Featured Books
શ્રેણી
શેયર કરો

શમણાંના ઝરૂખેથી - 7 - શમણાં શોધે ઉકેલ..

૭. શમણાં શોધે ઉકેલ..


"મેસેજ સેન્ટ..ઓ. કે?" અરીસા સામે ઊભા રહી, પોતાનાં મોબાઈલમાંથી સુહાસને મેસેજ લખી મોકલ્યો.

જાણે મનમાં થોડી ગડમથલ ચાલતી હોય તેમ નમ્રતાએ પોતાનાં જમણાં હાથની આંગળીઓ ને પોતાના ચહેરા પર ને પછી દાઢીએ ટેકવી, અને ફરી ફોન તરફ આંખો નમાવી "હજુ જવાબ તો આવ્યો જ નહીં...! ખોટું તો નહીં લાગ્યું હોય ને? જમવાની વાતને મજાકમાં લઈ લીધી હશે કે શું?" વિચારતી વિચારતી અરીસા પાસે પડેલ ખુરશી પર બેસી ગઈ અને મોબાઇલની સ્ક્રિન પર આંગળીઓ ફેરવતી રહી - જવાબની રાહમાં. થોડી વાર તો એમ જ બેઠી, પણ મગજમાં કાંઈક સૂઝ્યું હોય તેમ આંખો ને ઊંચકી, ને ફોન લઈને આગળનાં રૂમમાં પપ્પા પાસે પહોંચી ગઈ.

"પપ્પા, એક ફોન કરી દઈએ તો કેવું? એમને જમવા માટે બોલાવીએ તો છીએ, પણ આપણે એમનાં પપ્પાને જ વાત કરીને જણાવી દઈએ તો કેવું?" નમ્રતાની વાતમાં આ વ્યવહારિક સમજ તો પરખાઈ જ આવતી હતી, છતાંય સદાનંદભાઈએ દીકરીને કહ્યું..,

"બેટા, આપણે સુહાસકુમાર સાથે હમણાં જ તો વાત થઈ. એટલું તો બહુ છે. એ એમની રીતે વાત કરી લેશે. જો તારી જ વાત લઈ લે. તારી વાતને કે જરૂરી બાબતને અમે ક્યારેય ટાળી છે?" પોતાનાં એકેક શબ્દોને તોલી તોલીને મુકતાં હોય તેમ પપ્પાએ એકદમ ગંભીર મુદ્રાવાળી દ્રષ્ટિ નમ્રતા તરફ કરી. "બરાબર છે ને?"

"હા, બરાબર તો છે જ, પણ પપ્પા-"

સરયુબેન નમ્રતાની વાત કાપી તેનની સહાય માટે આવી ગયા. "ચકુ, એ બધી ચિંતા છોડ. તું શાંતીથી કાલની તૈયારી કર." પોતાનાં પતિ તરફ એક હળવી મુસ્કાનવાળી નજર ફેરવી લીધી અને પછી બોલ્યા, "ચકુ, તારા પપ્પાએ તારી ધીરાજનું પાણી માપવાનું ચાલું કર્યું છે. એમણે હમણાં જ સુહાસકુમારના ઘરે ફોન કરી દીધો છે. વાત પણ થઈ ગઈ અને મંજૂરી લઈ લીધી છે."

પોતાની સાથે રમત રમાઈ ગઈ એવાં ભાવ સાથે, નમ્રતાએ ગર્વ અને આશ્ચર્યથ ભરેલી પોતાની આંખની ભ્રમર ઊંચકી અંને પપ્પા તરફ દ્રષ્ટિ કરી, "અચ્છા.., તો એમ વાત છે?"

"શું કરીએ બેટા, આનંદની બે પળ મળતી હોય તો એને ક્યાં હાથમાંથી જવા દેવાની? પપ્પાના આ શબ્દો નમ્રતાને જાણે બળ આપતાં હોય એવું લાગ્યું.

"સાચી જ વાત છે.' મમ્મી તરફ હાથને થોડો લંબાવી, મમ્મીની હડપચીને થોડી હલાવતાં, "શું અભિપ્રાય છે તમારો, મમ્મી?"

"મારો અભિપ્રાય...?" મમ્મીએ પર્સમાંથી પાંચસો રૂપિયા કાઢીને નમ્રતાનાં હાથમાં પકડાવી દીધા. "લે આ રૂપિયા. કાલ માટે જરૂરી સામાન અને શાકભાજી લઈ આવ."

