Featured Books
  • ભાગવત રહસ્ય - 104

    ભાગવત રહસ્ય-૧૦૪   દેવહુતિ કહે છે-આપ સત્સંગ કરવાની આજ્ઞા આપો...

  • ખજાનો - 71

    "ત્યાં સુધી મિત્રો સાંભળો અહીં જે દુકાનદાર છે તે મારો ખાસ મિ...

  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

શ્રેણી
શેયર કરો

બેંક કૌભાંડ - ભાગ 5 - છેલ્લો ભાગ

બેંક કૌભાંડ

ભાગ-5

બેંક કૌભાંડનું રહસ્ય ખુલ્યું


મુદતના દિવસે રાજાબાબુ, ધનસુખ અને સચિન ત્રણેય કોર્ટમાં હાજર થયા હતાં.

જજસાહેબે પોતાની ખુરશી ઉપર આવીને કોર્ટની કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.

“જજસાહેબ, મેં અગાઉથી કોર્ટને આપેલી ગવાહની સૂચના મુજબ હું મારા પ્રથમ ગવાહ મહેબૂબ અલીને ગવાહ તરીકે બોલાવવાની પરવાનગી માંગુ છું.” રાજાબાબુએ જજસાહેબ સામે જોઈ કહ્યું હતું.

“મહેબૂબ અલીને બોલાવામાં આવે.” જજે આદેશ આપતા કહ્યું હતું.

જયરાજ તાંબેએ શાંતિથી પોતાની ખુરશી ઉપર બેસી એમની બાજુમાં બેઠેલા બ્રાન્ચ મેનેજર ખારેકરને હાથના ઈશારાથી ચિંતા ન કરવાનું કહ્યું હતું.

મહેબૂબ અલી ગવાહના કઠેડામાં ત્યાં સુધી આવીને ઊભા રહી ગયા હતાં. રાજાબાબુ એમની પાસે ગયા અને સવાલો પૂછવાનું શરૂ કર્યું હતું.

‘તમારુ નામ શું છે અને શું કરો છો?’

‘મારું નામ મહેબૂબ અલી છે અને હું ટેક્ષી ડ્રાઇવર છું.’

‘જે દિવસે ધનસુખ બેંકમાંથી ભાગ્યો, એ દિવસે તમે ક્યાં હતા અને તમે શું જોયું?’

‘હું ધનસુખને તો ઓળખતો નથી. પરંતુ જે દિવસે આ ઘટના થઇ હતી. તે દિવસે હું બેંકની સામે આવેલી રહીમની ચાની કીટલી ઉપર મારા નિત્યક્રમ મુજબ ચા પી રહ્યો હતો. એવામાં મારી નજર બેંકની બાજુમાં આવેલી સાંકડી ગલી ઉપર પડી. એ ગલીમાં એક કાળા કપડાં પહેરેલો ૬ ફૂટ થી પણ ઉંચો માણસ બેંકની બારીમાંથી કોઈ ફાઈલ લઈને આવ્યો અને રસ્તા ઉપર આવીને ગાડીમાં બેસીને નીકળી ગયો હતો. બરાબર આ વાતને અડધો કલાક થયો હશે અને બેંકમાંથી બારી પાસે ફાઈલ લઈ કારમાં ગયેલો માણસ જ બહાર નીકળતો દેખાયો હતો અને એ બેંકમાંથી નીકળ્યો એ પહેલા વકીલ રાજાબાબુની બાજુમાં બેઠેલો માણસ પોતાના માથા ઉપર હાથ મારતો ભાગી રહ્યો હતો.’ મહેબૂબ અલીએ ધનસુખ સામે ઈશારો કરી કહ્યું હતું.

રાજાબાબુ પોતાની જગ્યા ઉપર જઈ બેસી ગયા હતાં.

હવે જયરાજ તાંબેનો પૂછવાનો વારો હતો.

જયરાજ તાંબે મહેબૂબ અલીની પાસે આવ્યા હતાં અને સવાલો પૂછવાનું શરૂ કર્યું હતું.

‘તમારી ઉંમર કેટલી છે?’ જયરાજે પૂછ્યું હતું.

’૬૦ વર્ષ’ મહેબૂબ અલીએ કહ્યું હતું.

‘ચાની કીટલીથી ગલી સુધી દૂર આ ઉંમરે તમે જોઈ શક્યા? કોઈ વાંધો ના આવ્યો?’ જયરાજે પૂછ્યું હતું.

‘મારી બંને આંખે મોતિયા ઉતરાવેલા છે એટલે મને જોવામાં કોઈ તકલીફ નથી.’ મહેબૂબ અલીએ કહ્યું હતું.

‘તમે ધનસુખને ભાગતો જોયો ત્યારે તેના શર્ટની અંદર કોઈ ફાઈલ જોઈ હતી ખરી?’ જયરાજે પૂછ્યું હતું.

‘શર્ટ પેન્ટમાં ઈન કરેલો ન હતો માટે ફાઈલ રાખી શકાય એવું હતું નહિ એવું એને જોતાં લાગતું હતું.’ મહેબૂબ અલીએ કહ્યું હતું.

તમે ધનસુખને બચાવવા આ ખોટું બયાન આપી રહ્યા છો, એવું નથી ને? જયરાજે આંખ ઝીણી કરી અને પૂછ્યું હતું.

'ના.... વકીલ સાહેબ, હું ધનસુખને ઓળખતો પણ નથી તેમજ હું પોતે પાંચ વખતનો નમાઝી છું. મેં જે જોયું એ સત્ય કહી રહ્યો છું.' મહેબૂબ અલીએ જયરાજની આંખમાં આંખ નાંખી કહ્યું હતું.

જયરાજ તાંબે પાછો પોતાની જગ્યાએ જઈને બેસી ગયો હતો.

હવે રાજાબાબુ ઊભા થયા અને જજની બરાબર સામે કોર્ટની મધ્યમાં આવીને ઊભા રહ્યા હતાં.

‘જજ સાહેબ, હવે હું આપને એવું સબૂત દેખાડવા માંગુ છું જેનાથી આ કેસ ઉપરથી પડદો સંપૂર્ણ હટી જશે. માટે જો આપની અનુમતી હોય તો હું તમને ઘટનાનાં દિવસની CCTV ફૂટેજ બતાવવા માંગું છું. આ CCTV ફૂટેજ ઉપરથી ધનસુખ નિર્દોષ છે એવું સાબિત થઇ જશે.’ આટલું બોલી રાજાબાબુએ જજ સાહેબની સામે જોઇ કહ્યું હતું.

CCTV ફુટેજની વાત સાંભળી જયરાજે ઓબ્જેક્શન લીધું હતું પરંતુ જજ સાહેબે એને ઓવરરુલ કહી CCTV ફુટેજ કોર્ટમાં બતાવવાની પરમીશન આપી હતી.

રાજાબાબુએ CCTV ફુટેજનો વિડીયો શરૂ કર્યો હતો.

વિડીયોમાં ધનસુખ બંને હાથથી પોતાના માથાને મારતો રડતો-રડતો બેંકમાંથી બહાર ભાગી રહ્યો હતો. એને જોતા જ આ માણસના હાથમાં કે પોતાના શર્ટમાં કશું છુપાવીને લઈ જઈ રહ્યો નથી એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. ધનસુખના બેંકમાંથી બહાર નીકળ્યા બાદ સાંઠે અને વિચારે પણ બહાર નીકળ્યા હતાં. એ વખતે એમની પાછળ ઊંચો કદાવર માણસ બહાર નીકળી રહ્યો હતો. રાજાબાબુ એ વિડીયો પોઝ કરી જજ સાહેબને એ વ્યક્તિને ધ્યાનથી જોવા કહ્યું હતું.

‘જજ સાહેબ, જે વ્યક્તિ સ્ક્રીન પર આપને દેખાઈ રહ્યો છે એ રેમોન ફર્નાન્ડીઝ છે. એનો બેંકમાંથી બહાર નીકળવાનો સમય તમે જોશો તો સવારે ૧૧:૨૫નો છે. હવે હું તમને એક બીજો વિડીયો બતાવવા માંગું છું.’ આટલું બોલી રાજાબાબુએ બીજો વિડીયો ચાલુ કર્યો હતો.

બીજા વિડીયોમાં બેંકને અડીને આવેલી ગલીનું દ્રશ્ય હતું. એમાં પણ રેમોન ફર્નાન્ડીઝ બારીમાંથી કોઈ ફાઈલ લઈ અને ગાડીમાં બેસી જઈ રહ્યો છે. એનો જવાનો સમય ૧૧:૦૫ મિનીટનો હતો.

‘રાજાબાબુ, બેંક માંથી નીકળતો માણસ અને બારીમાંથી ફાઈલ લેતો માણસ બંને એક જ છે. અને CCTV ફૂટેજમાં એ ગાડીમાં બેસીને નીકળી ગયેલો દેખાય છે. તો પછી એ ફરીવાર બેંકમાં કેમ આવ્યો?’ જજ સાહેબે રાજાબાબુને પૂછ્યું હતું.

‘જજ સાહેબ, તમારા આ સવાલનો જવાબ આપવા હું ઇન્સ્પેકટર પાટીલને ગવાહી માટે બોલવવા માંગું છું.’ રાજાબાબુએ જજ સામે જોઈ કહ્યું હતું.

જજ પાસેથી પરમિશન મળતા ઇન્સ્પેકટર પાટીલ ગવાહી આપવા કઠેડામાં આવ્યા હતા.

‘ઇન્સ્પેકટર પાટીલ, બેંકમાંથી નીકળતો માણસ અને બારીમાંથી ફાઈલ લેતો માણસ બંને એકજ છે કે અલગ અલગ છે?’ રાજાબાબુએ ઇન્સ્પેકટર પાટીલને પૂછ્યું હતું.

‘જજ સાહેબ, વકીલ રાજાબાબુએ મને આ CCTV ફૂટેજ મોકલી આપી હતી. એટલે તપાસ કરતા મને ખબર પડી કે રેમોન અને લિયોન ફર્નાન્ડીઝ બંને જુડવા ભાઈઓ છે. અને બંને એક સરખા જ દેખાય છે. બેંકમાંથી જે બહાર નીકળી રહ્યો છે એ રેમોન છે અને બારીમાંથી જે ફાઈલ લઈ રહ્યો છે એ લિયોન છે. મેં આ વાતની ખાતરી કરવા કાલે રાતે લિયોનનો પીછો કર્યો હતો. ત્યારે બ્રાંચ મેનેજર ખારેકર અને લિયોન અંધેરી પાસે આવેલ એક બારમાં બેસી દારૂ પી રહ્યા હતા અને બ્રાંચ મેનેજર ખારેકર ફાઈલ આપવા માટે રકમની ઉઘરાણી કરી રહ્યા હતા. તપાસ કરતા માલુમ પડ્યું કે રેમોન અને લિયોન ઉદ્યોગપતિ સુજલ ચિકોદરાના ખાસ માણસો છે અને આ બંન્ને એમના માટે બે નંબરના કામો કરે છે. સુજલ ચિકોદરા કાલે બપોરની ફ્લાઈટમાં ભાગીને જતાં રહ્યા છે એવી માહિતી આજે પોલીસને મળી છે.' આટલું બોલી ઇન્સ્પેકટર પાટીલ ઊભા રહ્યા હતાં અને રાજાબાબુ પોતાની જગ્યાએ બેસી ગયા હતા.

હવે જયરાજ તાંબે ઊભો થઈને ઇન્સ્પેકટર પાટીલ પાસે પહોંચ્યો હતો.

‘ઇન્સ્પેકટર પાટીલ, લિયોન અને મેનેજર સાથે બેસીને દારૂ પી રહ્યા હતા, એ કોઈ ગુનો છે? અને એ બંને જે વાતો કરતા હતા જે તમે કોર્ટમાં કીધી છે એનો તમારી પાસે કોઈ પુરાવો છે?’ જયરાજ તાંબેએ ઇન્સ્પેકટર પાટીલને પૂછ્યું હતું.

‘ના, એ બંન્ને શું વાતો કરતા હતા એ વાત મેં સાંભળી હતી પરંતુ એનો મારી પાસે કોઈ પુરાવો નથી. પરંતુ સુજલ ચીકોદરા કોર્ટનું સમન્સ હોવા છતાં દુબઈ જતા રહ્યા એટલે એમના તરફ શંકા જાય છે કે આ કાવતરું એમણે બ્રાંચ મેનેજર ખારેકર પાસે કરાવ્યું છે.’ ઇન્સ્પેકટર પાટીલે જવાબ આપ્યો હતો.

ઇન્સ્પેકટર પાટીલને જયરાજ તાંબે જયારે સવાલ પૂછી રહ્યા હતા, ત્યારે સચિન એક પેન ડ્રાઈવ રાજાબાબુને આપી ગયો હતો.

‘જજ સાહેબ, જો તમે મને મંજુરી આપો તો આ વાતનો મારી પાસે પુરાવો છે કે કાલે હોટલ જાસ્મીનમાં બ્રાંચ મેનેજર ખાનેકર અને લિયોન મળ્યા હતા અને ઇન્સ્પેકટર પાટીલ સાદા વેશમાં ત્યાં ઉપસ્થિત હતા. તેમજ ઇન્સ્પેકટર પાટીલે કહેલી વાતો જ કરી રહ્યા હતા.’ રાજાબાબુ આટલું બોલી ઊભા રહી ગયા હતા.

જજ સાહેબની મંજુરી મળતા રાજાબાબુ એ પેન ડ્રાઈવ ટીવી સ્ક્રીનમાં લગાવી હતી અને પ્લેનું બટન દબાવ્યું હતું.

વિડીયોમાં બ્રાંચ મેનેજર ખારેકર લિયોન પાસે ફાઈલના પૈસાની માંગણી કરી રહ્યા હતાં. એ સ્પષ્ટ થઇ ગયું હતું. એ વિડીયોમાં ઇન્સ્પેકટર પાટીલ પણ બેઠેલાં દેખાતા હતાં.

કેસ લગભગ સ્પષ્ટ થઈ ગયો હતો કે બ્રાંચ મેનેજર ખારેકરે સુજલ ચિકોદરાના કહેવાથી પોતાની પ્રોપર્ટીના દસ્તાવેજોની ફાઈલ ગુમ કરાવવાનું કાવતરું કર્યું છે.

વિચારે અને સાંઠે બંન્નેએ પણ પોતાના બયાનમાં કહ્યું હતું કે બ્રાંચ મેનેજર ખારેકર આ વાત દબાવવા એમની ઉપર દબાણ કરી રહ્યા હતાં અને એ દિવસે એ બંન્ને જણ બ્રાંચ મેનેજર ખારેકરની કેબીનમાંથી એ ફાઇલ લઇ હેડ ઓફિસ મોકલી દેવા માંગતા હતાં પરંતુ ફાઇલ ટેબલ ઉપર મળી ન હતી કારણકે એ ફાઇલ લઇને બ્રાંચ મેનેજર ખારેકર બાથરૂમમાં ગયા હતાં અને બાથરૂમની બારીમાંથી એ ફાઇલ લિયોન ફર્નાન્ડીસને આપી હતી તેમજ રેમન ફર્નાન્ડીસ બેંકમાં સાડાદસથી હાજર હતો એટલે કદાચ કોઇ બારીમાંથી ફાઇલ લેતા લિયોનને જોઇ જાય તો બધાંને એમ જ લાગે કે એ તો અંદર બેઠો હતો પણ ખરેખર તો બંન્ને જુડવા ભાઇ છે એ વાત ત્યારે કોઇને ખબર ન હતી. આ રીતે આખું કાવતરું ફુલ પ્લાન સાથે ઘડવામાં આવ્યું હતું.

બ્રાંચ મેનેજર ખારેકરને બેંકના કરોડો રૂપિયાની લોનના બદલામાં ગીરવે પડેલા સુજલ ચિકોદરાના પ્રોપર્ટીના દસ્તાવેજો ગુમ કરી, બેંકના કરોડો રૂપિયાની આપેલી લોન સુજલ ચિકોદરાએ ના ચૂકવી પડે એવું કૌભાંડ કર્યું હતું.

બ્રાંચ મેનેજર ખારેકરને કોર્ટે ગિરફ્તાર કરવાનો આદેશ આપ્યો હતો અને સુજલ ચિકોદરાને કોર્ટે ભાગેલું કરાર કરી એને પકડી અને ગિરફ્તાર કરવાનો ઓર્ડર આપ્યો હતો અને સાથે-સાથે રેમોન અને લિયોન બંન્ને ભાઈઓને આ કાવતરામાં સામેલ હોવાના કારણે પકડવાનો કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો અને ધનસુખને નિર્દોષ જાહેર કરી છોડી મુકવામાં આવ્યો હતો.

રાજાબાબુ પંદર વર્ષ પછી ફરીવાર કોર્ટમાં દાખલ થયા અને પહેલો જ કેસ જીતી ગયા. જયરાજ તાંબેએ સામે ચાલી રાજાબાબુને અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું 'રાજાબાબુ તમારી વકીલાતની ધાર હજી પણ તેજ છે.'

'ના, જયરાજ આ ધનસુખનું નસીબ તેજ છે. કુદરત પણ કોઈ વખત ગરીબની સામું જોવે છે. એવું મને આ કેસ જીત્યા પછી લાગી રહ્યું છે.' આટલું બોલી રાજાબાબુ કોર્ટની બહાર નીકળી ગયા હતા.


સંપૂર્ણ.....

(વાચકમિત્રો, "બેંક કૌભાંડ" આ ધારાવાહિક આપને કેવી લાગી? એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો.)

- ૐ ગુરુ