Shree Sundarkand - 6 books and stories free download online pdf in Gujarati

શ્રી સુંદરકાંડ ભાગ - ૬

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

વાચક મિત્રો, મારી આ સુંદરકાંડ વિષય ઉપરની લેખમાળાના અગાઉ પાંચ લેખો પ્રસિદ્ધ થયા, જે આપ સહુએ વાંચ્યા હશે. આજના છઠ્ઠા લેખમાં વિષયવસ્તુ વિશે લખતા પહેલા બે વાતો કહેવી છે. પહેલી, આપ સુંદરકાંડની આ જે કથા વાંચો છો, તે લખવા માટે મારી અંગત રીતે કોઈ ક્ષમતા નથી તેવું હું માનું છું. આ બધો મારા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી વિશ્વંભરદાસજી મહારાજના આશિર્વાદનો જ પ્રભાવ છે. હું માધ્યમ માત્ર છું. બીજી, ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત રામચરિતમાનસના ક્રમ મુજબ હજુ સુંદરકાંડની કથા ખરેખર શરુ થઈ નથી. કિષ્કિંધાકાંડની છેલ્લી ચોપાઈઓ સંદર્ભમાં કથા ચાલે છે. મને લાગે છે કે સુંદરકાંડની ચોપાઈઓ શરુ કરતા પહેલા આ કથા જરૂરી છે, માટે વર્ણવી રહ્યો છું. આશા રાખુ છું કે આપને પસંદ પડતી હશે.

આગળના લેખ(http://udaybhayani.in/sundarkandwithuday_005/)માં આપણે શ્રીહનુમાનજી બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાની ખાણ એટલે કે ભંડાર છે, તેની થોડી કથા જોઈ હતી, બાકી શ્રીહનુમાનજીના ચરિત્ર અને ચરિતની વાતો માટે તો અનેક જન્મો પણ ઓછા પડે. અહીં હું જે કંઈ કથા લખી રહ્યો છું, તે ‘કથા કરું મતિ અનુસાર’ છે. હવે આપણે આ સુંદર કથામાં આગળ વધીએ… શ્રીજામવંતજી શ્રીહનુમાનજીને કહે છે –

કવન સો કાજ કઠિન જગ માહીં । જો નહિં હોઇ તાત તુમ્હ પાહીં ॥

હે મહાવીર! જગતમાં એવું ક્યું અઘરું કામ છે જે હે તાત! આપનાથી ન થઈ શકે? શ્રીહનુમાનજી કોઈપણ કાર્ય કરવા સક્ષમ છે કારણ કે તેને બાળપણમાં જ અનેક આશીર્વાદ અને વરદાનો મળ્યા હતા. આ વરદાનોની કથા જોઈએ તો, બાળ હનુમાનજી સૂર્યને મુખમાં મૂકી દે છે અને પછી શ્રીબ્રહ્માજીની વિનંતીથી સૂર્યને મુકત કરતાં જ સમગ્ર સૃષ્ટિ પૂર્વવત સામાન્ય થઈ જાય છે. ત્યારબાદ શ્રીબ્રહ્માજી પ્રસન્ન થઈને તેઓને વરદાન આપે છે કે, આ બાળકને બ્રહ્મશાપ નહીં લાગે અને તેનો મારા કોઈ અસ્ત્ર-શસ્ત્ર(બ્રહ્માસ્ત્ર સહિત)થી વધ નહીં થાય. દેવરાજ ઇંદ્ર, વજ્રના પ્રહારથી અંજનીનંદનની હનુ (હનુ = દાઢી) તૂટી ગઈ હોય, “હનુમાન” એવું નામ આપે છે અને તેનું શરીર વજ્રથી પણ વધુ કઠોર થાય તથા વજ્રની તેના ઉપર કોઈ અસર નહીં થાય તેવા આશીર્વાદ આપે છે. સૂર્યદેવ તેને પોતાના તેજનો એક સોમો ભાગ (શતાંશ) પ્રદાન કરે છે અને સમય આવ્યે તેના ગુરુ બની વિદ્યા આપવાનું વચન આપે છે. વરુણદેવ તેને પોતાના પાશ અને જલથી સુરક્ષાનું વરદાન આપે છે. યમરાજા તેને યમદંડથી અવધ્ય રહેશે તેવું વરદાન આપે છે. યક્ષરાજ કુબેર તેને યુદ્ધમાં અપરાજિત રહેવાના આશિષ આપે છે. ભગવાન શંકર અને વિશ્વકર્માજી પણ તેને પોતાના શસ્ત્રોથી હંમેશા અવધ્ય રહેવાના અને ચિરંજીવી રહેવાના આશીર્વાદ આપે છે. છેલ્લે ફરી પ્રસન્ન થઈને શ્રીબ્રહ્માજી કહે છે કે, શ્રી હનુમાનજી શત્રુઓને ભય પમાડનાર, ભક્તોને અભય પ્રદાન કરનાર, યુદ્ધમાં અજેય, તીવ્ર ગતિવાન, કોઈ રોકટોક વગર કોઈપણ જગ્યાએ જઈ શકનાર અને ઇચ્છાનુસાર રૂપ ધારણ કરી શકનાર બનશે. આમ, શ્રીહનુમાનજીને બાળપણમાં જ આ બધા વરદાન અને આશીર્વાદ મળી ગયેલ હોય, તેઓ માટે કોઈ જ કામ કઠિન નથી.

જામવંતજી આગળ કહે છે , ‘રામ કાજ લગિ તવ અવતારા’, હે પવનપુત્ર! આપનો તો અવતાર જ શ્રીરામપ્રભુના કાર્ય માટે થયેલો છે. આમ તો શ્રીહનુમાનજીને પોતાના અવતાર વિશે જ્ઞાન હતું જ કારણ કે ભગવાન શંકરે પોતે જ અગિયારમાં રુદ્ર સ્વરૂપે આ અવતાર લીધો હતો. પરંતુ, શ્રીહનુમાનજીને બાળપણમાં અગાઉ જોયેલા વરદાનો સાથે એક શ્રાપ પણ મળેલો હતો. આ શ્રાપની કથા કંઈક એવી છે કે, બાળ હનુમાનજી ખુબ જ શક્તિશાળી હતા અને શ્રીબ્રહ્માજી તથા દેવતાઓના વરદાનો મળ્યા પછી તો તેઓ ખૂબ જ ચંચળ અને નટખટ થઈ ગયા હતા. તેની આવી ચપળતા અને ચંચળતા જોઈને તેમના માતા-પિતા ખુબ જ ખુશ થતા હતા. તેઓ આખો દિવસ જંગલોમાં અને પર્વતો ઉપર ચારે બાજુ ફરતા રહેતા અને ખૂબ જ તોફાન કરતા હતા. ક્યારેક મોટા-મોટા હાથીઓને પૂંછડીથી પકડી, ઘુમાવી અને દૂર ફેંકી દેતા, તો ક્યારેક મોટા-મોટા વૃક્ષોને મૂળ સહિત હચમચાવી દેતા. પર્વતનું એક પણ શિખર એવું ન હતું, જ્યાં તેઓ છલાંગ મારીને પહોંચી ન ગયા હોય. તેઓ ક્યારેક-ક્યારેક ઋષિઓના આશ્રમમાં જતા અને ત્યાં એવા તોફાન કરી દેતા, જેનાથી ઋષિ-મુનિઓનો તપોભંગ થતો. ક્યારેક ઋષિઓના કમંડળ ફેંકી દેતા, તો ક્યારેક તેઓના કપડા ફાડી નાખતા. શ્રીબ્રહ્માજીના વરદાનથી પરિચિત હોય કોઈ ઋષિ તેને કંઈ કરી શકતા ન હતા.

શ્રીહનુમાનજીની આયુ હવે ભણવાની થઈ, તેમ છતાં તેઓ સતત બાળસહજ મસ્તી અને તોફાનમાં જ પ્રવૃત રહેતા હતા. માતા અંજનાજી અને પિતા કેસરીજીને હવે ચિંતા થવા લાગી. તેઓ ઋષિ-મુનિઓ પાસે ગયા અને પરિસ્થિતિ વર્ણવી, માર્ગદર્શન કરવા વિનંતી કરવા લાગ્યા. ઋષિ-મુનિઓએ વિચાર્યું કે, શ્રીહનુમાનજીનું બળ અને પરાકમ સ્વાભવિક છે, પરંતુ વિદ્યાભ્યાસ પણ આવશ્યક જ છે. ત્યારબાદ શ્રીહનુમાનજીના તોફાનથી પરેશાન ઋષિઓએ તેને શ્રાપ આપ્યો કે, “તેઓ પોતાનું બધું બળ ભૂલી જશે. જ્યારે તેના બળ અને પરાક્રમની પ્રભુ કાર્યાર્થે આવશ્યકતા હશે, તેમજ તેને કોઈ યાદ અપાવશે, ત્યારે તેને બધી શક્તિઓનું પુન:સ્મરણ થશે”. આમ, શ્રીહનુમાનજીને પોતાની અપાર શક્તિઓની વિસ્મૃતિનો શ્રાપ હોય, જામવંતજીએ યાદ અપાવવું પડે છે કે, હે મારુતિનંદન! ‘રામ કાજ લગિ તવ અવતારા’ અર્થાત આપનો અવતાર શ્રીરામચંદ્રજીના કાર્યાર્થે જ થયેલો છે.

શ્રીહનુમાનજી તો બળ, બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાનના ભંડાર છે. તેઓ વૈરાગ્ય વગેરે સદ્‌ગુણોથી સંપન્ન ઉત્તમ સાધકનું પ્રતિક છે. જ્યારે આપણે બધા તો પંચતત્વના બનેલા પૂતળા એટલે કે રાખના રમકડાં છીએ. જો શ્રીહનુમાનજીને પણ જામવંતજીએ તેના જીવનનો આશય ‘રામ કાજ લગિ તવ અવતારા’ યાદ અપાવવો પડે, તો આપણી શું હેસિયત છે? દરેકના જીવનમાં એક સદ્‌ગુરુ હોવા જોઈએ, એવું મારું અંગત મંતવ્ય છે. આવા સદ્‌ગુરુના આશિષ અને અસીમ કૃપા વગર આપણને પોતાના જન્મનું તાત્પર્ય કઈ રીતે સમજાય? માટે દરેકના જીવનમાં સદ્‌ગુરુના આશીર્વાદ હોવા અનિવાર્ય છે. આ જન્મમાં પરમ પૂજ્ય સદ્‌ગુરુ શ્રી વિશ્વંભરદાસજી મહારાજની અનુકંપા પામી, હું મારા જાતને ધન્ય માનું છું.

આજની કથામાં આપણે શ્રીહનુમાનજીને મળેલા વરદાનો અને શ્રાપ વિશે વાત કરી. આગળની કથામાં આ ચોપાઈ ‘રામ કાજ લગિ તવ અવતારા’ દ્વારા શ્રી તુલસીદાસજી મહારાજ આપણને બધાને શું કહેવા માંગે છે? તેની વાત સાથે આગળ વધીશું.

સર્વે વાચકોને મારા જય સીયારામ….

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED