મારી મિત્ર દિવ્યાનીની વાત સાચી છે. દિવ્યાની ફેઈલ થતી હોવા છતાં પોલીસની નોકરી કરે છે. અને હું..! ટોપર કંઈ જ નથી કરતી. મારા ટીચર્સની આશા ઉપર પાણી ફરી વળ્યું. સવારે પાંચ વાગ્યાથી રાત્રે અગીયાર વાગ્યા સુધી મારા કામની નદીઓના અવિરત વહેણ વહ્યા જ રાખે અને ઘરમાં મમ્મી-પપ્પા, દાદા-બા, મારા બે છોકરા અને તેજસના બધા કામ હું એકલા હાથે કરું છું. એક રસોઈયા તરીકે રસોઈ, કામવાળા તરીકે ઘરના તમામ કામ, ઘરમાં બા-દાદાની પરિચારિકાનું કામ, છોકરાઓનું ટ્યુશન કરાવતી ટીચર, ઘરમાં ચાર ચાર પેઢીના અલગ-અલગ ટાઈમ સાચવવાના અને છતાં મેં તેને એમ કેમ કહી દીધું કે હું કંઈ જ નથી કરતી ! પંદર વર્ષ થયા. આ ઘરમાં આવી છું અને છતાં ક્યારેય કોઈને ફરિયાદનો મોકો નથી આપ્યો. હું મારા ઘરની મેનેજર છું. મહિને ઓછામાં ઓછા સાહીઠેક હજારની નોકરી એકલા હાથે કરું છું. અને છતાં એક ગૃહિણી જ કંઈ નથી કરતી એમ કેમ કહી શકે ? !
આખો દિવસ ઘરનું કામ કરવામાં ક્યાંક હું મારી જાતનું સન્માન કરવાનું તો નથી ભૂલી ગઈને ! ? નહીં નહીં , જાગ્યા ત્યારથી સવાર. મારા ઘરના તમામ કામ હું પહેલાં જેમ કરતી હતી તેમજ કરીશ. પણ થોડો સમય હું મારી માટે પણ કાઢીશ. ભલે આખો દિવસ ઘરમાં રહેવાનું થાય છતાં તૈયાર થઈને જ રહીશ. તેજસ્વીની રોજ રાત્રે છોકરાઓને સુવડાવવાના સમયે વિચારોમાં ચકરડી ભમરડી કર્યા કરતી.
અચાનક એક દિવસ રોટલી બનાવતા સમયે વીજળીના ચમકારાની જેમ તેના મગજમાં ચમકારો થયો. વાંચનના શોખને કારણે મારી પાસે શબ્દભંડોળનો ભંડાર છે. શું હું કલમના સહારે મારી ઓળખ ના ઊભી કરી શકું ! ? થોડો સમય હું મારી માટે કાઢી જ લઈશ. મારું આત્મસન્માન હું જાળવીશ. અને હું એવું કામ કરીશ કે હું જ મારી પ્રેરણાસ્ત્રોત બની રહીશ. વિચારતાં વિચારતાં તો તેજસ્વીનીના ચહેરામાં ઉત્સાહ, સ્ફુર્તિ અને ચૈતન્યનું ઝરણું વહેવા લાગ્યું.
એક દિવસ રાત્રે તેજસ્વીની તેના સન્માન સમારોહમાં ગઈ હતી. અને તેની પંદર વર્ષની તૃષ્ણા અને દસ વર્ષનો તૃપ્ત બંને પથારીમાં આડા પડીને વાતો કરતા હતાં.
" દીદી તને ખબર છે સ્કૂલમાં બધા મને બહુ માન આપે છે. અને ટીચર્સ તો હંમેશા મને કહે છે કે 'તારુ રોલ મોડેલ તો તારી મમ્મી જ હશે, નહીં તૃપ્ત ?' " તૃપ્તે ગર્વ મિશ્રિત છટાથી કહ્યું.
" યુ આર રાઈટ. મારી સ્કૂલમાં પણ મારું માન વધી ગયું છે. હું રીસેશમાં રમતી હોઉં ત્યારે બધા મારી સામે આંગળી ચીંધીને કહે છે, ' જુઓ પેલી તૃષ્ણાના મમ્મી આખા ભારતના ફર્સ્ટ નંબરના ઓથર છે. તેમણે પચાસ ઉત્તમ નવલકથાઓ ભારતને ભેટ આપી છે' ." તૃષ્ણાએ પણ મમ્મી પ્રત્યેનું અભિમાન વ્યક્ત કર્યું.
" મમ્મીની સખત મહેનતનું ફળ આપણે ભોગવી રહ્યા છીએ." તૃપ્તે કહ્યું.
" યુ આર રાઈટ. મમ્મી સત્તર અઢાર કલાક કામ કરતા હતાં છતાં ઘરમાં કોઈને ઉની આંચ આવવા નથી દીધી. મમ્મીની કામ કરવાની ધગશ અને મનની મક્કમતાના કારણે તેમણે સાબિત કરી દીધું કે નર અપની કરની કરે તો નર કા નારાયણ હો જાયે. તૃપ્ત મમ્મીનું પારસમણિ પુસ્તક ખરેખર બહુ સારું છે. તું એક વાર વાંચજે." તૃષ્ણાએ કહ્યું
" મમ્મીએ એમાં એવું તે શું લખ્યું છે ?" તૃપ્તને જાણવાની ઈચ્છા થઈ.
" મમ્મી એ લખ્યું છે કે,
વિપરીત પરિસ્થિતિની દીવાલોને ભેદી નાખે તે એટલે માણસ.
આત્મસન્માનને માથાનો મુગટ અને પર સન્માનને હૈયાનો હાર બનાવે તે એટલે માણસ.
દુઃખોમાં દુઃખને હંફાવે અને સુખમાં નમ્રતાની અંજલી ભરે તે એટલે માણસ.
પરિવારને લતા સમજી જતન કરે અને કારકિર્દીનું કમળ ખીલવે તે એટલે માણસ.
આંખો મહીં એવું અંજન કરે કે દરેક જગ્યાએ હકારાત્મકતા દિસે તે એટલે માણસ.
પોતાની જાત સાથે મિત્રતા વધારી એવા કામ કરે કે પોતાના પ્રતિબિંબને જોઈ પ્રેરિત થાય તે ખરો માણસ."