેસેજે નમ્રતાને અવાક અને ઘેલી કરી દીધી. લાગણીઓને કેમે કરીને સંભાળી લીધી. તેને હવે સમજાયું કે સવારે એમણે કેમ અમસ્તો જ ફોન કરીને આજના કલાસ ચાલું છે કે નહીં એ જાણી લીધેલું.

એક ક્ષણનુંય મોડું કર્યા વગર સીધી પહોંચી રાધે હોટેલે.. લીમડાનાં વૃક્ષની નજીકની બાજુ એમણે બાઈક મૂકેલું અને હેલ્મેટ મૂક્યુંતું બાઈકના હેન્ડલ પર; ને પોતે - સંજોગ તો સંજોગ - એ જ બાંકડે બેઠેલા! આજે માથાનાં વાળમાં હેલ્મેટની જરીક પણ છાપ પડી નહોતી.

બેઉની નજર દૂરથી જ મળી ગઈ હતી. તે બાઇકની બાજુમાં જઈને એક્ટિવાને સ્ટેન્ડ કરે તે પહેલાં સુહાસ ત્યાં પહોંચી ગયો. નમ્રતાનું હેલ્મેટ પકડવા હાથ લંબાવી દીધો.

"ચાલશે એ તો..! " છલકાતી ઊર્મિઓમાં પોતાનાં શબ્દોય વિખરાઈ જતા હતા. "કેમ છો..? મારી આંખને હજુ માનવમાં નથી આવતું!"

સુહાસના મુખ પર સ્મિત નો ભાવતો આવ્યો, પણ નમ્રતાને એ એટલું સહજ ન લાગ્યું. કાંતો એ પોતાની ખુશીને સંતાડે છે, યાતો એમને હસતા જ ન આવડતું હોય તેવું!

"પંદર મિનીટ થઈ.., હું આવ્યો એને!'

"મને ફોન કર્યો હોત તો.., હું થોડી વહેલી આવી જાતને." બાંકડે બેસતાં બેસતાં નમ્રતાએ કહ્યું.

"તારા કલાસ પુરા થવાને બહુ વાર નહોતી, એટલે.., જરૂર ન લાગી." એમ કહી એમણે નમ્રતાની સામે નજર કરી, ને ફરી એકટીવા તરફ. " હેલ્મેટ રાખવું જોઈએ.., સારી ટેવ છે" પણ, મોં પર દુપટ્ટો નહોતો બાંધેલો? મોટાભાગે યુવતીઓ આખો ચહેરો ઢાંકી રાખતી હોય છે"

"હા, હુંય આખો ચહેરો બાંધી રાખું. પણ, અત્યારે ટાઇમ જ ક્યાં હતો? અને હું અહીંથી નજીકતો હતી." નમ્રતાએ સહર્ષ જવાબ આપ્યો; પણ, આટલી સહજ રીતે વાતચીત કરવા માટે પોતાનાં માટે આશ્ચર્ય થયું.

"ચા માટે બોલાવેલ ને?" એમજ બેસી રહેવું સારું ન લાગ્યું હોય તેમ; તેણે હોટેલની અંદર તરફ, આજુ-બાજુમાં બેઠેલ લોકો તરફ નજર કરી, ને પછી નમ્રતાની મોબાઈલની ધાર પર રમતી આંગળીઓ તરફ નજર કરી; પ્રશ્ન કર્યો.

" અરે.. હા..,એ હું ભૂલી જાવ તે કેમ ચાલે?" કઈંક યાદ કરતી હોય તેમ, મોબાઈલના ખૂણાને કપાળે લગાવ્યો, અને પછી ચા માટે ઉભી થવા જતી હતી તો સુહાસે હાથનો ઈશારો કરી એને રોકી.

"હું છું ને..!" એમ કહી એ ઉભો થયો.

"એક.." તે અટકી, અને સુહાસે નજર કરતા, "એક ખારી બિસ્કિટનું પેકેટ પણ કહેજો."