મસ્તીભર્યા માહોલમાં સરયુબહેને પોતાનાં અભિપ્રાય સ્વરૂપે નમ્રતાને કામ સોંપી દીધું.

એકાદ કલાકમાં તો એ ખરીદી પતાવીને આવી પણ ગઈ. અંધારું પણ થવાની તૈયારી હતી. માં-દીકરીએ મળી બીજા દિવસ માટે જરૂરી એવાં નાનાં-મોટાં કામ પણ પતાવી દીધાં. સાંજનું ભોજન પતાવી, એ લોકોએ એકાદ કલાક ટીવી જોવામાં પસાર કર્યો. ટીવીમાં સીરીયલ જોવામાં ત્રણેયને ભારે રુચિ. સબ ટીવી પર 'તારક મહેતાનાં ઉલટા ચશ્માં' નાં એપિસોડ તો અચૂક જોવાનાં. એ કાર્યક્રમ પતે એટલે થોડી વાર ન્યૂઝ ચાલે. નમ્રતાને પણ ન્યૂઝ જોવા-સાંભળવામાંય સારો એવાં રસ-રૂચી. આમ, દશેક વાગ્યા સુધી ટીવીનો કાર્યક્રમ ચાલે.

લગભગ સાડા દસ વાગ્યે, નમ્રતા પોતાનાં રૂમમાં પહોંચી ગઈ. આજે ફોન તો કરવાનો નહોતો. બીજા દિવસે મળવાનું જ હતું. છતાંય ફોન પર કે મેસેજબોક્સમાં નજર ન જાય એવું થોડું બને?

મેસેજ હતો, "થેન્ક યુ. કાલે આવીશ. ગુડ નાઈટ." એ મેસેજ પર નમ્રતાની બે-ચાર વાર આંખ ફરી ગઈ. "થેન્ક યુ?, પણ શાનું? જમવાના બહાને અહીં આવવાનો મોકો મળ્યો એટલે..?" વિચારતાં વિચારતાં, બે વાર ફોનને અનલોક કર્યો ને ફરી મેસેજ પર નજર દોડાવી. મેસેજનાં શબ્દો છનાં છ જ હતાં. "એમ કેમ? 'થેન્ક યુ' કેમ?" નમ્રતાની સુંદર ને નમણી આંખો સામેની દિવાલેથી સરકતી સરકતી છતમાં લાગેલા પંખા સુધી પહોંચી ગઈ એનું એને ભાન ત્યારે થયું જ્યારે માથાનાં વાળમાં લાગેલું બકલ પલંગની ધારમાં ખેંચાયું, "ઓહ માં..! આ બકલ પણ..! " વિચારોનાં ચગડોળે ચડેલી નમ્રતા તકીયે સરકતી ગઈ, પણ ત્રાંસા થઈ ગયેલા બકલે મુલાયમ એવા લાંબા રેશમી વાળને ઝાટકો આપીને પાછી બેસવા મજબૂર કરી દીધી.

નમ્રતા ફરી તકીયે ટેકો જમાવી એમ ગોઠવાઈ ગઈ કે જાણે ઊંઘવાનો કોઈ ઈરાદો જ ના હોય કે પછી ઊંઘ જ ઉડી ગઈ હોય. બકલને મુક્ત કર્યું. લહેરાતાં કેશને જમણાં ખભ્ભેથી આગળ લઈ લીધા. મોબાઈલ પર નજર પણ કરી. બધું યથાવત હતું, સિવાય કે મનમાં સળવળતા પ્રશ્ન 'થેન્ક યુ.., કેમ? નો ઉકેલ. "હમ્મ..પપ્પાએ કરેલા ફોન માટે જ હશે એ 'થેન્ક યુ'." કોયડાનો ઉકેલ મળી ગયો હોય કે જીવનનાં કોઈ યક્ષ પ્રશ્નનો તાળો મળી ગયો હોય તેમ મનમાં ચાલતા 'હમ્મ..' નાં તરંગો જાણે લાવણ્ય નીતરતા ચહેરા પર પ્રબિંબિત થતા હોય તેમ એણે હોઠને થોડાં ભીસ્યાં, એક આંખની ભ્રમરને ઊંચી ખેંચી અને ગરદનને અડઘા ઇંચ જેટલી ઉપર-નીચે હલાવી.

