બેંક કૌભાંડ - ભાગ 2 Om Guru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

બેંક કૌભાંડ - ભાગ 2

બેંક કૌભાંડ

ભાગ – ૨

ફાઈલનું રહસ્ય


રાજાબાબુ, સચિન અને સુધા, આ ત્રણેય જણ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયા હતા.
રાજાબાબુએ હવાલદારને કહ્યું કે ‘એ ધનસુખના કેસ બાબતે પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જને મળવા માંગે છે કારણ કે એ એના વકીલ છે.’
મોઢામાં તમાકુનું પાન ચાવતાં ચાવતાં હવાલદારે થાનેદારની કેબિન તરફ ઈશારો કર્યો. રાજાબાબુ, સુધા અને સચિન ત્રણેય કેબિન પાસે પહોંચ્યા અને રાજાબાબુએ દરવાજો નોક કર્યો હતો.
‘કમ ઈન....’ અંદરથી અવાજ આવ્યો.
રાજાબાબુ, સુધા અને સચિન ત્રણેય કેબિનમાં પ્રવેશ્યા. થાનેદારની નજર અને રાજાબાબુની નજર એકબીજા સાથે મળી.
થાનેદારની આંખોમાં ચમક આવી અને એ બોલી ઊઠયો હતો. ‘અરે રાજાબાબુ તમે? આટલા વર્ષો પછી, પોલીસ સ્ટેશનમાં?’ થાનેદારે ઉત્સાહથી કહ્યું હતું.
રાજાબાબુએ ધારીને જોયું અને રાજાબાબુ પણ ખુશ થઇ ગયા.
‘અરે પાટીલ તું. પંદર વર્ષ પછી પોલીસ સ્ટેશનમાં પગ મુક્યો. અને તું મને મળી ગયો. લાગે છે કે કુદરત હજી આ રાજાબાબુની ઉપર મહેરબાન છે.’ રાજાબાબુએ હસીને પાટીલને કહ્યું.
પાટીલ હસીને ઊભા થયો અને રાજાબાબુ પાસે આવ્યો અને તેમને ખુરશીમાં બેસવા કહ્યું.
અંદર ઉભેલા હવાલદારે રાજાબાબુ સામે આંખ કાઢી, કારણ કે રાજાબાબુએ પાટીલ સાહેબને પાટીલ કહ્યું હતું એ એને પસંદ પડ્યું ન હતું.
પાટીલે હવાલદાર તરફ જોયું.
‘હા..બરાબર છે વાત એની. મારે તમને પાટીલ સાહેબ કહેવું જોઈએ.’ રાજાબાબુએ હસીને પાટીલને કહ્યું.
‘રાજાબાબુ તમે મને પાટીલ સાહેબ કહો એ પહેલા મને ગાલ પર એક જૂતું મારી દો. હું સબ ઇન્સ્પેકટર હતો ત્યારે તમારી પાસેથી બહુ બધું શીખ્યો છું. તમારી પાસે શીખવા મળેલી કાયદાની વાતો જીવનમાં કાયદાની કઈ કલમ અને ધારાઓ કઈ રીતે અને ક્યાં ઉપયોગ કરવો એની સુઝબુઝ મને કામ આવી છે અને એટલે જ તો હવે મારી બઢતી થઇ રહી છે. મને એ.સી.પીના પદ ઉપર પ્રગતિ મળવાની છે. મારા કેરિયરને તાકાતવર બનાવવાનો સંપૂર્ણ શ્રેય રાજાબાબુ તમને એકલાને જ જાય છે. એમાં કોઈ શંકા નથી.’ પાટીલે હસીને રાજાબાબુને કહ્યું હતું અને પોતાની ખુરશી પર બેસી ગયો. એણે બધા માટે ચા અને નાસ્તો મંગાવ્યો.
‘રાજાબાબુ આટલાં વર્ષે અહીંયા? કોઈ કેસ બાબતે આવ્યા છો?’ પાટીલે રાજાબાબુ સામે જોઈ પૂછ્યું હતું.
‘હા ભાઈ, જે બેંકે ધનસુખ વિરુધ્ધ કેસ કર્યો છે. ધનસુખ ત્યાં પ્યુન છે અને મારી ચાલીમાં જ એ રહે છે. આ તેની પત્ની સુધા છે. ધનસુખ નિર્દોષ હશે, એવું હું એટલા માટે કહું છું કે હું ધનસુખને વર્ષોથી ઓળખું છું. એ કોઇપણ જાતનું આડું અવળું કે ખોટું કામ કરે એવું મારા માન્યામાં આવતું નથી. જો તમને વાંધો ના હોય તો હું એકવાર ધનસુખને મળી લઉં.’ રાજાબાબુએ પાટીલ સામે જોઈ પૂછ્યું હતું.
‘હા...તમે એના વકીલ છો, તમે એને મળી શકો છો. પરંતુ આ કેસમાં ધનસુખને નિર્દોષ સાબિત કરવો ઇન્પોસીબલ છે. કારણ કે બધી જ વાતો ધનસુખની વિરુદ્ધમાં જાય છે. માટે પંદર વર્ષ પછી તમે તમારા કેરિયરની શરૂઆત કરી રહ્યા છો અને એ પણ કેસ હારીને કેરિયરની શરૂઆત થશે.’ પાટીલે પોતાના ગંભીર સ્વભાવથી રાજાબાબુને કહ્યું.
પાટીલને બોલ્યા પછી લાગ્યું હશે કે એ થોડું વધારે પડતું બોલાઈ ગયું.
‘હું તો તમારા સારા માટે કહેતો તો રાજાબાબુ. પરંતુ તમે એના વકીલ છો, તમે એને મળી શકો છો.’ પાટીલે હવાલદારને આદેશ આપ્યો કે એ રાજાબાબુને ધનસુખ જોડે લઈ જાય.
રાજાબાબુ હવાલાતની અંદર દાખલ થયા. ધનસુખ રડી રહ્યો હતો. રાજાબાબુને જોઈ એણે એમના પગ પકડી લીધા.
‘મને બચાવી લો. મને બચાવી લો. મેં કશું જ ખોટું કર્યું નથી. મને ફસાવ્યો છે.’ ધનસુખે રાજાબાબુના પગ પકડીને કહ્યું હતું.
‘અરે! તું અને તારી પત્ની માર પગ ના પકડો. તું શાંતિથી બેસી જા, અને હું તને પૂછું છું તેના બરાબર જવાબ આપ.’ રાજાબાબુએ ધનસુખને ઉભો કરી ખુરશીમાં બેસાડતા કહ્યું હતું અને પોતાના ખિસ્સામાંથી ડાયરી કાઢી હતી.
‘જો ધનસુખ.. જે કઈ પણ ઘટના થઈ એ ઘટના તું મને વિગતવાર કહે. એકપણ મુદ્દો નકામો સમજીને તું છોડી દેતો નહિ.’ રાજાબાબુએ ધનસુખ સામે જોઈને કહ્યું હતું.
‘રાજાબાબુ, રોજની જેમ હું દસ વાગે બેંકે પહોંચ્યો હતો. અગિયાર વાગે અમારી બેંકના બ્રાંચ મેનેજર ખારેકર સાહેબે મને એમની કેબિનમાં બોલાવ્યો હતો અને ચા લાવવાનું કહ્યું હતું. જયારે હું ચા લઈને એમની કેબિનમાં ગયો ત્યારે એમના પેટમાં દુખાવો થઇ રહ્યો હતો. એમણે મને કહ્યું કે તું અહીંયા ઉભો રહે કોઈ કેબિનમાં દાખલ ના થાય. હું વોશરૂમમાં જઈને આવું છું. અને એ એમની કેબિનમાં આવેલા વોશરૂમમાં દાખલ થયા હતા. હું અડધો કલાક સુધી કેબિનમાં ઉભો રહ્યો. અડધો કલાક બાદ એ વોશરૂમ માંથી બહાર આવ્યા. અને પોતાની ખુરશી પર બેઠા. અને મને