નમ્રતાને ફરી હોટેલના ચાર પગથિયાં ચડતા સુહાસને જોવાની ખુશી મળતી હોય એમ થોડી વાર સુધી જોઈ રહી. પણ, સુહાસને આવતા જોઈ તરતજ નજર ફેરવીને ટેબલ તરફ ઢાળીને મોબાઇલની સ્ક્રીન પર આંગળીઓ ફેરવવા લાગી.

"આવે છે." એટલું જણાવી, સુહાસે સહસા પૂછી લીધું, "ખારી કેમ? બહુ ભાવે છે? આપણે બીજું કાંઈ મંગાવીએ!

"ના.., આજે ખારી અને ચા. બીજું, ફરી ક્યારેક." નમ્રતાએ સુહાસની સામે જોયું. ''તમને નહીં ગમે?"

સુહાસ કંઈ જવાબ આપે તે પહેલાં બે કપ ચા અને ડીશમાં મુકેલ ખારીનું પેકેટ આવી ગયા હતા. નમ્રતાએ પેકેટ ખોલ્યું. ચાનો કપ સુહાસ તરફ લંબાવ્યો. ડીશ તરફ ઈશારો કર્યો.

"ભૂખ નથી. ઓન્લી ટી." સુહાસે પોતાની ઈચ્છા જણાવી.

"એમતો હુંય રોજ ખારી ખાવ છું, એવું નથી. મને પણ ભૂખ નથી. ચાલશે ટ્રાય તો કરો" નમ્રતાએ થોડો આગ્રહ કર્યો.

"ચોક્કસ." સુહાસે સહર્ષ સ્વીકારી લીધું.

નમ્રતાને વાત સાવ નાની હતી, છતાંય ખૂબ ખુશી થતી હતી.

સુહાસે ઘરનાં સભ્યોનાં ખબર અંતર પૂછ્યા. સંગીતના કલાસ વિશે પણ પૂછ્યું. નમ્રતાએ ટૂંકમાં જવાબ આપી દીધા.

"આજે ઘરે પહોંચવાનું મોડું નહીં થાય?" સુહાસે પૂછ્યું.

"થશે ને, પણ કંઈ વાંધો નહીં. એવું લાગશે તો ફોન કરી દઈશ. વીસ મિનિટ લાગશે - ઘરે પહોંચતા."

"હમ્મ.." સુહાસે ટૂંકમાં પતાવ્યુ.

'કેવી લાગી ચા? ચા અને ખારી?" નમ્રતાને પણ જાણવું'તું.

"સારી..! સરસ છે. ખાંડ પણ માપસરની છે..!" સુહાસને હજુય રવિવારનો અનુભવ યાદ હતો.

'બીજી મંગાવીએ, ચા..?" એ પ્રશ્ન પર સુહાસે તેને અટકાવી. તો ફરી બીજો પ્રશ્ન મુક્યો, "કેવી લાગી આ જગ્યા?

"સારી છે, આમતો આવી જગ્યાનો બહુ અનુભવ નથી. પણ, આજે સારું લાગ્યું."

"કેમ, આજે શું સારું લાગ્યું? નમ્રતાને ખબર હતી તોય જાણવા તાલાવેલી બતાવી. 'બોલોને..?

સુહાસ બે ક્ષણ કાઈ જ ન બોલ્યા...

"શું સારું લાગ્યું..?' નમ્રતાએ ફરી પૂછ્યું.

સુહાસે જવાબ ન આપ્યો. નમ્રતાની સામે જોયું. પોતાના પોકેટમાંથી ડેરીમિલ્કની ચોકલેટ કાઢી નમ્રતાના હાથ તરફ લંબાવી દીધી.

નમ્રતાના હોઠ પર રમતા શબ્દો એકદમ શાંત થઈ કોઈ ઊંડા કૂવામાં અદ્રશ્ય થઈ ગયા. પોતાની આંખો સ્થિર થઈ પોતાના શબ્દોને સુહાસની આંખોમાં શોધતી રહી..

સામે સુહાસનો લંબાયેલો હાથ હતો ને હાથમાં ચોકલેટ..!

...ક્રમશ: