બેકાબુ બનેલી ધડકનો, ચડી ગયેલો શ્વાસ, પરસેવે રેબઝેબ શરીર... ત્યારે શાંત પડ્યું જ્યારે પૂરેપૂરો વિશ્વાસ બેઠો કે આ માત્ર સ્વપ્ન જ હતું ! હકીકત નહીં...!!
સ્વપ્નમાં હંમેશ માટે અલવિદા કહી રહેલી માધવીને રોકવા માટે લંબાયેલો હાથ હવામાં જ અટકેલો રહી ગયો. મોઢા માંથી એક ચીસ નીકળી ગઈ અને હું ઝબકી ને જાગી ગયો....!
સ્વપ્નમાં જોયેલું આ દ્રશ્ય શરીરમાં ધ્રુજારી ઉત્પન્ન કરી ગયું. માધવી ને ખોઈ બેસવાનો ડર મને સતત અંદર થી કોરી ખાતો હતો. આ ડર પહેલવહેલી વખત ત્યારે અનુભવાયો જ્યારે એન્જીનીયરીંગ કૉલેજની ફેરવેલ પાર્ટીમાં માધવીએ હસતા હસતા કહી દીધું હતું કે "રાકેશ, હવે જલ્દીથી પગભર થા, નહીંતર મારા પેરેન્ટ્સ મને બીજે પરણાવી દેશે !"
માધ્વીની આ ટકોરે મને પ્રેમ અને સ્વપ્નની દુનિયા માંથી બહાર કાઢી વાસ્તવિકતાની સમીપ લાવી ઉભો કરી દીધો હતો.
વાસ્તવિક દુનિયા ધાર્યા કરતાં વધુ બિહામણી નીકળી ! ઠેર ઠેર ખુલી ગયેલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ્ના કારણે ફાટી નીકળેલો એન્જીનિયર્સનો રાફડો અહીં મને નડી ગયો.
'માધ્વી માટે અને માધ્વી સાથે જ જીવવું' - બસ એથી આગળ તો મેં ક્યારેય વિચાર્યું જ નહોતું. માધવી માટે કંઈ પણ કરી છૂટવાની કરેલી વાતો, અરે એના માટે ચાંદ - તારા સુધ્ધાં તોડી લાવવાની ખાધેલી કસમો હવે હાસ્યાસ્પદ લાગતી. અહીં તો પગભર થવું પણ મારા માટે ઘણું કપરું થઈ પડ્યું હતું. ધંધો કરવા માટે મૂડીની જરૂર પડતી અને નોકરી માટે અનુભવની ! જેમાનુ કશું જ મારી પાસે નહોતુ.
માધ્વીના પેરેન્ટ્સને મારી જાતી સામે, મારી ગરીબી સામે કે પછી મારા અનાથ હોવાથી પણ કોઈ જ વાંધો નહોતો. પરંતુ મારા પગભર થયા પછી જ તેઓ માધવીનો હાથ મને સોંપવા રાજી થયા હતા. સગાંવહાલાંઓની મહેરબાનીથી ભણતર તો પૂરું કર્યું પરંતુ આગળ...??
માટે જ એન્જીનીયરીંગ પુરી થયા પછી માસ્ટર્સ કરવાના બદલે હું નોકરીની શોધમાં લાગી ગયો. માધવી પણ મને ઘણી મદદ કરતી. પેપર ના કટીંગ ભેગા કરતી, નોકરી શોધી આપતી વેબસાઇટ પર બાયોડેટા અપલોડ કરતી, લાગતા વળગતાને વેકેન્સી હોય તો જણાવવા કહેતી. પરંતુ બધું જ વ્યર્થ. જાણે દુનિયાભરની બેરોજગારી મારા શહેરમાં જ આવી પડી હતી.
જોતજોતામાં બે વર્ષ વીતી ગયાં... કંઈ કેટલીયે નેશનલ અને ઇન્ટરનેશનલ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપ્યા પણ ઠેર ના ઠેર.....!
માધવીના પેરેન્ટ્સની ધીરજ હવે ખૂટી પડી હતી. તેઓ માધવીને મને ભૂલી, કોઈક સારું પાત્ર શોધી પરણી જવા સતત દબાણ કરતા, પરંતુ માધવીની જીદ આગળ એમનું કંઈ ન ઉપજતું...!
