કળિયુગની સ્ત્રી - ભાગ 4 Om Guru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કળિયુગની સ્ત્રી - ભાગ 4

કળિયુગની સ્ત્રી

ભાગ-4

બેઇમાનીની બલ્લે બલ્લે


અદિતીની ગાડી બંગલાના ગેટમાં પ્રવેશી હતી. મુખ્ય ગેટથી બંગલો ત્રણસો મીટરના અંતરે હતો. બંગલા પાસેના પોર્ચમાં જઇ અદિતીએ ગાડીનો હોર્ન માર્યો. નોકર રામદીન બંગલામાંથી બહાર આવ્યો હતો.

"મેડમ, તમારા પિતાજી ચેન્નઇથી આવ્યા છે." કહી રામદીન ગાડી લઇ પાર્કીંગ તરફ મુકવા ગયો અને અદિતી ઘરમાં દાખલ થઇ હતી.

અદિતીના પિતા સોફા પર બેસીને છાપું વાંચી રહ્યા હતાં. પિતા પાસે જઇ એણે પિતાને સંબોધીને કહ્યું હતું.

"પપ્પા, આમ અચાનક ચેન્નઇથી આવ્યા? મને ફોન કરી દીધો હોત તો ડ્રાઇવરને ગાડી સ્ટેશન પર મોકલી આપી હોત." અદિતીએ એના પિતા સામે જોઇ કહ્યું હતું.

"બેટા, મને યેશા અને જશની ખૂબ જ યાદ આવતી હતી. આમેય કુણાલના મૃત્યુ બાદ હું આવ્યો હતો ત્યારે છોકરાઓને જોયા હતાં એ પછી એમને જોયા પણ ન હતાં એટલે મને થયું કે અઠવાડિયા માટે કુન્નુર જઇ તમને બધાંને મળતો આવું. અહીં આવીને ખબર પડી કે છોકરાઓને તો તે બોર્ડીંગ સ્કૂલમાં મુકી દીધા છે. બસ, આ ચા પીને બેઠો હતો ને એટલામાં તું આવી ગઇ. તું મજામાં તો છે ને?" પિતા નંદકિશોર વર્માએ પોતાની દીકરીને પૂછ્યું હતું.

"મજામાં છું કે નહિ એ તો મને પણ ખબર નથી પણ શ્વાસોચ્છવાસ ચાલી રહ્યા છે અને બે છોકરાઓની જવાબદારી છે માટે જીવનને ચલાવવાનો અને દોડાવવાનો પ્રયત્ન કરી રહી છું. તમે ઉપરના માળે ગેસ્ટ રૂમમાં જઇ થોડો આરામ કરો ત્યાં સુધી હું મારી એક મીટીંગ પતાવી લઉં પછી શાંતિથી આપણે વાત કરીએ." અદિતીએ પિતા સામે જોઇ કહ્યું હતું.

રામદીન ગાડી પાર્ક કરી ઘરમાં પ્રવેશ્યો હતો. અદિતીએ એના પપ્પાનો સામાન ગેસ્ટરૂમમાં લઇ જવાનો આદેશ રામદીનને આપ્યો હતો. અદિતીના પિતા નંદકિશોર પણ રામદીનની પાછળ પાછળ ઉપરના માળે જઇ રહ્યા હતાં. પગથિયાં ચડતા ચડતા પગથિયાંની દિવાલ ઉપર કુણાલના ફુલ ફેમીલી ફોટાના ફોટોફ્રેમ કરેલા ફોટાઓને જોઇ એમની આંખોમાંથી કુણાલને યાદ કરી આંસુ આવી ગયા હતાં.

અદિતી નીચેના જ માળે આવેલા પોતાના બેડરૂમમાં ગઇ અને કબાટમાંથી પચાસ હજાર રૂપિયા કાઢી એક સફેદ કવરમાં મુક્યા અને એ કવર લઇ ડ્રોઇંગરૂમમાં આવી ડ્રોઇંગરૂમના સોફાની બાજુમાં આવેલા ટેબલ પર મુકી એ સોફા ઉપર બેસી ગઇ હતી.

રામદીને આવીને એને કોફી આપી હતી. લગભગ અડધો કલાક પસાર થયો હશે. દીનુએ આવીને ડોરબેલ વગાડ્યો હતો. નોકર રામદીને દરવાજો ખોલ્યો હતો. દીનુ અને હેડ કોન્સ્ટેબલ મીથીલેસ શર્મા ઘરમાં દાખલ થયા હતાં અને અદિતી જ્યાં બેઠી હતી ત્યાં આવ્યા હતાં.

"શર્માજી, આપ બેસો." અદિતીએ મીથીલેસ શર્માને સોફા પર બેસવાનો ઇશારો કરતા કહ્યું હતું.

"દીનુએ કહ્યું કે આપ મને મળવા માંગો છો. મારા નાચીઝનું શું કામ પડ્યું? બસ એ ગડમથલ કરતો કરતો જ હું આપની પાસે આવ્યો છું." મીથીલેસ શર્માએ હસતાં હસતાં કહ્યું હતું.

"શર્માજી, તમે તો ઉત્તરપ્રદેશના છો અને ઉત્તરપ્રદેશના લોકો તો દિલ્લી સંસદમાં પણ વર્ચસ્વ ધરાવે છે અને આમ જોઇએ તો આખા ભારતમાં પણ ખૂણેખૂણે તમારા લોકોનો દબદબો છે." દીનુએ હસતાં હસતાં મીથીલેસ શર્મા સામે જોઇને કહ્યું હતું.

દીનુની વાત સાંભળી મીથીલેસ અને અદિતી બંન્ને કડકાઇથી દીનુ સામે જોઇ રહ્યા હતાં.

"મારા બેટા ઉત્તરપ્રદેશ વાળા હોંશિયાર બહુ છે. એમની પાસેથી હજી ઘણુંબધું શીખવાનું હજી બાકી છે." તમિલિયન દીનુ મનોમન બબડ્યો હતો.

"શર્માજી, મેં તમને ખાસ તો એટલા માટે બોલાવ્યા હતાં કે સૂર્યવીરસિંહના ગયા બાદ તમારી આવક ઓછી થઇ ગઇ હશે, કેમ બરાબરને? એટલે મેં વિચાર્યું કે તમારું ખિસ્સું થોડું ગરમ થાય અને મારી પાસે માહિતી થોડી વધુ થાય એ માટે આપણે એકબીજાને મદદરૂપ બની શકીએ એમ છે." અદિતીએ ઇશારામાં કોન્સ્ટેબલ શર્માને રીસ્વતની ઓફર કરી હતી.

અદિતીની વાત સાંભળી મીથીલેસ શર્મા ખંધુ હસવા લાગ્યો હતો.

"મેડમ, સૂર્યવીરસિંહના ગયા બાદ મહિને ત્રીસ ચાલીસ હજારની થતી આવક બંધ થઇ ગઇ છે. નવી પોલીસ અધિકારી નીના ગુપ્તાએ લાંચ રિશ્વત લેવાની સખ્ત મનાઇ ફરમાવી છે અને એવું કંઇ કરશો તો તમને બધાંને સસ્પેન્ડ કરાવી દઇશ એવી ધમકી પણ અમને આપી છે. બસ, એટલે આવક બંધ થઇ ગઇ છે." મીથીલેસ બોલ્યો હતો.

અદિતી પાસેથી રૂપિયા મળશે એવી આશા જણાતા મીથીલેસે પોતાની બેઇમાનીની દુકાન ખોલી નાંખી હતી અને સોફાના ટેકે બે હાથ ખુલ્લા રાખી બેસી ગયો હતો.

"મારો બેટો, રિશ્વતની વાત સાંભળી મોરની જેમ પહોળો થઇ કળા કરવા માંડ્યો છે. પણ સાલાને ખબર નથી કે મોર કળા કરતો હોય ત્યારે પાછળથી નાગો હોય છે અને સામે બેઠેલી વાઘણ હમણાં એના ફાળિયા કરશે એ વાતનું તો એને સ્વપ્ન પણ નહીં આવ્યું હોય." દીનુ મનોમન બબડ્યો હતો.

"દીનુ, તું કશું બોલ્યો?" મીથીલેસે દીનુ સામે જોઇ કહ્યું હતું.