કહ્યું કે હવે મને સારું લાગે છે. જયારે બાથરૂમમાં હતા ત્યારે એકાઉન્ટર મનસુખ સાઠે અને કેસ કાઉન્ટર પર બેસતા દિવાકર વિચારે એમની કેબિનમાં આવ્યા હતા અને ટેબલ ઉપર કશુંક શોધતા હતા. મેં એ બંનેને ટેબલને અડવાની ના પાડી, પરંતુ એ બંને માન્ય જ નહિ. હું તરત જ વોશરૂમ પાસે ગયો અને વોશરૂમનો દરવાજો ખખડાવી આ વાતની જાણ એમને કરી. પણ ત્યાં સુધીમાં તો સાઠે અને વિચારે કેબીનની બહાર નીકળી ગયા હતા. પરંતુ ટેબલ ઉપર એ કશુંક શોધી રહ્યા હતા એ ચોક્કસ છે. અને જયારે મારી પીઠ એમની બાજુ હતી ત્યારે એમણે શું કર્યું ટેબલ પર એ મને ખબર નથી. કલાક પછી બ્રાંચ મેનેજરે મને ફરી અંદર બોલાવ્યો અને મને કોઈ ફાઈલ વિશે પૂછ્યું. મેં કહ્યું કે મને કોઈ ફાઈલની ખબર નથી. પરંતુ વિચારે અને સાઠે તમે બાથરૂમમાં હતા ત્યારે આવ્યા હતા. મેં ફરીવાર એ જ વાત એમને કરી હતી. પરંતુ એ મારી એક વાત ના માન્યા અને પોલીસ સ્ટેશનમાં ફોન કરી મને પોલીસ સ્ટેશન લઈ જવા કહ્યું. હું ત્યાંથી ભાગી સીધો ઘરે આવી ગયો. અને પોલીસ મને મારા ઘરેથી પકડીને અહીં લઈ આવી. શું ફાઈલ હતી? કેવી ફાઈલ હતી.? એના વિશે મને કશી જ ખબર નથી. અને એ ફાઈલ માટે થઇ મને જેલમાં પૂરી દીધો એની પણ મને નવાઈ લાગે છે. આવી તો હજારો ફાઈલો બેંકમાં પડી છે. અને ફાઈલ લેવાથી મને શું ફાયદો થાય?’ ધનસુખે રડતાં-રડતાં આખો કિસ્સો કહ્યો હતો.
રાજાબાબુએ ધનસુખની બધી જ વાત સાંભળી લીધી અને કહ્યું,
‘પરમ દિવસે સવારે કોર્ટમાં હું તારી જામીન અરજી મૂકી રહ્યો છું. તારી જામીન અરજી પાસ થઈ જશે તો જામીન તને મળી જશે. અને જો એ પાસ નહી થાય તો તને જામીન મળશે નહિ. પરંતુ તે મને જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ સ્ટેટમેન્ટ સાચું છે એવું હું માનું છું. અને આ જ સ્ટેટમેન્ટને તું હંમેશા માટે જયારે પૂછપરછ થાય ત્યારે કહેજે. આમાં કોઇપણ જાતનો સુધારો-વધારો કરવો હોય તો તું મને અત્યારથી જ કહી દે. આમાં તારાથી કોઈ વાત છૂટી જતી હોય તો પણ તું મને કહી શકે છે.’ રાજાબાબુએ એને સ્પષ્ટ સુચના આપતા કહ્યું હતું.
‘ના રાજાબાબુ, આટલું જ થયું હતું. મારા કેબિનમાં દાખલ થયા પહેલા શું થયું એની મને ખબર નથી. પરંતુ મારા કેબિનમાં દાખલ થયા પછી આ જ ઘટના થઇ હતી. મેં કોઈ ગુનો કર્યો નથી. મેં કોઈ ફાઈલ છુપાવી નથી કે કોઈને આપી નથી. હું પોલીસના ડરથી ઘરે આવી ગયો એમાં એ લોકોએ એવું લખાવ્યું કે એ ફાઈલ મેં કોઈ કેમિકલ કંપનીના માલિક સુજલ ચીકોદરાને આપી દીધી અને એના બદલામાં એણે મને કરોડ રૂપિયા આપ્યા. આવી વાહિયાત અને બેતુકી વાતો આ લોકો કરે છે.’ ધનસુખે પોતાની વાત રાજાબાબુને કહી હતી.
‘સુજલ ચીકોદારને તું ઓળખે છે?’ રાજાબાબુએ એને પૂછ્યું હતું.
‘ના... બેંકમાં એ ઘણીવાર આવતા-જતા હોય છે અને બ્રાંચ મેનેજર સાહેબને મળતા હોય છે. પરંતુ હું ક્યારે પણ સુજલ ચીકોદરાને પર્સનલી મળ્યો નથી. દર દિવાળીએ બેંકના દરેક સ્ટાફ મેમ્બર માટે મીઠાઈના પેકેટ લાવતા હોય છે. બસ એટલો જ પરિચય છે. એનાથી વિશેષ પરિચય મને સુજલભાઈનો નથી.’ ધનસુખે જવાબ આપ્યો હતો.
‘તું ક્યારેય એમને બહાર મળ્યો હતો? ક્યારેક બેંકની બહાર કોઈ રેસ્ટોરન્ટમાં મળ્યો હોય? એવું કશું થયું હતું ખરું?’ રાજાબાબુએ ધનસુખને પૂછ્યું હતું.
‘સુજલ ચીકોદરા એક મોટો ઉદ્યોગપતિ છે. મારા જેવા પટાવાળાને શું કામ મળે સાહેબ? હું તો ખાલી એમને ચહેરાથી બેંકમાં આવે એટલે ઓળખું છું. બાકી એનાથી વિશેષ હું એમને ક્યારેય કે ક્યાંય મળ્યો નથી કે નથી મારે એમની જોડે ફોન ઉપર પણ વાત થઈ.’ ધનસુખે રડતાં-રડતાં કહ્યું હતું.
‘સારું તું ચિંતા ના કર. હું જોઈ લઈશ. પણ તે મને જે કીધું છે એ જ બયાન તું પોલીસને લખાવજે. અને કોર્ટમાં પૂછવામાં આવે તો તારે આ જ બયાન આપવાનું છે. આ વકીલાતનામા પર તું સહી કરી દે.’ વકીલાતનામા પર સહી કરાવી રાજાબાબુ ફરીવાર પાટીલની કેબિનમાં પ્રવેશ્યા હતા.
‘રાજાબાબુ મળી લીધું તમે ધનસુખને? શું લાગે છે? તમારા વિરુધ જયરાજ તાંબે બેંક તરફથી કેસ લડી રહ્યો છે. જયરાજને ખબર પડશે કે આ કેસ તમે લડી રહ્યા છો, તો એને એકવાર તો પરસેવો આવી જ જશે.’ પાટીલે હસતાં હસતાં રાજાબાબુને કહ્યું હતું.
રાજાબાબુ અને પાટીલ વાત કરતા હતા ત્યારે ચા અને નાસ્તો આવી ગયો. પાટીલે બધાને ચા-નાસ્તો કરાવ્યો અને ઉભો થઈને રાજાબાબુને પોલીસ સ્ટેશનની બહાર મુકવા આવ્યો. પંદર વર્ષ પછી રાજાબાબુને મળી એ ખુશ થયો હતો.

(ક્રમશઃ.............)

(આ "બેંક કૌભાંડ" વાર્તા આપને કેવી લાગી રહી છે એ વિશે આપના પ્રતિભાવ જરૂરથી જણાવશો.)

- ૐ ગુરુ
રેટ કરો અને રિવ્યુ આપો

Arpita Desai

Arpita Desai 3 માસ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 5 માસ પહેલા

Shantilal Thakor

Shantilal Thakor 6 માસ પહેલા

Amritlal Patel

Amritlal Patel 6 માસ પહેલા

Indu Talati

Indu Talati 6 માસ પહેલા