Featured Books
શ્રેણી
શેયર કરો

શમણાંના ઝરૂખેથી - 9 -. શમણાંની ભીતર ધબકે ફફડાટ..

૯. શમણાંની ભીતર ધબકે ફફડાટ..


જમવાનું પત્યું. થોડી વાતો થઈ. સુહાસને તેનાં એક મિત્રને ત્યાં જવાનું હતું. સાંજે ફરી મળવાનું હતું. નમ્રતાની આંખોને એ સાંજનો ઇન્તજાર હતો....
વધુ આગળ.....

દિવસની થયેલી ઘટનાઓ - સુહાસનો હેલ્મેટ ઉતર્યા પછીનો ચહેરો, એક બાજું થોડાં ચીપકેલા વાળ, વાતને ટૂંકમાં પતાવી દેવાની રીત, ચા પીવાની વાતની મૂંઝવણ, ભોજન વખતે ચહેરા પર પડેલી તીખી ને ખાટી કરચલીઓ, બાજુમાં કાઢી મુકેલા બટેટાના બે ફોડવા અને ચોળીનાં બે-ચાર દાણા..., ને પછી આંગળીઓ ચાટી લેવાની ઈચ્છાને દબાવી રાખેલો ગુલાબી થતો ચહેરો, દાળ-ભાતની ફોરમ લેતાં નાકને જોવા ક્યારેક ઉપલા હોઠ સુધી ડોકિયું કરી જતી જીભ; અને, પપ્પાની નજર ચૂકાવી રસોડા તરફ દ્રષ્ટિ ફેરવીને આંખમીચોલી રમતી આંખો - બધું જ નમ્રતાની નજર સામે તરવરતું રહ્યું અને સાંજના ઇન્તજારમાં લાગેલી ને આખા દિવસની થાકેલી પાંપણો ક્યારે શાંત અને સ્થીર થઈ એની એને ખબર જ ના રહી.

કલાક જેવું પસાર થઈ ગયું હશે. મમ્મીએ એને જગાડી ન હોત તો તૈયાર થવાનો સમય જ ના મળત. સવા પાંચ વાગ્યા હતા. સુહાસ કેટલા વાગે આવશે એવી કોઈ સ્પષ્ટ વાત થઈ નહોતી. છતાંય આંખ ખોલતાની સાથે જ તેણે મોબાઈલ ચેક કરી લીધો. "છ સુધીમાં આવીશ, ચાલશે ને?" મેસેજ હતો - ત્રિસેક મિનીટ પહેલાનો! પહેલી વાર પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપ્યા વગર ઊંઘી જવાની સજા આપતી હોય તેમ એણે પોતાની પાંપણને ઊંડી દબાવી, આંગળીઓથી થોડી રગદોળી ને માથુંય ઝાટકી દીધું.

પથારીમાં બહાર નીકળતાં પહેલાંજ "હા, સારું' નો મેસેજ મોકલી દીધો. અરીસા સામે પહોંચી, વાળ સરખા કર્યા. બહુ દિવસે અરીસાની સામે આવી હોય તેમ ચાર-પાંચ મિનિટ અરીસામાં જોતી બેસી રહી. આળસ ખંખેરીને ઉભી થઈ. સુહાસ આવે તે પહેલાં તૈયાર થવાનું યોગ્ય હોય તેમ વીસેક મિનિટમાં તૈયાર થઈ અને બે ચક્કર દરવાજેય લગાવી દીધાં.

"ક્યાં સુધી જવાના, ચકુ બેટા? સોફા પર બેસવા જતી હતી ત્યાં જ મમ્મીનાં શબ્દો કાને પડ્યા.

"ખબર નથી, મમ્મી. એવું તો કાંઈ વિચાર્યું નથી." સોફા પર પડેલ તકિયાને ખોળામાં ગોઠવતાં એણે જવાબ આપ્યો. ને આગળ ઉમેર્યું, "મેં તો એમને 'વોક પર જઈશું' એમ કહ્યુંતું. કલાક જેવું જઇને પાછા આવી જઈશું." બોલતાં બોલતાં બારીની બહાર દેખાતાં રસ્તા પર નજર કરી લીધી, અને કંઈક મથામણમાં હોય તેમ બોલી, "મમ્મી, આમતો કાંકરિયા જવાય, પણ..પણ, એ તો વધારે મોડું થઈ જાય." ને ફરી કાંઈ સમાધાન સૂઝ્યું હોય તેમ, "ચાલી ને જ જઈશું. અહીંથી એક કિલોમીટર આગળ ગાર્ડન છે જ ને! ત્યાં આઇસ્ક્રીમ પણ મળશે ને બીજી ખાણી-પીણી પણ છે."

મમ્મીએ પોતાનો સુર પૂર્યો,"એવું કરજો. જે યોગ્ય લાગે તે. પણ, પાછું જોજે.." નમ્રતાએ મમ્મી તરફ 'શું'નાં ભાવથી નજર કરી. "એટલે એમ કે સુહાસકુમારને ઘરે પહોંચવાનું મોડું ન થાય!"

"હા, મમ્મી. .." બાઈકનો અવાજ સાંભળી, 'એક મિનીટ.., એ આવ્યા લાગે છે." એમ કહી દરવાજે પહોંચી.

લગભગ છ થયાં. નમ્રતાં દરવાજે ઉભી હતી એટલે , કે પછી, એક જ દિવસની આ બીજી મુલાકાત હતી એટલે; પણ, સુહાસનાં ચહેરા પર સંકોચનો ભાવ જણાઈ આવતો હતો. ને, નમ્રતા પહેલી વાર પોતાનાજ ઘરમાં સંકોચ અને શરમ અનુભવતી હતી. પણ, મમ્મીને એ વાતની પરખ આવતા સહેજ પણ વાર ન લાગી હોય તેમ, "આવો સુહાસકુમાર.., આવો. બેસો અહીં." ને નમ્રતાને કહ્યું, "જા, બેટા; પાણી ભરી લાવ."

નમ્રતાને થોડી હળવાશ લાગી. સવારે આટલી મસ્તી થઈ ગઈ, પણ અચાનક અત્યારે આમ સંકોચનો ભાવ કેમ ફૂટી નીકળ્યો એ વિચાર એના હૃદયમાં સળવાળતો રહ્યો. "શું આવું બધાની સાથે થતું હશે? કે પછી મને જ થાય છે?" પાણીનો ગ્લાસ ભરીને લાવી, પાણી આપ્યું, નજર મળી, પાંપણોએ પલકારાનો અનુભવ કર્યો, હોઠ પરથી સ્મિતની પાતળી કરચલી ઉપસી આવી; પણ મનની ભીતરમાં તો એ ચાલતું જ રહ્યું, "આ શું થાય છે મારી સાથે? સવારે તો કંઈ જ નહોતું. કોઈ પહેલી વાર જોવા આવ્યું હોય અને એને ભગાડી દેવાનો હોય એવી મસ્તીએ ચડેલી અને અત્યારે આમ કેમ?" પોતાની જાતને સમજવા મથતી હોય તેમ રસોડામાં પહોંચતાજ ટ્રેને પાણીયારે મૂકી પોતાનાં કપાળે ટપલી લગાવી. "એ બધાં વિચાર છોડ; એ વિચારવાનું કે વાત શું કરીશું..? પાણીનાં બે-ચાર ઘૂંટ ફટાફટ ગળે ઉતારીને મમ્મી પાસે આવીને ઉભી રહી ગઈ.

"બેટા, જઈ આવો. અને,....'' નમ્રતા તરફ જોઈને, "અને બેટા, સુહાસકુમારને આપણા એરિયાની ફેમસ આઇસ્ક્રીમ ખાવા લઇ જજે.."

"હા, મમ્મી." થોડું અટકીને, "તો, હું..., અમે જઈ આવીએ.'

આટલી વાત ચાલી ત્યાં સુધીમાં સુહાસ તો દરવાજે પહોંચી ગયો હતો. નમ્રતાને કહેવુંતું કે ચાલતાં જઈએ, પણ એનાંથી બોલાયું નહીં એટલે ચૂપચાપ બહાર નીકળી બાઇક પર બેસી ગઈ.
* * * * *
સુહાસનાં હેલ્મેટ પહેરેલ ચહેરાની એક બાજુ નમ્રતાને બાઈકના અરીસામાં દેખાતી હતી. મનમાં કંઇક અજુગતું જ લાગતું હતું. સુહાસે બાઇક તો ચાલું કર્યું, પણ એય કંઈ મૂંઝવણમાં હોય તેવું નમ્રતાને લાગ્યું. ચાલીને જવાની વાતતો સાવ નેવે મુકાઈ ગઈ, પણ શબ્દો હોઠ સુધી ડોકિયા કરીને પાછા વળી જતાં હતાં. નમ્રતાને કહેવું'તું કે એક બગીચો નજીકમાં જ છે, પણ બાઇક ચાલ્યું અને તેણે મૌન જ રાખ્યું.

બાઇકમાં પાછળ બેસીને કે પછી સુહાસની સાથે આમ પહેલી વાર બાઇક પર જવાનો ફફડાટ થતો હતો કે પછી સંકોચ - પણ એ નમ્રતાના ચહેરા પર વર્તાય જતું હતું. થોડી થોડી વારે દુપટ્ટા પર હાથ ફરે, વળી તેનો એક છેળો એક હાથે પકડે ને ક્યારેક ડોક પાસેથી દુપટ્ટાને આગળની બાજુએ સરકાવે. બાજુમાંથી પસાર થતી સ્ત્રીઓ જાણે એને જ જોતી હોય તેવું પહેલી વાર લાગ્યું હોય તેમ નજર ફેરવીને આગળનાં અરીસા તરફ મોં કરી દયે.

બાઇક અને નમ્રતાનું મન જાણે એક ગતિમાં ચાલતાં રહ્યા; પણ, ચારેક વળાંક પત્યા જ હશે ને બેઉને એકસાથે હળવી બ્રેક લાગી. "કેમ ઉભી રાખી?" પ્રશ્ન ઉઠ્યા ભેગોજ સમી ગયો. પોતાની ઈચ્છા હતી એ જ બગીચાના પાર્કિંગ એરિયામાં બેઉં પહોંચ્યાં હતાં.

"અહીં.., અહીં બેસીએ થોડી વાર" બગીચાની અંદર તરફ હાથ કરી, સુહાસે કહ્યું. નમ્રતાએ હકારમાં ડોક હલાવી દીધી. બગીચાની બરોબર સામે આવેલ આઇસ્ક્રીમની દુકાન તરફ સુહાસે ઈશારો કરતા પૂછ્યું, "આઇસ્ક્રિમ..? કઇ ફ્લેવર..?"

''જે લાવો તે" શબ્દોય જાણે ધ્રુજારી અનુભવતાં હોય એમ નમ્રતાએ ટૂંકમાં જ પતાવી દીધું.

"સારું હું લઈને આવું છું.." કહી સુહાસ દુકાન તરફ ચાલ્યો.

નમ્રતાની નજર સુહાસના પગલાં સાથે જ દુકાનનાં પગથિયાં સુધી જઈને જાણે ચીપકી જ ગઈ. "આ શું થયું છે મને? આ ડર છે કે મૂંઝવણ?" જેવાં વિચારોમાં ગુમસુમ ડૂબી ગઈ. સુહાસ આઇસ્ક્રીમ લઈને બાઇક સુધી આવી ગયો, પણ નમ્રતાની નજર હજુય દુકાનનાં પગથિયે જ લાગેલી હતી.

"જઈશું..?" અચાનક આવી ચડેલા સુહાસના શબ્દોથી બે ઘડી હેબતાઈ ગઈ. ડોકી હલાવીને સુહાસની પાછળ ચાલવા માંડી.

"આ એજ બગીચો હતો જ્યાં આવવાનું હતું. અગાઉ ઘણી વખત મમ્મી સાથે તો ક્યારેક બહેનપણીઓ સાથે અહીં આવેલી. ઘણી વાર તો એકલા આવીને પણ બેસતી. પણ, આજે તે બગીચો કેમ સાવ જુદો લાગતો હોય અને કોઈ અજાણ્યા સ્થળે આવી ચડી હોય તેવું લાગતું હતું? કેટલાય જાણીતાં ચહેરા આજે અજનબી હોય તેવું કેમ લાગતું હતું?'' જાતજાતના વિચારોમાં ગૂંચવાયેલી નમ્રતા, સગાઈનું લેબલ લાગી ગયા છતાંય કોઈ પ્રેમી સાથે બગીચામાં આવી ચડી હોય તેમ, લોકોની નજર ચૂકાવીને આડી-અવળી નજર કર્યા વગર સુહાસની પાછળ ચાલતી રહી.

"અહીં બેસીએ.." સુહાસે કહ્યું. કાંઈ પણ બોલ્યા વગર એ બેસી ગઈ. સુહાસનો લંબાયેલો હાથ જોઈને ફરી ફફડી ઉઠી, પણ આઇસ્ક્રીમનો કોન જોઈને જાતને સંભાળી લીધી.

આઇસ્ક્રીમ કોન માટે હાથ લંબાવતા એક નજર સુહાસ તરફ ફેરવીને કોનની સાથે જ પાછી વાળી લીધી. 'ચોકોલેટ'નાં સ્ટીકરથી કે હાથમાં પકડેલા આઇસ્ક્રીમથી; મનમાં થોડી ઠંડક વળી હોય તેમ લાગ્યું. ને સુહાસ દ્રષ્ટિ કરવા પ્રયત્ન કર્યો. સુહાસ પણ કંઈક દ્વિધામાં જ હોય એવું લાગ્યું. નમ્રતાનાં મનમાં એક-બે આશ્ચર્ય ભર્યા વિચારો સળવળી ગયા. "એક તો એ જ બગીચામાં સુહાસ મને લઈ આવ્યા જે મેં વિચારેલું, ને બીજું ફેમસનો આઇસ્ક્રીમ લાવ્યા, જે મમ્મીએ કહ્યું તું!" મનમાં સુહાસ માટે ગર્વ પણ થયો. "પણ, હું શું વાત કરું? એ કેમ કાંઈ બોલતા નથી..? બપોરની વાત ઉખેડશે ખરા?"

"ઓગળી જશે..! આઇસ્ક્રીમ." બોલીને, આખરે સુહાસે હિંમત તો કરી, પણ નમ્રતાએ ફરી 'હમ્મ, હા' કહી કોનનું રેપર ખોલ્યું. બાંકડા પર બેઉની વચ્ચેનું થોડું અંતર એવું હતું કે જાણે પહેલી વાર મળ્યા હોય. આઇસ્ક્રીમ ગળે ઉતરતો હતો ત્યારે નજર મળી જતી હતી એ જ મોટી વાત હતી.

"સગાઈ..., "વાત કરવાની કોઈકે તો શરૂઆત કરવી જ રહી એમ વિચારી સુહાસ હિમ્મત બતાવી.

નમ્રતાએ વિસ્મય સાથે થોડી ડોકને એ તરફ ફેરવી.

"એમ કે, સગાઈ પછી ....," બોલતાં અટકી ગયો, ને વાતને વાળી, "આઇસ્ક્રીમ સરસ છે. મિત્રો સાથે એક વાર અહીં આવેલ."

નમ્રતાનું 'સગાઈ પછી..'થી આઇસ્ક્રીમ તરફ ઢળી ગયેલી વાત પર કુતૂહલ અકબંધ રહ્યું...એટલે ધીમેથી પૂછી જ લીધું. "શું..? સગાઈ પછી શું?''

ફફડાટ ઘટ્યો નહોતો એટલે વધારે બોલાયું નહીં. નહીતો મઝાક કરી જ લેત. આવી વાત પર મજાક ન સુઝે તો નમ્રતા શાની? કંઇક વિચારથી હોઠ પર હાસ્યની ઉભી થયેલી થોડી રેખાને તરત રોકી દીધી.

"પહેલી વાર આમ ..., એટલે કે, સગાઈ પછી પહેલી વાર આઇસ્ક્રીમ ખાઈએ છીએ! સુહાસે ચોખવટ કરી.

ઉભું થયેલું કુતૂહલ આઇસ્ક્રીમ કોનનાં છેલ્લાં બાઇટે જાણે શાંત પડી ગયું, પણ સુહાસના એક પ્રશ્નથી તે ફરી સજાગ થઈ ગઈ.

"હમણાં તમે..., એટલે તમે હસવાનું રોકયું.." સુહાસે પૂછી જ લીધું.

"બસ, કાંઈ નહીં.. એમ જ.., 'આઇસ્ક્રીમ સરસ છે' એમ કહ્યું તમે એટલે..! નમ્રતાએ વાતને ઠારવા પ્રયાસ કર્યો. ને પછી ચોખવટ કરવાની ઈચ્છા થઈ જતા, "તમે કહ્યું ને કે 'સગાઈ પછી; આઇસ્ક્રીમ સરસ છે' એટલે મનમાં પ્રશ્ન થયો.

"શું..? સુહાસને જિજ્ઞાસા જાગી.

"સગાઈ પછી જ કેમ? લગ્ન પછી પણ આઇસ્ક્રીમ સરસ કેમ ન હોય શકે?"

