કળિયુગની સ્ત્રી - ભાગ 14 Om Guru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કળિયુગની સ્ત્રી - ભાગ 14

કળિયુગની સ્ત્રી ભાગ-14

વાઘની સવારી


દીનુ અને સંગ્રામે વાતચીત કરી એવું નક્કી કર્યું હતું કે અદિતી પાછી આવે ત્યારે એ જે કોઇ ચિંતાથી ઘેરાયેલી હોય એ વાત એ લોકોને જો કરે તો એ લોકો એની મદદ કરી શકે.

ગુસ્સામાં અને અકળામણમાં ગાડી લઇને નીકળેલી અદિતી એક કલાકમાં પાછી આવી હતી. અદિતી જ્યારે પાછી આવી ત્યારે એના મોઢા ઉપરથી ગુસ્સો અને અકળામણ દૂર થઇ ગયા હતાં અને ચહેરા ઉપર શાંતિ જણાતી હતી.

અદિતીના મોઢા પર શાંતિ જોઇ એ બંન્નેને સારું તો લાગ્યું પરંતુ આશ્ચર્ય પણ થયું હતું કે એક કલાકમાં એવું તો શું થયું કે અકળાયેલી અને ગુસ્સામાં આવેલી અદિતી શાંત થઇ ગઇ!

હવે અદિતી જોડે વાત કરવાની કોઇ જરૂરિયાત લાગતી નથી એવું એ બંન્ને સમજી ગયા હતાં અને પોતપોતાના કામે વળગી ગયા હતાં.

થોડીવાર પછી અદિતીએ દીનુ અને સંગ્રામ બંન્નેને પોતાની કેબીનમાં બોલાવ્યા હતાં.

"હું ફેક્ટરીથી બહાર ગઇ એ પહેલા કોઇએ મને ફોન કર્યો હતો અને આપણા ધંધા વિશે એ કોઇ રહસ્ય જાણે છે એવું જણાવી મને બ્લેકમેલ કરવાની કોશિષ કરી રહ્યો હતો. એણે પોતાનું મોઢું બંધ રાખવા માટે રૂપિયા બે લાખ મારી પાસે માંગ્યા છે. કાલે એ મને ફોન કરીને એ રૂપિયા ક્યાં પહોંચાડવા એ જણાવશે. હવે તમે બંન્ને મને જણાવો, મારે શું કરવું જોઇએ?" અદિતીએ પોતાના રહસ્યવાળી વાત છુપાવી ધંધાના રહસ્ય સાથે જોડાયેલી વાત માટે કોઇ બ્લેકમેલ કરી રહ્યું છે એવું એણે દીનુ અને સંગ્રામને જણાવ્યું હતું.

"તમે ચિંતા ના કરો, અદિતી મેડમ. કુન્નુરમાં તો એવો કોઇ નથી પાક્યો કે જેને આ સંગ્રામનો ડર ના હોય. કાલે એણે બતાવેલી જગ્યાએ પૈસા લઇને હું જઇશ. મને ઊભેલો જોશે એટલે એ જે કંઇપણ જાણતો હશે તો એ પોતાના સુધી જ રાખશે અને મને જો નહિ ઓળખતો હોય તો બીજા દિવસે ફરી તમને પૈસા માટે ફોન કરશે એ વખતે તમે એટલું જ કહેજો કે તને પૈસા નહિ મળે અને તું જે કાંઇપણ જાણતો હોય એ તારા સુધી સીમિત રાખજે નહિતર સંગ્રામ તને નહિ છોડે." સંગ્રામે અદિતીને કહ્યું હતું.

"આ વાત તો કાલે સવારે પૈસા માંગવા માટે ફોન કરે ત્યારે જ કહી દઇએ તો?" દીનુએ પોતાની બુદ્ધિ વાપરી સંગ્રામ સામે જોઇ કહ્યું હતું.

સંગ્રામે દીનુની સામે આંખ કાઢી હતી અને આંખના ઇશારે કંઇક કહેવાની કોશિષ કરી હતી.

દીનુ સંગ્રામની આંખનો ઇશારો સમજી ગયો અને પોતાનાથી બફાઇ ગયું છે એવું એને ખબર પડી ગઇ.

"હા દીનુ સાચું જ કહે છે, એ વખતે તારું નામ આપી દઇએ તો વાત પતી જાયને? છેલ્લાં બે વરસમાં તો દીનુએ પહેલીવાર તો બુદ્ધિની વાત કહી છે." અદિતીએ હસતાં હસતાં કહ્યું હતું.

"મેડમ... જો કાલે ફોનમાં જ વાત કહી દઇશું તો એ માણસ કોણ છે એ આપણને ખબર નહિ પડે. એ મને એ જગ્યા પર ઊભેલો જોશે અને જો પૈસા લેવા પણ નહિ આવે ફોન પણ નહિ કરે તો આપણે એવું સમજી લેવાનું કે એ ચોક્કસ મને ઓળખી ગયો છે. એનો મતલબ એવો થશે કે એ કોઇ ક્રિમિનલ છે કારણકે કુન્નુરનો દરેક ક્રિમિનલ મને સારી રીતે ઓળખે છે અને તમારા બદલે મને ઊભેલો જોશે અને મને નહિ ઓળખે તો બીજા દિવસે તમને ફોન કરીને પાછી ધમકી આપશે. એનો મતલબ એવો થશે કે એ કોઇ ક્રિમિનલ નથી પણ કુન્નુરમાં રહેતો કોઇ આમ-ઇન્સાન છે." સંગ્રામે અદિતીને પોતાની વાત સમજાવતા કહ્યું હતું.

"બરાબર છે, આપણે એ પ્રમાણે જ કરીશું." અદિતીએ કહ્યું હતું.

કુન્નુર પોલીસ સ્ટેશનનો એક હવાલદાર મુથ્થુ મન્સુરને એક ખબર પહોંચાડવા મન્સુરની જેલની કોટડીમાં ગયો હતો. અંદર જઇ એણે મન્સુરને ચા આપી અને ધીરેધીરે મન્સુર જોડે વાત કરવા માંડ્યો હતો.

"તારા ફાધર રહીમે સંદેશો આપ્યો છે કે અત્યાર સુધી બધું પ્લાન પ્રમાણે જ થયું છે અને અમે બંન્ને સુરક્ષિત છીએ. તારા માટે અમે એક મોટો વકીલ રાખ્યો છે જે સરકારી વકીલ સાથે વાતચીત કરી તું સરકારી ગવાહ બન્યો હોવાના કારણે તને સજા આપે નહિ અને પહેલી ભૂલ સમજીને માફ કરી દે. માટે ત્યાં સુધી તું ધીરજથી જેલમાં સમય પસાર કરજે અને ખાસ કરીને તારું આપેલું બયાન ભૂલથી પણ બદલતો નહિ." આટલું બોલી મુથ્થુ મન્સુરની કોટડીમાંથી બહાર નીકળી ગયો હતો.

મુથ્થુના બહાર નીકળ્યા બાદ મન્સુર જોરથી ખડખડાટ હસવા લાગ્યો હતો અને મનમાં વિચારવા લાગ્યો હતો.

"મારા ફાધર અને જુગલ કિશોર પંડિત ઓરીજીનલ J.K.ની ગુલામી કરતા હતાં. એના બદલે તેઓ હવે ડ્રગ્સના ધંધાના માલિક બની ગયા છે. મારા પિતાની આખી જિંદગીની વફાદારી કોઇ કામમાં ના આવી પણ અંતે કરેલી બેઇમાનીએ જીવનના આખા ગણિત બદલી અને એમની તરફેણમાં કરી નાંખ્યા. મારા પિતા રહીમનું મગજ માસ્ટર માઇન્ડ છે. સૌથી પહેલા મને નીના ગુપ્તા જોડે પકડાવ્યો ત્યારબાદ નીના ગુપ્તાના ચક્રવ્યૂહમાં એ લોકો ફસાઇ રહ્યા છે એવું નીના ગુપ્તાને બતાવ્યું. નીના ગુપ્તાએ માંગેલા પૈસા આપ્યા અને નીના ગુપ્તા મને સરકારી ગવાહ બનવાનું કહે તો બની જવાનું ને જ્યારે હું સરકારી ગવાહ બનું ત્યારે ઓરીજીનલ J.K.ને જણાવવાનું કે હું સરકારી ગવાહ બની ગયો છું માટે કુન્નુર આવીને ઓરીજીનલ હીરા બેંકમાંથી કાઢી જાય અને ઓરીજીનલ J.K.ને કુન્નુર હીરા લેવા માટે આવવું પડે તો ડુપ્લીકેટ J.K. અને એના ફાધર રહીમ બંન્નેને મોરેશિયસ મોકલવા પડે. ઓરીજીનલ J.K.ને એવું કહીને વિશ્વાસમાં લીધો હતો કે નીના ગુપ્તાને મોટી રકમ આપી છે માટે તમને હાથ પણ લગાડશે નહિ માટે તમે ચિંતા વગર કુન્નુર આવી શકો છો અને રહીમની આ ચાલમાં જ ઓરીજીનલ J.K. ફસાઇ ગયો હતો અને એનું એન્કાઉન્ટર થયું હતું. મારા પિતા રહીમને ખબર હતી કે ઓરીજીનલ J.K.ને માર્યા પછી નીના ગુપ્તા આ ખેલ સમજશે તો પણ નીના ગુપ્તા કશું કરી શકશે નહિ, કારણકે કુન્નુર એની પોસ્ટીંગ J.K.ને પકડવા માટે જ થઇ હતી અને એને ભરપૂર રૂપિયા તેમજ સો કરોડના હીરા મળ્યા હોવાના કારણે એ બીજું કંઇ વિચારવાની કોશિષ કરશે નહિ. આ રીતે ઓરીજીનલ J.K.નો ડ્રગનો ધંધો સો કરોડના હીરા અને બીજા થોડાં કરોડ રૂપિયા આપી કાયમ માટે એના પિતા રહીમ અને જુગલ કિશોર પંડિતનો થઇ જશે." આ બધી જ વાતો અને પ્લાન સફળ થયેલું જોઇ મન્સુર જેલની કોટડીમાં ખડખડાટ હસી રહ્યો હતો.

જેલની કોટડીની બહાર ઊભેલા હવાલદારો મન્સુરનું મગજ ખસી ગયું છે એવું વિચારી તેઓ પણ હસવા લાગ્યા હતાં.

બીજા દિવસે સવારે અદિતીના મોબાઇલ ઉપર ફરી એક અજાણ્યો નંબર આવ્યો હતો. અદિતી સમજી ગઇ હતી કે આ પેલા બ્લેકમેલરનો જ ફોન લાગે છે. અદિતીએ ફોન ઉપાડી લીધો હતો.

"હલો, મારા બે લાખ રૂપિયા તૈયાર છે? તો તમે કુન્નુરના રેલ્વે સ્ટેશન પાસે આવેલા લોકલ ગાર્ડનમાં આવી જાઓ. ત્યાં ઝાંપા પાસે અંદર દાખલ થતાં એક મોટું ઝાડ ઉગેલું છે. બસ એ ઝાડની બરાબર નીચે તમે રૂપિયા એક પ્લાસ્ટિકની કોથળીમાં મુકી દેજો. આ રૂપિયા હું પહેલી અને છેલ્લી વાર માંગી રહ્યો છું પછી ક્યારેય પણ આ બાબતે ફોન કરીશ નહિ." બ્લેકમેલરે અદિતીને ફોનમાં કહ્યું હતું.

"સારું, એ રૂપિયા હું ઝાડ પાસે મુકી દઇશ પરંતુ આજ પછી જો તે મને બ્લેકમેલ કરવા ફોન કર્યો તો તારે તારી જાનથી હાથ ધોઇ નાંખવા પડશે. માટે તારી જાનની સલામતી ઇચ્છતો હોય તો આ બે લાખ રૂપિયા લઇ કાયમ માટે તારું મોં બંધ રાખજે." અદિતીએ બ્લેકમેલરને ફોનમાં ધમકાવતા કહ્યું હતું.

સામે છેડેથી ફોન કપાઇ ગયો હતો. અદિતીએ પોતાના રૂમમાંથી બે લાખ રૂપિયા લઇ લીધા અને રૂપિયા કોથળીમાં મુકી ગાર્ડનમાં પહોંચી ગઇ હતી. બ્લેકમેલરે બતાવેલા ઝાડ પાસે કોથળી મુકી અદિતી ત્યાંથી ફેક્ટરી જવા નીકળી ગઇ હતી.

અદિતી ફેક્ટરી પહોંચી ત્યારે દીનુ અને સંગ્રામ J.K.ના માલનું બીજું કન્સાઇનમેન્ટ ભરાવી રહ્યા હતાં. અદિતી સીધી પોતાની કેબીનમાં દાખલ થઇ અને ખુરશી પર બેસી ગઇ હતી અને મનમાં વિચારવા લાગી હતી.

"રહસ્ય કહેવાનો સમય આવી ગયો છે કે નથી આવી ગયો? રહસ્ય મારે ખોલવું જોઇએ એમાં શાણપણ છે કે આવો કોઇ બ્લેકમેલર કસમયે રહસ્ય ખોલી બાજી બગાડી નાંખે તો મુસીબતનો પાર ના રહે." અદિતીએ પોતાના મનમાં ઉઠેલા પ્રશ્ન વિચારતા વિચારતા કેબીનમાં લગાડેલા કુણાલના ફોટા સામે જોઇ નિસાસો નાંખ્યો હતો.

"તારી કરેલી બધી ભૂલોનું ફળ હું ભોગવી રહી છું, કુણાલ. હું આવી હતી નહિ અને મારે આવું ખરાબ બનવું પડ્યું છે." અદિતીએ નિસાસો નાંખતા કુણાલના ફોટા સામે જોઇ કહ્યું હતું.

દીનુ અને સંગ્રામ અદિતીની કેબીનમાં દાખલ થયા હતાં.

"J.K.નો કોઇ બીજો નવો માણસ આવી ઇવાના રઝોસ્કીનું બીજું કન્સાઇનમેન્ટ લઇ ગયો છે. ઇવાના અને J.K. જે રીતે ધંધો કરી રહ્યા છે એ રીતે એક દિવસ આપણને બાયપાસ કરી દેશે અને આપણી પાસેથી માલ ખરીદવાનું બંધ કરી દેશે. મેં સાંભળ્યું છે કે ડ્રગ અન્ડરવર્લ્ડમાં એવી માહિતી છે કે અફીમ અને અફીમ જેવા નશીલા પદાર્થો અલગ અલગ દેશોમાં ઉગાડતા લોકો સાથે રઝોસ્કી અને J.K.એ સાથે રહીને ડીલ કરી છે એટલે એમને માલ દસ ગણો મળતો થઇ જશે અને કદાચ આપણાથી પણ ઓછા ભાવે, માટે આપણે આપણા માલ માટે બીજા ખરીદદાર શોધવા પડશે." સંગ્રામે અદિતીને કહ્યું હતું.

"ડ્રગ્સનો ધંધો રોજબરોજ વધી રહ્યો છે. રઝોસ્કીને ભારતમાં ડ્રગ્સ સપ્લાય કરવું હશે તો આપણા જેવા ખેતીનું ઉત્પાદન કરતા અને માલનું પ્રોસેસ કરી સપ્લાય કરતા સપ્લાયરોની જરૂર પડશે અને આપણા જેવા બહુ ઓછા લોકો ભારતમાં આ પ્રકારનો માલ બનાવે છે, માટે આપણી સાથેનું ડીલ એ ક્યારેય પણ તોડશે નહિ એની મને ખાતરી છે. ખૂબ મનોમંથન કર્યા પછી મેં એક વિચાર કર્યો છે." અદિતીએ દીનુ અને સંગ્રામ સામે જોઇને કહ્યું હતું.

"પેલા બ્લેકમેલરનો ફોન આવ્યો? હું સવારનો એ જ વિચારી રહ્યો છું." દીનુએ અદિતીને પૂછ્યું હતું.

"ના હજી ફોન આવ્યો નથી. મને લાગે છે કે એ કદાચ ફોન ના પણ કરે." અદિતી આજે સવારે બ્લેકમેલરને રૂપિયા આપીને આવી છે એવું કહેવા માંગતી ન હતી. એવું કહેવામાં નુકસાન એ હતું કે સંગ્રામ અને દીનુ જો બ્લેકમેલરને પકડી લે અન બ્લેકમેલર એ બંન્નેને સાચું રહસ્ય કહી દે તો મોટી આફત આવી જાય અને માટે જ અદિતીએ સવારે આવેલા ફોનની વાત અને આપેલા બે લાખ રૂપિયાની વાત દીનુ અને સંગ્રામથી છુપાવી હતી.

"તમને શું વિચાર આવે છે? તમે કશુંક કહેતા હતાં?" સંગ્રામે પાછી વાતને જોડતા કહ્યું હતું.

"આપણે આ ડ્રગ્સનો ધંધો કરી રહ્યા છીએ. જે સમાજ અને સરકારીન દૃષ્ટિએ ખોટું છે. પરંતુ આ વાઘની સવારી થઇ ગઇ છે. જો એની ઉપરથી ઉતરી જઇશું તો આપણે મરી જઇશું. માટે આ ધંધો તો બંધ કરવો શક્ય નથી પરંતુ આ ધંધામાંથી કમાયેલા રૂપિયામાંથી ગરીબ અને આર્થિક રીતે પછાત લોકો માટે સ્કૂલ કોલેજ બંધાવી, અનાથ આશ્રમ બાંધી, વૃદ્ધાશ્રમ બનાવી, નારી કલ્યાણ કેન્દ્ર બનાવી આપણે આ ખરાબ પૈસાનો સારો ઉપયોગ કરી શકીએ એમ છીએ. તમે લોકો મારી સાથે આ ધંધામાં જોડાયેલા છો તો તમે હા પાડો તો આ ધંધાની આવકમાંથી આપણે સમાજ ઉપયોગી આવા સારા કામ કરીએ." અદિતીએ બંન્ને સામે જોઇ કહ્યું હતું.

અદિતીની આંખોમાં પહેલીવાર સંગ્રામે નરમાશ જોઇ હતી અને સંગ્રામની આંખમાંથી આંસુ આવી રહ્યા હતાં.

"મેડમ, તમારી વાત મને બહુ ગમી. ગરીબો અને પછાત લોકો માટે આપણે જેટલું પણ કરી શકીએ એટલું ઓછું છે. મારા હિસ્સાની નેવું ટકા રકમ તમે આવા કાર્યોમાં લગાડી શકો છો. મારે રૂપિયાની કોઇ જરૂર નથી. હું તો માત્ર મારી પત્ની ચાંદનીના ખૂનીનું રહસ્ય જાણવા આ ધંધામાં ફરીવાર જોડાયો છું. પણ આપના વિચારો જાણી મને ખૂબ આનંદ થયો. આપણે આવા કાર્યો કરવા જ જોઇએ." હર્ષના આંસુ સાથે સંગ્રામે કહ્યું હતું.

"મારા હિસ્સામાંથી પાંચ ટકા ડોનેશન આપવા હું પણ તૈયાર છું. ખોટો રૂપિયો કમાઇને એ રૂપિયામાંથી પાછું દાન-ધરમ કરું એ તો મને જરાય યોગ્ય લાગતું નથી. માટે મારી દૃષ્ટિએ ક્યાં પૂરેપૂરા ચોર રહેવું સારું, ક્યાં પૂરેપૂરા શાહુકાર રહેવું સારું. ક્યાં વાલિયો બનવું સારું, ક્યાં વાલ્મિકી બનવું સારું. તમે તો વાલિયો અને વાલ્મિકીનું મીક્સર કરવા માંગો છો અને મને એનો કોઇ વાંધો પણ નથી. આ વાલિયો પાંચ ટકા આપી વાલ્મિકી બનવાનું પુણ્ય કરવા તૈયાર છે." દીનુએ હસતાં હસતાં કહ્યું હતું.

દીનુની વાત સાંભળી અદિતી અને સંગ્રામ એની સામે તીક્ષ્ણ નજરે જોઇ રહ્યા હતાં.

દીનુ અને સંગ્રામ કેબીનમાંથી બહાર નીકળ્યા બાદ અદિતીએ કોઇને ફોન કર્યો હતો. ફોન લગભગ દોઢ કલાકથી વધારે સમય ચાલ્યો હતો. અદિતીએ દોઢ કલાક પછી ફોન મુક્યો ત્યારે એના મનમાં અલગ-અલગ ભાવ અને અલગ-અલગ પ્રશ્નો ઊભા થઇ રહ્યા હતાં.

"શું આ રહસ્ય જણાવી દેવાથી કોઇ નુકસાન તો નહિ થાયને?" આ પ્રશ્ન એના મનમાં વારંવાર ઝબકી રહ્યો હતો.

એણે દીનુ અને સંગ્રામને કેબીનમાં પાછા બોલાવ્યા હતાં.

"આજે રાત્રે તમે બંન્ને મારા બંગલે આવજો અને તમે મારા બંગલે આવો છો એ વાત કોઇને કહેતા નહિ." અદિતીએ દીનુ અને સંગ્રામ સામે જોઇ કહ્યું હતું.

દીનુ અને સંગ્રામ હા પાડી અદિતીની કેબીનમાંથી બહાર નીકળ્યા હતાં.

"અદિતી મેડમ આપણને બંગલે આવવાનું કહે છે એ તો સમજ્યા પણ કોઇને નહિ કહેવાનું એવું કેમ કહે છે? એવી તો શું વાત હશે કે આપણને આટલી મોડી રાત્રે કોઇને માહિતી આપ્યા વગર એમના બંગલે બોલાવે છે?" દીનુએ સંગ્રામને પૂછ્યું હતું.

"હશે કોઇ અગત્યની વાત જે ફેક્ટરી પર થાય એમ નહિ હોય. આમાં કંઇ બહુ વિચારવા જેવી વાત નથી." સંગ્રામે દીનુને કહ્યું હતું.

"ભાઇ સંગ્રામ, હું આ સ્ત્રીને છેલ્લાં બે વરસ કરતા વધારે સમયથી ઓળખું છું. આ સ્ત્રી કોથળામાંથી બિલાડું નહિ પણ કોથળામાંથી સીધો વાઘ જ કાઢે છે." દીનુ સંગ્રામ સામે જોઇ કહ્યું હતું.

"કોથળામાંથી વાઘ કાઢશે તો વાઘ જોડે પણ લડી લઇશું. એ ચિંતા છોડ અને મને એક સિગારેટ પીવડાવ." સંગ્રામે કહ્યું હતું.

દીનુ અને સંગ્રામ સિગારેટ પીતા પીતા અદિતી રાત્રે શું ઘટસ્ફોટ કરશે એ વિશે પોતપોતાની રીતે વિચારી રહ્યા હતાં.

( ક્રમશઃ.....)

(વાચક મિત્રો, કળિયુગની સ્ત્રી આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને વધારે સારી રીતે હું વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.... ૐ ગુરુ )