માંડ માંડ પોતાની જાતને વિચારોના વમળમાંથી પાછી વાળી. કેટલા વાગ્યા છે એ જાણવા મોબાઈલને ટચ કરતા જ માધવીના પાંચ મિસકોલ્સ નજરે ચડ્યા. હું સફાળો જાગી ને બેઠો થઈ ગયો. રાત્રીના દોઢ વાગે કેમ કોલ કર્યો હશે ? કંઈક કેટલાય સારા નરસા વિચારો વીંટળાઈ પડ્યા. મોબાઈલ સાયલન્ટ રાખવા પર પણ પસ્તાવો થવા લાગ્યો.
તરત સામે કોલ કર્યો, જે એક જ રિંગ માં ઉચકાઈ ગયો.
"શું થયું ?" બેબાકળા થઈ મેં પૂછ્યું.
"ક્યાં હતો ક્યારનો ? કેટલા કોલ કર્યા.. મોબાઈલ ક્યાં હતો તારો ?" માધવીએ સવાલોનો મારો ચલાવ્યો. એની અધીરાઈ જોઈ હું વધારે ગભરાયો. જવાબની રાહ જોયા વગર જ એણે આગળ ચલાવ્યું "કાલે તારા ત્રણ ઈન્ટરવ્યું છે ને ? જો ત્રણ માંથી કોઈ એક જગ્યાએ તો તારે સિલેક્ટ થવું જ પડશે રાકેશ..!"
"પણ થયું છે શું ?" માધવીના અવાજ પરથી કંઈક અજુગતું બન્યા નું હું પામી ગયો, "તું પહેલા શાંત થા અને મને સમજાવ."
"રાકેશ, મને પરમદિવસે એક છોકરો જોવા આવવાનો છે. છોકરો અમારા જ સમાજનો છે અને પાછો એનઆરઆઈ છે. એના પેરેન્ટ્સ પણ મને સારી રીતે ઓળખે છે. મારા પેરેન્ટ્સની નજરમાં તો એ ક્યારનોય વસેલો હતો, પણ મે આપણા રિલેશનશિપની વાત કરી હતી એટલે એમણે મન મનાવી લીધું હતું. પણ આજે જ્યારે સામે ચાલી ને એ જ છોકરાનું માંગુ આવ્યું તો......." માધવીએ માંડ રોકી રાખેલું હૈયાફાટ રુદન બહાર ધસી આવ્યું. એ વધુ કાંઈ બોલી શકે એમ નહોતી. એ ક્યાંય સુધી રડતી રહી.
હું પણ સામે છેડે નિઃસહાય બની સાંભળતો રહ્યો. વચ્ચે વચ્ચે એના ભાંગ્યા તૂટ્યા શબ્દો કાને પડ્યા "રાકેશ મેં ડેડને સમજાવાના ઘણા પ્રયત્નો કર્યા. એમનું કહેવું છે કે 'બે વર્ષનો તો ટાઈમ આપ્યો. હવે વધારે કાંઈ શકય નથી ! આ માંગાને જો સામેથી ના કહીશું તો સમાજમાં હાંસીને પાત્ર બની જઈશું. રાકેશ જો નાની મોટી પણ કોઈક નોકરી કરતો હોત, તો પણ હું કંઈક વિચાર કરત ! પ્રેમ કરવાથી પેટ નથી ભરાતું એના માટે કમાવું પણ પડે......!"
માધવી ન તો રડવાનું બંધ કરી શકી ન તો બોલવાનુ. એ બોલતી રહી અને હું સાંભળતો રહ્યો "એટલે કહું છુ રાકેશ, તું આવતીકાલના ત્રણ ઇન્ટરવ્યૂમાંથી કોઈ પણ એકમાં સિલેક્ટ થઈ જાય...તો ડેડને હું ગમે તે રીતે મનાવી લઇશ..!!"
અચાનક આવી પડેલો પ્રેમને પામવાની જવાબદારીનો ભાર મારા માટે સંભાળવો મુશ્કેલ થઈ પડ્યો.
પરંતુ મારા પર દાખવેલા ભરોસા માટે મને માધવી પર માન થઇ આવ્યું. મેં પણ સામો આત્મવિશ્વાસ બતાવ્યો "હું કાલે કંઇક ને કંઇક કરી લઈશ માધવી ! તું રડીશ નહીં !હિંમત રાખ..!"
"પ્લીઝ રાકેશ ! પ્લીઝ ! તારે આ કરવું જ પડશે ! મારા માટે ! આપણા માટે...!" માધવીના આ શબ્દોએ જાણે મારામાં નવા પ્રાણ પૂર્યાં.
છેવટે ફોન કટ થયો....
કાલનો દિવસ ખૂબ મહત્વનો હતો... એવું પ્રથમ વખત બન્યું હતું કે એક જ દિવસમાં ત્રણ ઇન્ટરવ્યૂ ગોઠવાયા હોય. જાણે કુદરત પણ અમારો સાથ આપી રહી હતી. અને ત્રણ માંથી કોઈ એક જગ્યાએ સિલેક્ટ થવુ ખૂબ જરૂરી હતુ. કારણકે માધવીના જણાવ્યા અનુસાર પરમદિવસે આવનાર પેલો એનઆરઆઈ ટૂંકા સમય માટે સ્વદેશ આવેલો હોવાથી સગપણની તૈયારી સાથે જ આવવાનો હતો. અને જો એક વખત સગપણ થઈ જાય તો માધવી માટે પાછા વળવું મુશ્કેલ હતું. માધવીના માતા પિતાની સમાજમાં ખૂબ નામના છે. જો સગપણ કર્યા બાદ સબંધ ફોક કરવામાં આવે તો સમાજના બની બેઠેલા ન્યાયાધીશો દ્વારા એમની ફજેતી પાક્કી જ સમજવી ! જે માધવી ને મજુર નહોતું.
સવારનો સુરજ ઘણા બધા સવાલો લઈ ને ઉગ્યો. હું lપણ તૈયાર થઈ પહોંચી ગયો ઇન્ટરવ્યૂ ના સ્થળે. રાહ જોઈને હરોળમાં બેઠેલાઓમાં સૌથી ગરાજવાન હું જ હતો ! મારો પણ વારો આવ્યો...... અને ગયો ! પહેલા ઇન્ટરવ્યૂનું પરિણામ શૂન્ય રહ્યું !
જેમ તેમ પોતાની જાતને સંભાળી બીજા ઇન્ટરવ્યૂનું લોકેશન જાણવા મોબાઈલ ખિસ્સામાંથી બહાર કાઢ્યો. અંગુઠા વડે 'એમ' દોરી પેટર્નલોક ખોલ્યું. માધવીના જ મિસકોલ નજરે ચડ્યાં. ઇન્ટરવ્યૂ માં શું થયું ? એ જાણવા ને અધીરી બની બેઠી હશે ! પણ હમણાં તો બીજા ઇન્ટરવ્યૂ માટે સમયસર પહોંચવું એ જ સૌથી મહત્વનું હતું.
બીજા ઇન્ટરવ્યૂમાં પણ શૂન્યનું જ પુનરાવર્તન થયું !
અહીંથી પણ મળેલો જાકારો જીરવો ઘણો અઘરો થઈ પડ્યો. આત્મવિશ્વાસ ખરી પડતો જણાયો. માધવીને પામવાના સપના વિખરતા દેખાયાં. ડર હવે ફફડાટમાં ફેરવાયો...!
જેટલી વાર મોબાઈલ પર નજર પડતી માધવીએ કરેલા મિસકોલની સંખ્યા બેવડાયેલી જ જોવા મળતી. સતત ફોન કર્યા કરતી માધવીની મનોદશા હું બરાબર સમજી શકતો હતો. માધવીનો ફોન ન ઉચકીને હું એની બેચેનીમાં ઓર વધારો કરી રહ્યો હતો. પણ ઉંચકીને જવાબ પણ શું આપુ...?
હવે રહ્યું ફક્ત છેલ્લું ઇન્ટરવ્યું. માધવીને પામવાનો છેલ્લો પ્રયત્ન. તળિયે પહોંચેલા આત્મવિશ્વાસને ટેકો કરી ઉભો કર્યો ! આ સાવ નાની કંપની હતી. વળતર ભલે ઓછું હશે પણ પગભર થવા પૂરતું હશે. એ આશાએ પહોંચી તો ગયો... પણ મારી કમનસીબી મારા પહેલા ત્યાં જઈ ચડી. હું મોડો પડ્યો અને ઇન્ટરવ્યૂનો સમય પૂરો થઈ ગયો...!
સમય શું પૂરો થઈ ગયો.... જાણે મારુ જીવતર પૂરું થઈ ગયું....!!
હવે કાંઈ કરવાનું બચ્યું નહોતુ. આંખમાંથી વરસી રહેલા અવિરત આંસુઓના વરસાદમાં ભીંજાવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો...!
મારી નિષ્ફળતાનું પરિણામ મારે એકલાએ જ નહોતું ભોગવવાનું ! અત્યારે ફક્ત મારા જ હૃદયમાં ઉપડી રહેલી પીડા માધવીએ પણ એટલી જ વેઠવાની હતી.
સામે છેડે માધવી સતત - અવિરત ફોન કર્યા કરતી હતી. એનો ફોન ઉંચકી શકું એટલી તાકાત પણ હવે આંગળીના ટેરવે રહી નહોતી !
છેવટે હતી એટલી હિંમત એકઠી કરી ફોન ઊંચક્યો. ફોન ન ઉપાડવા બદલ સાતમા આસમાને પહોંચી ચુકેલો એનો ગુસ્સો ઠપકા સ્વરૂપે મારી પર ઠલવાયો. કંઈ કેટલુંએ વરસીને શાંત થયેલી માધવી છેલ્લે એ સવાલ પૂછી બેઠી જેનો જવાબ માત્ર મારા ધ્રુસકા જ બની રહ્યા.
"રાકેશ, આજે ઇન્ટરવ્યૂ માં શું થયું ?"
મને આમ રડતો જોઈ માધવી બરફની જેમ પીગળી પડી.
માધવી મને આશ્વાસન આપવા લાગી. મને ભારે અચરજ થયું ! વિખૂટા પડવાનું દર્દ એના અવાજમાં નહોતું જણાઈ આવતું. મારી આંખોમાંથી હજીએ અશ્રુ વરસી જ રહ્યાં હતાં.
"રાકેશ ! રાકેશ... મારી વાત સંભાળ !" મને શાંત પાડવાનો નિરર્થક પ્રયત્ન માધવી કરતી જ રહી.
"રાકેશ, તને અને મને કોઈ અલગ કરી શકે એમ નથી ! આપણે સાથે જ છીએ અને આજીવન સાથે જ રહીશું....!"
જાણે કોઈ સ્વપ્ન...
" શું ! પણ કંઈ રીતે ? પેલો એનઆરઆઈ ? તારા પાપા ? શું એ માની જશે ?" અવિશ્વાસથી મેં પૂછ્યું.
"તું મને બોલવા દઈશ...? આ બધી મથામણમાં હું તને કહેવાનું જ ભૂલી ગઈ હતી. ગઈકાલે મેં પણ એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું. આજે સવારે જ ત્યાંથી કોલ આવ્યો છે અને હું એ ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થઈ ગઈ છું... મને જોબ મળી ગઈ છે રાકેશ...!" માધવી એકીશ્વાસે બોલી ઉઠી.
"હા, પણ તેથી શું ? તારા પાપાને તો મારી નોકરી ન હોવા સામે વાંધો હતો ને !!" મેં કહ્યું. મને હજી કાંઈ સમજાઈ નહોતું રહ્યું.
"અરે... પાપા ને આજીવિકા કેમ કરી ચાલશે એ પ્રશ્ન હતો ! પરંતુ હવે તો મને જોબ મળી ગઈ છે એટલે વાંધો નહીં આવે સમજ્યો ! અને તને પણ ક્યારેક ને ક્યારેક તો જોબ મળી જ જશે ને...! હાલ પૂરતી પેલા એનઆરઆઈ વાળી ઘાત તો ટળી." માધવીએ મને સમજાવતા કહ્યું.
"પણ, તારા પાપા માની જશે ?"
"અરે માની જશે ! હું મનાવી લઈશ !" માધવી આત્મવિશ્વાસ સાથે બોલી.
આંખ માંથી વરસતું પાણી આખરે બદલાયું. એમાં હર્ષનો અદ્રશ્ય રંગ ભળ્યો. સામે માધવી પણ હર્ષાશ્રુથી ભીંજાઈ. મારા આનંદની કોઈ સીમા ન રહીં. ઈશ્વરનો આભાર જેટલો માનું એટલો ઓછો લાગ્યો.
"માધવી તું ક્યાં છે...? મારે હમણાં જ તને મળવું છે." સ્વસ્થ બનતા મેં ઉત્સાહથી કહ્યું.
"આજે નહીં ! પહેલા હું પેલા એનઆરઆઈ ને તો મળી લઉં !"
"એન. આર. આઈ. ને ? પણ કેમ..?"
" ટા-ટા , બાય-બાય કહેવા !"
અને અમે બંને ખડખડાટ હસી પડ્યાં.
* * * * * * *