"ના, મને નાનપણથી મનમાં બબડવાની આદત છે એટલે મારા બબડાટ ઉપર ધ્યાન આપવું નહિ." દીનુએ શર્મા સામે જોઇ કહ્યું હતું.

અદિતીએ ટેબલ ઉપર મુકેલું પચાસ હજારનું કવર મીથીલેસ શર્માને આપ્યું હતું. મીથીલેસે કવર લીધું અને પોતાની બાજુમાં મુકી દીધું હતું.

"આમાં રૂપિયા પચાસ હજાર છે. દર મહિને દીનુ તમને પચાસ હજાર રૂપિયા આપી દેશે. હવે તમે મને એમ કહો કે તમારી નવી આવેલી પોલીસ અધિકારી નીના ગુપ્તા કેવી છે? અને એ સિવાય એની બાબતમાં તમે જે કંઇ પણ જાણતા હોય એ મને જણાવો." અદિતીએ શર્માને પૂછ્યું હતું.

રામદીન દીનુ અને મીથીલેસ શર્મા માટે કોફી લાવ્યો હતો. દીનુ અને મીથીલેસે કોફીનો કપ હાથમાં લઇ લીધો હતો.

"મેડમ, નીના ગુપ્તા ચેન્નઇથી ટ્રાન્સફર લઇ કુન્નુર આવી છે. અત્યાર સુધી એને ક્રીમીનલ અને આતંકવાદીઓના થઇ એકસઠ એન્કાઉન્ટર કર્યા છે. ન્યુઝ મીડીયા અને અમારા પોલીસ ડીપાર્ટમેન્ટની ભાષામાં તમને કહું તો અમે એમને supercop કહીએ છીએ. એકદમ સ્વચ્છ ઇમેજ અને બેઇમાનીનો એકપણ રૂપિયો લેતી નથી એવું ચેન્નઇના મારા એક પોલીસ મિત્ર પાસેથી મને જાણવા મળ્યું છે. મને એવું લાગતું હતું કે ચેન્નઇના માહોલથી થાકી છ મહિના કુન્નુરમાં હવા ફેર કરવા માટે ટ્રાન્સફર લીધી છે. પરંતુ જ્યારથી ડ્યુટી જોઇન્ટ કરી છે ત્યારથી આખો દિવસ પોતાની કેબીનમાં બેસી કુન્નુરના ક્રીમીનલોની ફાઇલ વાંચ્યા કરે છે અને પોતાની એક પર્સનલ ડાયરીમાં કશુંક લખ્યા કરે છે. ક્વાર્ટરથી પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશનથી ક્વાર્ટર બીજે ક્યાંય એ હજી સુધી ગયા નથી અને ખાસ મને એ પોલીસ સ્ટેશનમાં હાજર હોય ત્યારથી ક્વાર્ટર તરફ જાય ત્યાં સુધી એમની સેવામા જ તૈનાત રહેવાનો ઓર્ડર આપેલો છે. એમના વિશે મારી પાસે બસ આટલી જ માહિતી છે." શર્માએ નીના ગુપ્તા વિશેની જાણકારી અદિતીને આપતા કહ્યું હતું.

"તું મૂરખ છે એની ખબર નીના ગુપ્તાને પહેલેથી જ પડી ગયેલી લાગે છે. એટલે જ તને સવાર સાંજ એમની ડ્યુટીમાં રાખ્યો છે. મૂર્ખાનો સરદાર." દીનુ ફરી મનોમન બબડ્યો હતો.

"યાર દીનુ, તું કશુંક બોલ્યો? મને કાનમાં ભણકારા વાગે છે." શર્માએ દીનુ તરફ જોઇ કહ્યું હતું.

"મને તો નાનપણથી જ બબડવાની ટેવ છે. માટે હું જ્યાં સુધી સ્પષ્ટ અવાજમાં ના બોલું ત્યાં સુધી તમારે મારા બબડાટ ઉપર ધ્યાન રાખવું નહિ." દીનુએ હસીને શર્મા સામે સ્પષ્ટતા કરી હતી.

"શર્માજી, તમને નીના ગુપ્તા વિશેની કોઇપણ માહિતી મળે અથવા એ કશું કરવાના હોય એની ખબર પડે તો તમે દીનુને ફોન કરી જણાવજો. હવે આપણે જ્યારે પણ મળીશું ત્યારે બહાર જ કોઇ હોટલમાં મળીશું." અદિતીએ શર્મા સામે જોઇ કહ્યું હતું.

"મેડમ, મારા મનમાં એક પ્રશ્ન થાય છે, પૂછી લઉં તમને?" શર્માએ અદિતી સામે જોઇને પૂછ્યું હતું.

"તમે નીના ગુપ્તાને મારવાનો વિચાર તો નથી કરતા ને? એમના વિશે આટલી બધી માહિતી પૂછો છો એટલે મારે પૂછવું પડ્યું." શર્માએ અદિતી સામે જોઇ પૂછ્યું હતું.

શર્માની વાત સાંભળી દીનુ હસી હસીને બેવળ વળી ગયો હતો.

અદિતી અને મીથીલેસ શર્મા આશ્ચર્ય સાથે દીનુની સામે જોઇ રહ્યા હતાં. દીનુએ માંડમાંડ હસવાનું રોક્યું અને શર્મા સામે જોઇને કહ્યું હતું.

"શર્માજી, હિન્દી પીક્ચર અમે પણ જોઇએ છે. એમાં બહુ બધાં પીક્ચરોમાં એવું આવે છે કે એક પોલીસ અધિકારીને મારીએ તો આખી પોલીસ ફોર્સ તમારી દુશ્મન બની જાય અને એક પણ પોલીસ અધિકારીને અમે અમારા દુશ્મન બનાવવા માંગતા નથી. માટે નીના ગુપ્તાને મારવાની વાત છોડો અમે એમને રિશ્વતનો પણ ઘસરકો આપવા માંગતા નથી." દીનુએ હસવા પર કાબૂ રાખી કહ્યું હતું.

મીથીલેસ શર્મા ઊભો થઇ દીનુ તરફ જોતો જોતો ઘરની બહાર નીકળી ગયો હતો.

"મેડમ, આ મૂરખનો સરદાર આપણા શું કામમાં આવવાનો હતો? આને મહિને પચાસ હજાર તો શું, પાંચસો રૂપિયા પણ ના અપાય. આ આપણા ખેતરોમાં ખેતમજૂર તરીકે પણ ચાલે એમ નથી. આ તો ફક્ત ને ફક્ત પોલીસ ડીપાર્ટમેન્ટમાં જ ચાલે એવો છે." દીનુએ અદિતી સામે જોઇ કહ્યું હતું.

"મૂર્ખા જે માહિતી આપી જાયને એ માહિતી કોઇ હોંશિયાર પણ ના આપી શકે. શર્માની વાત ઉપરથી મને એવું લાગે છે કે નીના ગુપ્તા ચોક્કસ કોઇ કામ હાથમાં લઇને આવી છે અને પોલીસ સ્ટેશનના રેકોર્ડમાંથી માહિતી એકત્રિત કરી રહી છે. હવે તું એક કામ કર, કાલે સવારે J.K. પાસે જઇને તું એને એવો મેસેજ આપી આવ કે નીના ગુપ્તા એના વિરૂદ્ધ પુરાવા એકત્રિત કરી રહી છે અને આજે રાતના ગમેતેટલું મોડું થાય પરંતુ સંગ્રામસિંહનો પત્તો ના મળે ત્યાં સુધી ઘરે જતો નહિ અને ખાસ છેલ્લી અને મહત્વની વાત કોઇપણ મીટીંગમાં ભૂલથી પણ આજે હસ્યો એવું હસતો નહિ. હવે તું જા અને કામે લાગી જા." અદિતીએ દીનુને ખખડાવતા કહ્યું હતું.

"નીના ગુપ્તા J.K. વિરૂદ્ધ પુરાવા એકત્રિત કરી રહી છે એવું કોઇપણ જાતની ખાતરી કે માહિતી વગર J.K.ને કહેવું યોગ્ય છે? J.K. ખૂબ શાતીર ખિલાડી છે. તેને તમે જરા પણ હળવાશથી લેતા નહિ." દીનુએ અદિતીને કહ્યું અને અદિતીનો જવાબ સાંભળ્યા વગર ઘરમાંથી બહાર નીકળી ગયો હતો.

રાત્રે ડીનરના સમયે અદિતી અને એના પિતા બંન્ને ડાઇનીંગ ટેબલ ઉપર બેસીને ડીનર કરી રહ્યા હતાં.

"અદિતી, બે વરસ પહેલાં કુણાલની જ્યારે હત્યા થઇ એના એક મહિના પહેલા કુણાલનો ફોન મારા ઉપર આવ્યો હતો. એણે મને કહ્યું હતું કે હું અફીમનો ધંધો બંધ કરવા માંગુ છું. પણ અદિતી કોઇને કોઇ કારણ બતાવી મને રોકી લે છે. હું ઇમાનદારીથી સારી રીતે બીજા દેશમાં જઇ જીવવા માંગું છું પરંતુ અદિતી કુન્નુર છોડી જવા માંગતી નથી. અહીં આવ્યો ત્યારે ખબર પડી કે ફેક્ટરી અને ધંધો તું સંભાળી રહી છે. કુણાલ આ ધંધો છોડવા માંગતો હતો પણ તું કેમ આ ધંધો છોડવા માંગતી નથી? આવો ગેરકાયદેસર ધંધો કરી અને બેઇમાનીથી જીવી તને શું મળશે?" નંદકિશોર શર્માએ પુત્રી સામે જોઇ કહ્યું હતું.

"પપ્પા, મારો જન્મ અહીં કુન્નુરમાં થયો છે. તમે આખી જિંદગી ચેન્નઇમાં રહીને ઇમાનદારીથી નોકરી કરતા રહ્યા પણ મને અને રાજીવને ના સારી રીતે પરવરીશ આપી શક્યા કે ના સારું એજ્યુકેશન આપી શક્યા. તમારી ઇમાનદારી ભરેલી મર્યાદિત આવકમાં ગરીબી અને મુફલીસીમાં અમારે જિંદગી જીવવી પડી હતી. હું અઢાર વરસની થઇ ત્યારે મમ્મી ચેન્નઇની સિવિલ હોસ્પિટલમાં દવાના અભાવે પોતાના પગની એડીઓ ઘસી ઘસીને મરી ગઇ હતી. એ વખતે આપણે દવાના વીસ હજાર રૂપિયા ભેગા કરી શક્યા ન હતાં. તમારી ઇમાનદારીએ અમને ભાઇબહેનને દુઃખ સિવાય કશું આપ્યું નથી અને મારી માને નાની ઉંમરે દવાના અભાવે મોત આપ્યું છે. આવી ઇમાનદારીથી સ્વર્ગ પણ મરીને મળતું હોય તો મારે નથી જોઇતું. મને મારા સંતાનો માટે સમૃદ્ધ અને ઉત્તમ ભવિષ્ય જોઇએ છે અને ઇમાનદારીથી આજની આ દુનિયામાં અને ખાસ કરીને આ દેશમાં બે વખતની રોટલી પણ માંડ મળે છે અને તમારી જાણકારી માટે તમને કહી દઉં કે આજના આ સમયમાં લોકો બે વખતની રોટલી માટે નથી જીવતા પણ સારી લાઇફ સ્ટાઇલ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે જીવી રહ્યા છે. માટે તમારી ઇમાનદારીનું ભાષણ મને આપતા નહિ. કારણકે મારી જિંદગીના શરૂઆતના શ્રેષ્ઠ વીસ વરસ તમારી ઇમાનદારીની ભેટ ચડી ગયા છે. આજના આ કળિયુગમાં તો ઇમાનદારી હાર છે અને બેઇમાનીની બલ્લે બલ્લે છે." અદિતી આટલું બોલી ઊભી થઇ પોતાના રૂમમાં જઇ દરવાજો બંધ કરી દીધો હતો.

(ક્રમશઃ.....)

(વાચક મિત્રો, કળિયુગની સ્ત્રી આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને વધારે સારી રીતે હું આપના સુધી પહોંચાડી શકું. લિ. ૐગુરુ....)