''એલી રંભા તે હાંભળ્યું કે ?'' - ખાટલો તોડતી કાશી ડોશીએ ફળિયામાં પોદળાના ગળિયા બનાવતી,છાણા થાપીને દિવાલને બગાડતી રંભાને અવાજ દીધો.
"શેની વાત કરો છો? "-રંભાએ હાથમાં ગળિયા સાથે જ ડોશીની સામે જોયા વગર જ પૂછી લીધું.
"આય ઓરી આવ્ય તો વાત થાય ને.એમ બરાડા નથ્ય પાડવા મારે."
"લે, તયે તમને ગળું દુઃખતું હશે નઈ?"
"એમ ઘેલહાઘરી થા માં ."
"તો પછી માંડીને વાત કરો ને. પોદળામાં હાંઠીકુ ખૂતાડીને બેઠા છો તે!"
(રંભા ફળીમાંની ડંકી સિંચતા સિંચતા પાણી વડે હાથ ધોઈને એના જ સાડલાંના છેડાથી સાફ કરીને ડોશી પાસે બેઠી ).
"એ છે ને હુ આજ સવારે કળશિયે નદીકાંઠે ગઈ ત્યારે ત્યાં પાદરે પાળિયો ખોડેલો જોયો. ઓલી ગોમતી ભેગી થઈ તે ઈ વાત કરતી'તી કે આ ઓલ્યા ધાડપાડું લાખાનો પાળિયો ખોડ્યો સે.
"હે હું વાત કરો છવો, ડોશી ? તમારું મગજ છટકી તો નથ્ય ગ્યુ ને ?".
"હાવ હાસુ કવ છવ "
"પણ એમ જીવતાં માણહ નો પાળિયો ?"
"હા. ઇં ગામના મુખીને હું હુઝયુ તે ગામ વચાળે પાળિયો ખોડ્યો હશે."
"પણ આ લાખો આપડા ગામનો તો ખરો ઇ વાત સો ટકાની. ઇના મર્યાના કાંઈ વાવડ ખરાં કે ?"
"હવે ઈ તો મુખી અને એના માણસો જ જાણે. ગોમતી વાત કરી ગઈ ઇની ઈ વાત મેં તને કરી."
"તંયે તમને હુ લાગે? લાખો જીવતો હશે કે?
"છેલ્લા ચાર ચાર મહિનાથી કંઈ વાવડ નથ્ય .હાભળ્યું છે કે જુનાગઢનો નવાબ હાથ ધોઈને વાંહે પડ્યો હતો "
"હા. તંઈ તો મુખીની મુછ મોટી થઈને પાળિયો ખોડ્યો. નકર એની કાંઈ હિંમત નથ્ય કે લાખાની ઉપરવટ જવાય એનાથી "
"અરે.રંભલી પાછું પળિયાની માથે મુંડન કરાવીને ચોટલી રાખી છે."
"હું વાત કરો ?"
"હા"
"એમ કેમ ?"
"ઇં ગોમતી કેંતી હતી કે મુખી ના મનમાં લાખા પ્રત્યે દાઝ છે. લાખાને નીચો આંકવા ને હલકો બતાવવા આવા કાવાદાવા કરે છે."
"હેં તંયે તમને હું લાગે કદાચ લાખો જીવતો હોય તો મુખીને મુકશે?'
"ઈં લાખો છે. એમ કાંઈ મૂકે એવો નથ્ય'
"ભલે ઇ ગમે એવો હતો પણ કોઈના બાપની સાડીબાર રાખે એવો નોં'તો ને ઇં હતો ને તે કોઈ બીજું આપડાં ગામ હામે ઊંચી નજર નો'તું કરતું."
"ઇ ના પ્રતાપે જ ગામની ભાગોળે ભર ઉનાળે કુવો ખોદાવ્યો હતો ને ઠોર ઠાંખર હજીય ઇ હવાડે પાણી પી ને વડલાને છાંયે બેહીને નિરાંત્યનો શ્વાસ લે છે."
"ઈ મુખીના બાપ પાંહેથી જ લાખાએ રૂપિયા કઢાવ્યાં હતા"
"હા... નકર ઉંઘઈ પડી હોત ઇ નોટુંમાં ને સિકકાય કાટ ખાય ગ્યા હોત."
"ઇં લાખાના કારણે જ આજ કોઈ વહુંવારુને બેડલું લઈ ને ગામની છેવાડે નથ્ય જાવું પડતું "
" ઉનાળે તો નદીના પાણીય ઉંડા ઉતરી જાય છે. પણ ચોક વચાળે કુવો બંધાવ્યો છે તે પાણી ભરીને બાયું વે'લી શિરામણ ભેગી થાય છે."
"હા નકર તો દીનાનાથ માથે ચડે ત્યારે માંડ વાડીના શેઢાં ભેગ્યું થાત."
"ઇ લાખાના પ્રતાપે જ સાંજ પડ્યે હેલ્ય ઉંચકીને વાડીએથી આવવું નથી પડતું. નકર ઘરે પુગીએ ત્યાં બવડો ૨હી જાય"
"ફળિયાના ઢોરને તરસ લાગે તોય હવાડે ખીલેથી છોડી આ ઉપાડ્યા "
"આ ભૂરી (ભેંસ)ને તો એના પાણીની લત લાગી છે. હવાડે ગ્યા વગર છૂટકો નથ્ય કરતી. આખો દી ગાંગર્યા કરે. વાડીએથી ઘર્યે આવતી વખતે ય હવાડાનું પાણી બોટતી આવે."
"પાણી પી પી ને જોને કેવી કાંઢું કાઢી ગઈ છે."
" તંયે હું"
(ડોસીએ બજરને નાકમાં ભરાવતાં છીંક ખાધી.)
..