" હા. કારણ તો એજ હશે." પોતાના તર્ક માટે વિશ્વાસનો સૂર પૂરતી હોય તેમ ગણગણી. "એ તો હોય જ ને! પપ્પાએ ફોન કર્યો, વડીલોની વાતચીત થઈ ગઈ, ભોજન માટે સુહાસને નિમંત્રણ અપાયું- વ્યવહારિક રીતે ગોઠવણી થઈ.., બરાબર તો છે.." પોતાનાં મનમાં ઉઠેલ તર્કનું જાણે વિશ્લેષણ કરતી રહી, "પણ, પપ્પાએ ઔપચારિક ફોન ન કર્યો હોત તો..? શું એ જાતે તેનાં ઘરમાં વાત કરીને મંજૂરી લઈને આવી ન શકે? વાળમાં આંગળીઓ ફરતી રહી - જાણે વિચારો અને આંગળીઓની હળવી સંગીત સ્પર્ધા ચાલતી હોય તેમ! પણ, એ રીધમ અટકી પડી.

મોબાઈલમાં આવેલ ટોનથી વિચાર, મન અને આંગળીઓએ એકદમ દિશા બદલી નાંખી. ફોન ઊંચકીને જોયું તો 'બેટરી લો!' અને સમય રાતનાં એક. "ઓહહ.. મને એમકે મેસેજ હશે..!" જાણે ફોન બધું સમજતો હોય તેમ, "ચાર્જ કરવાનું જ રહી ગયું..!" એમ કહી ફોનને ચારજિંગમાં લગાવી દીધો.

"બહુ મોડું થઈ ગયું..! વહેલું પણ ઉઠવું પડશે..!" ચારજિંગ પોઇન્ટ પાસે દીવાલમાં લાગેલા અરીસાને એક હળવું સ્મિત આપી, પલંગ પર આવીને સીધું જ લંબાવી દીધું, મન જાગતું રહ્યું થોડી વાર સુધી - વિચારતું રહ્યું "કાલે રવિવાર છે. કઈ વસ્તુ બનાવું, ને કેવી રીતે..? રોટી કે શાક કે પછી બીજું - શું કાચું રાખું? , શામાં નવીનતા ઉભી કરું...? કાંઈક તો પ્રયોગ થવો જ જોઈએ...? કાંઈક 'પાકું' કરવા, કઇંક કાચું છોડવું પડશે..!" ને બસ, ક્યાંય સુધી ગડમથલમાં ડૂબેલું મન નમ્રતાને પડખાં ફેરવવા પ્રેરતું રહ્યું...

"વિચારો આખી રાત ચાલ્યા કે શું? શું હું ઊંઘી જ નથી? માથું પણ થોડું ભારે લાગે છે..!" આંખ ખુલતાની સાથે જ, બાજુની બારીમાંથી મંદ મંદ આવતી હવાની હળવી લહેર અને આંખોમાં પડતી રોશનીએ સવાર થયાનો અહેસાસ કરાવી દીધો. ઘડિયાળમાં નજર કરી, "સાડા સાત..!'

"ઉભી થા..! ફટાફટ તૈયાર થા, નમ્રતા, આમેય બહુ મોડું થયું છે" , પોતાની જાતને જ ટકોરવા માંડી, "હમણાં આવી જશે, ને ખબર પણ નહીં પડે..! માથાનાં વાળને સરખા કરતી કરતી અરીસા સામે ગોઠવાઈ ગઈ...

અરીસામાં ચાર આંખ શું મળી ગઈ કે જાણે અચાનક ફૂટી નીકળેલી હળબળી શાંત પડી ગઈ..." શાંતી.., શાંતિ..! થોડી તો ધીરજ રાખ..! થઈ જશે બધું..! જમાડ્યા વગર પાછા થોડા મોકલી દઈશ..?

એક હાથને ખભ્ભેથી થોડો ઊંચકીને, માથાની પાછળ ગરદને ટેકવી, શરીરને કમરથી થોડું ખેંચી આળસ મરડતાં મારડતાં હોઠને ફફડાવ્યા, "જોયું જશે, નમ્રતા..,! એક વાર મારા હાથની રસોઈ ચેક તો કરી લ્યે..!

...ક્રમશઃ