સુહાસના ચહેરા પર પણ થોડું હસવું આવી ગયું, પણ "હા, એતો છે' કહી ગંભીરતાને પકડી રાખી.

ફરી મૌન છવાઈ ગયું. થોડી વાત ચાલી પણ બેઉં બે ઘડી ચૂપ થઈ બેસી રહ્યા.

"બપોરે જમવાનું સરસ બન્યું'તું." સુહાસે આખરે બપોરનાં ભોજનને યાદ તો કર્યું જ.

"હા, એ તો છે. પણ સબ્જીતો થોડી કાચી હતી જ ને!'' નમ્રતાએ વાતને થોડી આગળનાં પ્રસંગ પર વાળી.

"એ તો મેં.., કાચા ફોડવા બાજુમાં મૂકી દીધેલ. મસાલા પ્રમાણમાં હોય તો સરસ લાગે" સુહાસે પોતાનો અભિપ્રાય જણાવી આગળ ઉમેર્યું, "મારા ઘરમાં બધાને ગમી જાય તેવો સ્વાદ હતો."

"થેન્ક યુ'' કહી નમ્રતાએ પૂછ્યું, "તો આવતા રવિવારે ફરી બનાવું?

"ના.., ના એમ વારે વારે ના અવાય. ઘરે શું કહું 'જમવા જાવ છું" એમ? હવે ત્રણ મહિના જ તો છે. પછી 'હું' શું, ઘરની દરેક વ્યક્તિ ડાઇનિંગ ટેબલ પર બેસી રહેશે અને રસોઈના ગુણગાન કરતા નહીં થાકે!"

'ડાઇનિંગ ટેબલ', 'ગુણગાન' શબ્દો કાને તો પડ્યા પણ, ત્રણ મહિના' શબ્દ સીધા હૃદય પર અસર કરતાં હોય તેમ નમ્રતા મૌન થઈ ગઈ. જાણે લગ્નને ત્રણ દિવસ જ બાકી હોય તેવી લાગણી થતી હોય તેમ, જમીન પર નજર ઢાળીને માટીમાં પડેલ સિંગના દાણા પર ઉભરાયેલ કીળીઓને જોતી રહી. ફરી હૃદયમાં સંકોચની લાગણીએ જોર પકડી લીધું. ''કેટલી બધી વાત કરવી છે. ઘરની, ઘરનાં લોકોની - કેટલું બધું વિચારેલું! શું પૂછું, કેવી રીતે પૂછું?" બે ઘડી ભૂલી જ ગઈ કે એ બગીચામાં બેઠી છે- સુહાસની સાથે!

ઘરની વાત નીકળતા સુહાસની નજર ઘડિયાળ તરફ વળી. સાત વાગ્યા તા. એટલે એણે થોડા ખચકાટ સાથે કહ્યું, " સાત...., સાત વાગ્યા છે. જવું જોઈએ હવે!"

નમ્રતા 'હા'નાં એક શબ્દથી પતાવી ઉભી થઇ. સુહાસે આઈસ્ક્રીમકોનનું રેપર લેવા નમ્રતા તરફ હાથ લંબાવ્યો, ને કોઈ ગભરાટ વગર અને સહજતાથી એ રેપર તેને સોંપી દીધું. રેપર ડસ્ટબિનમાં મૂકી બન્ને પાર્કિંગ તરફ ચાલ્યાં - થોડા અંતરે; પણ સાથે.

નમ્રતાને હવે બગીચામાં થોડી હળવાશ લાગી. કંઇક પરિચિત લાગ્યું.

સવા સાતે નમ્રતાનાં ઘરે પહોંચી, પાંચ મિનિટ બેસી, બધા સાથે વાત કરી, ને પોતાનાં ઘરે જવા સુહાસે વિદાય લીધી.

દરવાજા સુધી સાથે આવેલી નમ્રતાને કહ્યું, "આવતા-જતાં આંટો મારી જઈશ. ફોન કરીશ.''

ફોન કરશો કે મેસેજ? કે પછી અચાનક?"

નમ્રતાની વાત પર ડોકને હલાવી "જોવ છું, જેવી પરિસ્થતી.'' કહી હેલ્મેટ પહેરીને એણે કહેલું 'બાય' બાઈકના અવાજમાં દબાઈ ગયું.

નમ્રતાએ તેના હોઠને જોઈને પોતાનાં હાથની આંગળીઓથી જ ''બાય"નો સંકેત આપ્યો.

.. ક્રમશ: