નિયમનો ઝરૂખો.. Ankit K Trivedi - મેઘ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિયમનો ઝરૂખો..


દરેક નિયમ નવબીજ વાવે,સારા નિયમથી પ્રાપ્ત થાય સિદ્ધિ;
નિયમ જિંદગીને સુખી બનાવે, લાવે જીવનમાં નવી વૃદ્ધિ.



કેમ છે ભાઈ ટ્યુશનમાં નથી આવવાનું ખબર તો છે ને "૧૫ તારીખે " પરીક્ષા છે. એવું કહેતા ક્રિશિવનો મિત્ર તેના ઘર આગળથી ટ્યુશનમાં જવા નીકળી ગયો.
આ પરીક્ષા પણ મનને ફાવે એમ ગોઠવી દે છે, આ નવા પ્રિન્સિપાલે શાળામાં ભણતા બાળકોને એકવાર પૂછવું તો જોઈએ કે પરીક્ષા અત્યારે લઈએ કે નહિ તમને કોઈ તકલીફ તો નથીને , તબિયત બરાબર છે કે નહિ. આપણે શું જીવનમાં બીજા કોઈ કામ જ ના હોય ? હે દાદા તમારું શું કહેવું છે એમ બોલતાં ક્રિશિવ તેના નાના કિશોરભાઇની સામે જોયું. તેના નાનાએ પ્રેમથી હસીને જવાબ આપ્યો સાચી વાત છે બેટા તારી , પણ તારે અત્યારે ટ્યુશનમાં જવાનું નથી ?
મને એવું લાગે છે કે આજે મને પેટમાં દુઃખશે દાદા એટલે ટ્યુશનમાં જવાનું મારું મનના પાડે છે,તો મમ્મીને તમે સમજાવી દોને તમારી રીતે, નહીંતર મને મારશે એને થોડો પણ વિશ્વાસ જ નથી અને કહે છે મને કે તું કોઇપણ કામ કોઈ નિયમ સાથે નથી કરતો તારા જીવનમાં કોઈ નિયમબદ્ધતા નથી. બોલો હું એવો દેખાવું છું હે? અને દાદા હું આજે સાંજે જઈશ ટ્યુશનમાં બસ.
નાના હસ્યા અને કહ્યું બેસ બેટા હું તને એક વાત કહું.
ગઈકાલે હું જ્યારે કથા સાંભળવા ગયો ત્યારે કથામાં નિયમબદ્ધતા માટે જ કથાકાર પ્રવચન આપતા હતા.
પૂજય શ્રી બોલ્યા કે કથા સાંભળવા આપણે નિયમ અનુસાર એક જ સ્થાન પર કેમ મળીયે છીએ કેમ કે આપણને ઇશ્વરના સારા સંદેશની પ્રાપ્તિ થાય આપણને પરમ કૃપાળુ પરમાત્માના દર્શન થાય. હવે જો ૭ દિવસની કથામાં જો આપણે નિયમ સાથે ના મળીયે તો પ્રભુ પ્રાપ્તિનો અનુભવ મળશે નહિ.
દાદા કોઈ વાર્તા કરી નહિ? એ મહારાજે તમને , એવું ભાઈ વચ્ચે જ બોલ્યો.
દાદા બોલ્યા એ જ કહું છું તેમણે નિયમબદ્ધતાની વાર્તા કરી છે જે હું તને હવે કહું છું.
એક માધવપુર નામનું ગામ હતું. ત્યાં એક એદીરામ નામે એક જુવાન વ્યક્તિ રહેતો હતો આમ તો એનું નામ ખાલી રામ જ હતું પણ એનામાં આળસ એટલી બધી હતી કે ગામના લોકોએ ભેગા થઈને એનું નામ એદીરામ રાખી દીધું હતું. એદીરામને જિંદગીમાં કોઈ જ નિયમ નહિ ના વહેલો ઉઠે ના વહેલો સુવે,ના કોઈ દિવસ દાન કરે ના મંદિરે જાય.અરે મંદિરેતો જવાનું જ દૂર કેમ કે એદીરામ નાસ્તિક હતો.
હવે એકવાર એદીરામ ગામની ભાગોળે બપોરના સમયે સૂતો હતો.બપોર ઉનાળાની હતી તેથી તેને તરસ લાગી એટલે તે કૂવા આગળ ગયો તેણે કૂવામાંથી પાણી કાઢ્યું અને પીવા જતો હતો ત્યાં જ અવાજ આવ્યો ભાઈ મારે થોડું પાણી પીવું છે મને આપીશ? એદીરામએ જોયું તો એક બાવો ઊભો હતો તેણે કહ્યું હા પીવો ને મહારાજ આ કૂવો મારા એકલાનો થોડો છે એમ કહી એણે પાણી બાવાને આપ્યું. બાવાએ પાણી પીધું અને બોલ્યો તને ઇશ્વરના આશીર્વાદ મળે અને સુખની પ્રાપ્તિ થાય.
ઈશ્વરનું નામ સાંભળીને એદીરામ બોલ્યો હું ભગવાનમાં માનતો નથી મહારાજ.
મહારાજ યોગી હતા તેઓ સમજી ગયા તેણે કહ્યું તમે શું કરો છો ભાઈ તમારે શેનું કામ છે? આ વાત ગામના બે વ્યક્તિ સાંભળતા હતા તેઓ બોલ્યા આ ભાઈને ઊંઘવાનો મોટો ધંધો છે મહારાજ, કહી હસીને ત્યાંથી ચાલ્યા ગયા.
મહારાજ યોગી હતા તેમનું કામ લોકોને સાચો માર્ગ દોરવાનો હતો અને આ એદીરામ અજ્ઞાની છે એ યોગીને ખબર પડી ગઈ હતી, તેથી તેમણે એદીરામને કહું બેટા હું તને એક વાત કહું તો તું માનીશ ? જરૂર મહારાજ એવું એદીરામ બોલ્યો પણ ભગવાનના મંદિરે જવાનું ના કહેતા.
યોગી બોલ્યા ના એવું નથી કહેતો પણ હું તને એક નિયમ લેવાનો કહું છું જે તારે દરરોજ ઊઠીને નિયમિત કરવાનો બોલ કરીશ? યોગિની વાતને એદીરામે સ્વીકારી. તેથી યોગી બોલ્યા મને તારું ઘર બતાવ હું ત્યાં જ તને જણાવીશ.
એદીરામ યોગીને ઘરે લઈને ગયો. રસ્તામાં એદીરામ વિચાર કરતો હતો આ નિયમ લઉ તો મને શું ફાયદો? તેથી ઘરે પહોંચતા જ તેણે યોગીને પૂછ્યું કે મને નિયમથી શું ફાયદો? યોગી સમજી ગયા કે આ લાલચુ પણ છે. તેથી તેમણે કહ્યું કે આખું ગામ તને આળસુ કહે છે અને તારા ઉપર હસે છે જો તું આ નિયમ લઈશ તો બધા તને વ્યવસ્થિત રીતે બોલાવશે.
એદીરામ ખુશીથી બોલ્યો જરૂર મહારાજ હું આ નિયમ લઈશ અને પાળીશ પણ ખરો.
યોગીજી એદીરામના ઘરની બહાર ઊભા રહીને બોલ્યા બોલ બેટા તું શું નિયમ લઈશ ? મહારાજ મને આ બાજુમાં રહેતા કુંભારનો ગધેડો બહુ જ ગમે છે તો મને એની સાથેનો કોઈ લાગતો વળગતો નિયમ બંધાય એવો કોઈ રસ્તો ખરો? એવું મૂર્ખ એદીરામ બોલ્યો. યોગીજી બોલ્યા તો પછી તું શું કરવા માંગે છે તે કહે.તો એદીરામ કહે હું એવો નિયમ લઉ છું કે હું રોજ સવારે જ્યારે ઉઠું તો પહેલા જ આ ગધેડાનું મોઢું જોઉં અને પછી જ નિત્યક્રમ કરું. મહારાજ કહે હા ચાલશે પણ હવે નિયમ તોડતો નહીં નહીંતર તારું બૂરું થશે.એમ કહી યોગીજી ત્યાંથી જતા રહ્યા.
એદીરામ વિચારતો હતો ઉતાવળમાં ખોટું બોલી ગયો આ ગધેડોતો વહેલો સવારમાં જ કુંભાર લઈને નીકળી જાય છે મારે પણ હવે વહેલું ઉઠવું પડશે પણ કંઈ નહિ હવે નિયમ લીધો જ છે તો પૂરો કરીશ જ નહીંતર મારું બૂરું થશે,એમ વિચારી એદીરામ સૂઈ ગયો. બીજા દિવસે સવારે જલ્દી ઉઠીને દરવાજો ખોલી બહાર જઈને પેલા ગધેડાનું મોઢું જોયું અને પછી જ નિત્યક્રમ કરવા લાગ્યો.
હવે દરરોજ આમ જ ચાલ્યું , દરરોજ તે સવારે જલ્દી ઉઠીને દરવાજો ખોલી બહાર જઈને પેલા ગધેડાનું મોઢું જોવે અને પછી નિત્યક્રમમાં લાગી જાય. આ વાતને
૩ મહિના થઈ ગયા, એક દિવસ એવું બન્યું કે એદીરામની આંખ મોડી ખુલી તેણે બહાર જઈને જોયું તો ગધેડો નહિ તેણે બૂમ પાડીને કુંભારણને પૂછ્યું ગધેડો ક્યાં છે? તો કુંભાર ગધેડાને લઈને માટી લેવા જંગલ તરફ ગયા છે એવો અંદરથી સાદ આવ્યો એટલે એદીરામ તો આંખો બંધ કરીને જંગલ તરફ ભાગ્યો કેમ કે એણે નિયમ લીધો હતો કે ઉઠીને સૌથી પહેલા એ ગધેડાનું મોઢું જોવે અને પછી જ નિત્યક્રમ કરશે.
હવે આ બાજુ એવો બનાવ બન્યો કે જ્યાં કુંભાર માટી ખોદતો હતો ત્યાં મોટો ચરું મળ્યો હતો કુંભાર એક ઝાડની પાછળ ગધેડાને ઊભો રાખી બધું ધન ભરતો હતો ત્યાંજ પેલો એદીરામ આવ્યો એણે એટલું જ જોયું કે ગધેડો ઝાડ જોડે ઊભો છે તો એ ઝાડ તરફ થોડો આગળ ગયો ત્યાં જ તેને ગધેડાનું મોઢું દેખાઈ ગયું એટલે આળસુ એદીરામ વધારે આગળ ના ગયો તેથી ધન એકઠું કરતા કુંભાર ઉપર એની નજર ગઈ નહિ પરંતુ તે ગધેડાનું મોઢું જોતા જ પાછો વળ્યો અને જોર જોરથી બૂમો પાડી કે મે જોઈ લીધું મે જોઈ લીધું એમ બોલતો બોલતો એ પાછો એના ઘરે ગયો અને કુંભાર એનો અવાજ સાંભળીને ગભરાઈ ગયો અને વિચારવા લાગ્યો કે હવે આ મૂર્ખ રાજાને કંઈ દેશે અને રાજા આ બધું ધન હવે લઈ જશે એવું વિચારીને એ પણ એદીરામની પાછળ ઘરે આવ્યો અને તે ઘરે આવતની
સાથે જ એદીરામને મળવા ગયો અને એદીરામ કઈ બોલે એ પહેલા જ એના હાથમાં મળેલા ધનનો અડધો ભાગ સોંપી દીધો અને કહ્યું હવે આ અડધું ધન તારું અને અડધું મારું પણ તું રાજાને જઈને ના કહેતો કે મને જંગલમાંથી મને ચરુ મળ્યો છે અને તું જોઈ ગયો હતો નહિતર આ ધન તને પણ નહિ મળે કે મને પણ , સમજ્યો એના કરતાં હવે આપણે બંને સમજીને ભાગ પાડી લઈએ છીએ.એમ કહી કુંભાર ત્યાંથી જતો રહ્યો.
એદીરામને કઈ સમજાયું નહિ પણ એને એવું લાગ્યું કે હું ગધેડાને જોવા ગયો અને આમ બન્યું હશે અને મારા ગધેડા જોવાના નિયમથી હું આજે અમીર થઈ ગયો.
એદીરામને ધન મળવાથી એણે નવું ઘર લઇ લીધું,એના લગ્ન થઈ ગયાં ,હવે એના નામની આગળથી " એદી " નીકળી ગયું એને ગામ આખામાં માન મળવા લાગ્યું એને લોકો રામજીભાઈ શેઠ તરીકે લોકો બોલવા લાગ્યા.
એદીરામ ખૂબ ખુશ થઈ ગયો હતો.
આટલું કહી નાના બોલ્યા બેટા ક્રિશિવ પછી અમને સપ્તાહ કહેતા મહારાજે કીધું કે જો ખાલી ગધેડાનું મોઢું જોવાના આ મૂર્ખ નિયમથી જો એદીરામ જેવા મૂર્ખનું ભલું થાય તો જો આપણે દરરોજ સવારે જલ્દી ઉઠીને સ્નાન કરીને ભગવાનનું નામ લઈએ તો આપણને ઈશ્વરની કૃપા જરૂર મળશે અરે જો કોઈ બીજો સારો નિયમ પણ લઈએ તો પણ આપણા જીવનનો લક્ષ્ય જરૂર પ્રાપ્ત થશે.
કહી નાના બોલ્યા સમજ્યો ક્રિશિવ તું કયો નિયમ લઈશ બેટા, હવે ક્રિશિવને એની ભૂલ સમજાઈ ગઈ હતી તે જલદીથી ઉભો થઈને સ્નાન કરવા ગયો અને કહ્યું દાદા હવે હું ક્યારેય ખોટું નહિ બોલું અને દરરોજ નિયમિત અભ્યાસ કરીશ અને રોજ એક ભગવાનની માળા કરીને જ શાળાએ જઈશ કહી એ બાથરૂમમાં જતો રહ્યો.
દાદાને ખબર પડી ગઈ હતી કે હવે ક્રિશિવ સમજી ગયો છે કે એણે શું કરવું તેથી કિશોરભાઈ પણ મુખ ઉપર સ્મિત લઈને મંદિરે જવા નીકળી ગયા.

©-લી. અંકિત કે ત્રિવેદી 'મેઘ'