અદિતી અને સંગ્રામ અદિતીની બેસીને પોતાના અફીમના ખેતરો તરફ જઇ રહ્યા હતાં. એવામાં સંગ્રામની નજર સફેદ કલરની બી.એમ.ડબલ્યુ. ગાડી પર પડી હતી.
"આ બી.એમ.ડબલ્યુ. ગાડી J.K.ની છે અને J.K. ચેન્નઇ તરફ જઇ રહ્યો હોય એવું લાગે છે." સંગ્રામ બોલ્યો હતો.
અદિતીએ બી.એમ.ડબલ્યુ. ગાડી ઉપર નજર નાંખી હતી. ગાડીની ડ્રાઇવીંગ સીટ ઉપર રહીમ એને બેઠેલો દેખાયો હતો.
અદિતીએ પોતાના અફીમના ખેતરો પાસે ગાડી લાવીને ઊભી રાખી હતી. દૂરથી અદિતીને જોઇ લાલસીંગ દોડતો દોડતો પાસે આવ્યો હતો. લાલસીંગને જોઇ સંગ્રામ લાલસીંગને પગે લાગ્યો હતો. અદિતીને આ જોઇ નવાઇ લાગી હતી.
"મેડમ, આ લાલસીંગ મારા સગા કાકા છે. તમે જ્યારે દીનુને મને બોલાવવા માટે મોકલ્યો એના પહેલા મારે તમારા વિશે વાત મારા આ કાકા લાલસીંગ સાથે થઇ હતી. એમણે મને કહ્યું હતું કે આપ ખૂબ દયાળુ છો અને આપે ખેતમજૂરોનો પગાર એમના કહેવાથી રોજનો સો રૂપિયા લેખે વધારી દીધો હતો. તમારા હૃદયમાં ગરીબ ખેતમજૂરો માટે કેટલી હમદર્દી છે એ વાત એમણે મને કહી હતી. તમારી આ વાતથી હું ખૂબ પ્રભાવિત થયો હતો કે ગરીબો માટે તમારા દિલમાં ખૂબ દયા છે અને માટે જ હું તમને મળવા રાજી થયો હતો." સંગ્રામે અદિતી સામે જોઇ ખુલાસો કરતા કહ્યું હતું.
"હું મારા જમીનમાં કામ કરતા ખેતમજૂરો માટે કંઇક કરું છું તો એ દયા નથી, મારી ફરજ છે અને ગરીબ ખેતમજૂરોનો એ અધિકાર પણ છે." અદિતીએ સંગ્રામને કહ્યું હતું.
અદિતી અને સંગ્રામ અફીમનો ઉગેલો માલ જોઇ અને પાછા ફેક્ટરી તરફ આવવા નીકળી ગયા હતાં.
ફેક્ટરીની બહાર ઝાંપા પાસે દીનુ આંટા મારી રહ્યો હતો. કાલે જોયેલા ભેદી માણસની ચર્ચા એ અદિતી પાસે કરવા માંગતો હતો પરંતુ એણે ફરીથી અદિતીનો પીછો કર્યો છે એ વાત આ સવાલ પૂછવાથી સાબિત થઇ જશે અને એ વ્યક્તિનો ચહેરો જોયો ન હતો માટે એ કોણ છે એ પણ એને ખબર ન હતી. એટલે એણે અદિતી જોડે આ વાત કઇ રીતે કરવી એ વાતનો વિચાર કરતો કરતો આંટા મારી રહ્યો હતો.
અદિતીની ગાડી ફેક્ટરીમાં પ્રવેશી ત્યારે અદિતીએ દીનુને ટેન્શનમાં આંટા મારતો જોઇ લીધો હતો. એટલે એણે દીનુને તરત પોતાની કેબીનમાં બોલાવ્યો હતો.
"તારા મોઢા પર આ જે અકળામણ અને સવાલો છેને એના કારણે એક દિવસ આપણે બધાં જેલના સળિયા પાછળ જતાં રહીશું. મને ખબર છે કે તારા મનમાં હજી ઘણાં બધાં સવાલો ચાલતા હશે પણ તારા સવાલોના જવાબ તને મળે એ પહેલા આપણે ઘણાં મહત્ત્વના કામ કરવાના છે. ઇવાના રઝોસ્કીનું બીજું કન્સાઇનમેન્ટ જાય પછી કદાચ તારા સવાલોના જવાબ તને આપમેળે જ મળી જશે એવું મને લાગે છે." અદિતીએ ગુસ્સામાં આવીને દીનુને ખખડાવતા કહ્યું હતું.
અદિતીની વાત સાંભળી દીનુ વધુ ગૂંચવાયો હતો.
"આ સ્ત્રી મને ક્યાં જેલ ભેગો કરશે અથવા બંદૂકની ગોળીથી મને મરાવડાવશે." દીનુ મનમાં બબડ્યો હતો.
નીના ગુપ્તા મન્સુરને ઓફીસીયલ ગીરફ્તાર કરી પોલીસ સ્ટેશન લાવી હતી. રસ્તામાં નીના ગુપ્તાએ મન્સુરને પોલીસ સ્ટેશનમાં કઇ રીતે બયાન આપવું એ સમજાવી દીધું હતું અને બયાનમાં ખાસ કરીને જબ્બાર ખાનનું જ નામ આપવું, જુગલ કિશોર પંડિતનું નામ આપવું નહિ એની ખાસ સૂચના આપી હતી, જેથી મોરેશીયસમાં બેઠેલો ઓરીજીનલ J.K. જુગલ કિશોર પંડિતના નામ સાથે જિંદગી જીવી શકે જેના દસ કરોડ રૂપિયા નીના ગુપ્તા પોતાના દુબઇ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી ચૂકી હતી.
મન્સુરે પોતાના પિતા રહીમનું નામ ન લખાવવાની શરતે નીના ગુપ્તાની બધી વાતો માનવાની હા પાડી હતી.
ચાર દિવસ પછી છૂટા થયેલા મન્સુરને હાથમાં પહેરેલી હથકડીનો ભાર બહુ લાગતો ન હતો અને મનમાં એક પ્રકારની શાંતિ પણ લાગતી હતી. નીના ગુપ્તા મન્સુરને પોલીસ સ્ટેશનમાં લઇ પ્રવેશી ત્યારે ફરજ પર હાજર સબ-ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલોને નવાઇ લાગી હતી કારણકે મન્સુર J.K.ના ખાસ માણસ રહીમનો દીકરો છે એની જાણ બધાંને હતી.
"મીથીલેસ, સબ-ઇન્સ્પેક્ટર મુથ્થુને મારી કેબીનમાં મોકલી આપ. મન્સુર ખાન સરકારી ગવાહ બની પોતાનું સ્ટેટમેન્ટ લખાવવા માંગે છે અને મન્સુર માટે ચા અને નાસ્તાની વ્યવસ્થા કર." નીના ગુપ્તાએ આદેશ આપતા કહ્યું હતું.
નીના ગુપ્તાની કેબીનમાં બેઠેલો મન્સુર પોતે બરાબર કરી રહ્યો છે કે નહિ એ નક્કી કરી શકતો ન હતો. પરંતુ દિવ્યાએ એકવાર એને કહ્યું હતું કે એની મમ્મી કોઇ ક્રિમિનલ એમની વાત ના માને તો ગોળી મારતા વિચાર કરતી નથી. બસ, આ જ ડર મન્સુરના મગજમાં ઘર કરી ગયો હતો અને એ ડરના કારણે જ એ સરકારી ગવાહ બની નીના ગુપ્તા જે રીતે બયાન લખાવવાનું કહેતી હતી એ રીતે લખાવવા માટે તૈયાર થઇ ગયો હતો.
સબ-ઇન્સ્પેક્ટર મુથ્થુએ કેબીનમાં આવી અને મન્સુર પાસેથી એનું બયાન લઇ લીધું હતું. મન્સુર ખાનના બયાનના આધારે વોરન્ટ કાઢી J.K.ને પકડવા માટે નીના ગુપ્તાએ પોલીસ ટુકડીને તૈયાર થવાનું કહ્યું હતું.
મન્સુર જ્યારે નીના ગુપ્તાની કેબીનમાં બયાન લખાવી રહ્યો હતો ત્યારે મીથીલેસ શર્માએ દીનુને ફોન કરી આખા મામલાની માહિતી આપી હતી.
દીનુ એ વખતે ફેક્ટરીનું કામકાજ જોઇ રહ્યો હતો. મીથીલેસ શર્મા સાથે વાતચીત પૂરી કર્યા બાદ તરત એ અદિતીની કેબીન તરફ જવા લાગ્યો હતો. સંગ્રામને પણ એણે જોડે જ લઇ લીધો હતો.
દીનુ અને સંગ્રામ અદિતીની કેબીનમાં પ્રવેશ્યા હતાં.
"મેડમ, બહુ મોટી મુસીબત થઇ ગઇ છે. પોલીસ અધિકારી નીના ગુપ્તાએ J.K.ને પકડવા માટે વોરંટ કાઢ્યું છે. આપણે J.K.ને જાણ કરી દેવી જોઇએ જેથી એ અહીંથી ભાગી શકે. જો J.K. પકડાઇ જશે તો આપણા ઉપર ચોક્કસ એનો પડઘો પડશે." દીનુએ ગભરાતા ગભરાતા કહ્યું હતું.
દીનુની વાત સાંભળી અદિતી અને સંગ્રામ બંન્ને વિચારમાં પડી ગયા હતાં.
"દીનુ તું રહીમને ફોન લગાડ અને એને સૂચના આપી દે કે J.K. કુન્નુરમાંથી બહાર નીકળી જાય." સંગ્રામે દીનુને સૂચના આપતા કહ્યું હતું.
"અમે હમણાં જ તો સવારે એને ચેન્નઇ તરફ જતાં જોયો હતો એટલે કદાચ એને પોલીસ વોરંટ કાઢવાની છે એની બાતમી મળી ગઇ હોય એવું લાગે છે." સંગ્રામે દીનુને કહ્યું હતું.
દીનુએ રહીમને ફોન ડાયલ કર્યો હતો પણ અદિતીએ એને ફોન કટ કરવાની સૂચના આપી હતી.
"આ સમયે આપણે J.K.ને આ માહિતી આપીશું તો J.K.ને એવું લાગશે કે આ આપણે જ કરાવ્યું છે અને કુણાલનો મોતનો બદલો આપણે J.K. સાથે આ રીતે લઇ રહ્યા છીએ. આપણે પોલીસ સાથે મળી ગયા છીએ એવું માનીને એ આપણને દુશ્મન માની બેસશે. માટે આ મુદ્દામાં કશું જ કરવું મને યોગ્ય લાગતું નથી." અદિતી એક એક શબ્દ ખૂબ વિચારીને બોલી રહી હતી.
"મેડમ, J.K. આપણો ભાગીદાર છે. રઝોસ્કીને માલ સપ્લાય પણ આપણે J.K.ના મારફતે જ કરી રહ્યા છીએ. જો J.K. પકડાઇ જશે તો રઝોસ્કી સુધી આપણો માલ પહોંચશે નહિ અને રઝોસ્કી આપણો પણ દુશ્મન બની જશે માટે J.K. ના પકડાય એમાં જ આપણો ફાયદો છે." સંગ્રામે ખૂબ વિચારીને કહ્યું હતું.
"સારું, તમને લોકોને આ જ બરાબર લાગતું હોય તો દીનુ તું રહીમને ફોન કરીને આ સૂચના આપી દે કે અમને કોન્સ્ટેબલ મીથીલેસ શર્મા પાસેથી આવી માહિતી મળી છે માટે જેમ બને તેમ જલ્દી J.K. કુન્નુર છોડી ભાગી જાય એવો મેસેજ એ J.K.ને આપી દે." અદિતીએ પોતાની ખુરશીમાંથી ઊભા થતાં કહ્યું હતું.
દીનુએ રહીમને ફોન જોડ્યો હતો અને રહીમને આખી વાત વિગતવાર સમજાવી હતી. દીનુએ રહીમને એ પણ કહ્યું હતું કે આ બધું જ થવાનું કારણ એનો દીકરો મન્સુર ખાન છે. મન્સુર સરકારી ગવાહ બની ગયો છે એને એના કારણે J.K.ના નામ પર વોરંટ નીકળ્યું છે.
દીનુની વાત સાંભળી રહીમે ફોન મુકી દીધો હતો. રહીમે ફોનમાં કોઇ જ જવાબ ન આપતા દીનુને નવાઇ લાગી હતી.
અદિતી ફેક્ટરીના કેમ્પસમાં જઇ ફોન ઉપર કોઇની સાથે વાત કરી રહી હતી. દીનુ અને સંગ્રામ બંન્ને પોતાના મનમાં વિચારી રહ્યા હતાં કે અદિતી એમનાથી દૂર જઇ ફોનમાં કોની જોડે વાતો કરતી હોય છે? જો ધંધાની વાત હોય તો અમારી સામે કરી શકે છે અને કોઇ પર્સનલ વાત હોય એવું તો કશું લાગતું નથી. દીનુ અને સંગ્રામ એકબીજાની સામે જોઇ રહ્યા હતાં.
"સંગ્રામ, અદિતી મેડમ આપણાથી ઘણુંબધું છુપાવી રહ્યા છે. J.K.ના નામનું વોરંટ નીકળ્યું છે, હું પરસેવે રેબઝેબ થઇ ગયો છું પણ એમનું રૂંવાડું પણ ફરક્યું નથી. મને એવું લાગે છે કે આ સ્ત્રી ભલે બહારથી સ્વસ્થ દેખાય છે પરંતુ અંદરથી એ ઘણાં બધાં રહસ્ય જાણતી હોય એવું લાગે છે." દીનુએ સંગ્રામને કહ્યું હતું.
"દીનુ તારી વાત તો સાચી છે પણ આ સ્ત્રી રહસ્ય જાણતી હશે કે નહિ એ તો ખબર નથી પરંતુ એ કોઇ અજીબ ખેલ ખેલી રહી હોય એવી મને ગંધ આવે છે. કાલે એણે વીસ લાખ રૂપિયાનું દાન એક ક્રિશ્ચિયન સંસ્થામાં કર્યું હતું. એક હિન્દુ સ્ત્રી હિન્દુ સંસ્થામાં દાન નહિ કરતા ક્રિશ્ચિયન સંસ્થામાં દાન કરે છે એ વાતથી મને તો અચરજ થાય છે." સંગ્રામે દીનુને કહ્યું હતું.
"સંગ્રામ, આ વાતમાં શંકા કરવાનું કોઇ કારણ નથી કારણકે અદિતી પોતે હિન્દુ ધર્મ પાળે છે અને એના પતિ કુણાલ ગુજરાવાલા જીવતા હતાં ત્યારે ઇસાઇ ધર્મ પાળતા હતાં અને કદાચ એમની આત્માની શાંતિ માટે ઇસાઇ સંસ્થામાં દાન કર્યું હોય એવું બની શકે પણ મારા મગજની સોય મારા મનમાં ઊભા થયેલા પ્રશ્નો પર જ અટકેલી છે. અદિતી પાસે નેવું ટકા માહિતી એવી છે કે જે મેં આપી નથી અને હા કાલે મેં અદિતીનો પીછો કર્યો હતો અને પીછો કરતા મને ખબર પડી કે અદિતી કાલે કોઇ કાળા જેકેટ પહેરેલા ટાલીયા માણસને પોતાની ગાડીમાં દોઢ કલાક સુધી વાતો કરતા મેં મારી નજરે જોઇ છે અને એ માણસ જ અદિતીને બધી માહિતી આપતો હોય એવું લાગે છે. એ ટાલીયો માણસ કોણ હતો એનો ચહેરો હું જોઇ શક્યો નથી." દીનુએ પોતાના મનમાં ચાલતી મથામણ સંગ્રામને કહી હતી.
"દીનુ તે ફરીવાર અદિતીનો પીછો કર્યો હતો? મને લાગે છે કે આપણે કદાચ એમની પર્સનલ લાઇફમાં દખલગીરી ના કરવી જોઇએ. કદાચ કુણાલના ગયા પછી એ પોતાની જિંદગી નવેસરથી કોઇની સાથે શરૂ કરવા માંગતા હોય એવું પણ બની શકે." સંગ્રામે આ વાતને અલગ રીતે સમજીને દીનુને કહી હતી.
"ના સંગ્રામ, આ સ્ત્રીને હું બે વરસથી જોઉં છું. ચરિત્રની બાબતમાં એ એકદમ ચોખ્ખી છે અને આખો દિવસ માત્ર ને માત્ર ધંધો અને ધંધાની આંટીઘૂંટીમાં જ પસાર કરે છે." દીનુએ ખૂબ મક્કમતાથી કહ્યું હતું.
નીના ગુપ્તા પોતાની સાથે પોલીસ ટુકડીને લઇ J.K.ના મકાન ઉપર પહોંચી ગઇ હતી. J.K.ના મકાન ઉપર પહોંચી ત્યારે J.K.ના માણસોએ એને રોકવાની કોશિષ કરી હતી પરંતુ નીના ગુપ્તાએ J.K. વિરૂદ્ધનો વોરંટ બતાવી બંગલામાં દાખલ થઇ ગઇ હતી.
નીના ગુપ્તા મકાનમાં જેવી પ્રવેશી J.K. બેઠકખંડમાં જ બેઠો હતો. નીના ગુપ્તાને પોલીસ ટુકડી સાથે આવેલી જોઇ J.K.એ ઊભા થઇ નીના ગુપ્તાને આવવાનું કારણ પૂછ્યું હતું.
"મી. જબ્બાર ખાન ઉર્ફે J.K. તમારા વિરૂદ્ધ ડ્રગ્સ સ્મગ્લીંગ અને કુણાલ ગુજરાવાલાની હત્યાનો આરોપ તમારી ઉપર છે. એના આધારે અમે તમને ગીરફ્તાર કરીએ છીએ." નીના ગુપ્તાએ કહ્યું હતું.
"હું ડ્રગ્સની તસ્કરી કરતો નથી અને કુણાલ ગુજરાવાલાનું ખૂન તો મેં કર્યું જ નથી. તમારી પાસે કોઇ સબૂત હોય તો એ પહેલા લઇને આવો." J.K.એ બેફીકરાઇથી નીના ગુપ્તાને કહ્યું હતું.
"તમારા નામે વોરંટ છે અને અમારી પાસે પૂરતા સબૂત છે તેમજ મન્સુર ખાન સરકારી ગવાહ બની ગયો છે માટે મી. J.K., your game is over." નીના ગુપ્તાએ J.K.ને હથકડી પહેરાવતા કહ્યું હતું.
મન્સુર સરકારી ગવાહ બની ગયો એ વાત સાંભળી J.K.ને ખૂબ ઝટકો લાગ્યો હતો. બે મિનિટ માટે તો એને તમ્મર આવી ગયા હતાં. નીના ગુપ્તા સામે જોઇ એ બોલ્યો હતો.
"હું ભાગવાનો નથી. મારે તમારી જોડે બે મિનિટ પર્સનલ વાત કરવી છે." J.K.એ નીના ગુપ્તાને કહ્યું હતું.
"હવે તમારે જે કાંઇપણ વાત કરવી હોય એ પોલીસ સ્ટેશનમાં જઇને જ કરજો." આટલું બોલી નીના ગુપ્તાએ પોલીસ ટુકડી સામે જોઇને ઇશારાથી J.K.ને બહાર લાવવા કહ્યું હતું.
J.K.ને પોલીસ જીપમાં બેસાડી નીના ગુપ્તાએ ડ્રાઇવરને કાનમાં કશુંક કહ્યું હતું.
ડ્રાઇવર નીના ગુપ્તાનો ઇશારો સમજી ગયો અને એણે જીપ સુમસામ વિસ્તારમાં લઇ લીધી હતી.
"તું મારું એન્કાઉન્ટર કરવા માટે મને અહીંયા લાવી છે? મેં તને રૂપિયા બે કરોડ આપ્યા છે, તને ખબર છેને? અને હજીય વધારે રૂપિયા જોઇતા હોય તો હું તને આપવા તૈયાર છું." J.K.એ નીના ગુપ્તાને કહ્યું હતું.
J.K.ની વાત સાંભળી નીના ગુપ્તાએ પોલીસ ટુકડીને દૂર જવા કહ્યું હતું.
"તે મને બે કરોડ કે એનાથી વધારે રૂપિયા આપ્યા છે એવું મોટે મોટેથી બોલીશ તો પણ કંઇ ફરક પડવાનો નથી. આ પોલીસ ટુકડીને એમનો હિસ્સો મળવાનો છે માટે એમને એમના હિસ્સાથી મતલબ છે. તે તારી જિંદગીમાં લાખો યુવાનોને ડ્રગના નશાના શિકાર બનાવીને એમની જિંદગી બરબાદ કરી છે. અમે પોલીસવાળા તો પૈસાની બેઇમાની કરીએ છીએ. તમે તો યુવાનોને ડ્રગના નશામાં ચડાવી એમની જિંદગી ખતમ કરવાની બેઇમાની કરો છો. માટે તારા જેવા ડ્રગ માફીયાઓને તો ખતમ જ કરી નાંખવા જોઇએ." નીના ગુપ્તા ગુસ્સામાં બોલી હતી.
ત્યારબાદ નીના ગુપ્તાએ મીથીલેસ શર્માને ઇશારો કર્યો હતો. મીથીલેસે J.K.ની હથકડી કાઢી નાંખી હતી અને J.K.ને ઊંધો ઊભો રાખી દીધો હતો અને નીના ગુપ્તાએ J.K.ની પીઠ ઉપર ગોળીઓ ચલાવી હતી. ગોળીઓ વાગવાથી J.K. જમીન ઉપર પછડાયો હતો અને એણે ત્યાં જ પોતાનો દમ તોડી દીધો હતો.
થોડા કલાકોમા જ આખા કુન્નુરમાં J.K.ના મોતની વાત ફેલાઇ ગઇ હતી. કુન્નુરની લોકલ ન્યૂઝ ચેનલો ઉપર J.K.ની મોતના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતાં.
"મેં કીધું હતુંને કે આ નીના ગુપ્તા કોઇને કોઇ કાંડ કરશે." દીનુએ અદિતીને એની કેબીનમાં આવીને કહ્યું હતું.
દીનુ કેબીનમાં આવ્યો ત્યારે સંગ્રામ અને અદિતી ન્યૂઝ ચેનલ ઉપર J.K.ના મૃત્યુના સમાચાર સાંભળી રહ્યા હતાં. પહેલીવાર અદિતી ખૂબ જ અપસેટ થઇ ગઇ હતી. દીનુ આ વાત બરાબર નોટીસ કરી શક્યો હતો.
અદિતીએ ફોન કરી ઇવાના રઝોસ્કીને J.K.ના મોતની બાતમી આપી હતી, પરંતુ ઇવાના રઝોસ્કીએ અદિતીને જે કીધું એ સાંભળી અદિતીને ચક્કર આવવા લાગ્યા હતાં.
દીનુ અદિતી માટે જઇ કોફી લઇ આવ્યો હતો. અદિતીએ કોફી પીધી પછી એને થોડી કળ વળી હતી. ત્યારબાદ એણે સંગ્રામ અને દીનુ સામે જોઇ કહ્યું હતું.
"ઇવાનાનું કહેવું છે કે આ J.K. એ ઓરીજીનલ J.K. નથી પરંતુ ડુપ્લીકેટ J.K. છે. ઓરીજીનલ J.K.એ હમણાં જ થોડીવાર પહેલા મોરેશીયસથી એની જોડે વાત કરી હતી અને કહ્યું હતું કે એ પોતે સુરક્ષિત છે અને જે મૃત્યુ પામ્યો છે એ ડુપ્લીકેટ J.K. છે." અદિતીને પહેલીવાર દીનુએ આટલી અપસેટ અને આશ્ચર્યચકિત જોઇ હતી.
"મારો બેટો મરતા મરતા વાઘણને હલાવીને તો ગયો." દીનુ મનમાં બબડ્યો હતો.
"મારે એક વાર J.K. સાહેબની લાશ જોવી છે." મન્સુરે નીના ગુપ્તાને કહ્યું હતું.
"તારે કેમ J.K.ની લાશ જોવી છે?" નીના ગુપ્તાએ આશ્ચર્ય પામતા મન્સુરને પૂછ્યું હતું.
"મારા ફાધર વર્ષોથી એમની જ સેવામાં હતાં અને હું પણ નાનો હતો ત્યારથી J.K. સાહેબને જોતો આવ્યો છું. મેં મારી જાન બચાવવા માટે એમની જાનનો સોદો કર્યો છે. તમે તમારું બોલેલું વચન પાળ્યું નહિ અને એમને મારી નાંખ્યા છે. મને ખબર છે કે J.K. સાહેબ કોઇ દિવસ ભાગવાની કોશિષ કરે જ નહિ. આ તમે એમનું એન્કાઉન્ટર જ કર્યું છે. હું છેલ્લી વાર એમનું મોઢું જોઇ એમની માફી માંગવા માંગુ છું." મન્સુરે રડતાં રડતાં કહ્યું હતું.
નીના ગુપ્તા મન્સુરને જ્યાં J.K.ની ડેડબોડી રાખવામાં આવી હતી ત્યાં લઇ ગઇ હતી. ડેડબોડીના સ્ટોરેજ રૂમમાં લઇ જઇ એણે ડેડબોડીને મુકવાનું એક સ્ટોરેજ બોક્સ ખેંચીને બહાર કાઢાવ્યું હતું.
મન્સુરે J.K.નું મોઢું જોયું અને ત્યારબાદ જમણા હાથની હથેળી જોઇ. હથેળીમાં લાખુ જોઇ મન્સુર એકદમ અવાક થઇ ગયો અને ચક્કર ખાઇને જમીન ઉપર પડી ગયો હતો.
મન્સુરના હાવભાવ ઉપરથી નીના ગુપ્તાને લાગ્યું કે J.K.ના મોતની પાછળ ચોક્કસ કોઇ રહસ્ય છે જે મન્સુરને ખબર પડી ગઇ છે.
( ક્રમશઃ......)
(વાચક મિત્રો, કળિયુગની સ્ત્રી આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને વધારે સારી રીતે હું વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું. લિ.ૐગુરુ....)