નોકરી છોડ્યા પછી આખો દિવસ ફ્રી રહેતી નીદા આજે પોતાનું કપબોર્ડ સાફ કરવા બેસી હતી. એક પછી એક કામ ના કાગળો ને સ્ટેપલ કરી સરખા ગોઠવતી તો નાકામા કાગળ અને ફાઇલ્સ ના ડૂચા કરી ને એક બાજુએ મોટો ઢગલો કર્યો હતો. અચાનક સાફ સફાઈ દરમિયાન આ ફાઇલ્સ અને કાગળો વચ્ચે એક કાર્ડ તેની નજરે પડે છે. જર્જરીત થઇ ગયેલા આ કાર્ડ ની એક બાજુ રાજસ્થાન ના કોઈ કિલ્લાની તસ્વીર હતી તો તેની પાછળ ની બાજુએ લખ્યું હતું
"The most beautiful and adventurous trip ever where i missed beauty in every single moment"
અને આ વાંચતા જ બે ઘડી માટે સમય જાણે આગળ ચાલવાનું જ ભૂલી ગયો અને નીદા ના શરીર માંથી વીજ વેગે એક કંપારી છૂટી ગઈ. વીતી ગયેલો એ જમાનો જાણે નીદા ની નજર આગળ તરવરવા લાગ્યો અને આંખે આવેલા આંસુઓ હજીયે આ ભૂતકાળ પોતાને મન જીવન નો એક અમૂલ્ય હિસ્સો હોય તેની સાક્ષી પુરી રહ્યા હતા.
અમદાવાદ ની નામાંકિત એવી આઇટી કંપની માં જોબ કરતી નીદા આજે થોડી ઉદાસ લાગી રહી હતી. નીદા નું ધ્યાન કામ મા બહુ ખાસ લાગતું ન હતું. લંચ બ્રેક ની રાહ જોઈને બેસેલી તે થોડી વાર આમ તેમ ફાંફા મારતી કાં તો વોશરૂમ ના બહાને થોડી થોડી વારે ઉભી થઈને ટહેલવા નીકળી જતી હતી. શું થયું છે? મેડમના ચહેરા પર કેમ બાર વાગ્યા છે? સવાર થી જોઉં છુ તારું કામમાં ધ્યાન જ નથી. અનિતા એ પૂછ્યું. અનિતા નીદા ને કોલેજ ટાઈમ થી જ ઓળખતી હતી. અનિતા ના રેફરન્સ થી જ નીદા આ કંપની માં આવી હતી.
યાર વિનય એ કહ્યું હતું કે એ બીજી તારીખે ટ્રીપ પરથી આવી જવાનો છે. એક વીક થી ગયો છે અને યુ નો વૉટ? આજે બીજી તારીખ છે અને એ આજે પણ નથી આવ્યો. નીદા ગુસ્સે થઈને બોલી. નીદા અને વિનય બંને એક જ ઓફિસ માં અને એક જ ટીમ માં હોવાથી એકબીજાના પરિચય માં આવેલા. hi, hello થી શરુ થયેલી આ મિત્રતા એ ફક્ત ત્યાં જ અટકી જાય એ સમયને મંજુર ન હતું. થોડી ઘણી વાતચીત અને થોડી ઘણી મસ્તી વચ્ચે બંને ક્યારે એક બીજાને પસંદ કરવા લાગ્યા તે તેમને પણ ખબર નહોતી.
ઓહ! તો એ વાત છે. મેડમ ને સૈયા ની યાદ આવે છે. અરે બાબા ટ્રીપ માંથી સવારે જ આવ્યો હોય તો થાકી ગયો હશે. કાલે આવી જશે, તું બહુ લોડ ના લે ચાલ અને મૂડ ઠીક કરી દે. અનિતા આશ્વાસન આપતા બોલી. તે નીદા ને સમજાવી જ રહી હતી કે નીદા ના ફોન ની લાઈટ ઝબકી. સ્ક્રીન પર વિનય નો મેસેજ હતો "I miss you Nida". અને વિનય નો આ મેસેજ વાંચતા જ નીદા નો બધો ગુસ્સો બરફ ની માફક પીગળી ગયો અને તેના ચહેરા પર તાજા ખીલેલા ફૂલો જેવી તાજગી અને ચમક આવી ગઈ. એમ તો બંને ઘણા સમય થી સંપર્ક માં હતા, વાતચીત પણ થતી હતી પરંતુ પોતાની લાગણીઓ ને એકબીજા સામે મુકવાની હિમ્મત આજ સુધી બંને માંથી કોઈએ નહોતી કરી. વિનય ના આ એક અઠવાડિયાના રાજસ્થાન પ્રવાસ દરમિયાન નીદા ને સમજાયું કે વિનય વગર એનું જીવન અશક્ય છે, વિનય ની ગેરહાજરી માં તેને વિનય સિવાય કોઈ વસ્તુ નો ખ્યાલ જ નહોતો આવ્યો. તરસ્યો જેમ કુંવા ને જંખે એમ નીદા વિનય ને જોવા આતુર હતી અને આ "I miss you Nida" ના મેસેજે જાણે આગમાં ઘી હોમવા જેવું કામ કર્યું. કદાચ વિનય ની પણ સ્થિતિ કાંઈક આવી જ હતી. બસ થોડું ઘણું કામ અને વિનય ના એ એક મેસેજ ના લીધેનો હરખ માં દિવસ ક્યાં પૂરો થયો નીદા ને ખબર પણ ના પડી.
બીજા દિવસે વિનય ને મળવાની ખુશી માં નીદા ને આખી રાત ઊંઘ ના આવી. સવારે રોજ કરતા વહેલા ઉઠીને નાહી ને નીદા રૂમ માં આવી. વિનય ને નીદા સૌથી વધારે ગ્રે ટોપ માં ગમતી. એટલે આજે નીદાએ એ જ ટોપ પહેરવાનું નક્કી કર્યું. ગ્રે ટોપ, અર્ધા ભીના અને અર્ધા સુકાઈ ગયેલા એવા એના વાંકડિયા ખુલ્લા વાળ, લાઈટ પિન્ક લિપસ્ટિક અને બ્લુ જિન્સ પેહરી, પોતાનું સાઈડ બેગ લઇ નીદા ઓફિસ માટે નીકળી જ રહી હતી કે એટલા માં જ જયા બહેન બોલી પડ્યા. અરે! અરે! આ છોકરી નું ધ્યાન ક્યાં છે? નાસ્તો નથી કરવો તારે? અને આજે કેમ આટલી ટીપટોપ બની ને જાય છે? જયા બહેન કાંઈક આગળ બોલે એ પહેલા જ નીદા એ એમને રોક્યા. પોતાના બંને હાથ માં ના ખભા પર મૂકી છણકો કરતા નીદા બોલી "મમ્મી આજે નહિ પ્લીઝ. આજે હું બહું સારા મૂડ માં છું તો તારો નાસ્તો અને તારી કચકચ બંને બીજા કોઈ દિવસ માટે રાખીએ". આટલું બોલી માં ના ગાલ પર મસ્તીમાં ચુટકી ખણી નીદા ઓફિસ માટે રવાના થઇ.
આજે વિનય ઓફિસ આવે એ પહેલા જ એક મસ્ત ગુડ મોર્નિંગ નો મેસેજ લખેલી ચિઠ્ઠી એના કીબોર્ડ નીચે મૂકી દઈશ. આવી નાનકડી સરપ્રાઈઝ વિશે વિચારતા વિચારતા એ ઓફિસ પહોંચી. પોતે રોજ કરતા વહેલી હોવાના લીધે હજી ઓફિસ માં કોઈ આવ્યું નહોતું. ઝડપથી તેણે બેગ માં રહેલી ડાયરી માંથી એક પત્તુ ફાડ્યું અને તેમાં સુંદર અક્ષરો માં ગુડ મોર્નિંગ અને નીચે "i missed you so much" લખીને એક સ્માઈલી ડ્રો કર્યું અને તેને વિનય ના કીબોર્ડ નીચે રાખી દીધું અને હવે બસ વિનય ના આવવાની રાહ જોતી એ પોતાની જગ્યા પર જઈને બેસી.
પોતાનું બેગ નીચે સી.પી.યુ પાસે ગોઠવી નીદા કમ્પ્યુટર ચાલુ કરે એ પહેલા જ તેને કાંઈક ઝગમગતું અર્ધું બહાર અને અર્ધું કીબોર્ડ નીચે મૂકેલું એક કાગળ નજરે ચડ્યું. અરે આ શું છે? કહી નીદા એ કીબોર્ડ ઉચક્યું તો એક ક્રીમ કલર નું કાર્ડ ત્યાં પડ્યું હતું. જેમાં વચ્ચે રાજસ્થાન નો કિલ્લો ચીતરાયેલો હતો. કિલ્લા ની ફરતે સુંદર સોનેરી પટ્ટીઓ લાગેલી હતી અને નીચે એ જ સોનેરી અક્ષરો માં લખ્યું હતું "Greetings from Rajasthan" અને કાર્ડ ની ફરતી બોર્ડર પાર લાલ લીલા રંગની આછી પાતળી લાઈનો દોરેલી હતી. બે ઘડી માટે નીદા જાણે સ્તબ્ધ જ બની ગઈ અને તેણે કાર્ડ ની બીજી બાજુ જોયું તો એ શબ્દો...
"The most beautiful and adventurous trip ever where i missed beauty in every single moment"...
જે શબ્દો નહિ પણ તેના હૃદય પર કોતરેલી વિનય ની લાગણીઓ હતી. એ વાંચતા જ અત્યંત ભાવુક બનેલી નીદા વિનય ને શોધવા પોતાની આંખો ઉંચી કરે એ પહેલા જ વિનય ત્યાં તેની સામે આવીને ઉભો રહી ગયો. એક તરફ વિનય ના શાંત ચહેરા પરથી પ્રેમ રૂપે વહેતુ એ સ્મિત અને એક તરફ નીદા ની આંખો માંથી વહેતુ એ ઝરણું. બંને ને કેટકેટલીયે વાતો કરવી હતી. અઠવાડિયાથી વિનય આવશે ત્યારે આ કહીશ, તે કહીશ વિચારવા વાળી નીદા અત્યારે બસ એક ટકે વિનય ને જોઈ રહી હતી. શબ્દો કદાચ એ સમય પૂરતા મૂંગા થઇ ગયા હતા પણ વિનય અને નીદા ની આંખો ચિત્કાર ચીસો પાડીને એકબીજાની લાગણીઓ કહી રહી હતી. એ દિવસે પહેલી વાર બંને એ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. હા શબ્દો થી નહોતું કહ્યું પણ કહેવાઈ છે ને પ્રેમ ના ઈઝહાર ને શબ્દો નો ટેકો ભાગ્યે જ જોઈએ. અને બસ પછી થી નીદા અને વિનય જાણે કે આખી દુનિયા થી દૂર એકમેક ની સાથે પોતાની અલગ દુનિયા માં જ રહેવા લાગ્યા. બંને નો પ્રેમ દિવસે ને દિવસે વધુ ગાઢ અને મજબૂત થવા લાગ્યો.
નીદા હંમેશા કહેતી, વિનય આ કોઈ મસ્તીમાં કે નાની ઉંમર માં અંજાઈ ને કરેલો પ્રેમ નથી હા ને!. તારું ના હોવું પણ મારે મન હોવું જ છે. અને હવે આ પ્રેમ આ જીવન માં તારા સિવાય બીજા કોઈ સાથે કદાચ થશે પણ નહિ. જેના જવાબ માં વિનય હંમેશા નીદા નો હાથ પોતાના હાથ માં લઇ, એની આંખો માં પોતાની આંખો પરોવીને પુરા કોન્ફિડન્સથી કહેતો કે હા નીદા હું સમજુ છું અને હું પણ તને અનહદ પ્રેમ કરું છું. બસ તું બીજી બધી ચિંતા છોડી દે, બાકી બધા માટે હું છું.
આમ ને આમ એક વરસ ક્યાં નીકળી ગયું એ બંને ને ખબર ના રહી. દૂધ માં આવતા ઉભરા ની જેમ ક્યારેક બંને વચ્ચે થોડી રકજક થઇ જતી પણ સાંજ પડ્યે જેમ ગાય પોતાના ખીલે આવીને જ ઉભી રહે તેમ ગમે એટલી નારાજગી હોય, બંને એકબીજા પાસે આવવાનો રસ્તો ગમે ત્યાંથી શોધી જ લેતા. એવું ક્યારેય નહોતું બન્યું કે બંને એક દિવસ થી વધારે એકબીજા સાથે ના બોલ્યા હોય.
પણ નીદા અને વિનયે એકબીજા સાથે વાત કરી હોય આ વાત ને આજે દોઢ વરસ થવા આવ્યું. સાચું જ કહ્યું છે કે સમય થી વધારે બળવાન કાંઈજ નથી. જેમણે સપના માં પણ દૂર રહેવાનું નહોતું વિચાર્યું એ આજે દોઢ વરસ થી એકબીજા થી દૂર હતા. આપણા જ સમાજે બનાવેલા નીતિ- નિયમો વચ્ચે આજના સમય માં પણ કેટલાય સંબંધો નો અંત આવે છે. નીદા અને વિનય નો સબંધ પણ ઇન્ટર-કાસ્ટ ના માચડે ચડી ગયો અને આ સબંધ ને ફાંસી આવી.
નીદા હજી ભૂતકાળ માં જ તરવરી રહી હતી કે એના કાને અવાજ પડ્યો, નીદા! બેટા ક્યાં છે? અને તારો ફોન ક્યાં છે? નિખિલ નો ફોન આવ્યો કે મમ્મી નીદા ફોન જ નથી ઉંચકતી. બેટા તારે શોપિંગ મા જવાનું છે. ભૂલી ગઈ? તે જ તો નિખિલ ને કહ્યું હતું કે આજે તું ફ્રી છે તો આજે તમે બંને લગ્ન માં પહેરવાનું ઘરચોળું લેવા જશો. ચાલ જલ્દી નીચે આવ. નિખિલ તને લેવા આવતો જ હશે. અને આ સાંભળતા જ જાણે કોઈએ તેને ભૂતકાળ ના એ સંસ્મરણો માંથી પકડીને વર્તમાન માં પટકી દીધી હોય એવો ભાર નીદા અનુભવવા લાગી. આંખે આવેલા આંસુઓ લૂછતાં નીદા મનોમન બોલી ઉઠી "હા મમ્મી! હું ભૂલી જ ગઈ કે આજે મારે નિખિલ ના નામ નું ઘરચોળું લેવા જવાનું છે".