( નોકર પોલનુ ખૂન ઝેર આપવાના લીધે થયુ હતુ એ હકીકત બહાર આવ્યા બાદ આખો કેસ પલટાઈ જાય છે .. હવે આગળ )
માર્ટીન : સર આતો આખો કેસ જ પલટાઈ ગયો. આપણે તો શરૂથી એમ જ માનીએ છીએ કે મિસ્ટર વિલ્સને જ એમના ભાઈ તથા આ નોકરની હત્યા કરી છે. આપણી બધી તપાસ પણ લગભગ એજ દિશામાં હતી. હવે આગળ શું ?
હેનરી : સર પરંતુ એમ પણ બની શકે ને કે આ મિસ્ટર વિલ્સને જ નોકરને એ ઝેર ભરેલી સોય મારી હોય ઝપાઝપી દરમ્યાન ?
શેલ્ડન : એવુ એ કરે એમ મને લાગતુ નથી. જો મિસ્ટર વિલ્સનને પહેલાથી જ ખબર હતી કે એના ભાઇની હત્યામાં આપણે એને જ દોષી માની રહ્યા હતા. શંકાની સોય પહેલાથી એની તરફ જ હતી. એવામાં નોકરની હત્યા કરીને એ પણ ત્યારે જ્યારે ઘરમાં બધા હાજર હતા , એ શું કામ આવુ અચાનક કરે ? એટલુ તો એ પણ જાણતો હતો કે આવુ કઈક થશે તો પોલીસ સૌથી પહેલા એને જ પકડશે.
હેનરી : સર તો પણ બીજુ કોણ હોઇ શકે ? આના સિવાય બીજા કોઇની પાસે આ બંને હત્યાનું કોઈ કારણ નહોતુ.
શેલ્ડન : કંઇક તો છે હેનરી જે આપણાથી છૂટી ગયુ છે , જેના ઉપર આપણુ બિલકુલ ઘ્યાન જ ગયુ નથી.
માર્ટીન : સર એવુ તે શું બાકી રહી ગયુ છે ? આપણે બધા જ તથ્યો એક એક ધ્યાનથી તપાસ્યા છે..
( ત્રણેય ઓફિસરો પહેલાથી બધો જ ઘટનાક્રમ વાગોળે છે. એક એક ઘટનાને ફરી વિચારે છે .)
એટલામાં ફોરેન્સિક લેબમાંથી ફોન આવે છે અને ત્યાંથી એ વાતની ખરાઈ થાય છે કે આપવામાં આવેલુ ઝેર VX જ હતુ.
માર્ટીન : સર એટલે ઝેર આપવામાં આવ્યુ હતુ એ નક્કી છે અને એ ત્યાં ઊભેલા લોકોમાંથી જ કોઈએ આપ્યુ હોવુ જોઈએ અને કદાચ એને જ મિસ્ટર ડાર્વિનની પણ હત્યા કરી હશે ..
( ઓફિસર શેલ્ડન એમની સિગારેટ સળગાવે છે અને તેના કસ લેતા લેતા ઊંડા વિચારમાં પડ્યા છે. બધી જ ફાઈલ એ ફરી ફરી જોઇ રહ્યા છે. બંને જુનિયર ઓફીસર એમની સામે બેઠા છે અને ઓફિસર શેલ્ડનને જોઈ રહ્યા છે. ફાઈલ એક પછી એક તપાસતા અચાનક એમની આંખ ચમકે છે. સામે પડેલા પેપરવેટને એ ફેરવવા લાગે છે અને ચેહરા ઉપર એક સ્મિત રમી રહે છે. આ જોઇને માર્ટિનથી રહેવાતુ નથી...)
માર્ટિન : સર તમને કેસમાં કંઇક નવુ મળ્યુ લાગે છે ચોક્ક્સ..
શેલ્ડન ઘણુ વિચાર્યા બાદ કહે છે : એક કામ કરો. એક ટ્રસ્ટ છે. જેનુ નામ હું તમને આપુ છુ. આ ટ્રસ્ટના દરેક આર્થિક વ્યવહાર ઉપર નજર રાખો. એમ બને કે તુરંત કોઈ મોટી આર્થિક લેવડદેવડ ન થાય પરંતુ તેમાં કઈક તો હિલચાલ થશે જ. તમારે બસ એની ઉપર ચાંપતી નજર રાખવાની છે. બસ ઘ્યાન એ રાખજો કે એમને જરા પણ ભનક ન આવવી જોઈએ.
હેનરી : પરંતુ સર એવુ કેમ કરીએ એ તો કહો.. શું થયુ એકદમ !!?
શેલ્ડન : સમય રહેતા દરેક પ્રશ્નનોના જવાબ મળશે હેનરી. ધીરજ રાખો અને હમણા તો એ ટ્રસ્ટ ઉપર ઘ્યાન આપો. ભવિષ્યના ગર્ભમાં વર્તમાનના ઘણા જવાબો છૂપાયેલા છે !!! બસ આપણે ધીરજ રાખવાની છે...
માર્ટીન : ઠીક છે સર અમે કામ ઉપર લાગી જઈએ છીએ.
( આમ કહી બંને ઓફિસર ત્યાંથી ઊઠે છે. એમના ચેહરાના ભાવ જોકે સ્પષ્તાપૂર્વક કહી રહ્યા છે કે એમના પ્રશ્નોનો એમને યોગ્ય ઉત્તર મળ્યો નથી. ત્યાં અચાનક ડોકટર ફ્રાન્સિસનો ફોન આવે છે .... )
ફ્રાન્સિસ : ગજબ થઈ ગયો શેલ્ડન....
શેલ્ડન મંદ મંદ હસી રહ્યા હતા : હું જાણુ છુ ડોકટર... મિસ્ટર ડાર્વિન સ્ટોક્સ જીવતો છે.....
ફ્રાન્સિસ : શેલ્ડન........
( આ અચાનક શું બોલી ગયા ઓફીસર શેલ્ડન !!!?? ડાર્વિન જીવતો હતો !!!?? તો મોત કોનુ થયુ હતુ !!!?? આ તે કેવો વળાંક આવ્યો હતો અચાનક... વધુ આવતા અંકે.... )