શમણાંના ઝરૂખેથી - 2 Ketan Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શમણાંના ઝરૂખેથી - 2

. આકાર લેતા શમણાંનો સાક્ષી..


આમજ, મનમાં વીંટાળી રાખેલા સપનાઓ અને અરમાનો સાથે નમ્રતાનાં દિવસ-રાત પસાર થતા હતા. થોડા દિવસમાં સગપણ થશે ને પછી આવશે લગ્ન. દિવસ દરમિયાન મમ્મીને કામકાજમાં મદદ કરવાની, ને નાની-મોટી ખરીદીમાં સાથે જવાનું. દિવસતો ગમે તેમ પસાર થઈ જાય, પણ રાત બહુ જ લાંબી લાગે! આમ, રોજનું નિત્યક્રમ ચાલે.

જોતજોતામાં એક અઠવાડિયું પણ પસાર થઈ ગયું. સગાઈની રસમ માટે લાગતા-વળગતાઓને નોતરું પણ અપાય ગયું. આમંત્રણની વાતો થી યાદ આવી સુલેખા, જે સાવ વિસરાઈ જ ગઈ હતી. હિલોળા લેતા ઉત્સાહમા ને ઉત્સાહમાં, તેની દર્દભરી સ્થિતિ મગજમાંથી ક્યાંય ગાયબ થઈ ગઈ હતી. પણ, મમ્મીએ સુલેખા વિશે પૂછ્યું, યાદ કરાવ્યું ત્યારે અહેસાસ થયો કે પોતાની ખાસ બહેનપણીને કહેવાનું પણ રહી ગયું હતું. તેની સાથે બહુ દિવસથી વાત પણ નથી થઈ.

બપોરના સમયે પોતાના ઓરડામાં બેસી નમ્રતાએ સુલેખા સાથે વાત કરી - બહુ દિવસ પછી. આમંત્રણ આપ્યું. ખબર-અંતર પૂછ્યા. સુલેખાએ ફોનમાંજ પોતાનું હૈયું ઠાલવી દીધું. "વધારે લાંબુ નહીં ચાલે. અત્યારે તો હું પપ્પાના ઘરે આવી ગઈ છું. વાત છૂટાછેડા સુધી આવી ગઈ છે. સાસુમાને મારુ કામ ફાવતું નથી. સસરાનું ઘરમાં ખાસ ચાલતું નથી. કામ બાબતે બોલવાનું થઈ જાય ને ક્યારેક ખર્ચ બાબતે..! ને સાંજે દીકરા પાસે મારી ફરિયાદ. એમણે તો મને કહ્યું કે મમ્મીને તકલીફ ન થાય એમ કર, નહીતો .. આ ઘરમાં આમ જ ચાલશે...ને આમ જ ચાલવું પડશે...!" હૈયા વરાળ લગભગ ઠલવાઇ ગઈ પછી, નમ્રતાનો વારો આવ્યો પોતાની વાત કરવાનો, સુહાસની વાત કરવાનો..; પણ પોતાના સંવેદનો દબાવી રાખ્યા. પોતાના સુખદ અનુભવ, સુહાસ સાથેની મીઠીમધ ચર્ચાઓ - સુલેખાનું મન અત્યારે સહન નહીં કરી શકે. કદાચ એને દુઃખ થાય. કદાચ એ કાંઈ ઊલટું જ વિચારી બેસે. એટલે નમ્રતાએ થોડું ટૂંકમાં જ પતાવ્યું. " ઘર-કુટુંબ, બધું સારું છે.'' ફરી આમંત્રણ આપ્યું અને વાત પૂરી કરી.

"હે, ભગવાન! સુલેખાની સાથે કેમ આમ થાય છે? એ કેમ એના પતિને સમજાવવા પ્રયત્ન નહીં કરતી હોય? શું એનો પતિ સુહાસની જેમ પ્રેમાળ નહીં હોય?? શું સુહાસ પણ લગ્ન પછી બદલાય જશે? શું આવું થાય ખરું?? સુલેખા લગ્ન પહેલા, તેની સગાઈ પછી તેના ભાવી પતિ એટલેકે મનોજની વાતો કરતા થાકતી નહોતી..! ને, લગ્ન પછી મનોજ....જીજાજી .. "

ના, ના..! સુહાસ અલગ છે. એની વાતમાં સચ્ચાઈ અને પ્રેમ છે. એ ખૂબ પ્રેમથી જ રહેશે. એ મને સમજવા પ્રયત્ન કરે છે. એ મને પસંદ કરે છે. એ મને કોઈ તકલીફ નહીં થવા દયે.

"સુલેખાને પણ એનાં સાસરે આવો જ પ્રેમ મળે તો કેવું સારું..! સુહાસ અને તેના ઘરનાં લોકો કેટલા પ્રેમભાવ વાળા છે" એમ વિચારતા, એ સુહાસના વિચારોમાં ગરકાવ થઈ ગઇ...

" બેન્ડ-વાજા, નાચ-ગાયન પત્યું ને સાસરિયાના દરવાજે નમ્રતા અને સુહાસનું સ્વાગત કરવા બધા કુટુંબીજન એકઠા થયા છે. પોખવાની વિધિ પૂરી થાય છે. સુહાસના ચહેરાનું સ્મિત આખા જીવનને સુગંધિત કરી દેતું હોય એવું નમ્રતાને અનુભૂતિ થાય છે. સાસુમા, બધી રસમ પૂરી થતા, બહુ જ હળવા લહેકાથી સુહાસને કહે છે, 'બેટા, લક્ષ્મીને લઈ ઘરમાં પ્રવેશ કરો..' બધાની મુલાકાત, પરિચય, આશીર્વાદ ને પછી રિસેપ્શન.....ને પછી નીરવ શાંતિ...સુહાસની આંખોમાં જોતાં જોતાં સવાર ક્યારે પડી ગઈ હોય અને કોઈ બારણું ખટખટાવતું હોય એવું લાગ્યું...."

વિચારોમાંથી ઝબકી જવાયું. મમ્મીનો આવાજ સંભળાયો. "દીકરી જાગે છે કે સુઈ ગઈ? ચાલ, તૈયાર થઈ જા. બજારમાં જવાનું છે." આમતો બપોરે સુવાની ટેવ નહીં, અને આ રીતે વિચારોમાં ખોવાઈ જવાની ટેવ પણ નહીં; પણ, આજે થોડી પળોમાં જાણે એક ભવ જીવી લીધો હોય એવું લાગ્યું. "હા, મમ્મી, આવી! "એમ કહી ને સીધી અરીસાની સામે પહોંચી ગઈ. આજે અરીસોય નમ્રતાને જોઈને મંદ મંદ મલકાતો હોય એવું લાગતું હતું. નમ્રતાએ અરીસામાં મલકાતી સુંદર છબીના મધ્યભાગે લીપ લાઈનરથી 'સુહાસ' લખ્યું, ને લજ્જાથી માથું અરીસા પર મૂકી દીધું. "મોડું થશે મારે...! તારું ચાલે તો, તુંતો આખો દિવસ મને અહીં જ બેસાડી રાખે...!" અરીસાને નમ્રતાનો મીઠો ઠપકો તો મળ્યો, ને સાથે સાથે 'તું મારી સંગાથ જ આવજે' એવી સાંત્વના પણ મળી.

અરીસાને થોડો ચોખ્ખો કરી, હાથે ઘડિયાળ બાંધી, કાનમાં પહેરેલી ઈયરરિંગ અરીસામાં જોઈને ચેક કરી, માથું આમથી તેમ ફેરવી માથાનાં વાળને, આંગળીઓ થી રમાડી, સરખા કર્યા અને અરીસામાં ઉભેલી અરીસાની શોભામાં વધારો કરનાર એવી, મલકાતી - હરખાતી સુંદર પ્રતિકૃતિને હાથની આંગળીઓથી ઈશારો કરી, 'બાય.. બાય' કહેતી અને ખભ્ભા પર પર્સ લટકાવી બહાર જવા બે-ચાર ડગ આગળ ચાલી ને કાંઈક યાદ આવ્યું હોય તેમ પાછી ફરી. બે ફૂટની પહોળાઈવાળા ગોળ આકારના અને લાકડાની સુંદર ફ્રેમ વાળા અરીસાની ધાર પર હાથ ફેરવી એ ધીમેથી બોલી "તું મારી સાથે જ રહેજે - મારા પ્રેમનો સાક્ષી બની, મારા સાકાર થતા શમણાંઓને તું જોજે, નિહાળજે - સાક્ષી બની."

...ક્રમશ: