kaliyug ni stri - part 5 books and stories free download online pdf in Gujarati

કળિયુગની સ્ત્રી - ભાગ 5

કળિયુગની સ્ત્રી ભાગ-5

હિંમતની જ મળે કિંમત


"હું આજે બપોરે ચેન્નઇ જવા માટે લક્ઝરી બસમાં નીકળી જવાનો છું." સવારે નાસ્તાના ટેબલ પર અદિતીના પિતાએ અદિતીને કહ્યું હતું.

"હજી કાલે તો આવ્યા છો. બે દિવસ વધુ રોકાઇ જાઓને." અદિતીએ બ્રેડનો ટુકડો મોઢામાં મુકતા કહ્યું હતું.

"હજી અહીં બે દિવસ વધારે રહીશ તો ઇમાનદારી અને બેઇમાનીની ચર્ચા ઉગ્રતા પકડશે. એના કરતા ચેન્નઇ જઇ શાંતિથી ઘરના એકાંતમાં બેસીને હું વિચારીશ કે મારા જેવા ઇમાનદારીના ઝાડ ઉપર તારા જેવું બેઇમાનીનું ફળ કઇ રીતે ઉગ્યું?" નંદકિશોર શર્માએ અદિતીને ચાપખો મારતા કહ્યું હતું.

શાંતિથી કોફી પી રહેલી અદિતીને આ ચાપખો દિલમાં અંદર સુધી વાગ્યો હતો પરંતુ મોઢા ઉપર હાસ્ય લાવી અને કોફીનો કપ નીચે મુકતા પિતા નંદકિશોરને કહ્યું હતું.

"ઇમાનદારીનું ખાતર વધુ પડતું અપાઇ જાય ત્યારે ઇમાનદારીના ઝાડ પર પણ બેઇમાનીના ફળ લાગતા વાર નથી લાગતી. તમારા રસ્તે ચાલતી હોત તો મીડલ ક્લાસ વ્યક્તિ જોડે લગ્ન થયા હોત અને મહિનાની વીસ હજારની આવકમાં કટોકટી સાથે જીવતી હોત." અદિતીએ પિતા સામે જોઇ કહ્યું હતું.

અદિતીએ રામદીનને બૂમ પાડી અને બોલાવ્યો અને બપોરે પિતાજીને લક્ઝરી સ્ટેન્ડ પર મુકી આવવા માટે કહ્યું હતું અને અદિતી ઊભી થઇ પોતાના બેડરૂમમાં ચાલી ગઇ હતી. તૈયાર થઇ એ પિતાને મળ્યા વગર જ ફેક્ટરી જવા માટે નીકળી ગઇ હતી.

ફેક્ટરીમાં દીનુ અદિતીની રાહ જોઇને બેઠો હતો. અદિતી શું કરવા માંગે છે એની પૂરેપૂરી સમજણ એને પડી ન હતી પરંતુ અદિતીના પ્લાન ઉપરથી એટલું તો સમજાઇ ગયું હતું કે અદિતી દિન પ્રતિદિન વધુને વધુ ખતરનાક બનતી જઇ રહી છે કારણ વગર વધારે પડતી હિંમત દેખાડી રહી છે. આવા બધાં વિચારો દીનુના મગજમાં ચાલતા હતાં એવામાં અદિતી કેબીનમાં પ્રવેશી હતી.

"દીનુ, સંગ્રામનો પત્તો લાગ્યો?" અદિતીએ બ્રીફકેસ ટેબલ પર મુકતા પહેલો આ સવાલ દીનુને કર્યો હતો.

"મેડમ, હું વિચારું છું કે સૌથી પહેલા J.K.ને મળીને આવું. કાલે તમે મને સમજાવ્યું હતું એ પ્રમાણે એને સૂચના આપી દઉં કે નીના ગુપ્તા એના વિરૂદ્ધ ફાઇલ તૈયાર કરી રહી છે, કારણકે આ વાત એના મગજમાં જનમઘુંટ્ટી પીવડાવતો હોઉં એવી રીતે ઉતારવી પડશે. પણ મેડમ તમને નથી લાગતું કે તમે વધારે હિંમત દેખાડી રહ્યા છો." દીનુએ અદિતીની સામે જોઇ કહ્યું હતું.

"હા મને ખબર છે કે હું વધુ પડતી હિંમત દેખાડી રહી છું પણ આપણા ધંધામાં હિંમતથી જ કિંમત મળે છે અને હા મને એ પણ ખબર છે કે J.K. ખૂબ ખતરનાક છે. તું એ ચિંતા છોડી દે. હું તને જેટલું કહું છું એટલું જ તું કર. નીના ગુપ્તા કુન્નુર ટ્રાન્સફર લઇને કેમ આવી છે એ હજી આપણને ખબર પડી નથી અને જે રીતે કામ કરી રહી છે એ પ્રમાણે ચોક્કસ કોઇ મીશન લઇને જ આવી છે. એમાં શંકાને કોઇ સ્થાન નથી અને એના મીશનનો ટાર્ગેટ આપણે પણ હોઇ શકીએ છીએ. J.K.ને ભડકાવવાથી J.K. વધુ સતર્ક થશે અને જો કદાચ એના પર રેલો આવ્યો તો આપણે જ એને આ માહિતી આપી છે માટે આપણા પર એ શંકા નહિ કરી શકે. J.K. જોડે વાત પતાવ્યા બાદ તું સીધો સંગ્રામની શોધ માટે જતો રહેજે. ફેક્ટરીએ આવવાની જરૂર નથી. ફેક્ટરીનું કામ હું સંભાળી લઇશ." અદિતીએ દીનુને સૂચના આપતા કહ્યું હતું.

દીનુ ઊભો થઇ કેબીનની બહાર આવ્યો. સીગરેટ મોઢામાં મુકી અને સળગાવી હતી અને J.K.ને શું કહેવું એ વાતની ગોઠવણ મગજમાં કરી રહ્યો હતો.

દીનુ પોતાની ગાડીમાં બેસી J.K.ના મકાન પાસે પહોંચ્યો હતો. જ્યારે દીનુ મકાનમાં દાખલ થયો ત્યારે રહીમે એને રોક્યો હતો.

"દીનુ તું અત્યારે અચાનક ફોન કર્યા વગર કેમ આવ્યો છે?" રહીમે પૂછ્યું હતું.

"મારે J.K. સાહેબને એક અગત્યની સૂચના આપવાની છે. જે અદિતી મેડમે મોકલાવી છે." દીનુએ રહીમની સામે આંખ લાલ કરીને કહ્યું હતું.

"દીનુ તું ભૂલી ના જા કે તું અમારો નોકર છે, અદિતીનો નહિ." રહીમે પણ દીનુ સામે લાલ આંખ કરતા કહ્યું હતું.

"મને ખબર છે, રહીમ અને એટલે તો મને અહીં એકલો મુકી તમે બધાં મોરેશીયસ જતાં રહ્યા હતાં. મારું શું થશે એનો વિચાર પણ કર્યો ન હતો છતાં મેં મારી વફાદારી સાબિત કરવા માટે અદિતી મેડમને J.K. સાહેબ સાથે બીઝનેસ ફરીથી શરૂ કરવા સમજાવ્યા હતાં અને એમને મેં જ વિશ્વાસ અપાવ્યો હતો કે કુણાલનું ખૂન J.K. સાહેબે કર્યું નથી. હું જન્મથી તમિલિયન છું અને હું મારી વફાદારી ક્યારેય નહિ છોડું." દીનુએ રહીમને આંખમાં આંખ નાંખી જવાબ આપ્યો હતો.

બેઠકખંડમાં લગાવેલા છુપા માઇકમાંથી J.K. પોતાના બેડરૂમમાં દીનુ અને રહીમની આ વાત સાંભળી રહ્યો હતો. J.K. તૈયાર થઇ પગથિયાં ઉતરી નીચે આવી પોતાની ચેરમાં બેસી એણે ચીરૂટ સળગાવી હતી. દીનુ અને રહીમ પણ J.K.ની સામે આવી ઊભા રહ્યા હતાં. J.K.એ આંખથી ઇશારો કરી દીનુને સામેની ચેરમાં બેસવાનું કહ્યું હતું.

"બોલ શું સૂચના લાવ્યો છે? મેં માઇક દ્વારા તારી અને રહીમની ચર્ચા સાંભળી છે." J.K. બોલ્યો હતો.

"J.K. સાહેબ, નવી પોલીસ અધિકારી નીના ગુપ્તા તમારા વિરૂદ્ધના પુરાવા એકત્રિત કરી રહી છે. સ્પષ્ટ વાત તો ખબર પડી નથી પરંતુ તમારા વિરૂદ્ધની કોઇ ફાઇલ તૈયાર કરી રહી છે એવી માહિતી મને પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળી છે. માહિતી કેટલી સાચી છે અને કેટલી ખોટી છે એ કહેવું અઘરું છે પરંતુ જેણે મને કીધું છે એણે મને છાતી ઠોકીને કહ્યું છે. બસ આ જ માહિતી આપવા માટે અદિતી મેડમે મને અહીં મોકલ્યો હતો." દીનુએ J.K. સામે જોઇ J.K.ના પ્રશ્નોનો મારો સહન કરવા માટે માનસિક રીતે તૈયાર થઇ રહ્યો હતો.

"પોલીસ સ્ટેશનમાંથી તમને માહિતી કોણે આપી?" J.K.એ દીનુને પ્રશ્ન પૂછ્યો હતો.

"હેડ કોન્સ્ટેબલ મીથીલેસ શર્માએ." દીનુએ જવાબ આપ્યો હતો.

J.K.એ રહીમ સામે જોયું હતું.

"પોલીસ સ્ટેશનમાં આપણો જે માણસ છે એણે તો આ માહિતી આપણને આપી નથી." રહીમે J.K.ને કહ્યું હતું.

J.K.એ હવે દીનુ સામે જોયું હતું. દીનુ J.K.નો પ્રશ્ન સમજી ગયો હતો.

"તમારા બાતમીદાર પાસે માહિતી એટલા માટે નથી કે નીના ગુપ્તા મીથીલેસ શર્મા સિવાય કોઇને પણ એની કેબીનમાં અવરજવર કરવા દેતી નથી અને એ જે કંઇપણ કરે છે એ ચૂપચાપ પોતાની રીતે શોધખોળ કરી રહી છે. માટે તમારા બાતમીદાર પાસે માહિતી નથી." દીનુએ પૂરા આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો હતો.

"મીથીલેસ શર્મા નામનું પ્યાદું આટલી મોટી વાત કઇ રીતે જાણી લાવ્યો?" રહીમે દીનુને પ્રશ્ન પૂછ્યો હતો.

"J.K. સાહેબ, તમે તો શતરંજ સારી રીતે જાણો છો. શતરંજમાં પ્યાદાને જો મોકો મળે તો રાજાને પણ ચેક અને મેટ કરી શકે છે. માટે મારે તમને જે જાણકારી આપવાની હતી એ મેં તમને આપી દીધી. હવે હું આપની રજા લઉં છું." આટલું બોલી દીનુ J.K.ના મકાનમાંથી બહાર નીકળી ગયો હતો.

દીનુની ગાડી ગેટમાંથી બહાર નીકળતી જોઇ રહીમ બેઠકખંડમાં પાછો આવ્યો અને J.K.ના સામેના સોફામાં આવીને બેસી ગયો હતો.

"આપણે મોરેશીયસથી કુન્નુર બેંકના લોકરમાં મુકેલા સો કરોડના હીરા લેવા માટે આવ્યા છીએ એ વાતની જાણકારી પોલીસને તો નહીં થઇ હોયને?" રહીમે J.K.ને પૂછ્યું હતું.

"આ વાત હું અને તું બંન્ને જ જાણીએ છીએ, માટે પોલીસ સુધી આ વાત પહોંચી હોય એવી શક્યતા તો છે જ નહિ. માટે જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી આ વાતનું ઉચ્ચારણ તું ભૂલમાંથી પણ કરીશ નહિ અને પોલીસ સ્ટેશનમાં મીથીલેસ શર્માનો સંપર્ક કરવાની કોશિષ પણ કરતો નહિ. નહિતર અદિતી સુધી આ વાત પહોંચી જશે અને એને ખબર પડી જશે કે આપણે કોઇ વાતથી ડરેલા છીએ. માટે કશું જ બન્યું નથી એ રીતે નોર્મલ વર્તાવ કરજે." J.K.એ રહીમને આદેશ આપ્યો હતો.

સાંજના સાત વાગે અદિતી ફેક્ટરીથી ઘરે આવવા માટે નીકળી હતી ત્યારે એના મોબાઇલ ઉપર દીનુની રીંગ આવી હતી.

"બોલ દીનુ, કેમ ફોન કર્યો?" અદિતીએ દીનુને ફોન ઉપાડી પૂછ્યું હતું.

"સંગ્રામ જોડે મારે ફોનથી વાત થઇ છે. હું એને મળવા એના ઘરે જઇ રહ્યો છું. એની જોડે મીટીંગ કર્યા બાદ આપના ઘરે આવી આપને માહિતી આપું છું. એ મીટીંગ માટે તૈયાર થઇ જાય એવી રીતે જ હું એને સમજાવવાનો પ્રયત્ન કરીશ અને મીટીંગ માટે હા પાડશે તો કાલની મીટીંગ હું ગોઠવી દઇશ." દીનુએ ફોન મુકતા કહ્યું હતું.

અદિતીની ગાડી એના બંગલામાં પ્રવેશી હતી.

ક્રમશઃ.......



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED