Featured Books
શ્રેણી
શેયર કરો

અભિમન્યુ સરહદની પેલે પાર....! પ્રકરણ-4

અભિમન્યુ

સરહદની પેલે પાર....!

પ્રકરણ-4

***

“ધ.....આ.......ત.......!” પૃથ્વી બૂમ પાડી ઉઠ્યો.

પાકિસ્તાની એરફોર્સના એફ-16ને તોડી પાડ્યાં પછી અભિમન્યુના મિગ 21 બાઇસન ફાઇટર પ્લેનનાં એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પ્લેનનું ઘરડું થઈ ગયેલું જરી પુરાણું એન્જિન અતિશય ગરમ થઈ જતાં (ઓવર હિટિંગથી) ધડાકાંભેર સળગી ઉઠ્યું હતું. જોકે પ્લેનનું એન્જિન સળગી ઊઠે એ પહેલાંજ પૃથ્વીએ ઈજેક્શન સીટનું હેન્ડલ ખેંચી નાંખ્યું હતું. મિગ વિમાનમાં ઈજેક્શન સીટની વ્યવસ્થા એ રીતે કરવામાં આવેલી હતી કે એકજ હેન્ડલ ખેંચતાં પાઈલટ અને કૉ-પાઈલટ બંનેની સીટો એક સાથે ઇજેક્ટ થઈને પ્લેનની બહાર ફેંકાઇ જાય.

પ્લેનમાંથી ઈજેક્ટ થયાં પછી અભિમન્યુ અને પૃથ્વી પોત-પોતાની પાયલટ સીટમાંજ નીચે પડી રહ્યાં હતાં. હજી પેરાશૂટ ખોલી શકાય એટલી ઊંચાઈ સુધી તેઓ નીચે નહોતાં આવ્યાં. (વધુ પડતી ઉંચાઈએ પેરાશૂટ ખોલવામાં આવે તો પેરાશૂટ ફાટી જાય).

છેવટે બંનેએ પોત-પોતાની પાઇલટ સીટનો સીટ બેલ્ટ ખોલી નાંખતાં તેઓ પાઈલટ સીટથી અલગ થઈ ગયાં. નીચે પડી રહેલી પાઈલટ સીટોનાં પેરાશૂટ આપોઆપ ખૂલી ગયાં અને ધીરે-ધીરે બંને સીટો નીચે પડવાં લાગી.

“ફરરર.....!” પાઈલટ સીટમાંથી અલગ થતાંજ બંનેએ પોત-પોતાનાં ખભે ફ્લાઈટ સૂટમાં પહેલેથી બંધાયેલાં પેરાશૂટની દોરી ખેંચી ખોલી નાંખ્યાં. એક ઝટકાં સાથે ઝડપથી નીચે પડી રહેલાં બંનેની સ્પીડ ઘટી ગઈ.

પેરાશૂટ સાથે હવે ધીરે-ધીરે નીચે પડી રહેલાં અભિમન્યુ અને પૃથ્વીએ નીચે જોયું. ઊંચાં બર્ફીલાં પહાડોની વચ્ચેનો તે ટેકરીઓવાળો ખીણ પ્રદેશ હતો.

સહેજ વધુ નીચે તેઓ આવતાં તેમણે જોયું કે ખીણ પ્રદેશ મોટેભાગે શંકુ આકારનાં પાઈન વૃક્ષોના જંગલોથી ઘેરાયેલો હતો. પાઈન વૃક્ષો ઉપર પણ બરફના થર જામેલાં હતાં. વહેલી પરોઢ હોવાથી બરફથી ઘેરાયેલાં ખીણ પ્રદેશનો બહુ ઓછો ભાગ વિઝિબલ થતો હતો. પેરાશૂટનાં સહારે નીચે પડી રહેલાં અભિમન્યુ અને પૃથ્વીએ બર્ફીલાં પાઈન વૃક્ષોનાં જંગલો વચ્ચે એક સમતલ ખુલ્લી જગ્યા જોઈ પેરાશૂટની દોરી ખેંચી પેરાશૂટ તે તરફ્ વાળ્યું.

અભિમન્યુ અને પૃથ્વી છેવટે હવે એટલાં નીચે આવી ગયાં કે બંનેનાં પગ હવે લગભગ પાઈન વૃક્ષોની ટોચે ઘસાવાં લાગ્યાં. અભિમન્યુથી થોડે આગળ રહેલો પૃથ્વી છેવટે વૃક્ષો વચ્ચે તે સમતલ જગ્યાં સુધી પહેલો પહોંચી ગયો અને પેરાશૂટ લઈને બર્ફીલી સમતલ જગ્યાંમાં લેન્ડ થયો. જોકે સમતલ જગ્યાંમાં લેન્ડ કરતી વખતે પૃથ્વીનો પગ એક મોટાં પત્થર સાથે અથડાયો અને ગલોટિયું ખાઈને પૃથ્વી જમીન ઉપર પટકાયો.

“આ....આઆહ...!” પત્થર ઉપર અથડાવાંથી પૃથ્વીનાં જમણા પગનું હાડકું તૂટી ગયું અને દર્દથી પૃથ્વી બૂમ પાડી ઉઠ્યો.

પેરાશૂટની દોરીઓ અને પેરાશૂટ આખું પૃથ્વીને ફરતે જાણે ભરડો લેતું હોય એમ લપેટાઈને ગૂંચળું વળી ગયું. જોકે જમીન ઉપર જામેલાં બરફનાં થરને લીધે પૃથ્વીને નીચે પડતી વખતે ગાદી જેવું રક્ષણ મળી રહ્યું. આમ છતાં, પત્થરે અથડાઈને ભાંગેલાં પગનાં હાડકાંને લીધે પૃથ્વી દર્દથી કણસતો-કણસતો બરફ ઉપર આળોટવાં લાગ્યો.

“ફરર...!” પૃથ્વીથી પાછળ આવી રહેલાં અભિમન્યુનું પેરાશૂટ જોકે સહેજ છેટે પાઈન વૃક્ષોની હારમાળામાં સલવાઈ ગયું.

સમતલ જગ્યાં સુધી પહોંચવાની ઉતાવળમાં અભિમન્યુએ પેરશૂટની દોરી એક બાજુ વધુ નીચે ખેંચી નાંખતાં પેરાશૂટ એ તરફ ડૂબકી મારી ગયું અને સીધું પાઈન વૃક્ષોની હારમાળાંમાં ફસાઈ ગયું.

“કડડડ.....! ધડ...ધડ...!” પાઈન વૃક્ષોની ડાળીઓ અને પાંદડાંઓની વચ્ચેથી અભિમન્યુ નીચે પડવાં લાગ્યો.

જોડે તેનું પેરાશૂટ પણ ઝાડનાં ડાળખાંમાં જ્યાં-ત્યાં ફસાઈને ફાટતું ગયું.

“ઓ તેરી....!” નીચે પડતાં અભિમન્યુથી હળવી ચીસ પડાઈ ગઈ.

છેવટે જમીન નજીક પહોંચતાંજ અભિમન્યુનું પેરાશૂટ પાઈન વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફસાઈ ગયું અને અભિમન્યુ જમીનથી સહેજ અદ્ધર ઊંધો લટકી પડ્યો અને ઝૂલવાં લાગ્યો.

ઊંધો લટકી રહેલો અભિમન્યુ પોતાનાં મનને શાંત કરતો હોય એમ નીચે જમીન ઉપર જામેલાં બરફનાં થર તરફ જોઈ રહ્યો.

કેટલીક ક્ષણો હવામાં લટકી રહીને અભિમન્યુએ પોતાનાં મનને શાંત કર્યું અને પછી પોતાની કમરમાંથી વળીને હવામાં સહેજ “ઊભો” થયો. કમરે બાંધેલાં બેલ્ટ પાસે બાંધેલી પોકેટ નાઈફનાં કવરમાંથી નાઈફ ખેંચી કાઢી તેણે સહેજ વધુ ઊંચાં થઈને પગમાં લપેટાયેલી પેરાશૂટની દોરીઓ કાપવાં માંડી.

નાયલોનની મજબૂત દોરીઓ કાપવામાં અભિમન્યુને ખાસ્સો સમય નીકળી ગયો. થાક ખાવાં અભિમન્યુ વચ્ચે-વચ્ચે એક-બેવાર અટકતો અને કમરમાંથી સીધો થઈ લટકી રહેતો.

“ધાડ...!” છેવટે બધી દોરીઓ કપાઈ જતાં અભિમન્યુ નીચે જમીન ઉપર પટકાયો.

થોડીવાર પછી અભિમન્યુ ઊભો થયો અને પૃથ્વી જ્યાં લેન્ડ થયો હતો ત્યાં ખુલ્લાં મેદાન તરફ જવાં ઝડપથી પાઈન વૃક્ષોની ઘાટીની બહાર દોડ્યો.

બહુ દૂર નાં હોવાથી અભિમન્યુ થોડીવારમાં જ ઘાટીની બહાર આવી ગયો. સામે એક મોટાં પત્થરની જોડે પૃથ્વી જમીન ઉપર પગ પકડીને સૂતો હતો. તેની બાજુમાં તેનું પેરાશૂટ પથારીને જેમ ખુલ્લું પડ્યું.

આજુ-બાજુ જોતાં-જોતાં અભિમન્યુ પૃથ્વી તરફ દોડ્યો.

“આપડે ઊંઘવા નથી આવ્યાં ભાઈ...!” પૃથ્વીની જોડે પહોંચી જઈને અભિમન્યુ તેની બાજુમાં પડેલું પેરાશૂટ ઉઠાવી પીલ્લું વાળતાં બોલ્યો.

“આહ......મારો પગ....!” પેરાશૂટ વાળતી વખતે અભિમન્યુએ અજાણતાં પૃથ્વીનાં પગમાં વીંટળાયેલી પેરાશૂટની દોરી ખેંચતાં પૃથ્વી બરાડી ઉઠ્યો.

“ઓહ તેરી...! શું થયું ભાઈ...!?” પેરાશૂટ સાઈડમાં ફેંકી પૃથ્વીની જોડે અભિમન્યુ નીચે બેઠો અને તેનો પગ તપાસવાં લાગ્યો.

“ઓહો...! હાડકું ભાંગ્યું લાગે છે...!” પૃથ્વીનો પગ તપાસીને અભિમન્યુ બોલ્યો “દુ:ખે છે...!?”

“નાં....! મજા આવે છે...ઘોડાં….!” દર્દથી મોઢું બગાડીને પૃથ્વી ટોન્ટ મારતાં બોલ્યો.

અભિમન્યુથી હસાઈ ગયું અને ઘણાં બધાં પોકેટ્સ ધરાવતાં પોતાનાં ફ્લાઈટ સૂટનાં એક પોકેટમાં તે કઈંક શોધવાં લાગ્યો.

ફ્લાઈટ સૂટમાં જમણીબાજુ કમરનાં ભાગે રહેલાં પોકેટમાંથી અભિમન્યુએ એક નાનકડું પ્લાસ્ટિકનું બોક્સ કાઢ્યું અને ઢાંકણું ખોલીને તેમાંથી ઈન્જેકશન સિરિન્જ કાઢવાં લાગ્યો.

“મોર્ફિન આપું છું...!” બોક્સમાંથીજ એક કાંચની નાની વાયલ કાઢી ઈન્જેકશનની સોય તેનાં ઢાંકણાંમાં ખોસતાં અભિમન્યુ બોલ્યો.

“થોડો ડોઝ વધારે રાખજે...! જેથી ઝડપથી પેઈન મટે...!” દર્દથી તડપતો પૃથ્વી આમતેમ મોઢું ફેરવતાં બોલ્યો.

પાઇલટોને આવી ઈમરજન્સી માટે અપાતાં મોર્ફિન કહેવાતાં પેઈન કીલર ઈન્જેકશનનો સહેજ વધારે ડોઝ સિરિન્જ વાટે ઈન્જેકશનમાં ભરીને અભિમન્યુએ પૃથ્વીનાં પગમાં ઘા પાસે માર્યું.

ઈન્જેકશન લીધાં પછી પૃથ્વીને સહેજ રાહત અનુભવાઈ.

“હું કંટ્રોલ રૂમ સાથે રેડિયો કૉન્ટૅક્ટ કરી જોવું છે...!” અભિમન્યુ બોલ્યો.

“અહિયાંથી નઈ થાય...!” હજીપણ થોડો દર્દ હોવાથી પૃથ્વી કણસતાં સ્વરમાં બોલ્યો “મેં ટ્રાય કરી લીધો....! આજુબાજુ ઊંચા પહાડો અને જંગલોનાં લીધે સિગ્નલ વીક પડે છે...!”

અભિમન્યુનાં આવ્યાં પહેલાં પૃથ્વીએ એરફોર્સનાં તેમનાં મિશન કંટ્રોલ રૂમ સાથે કૉન્ટૅક્ટ કરવાનો નિષ્ફળ પ્રયત્ન કરી જોયો હતો.

“વાહ...! આપડું નસીબ તો જેઠાલાલ જેવું નિકળ્યું...!” અભિમન્યુએ વ્યંગ કર્યો અને કન્ટ્રોલ રૂમ કૉન્ટૅક્ટ કરવાં માટે આજુબાજુ કોઈ ઊંચાઈવાળી જગ્યાં જોવાં લાગ્યો.

દર્દથી પીડાતો હોવાં છતાં નીચે પડી રહેલો પૃથ્વી પરાણે હસ્યો.

“એક મુસીબતમાંથી નીકળ્યાં...અને બીજાંમાં ફસાયાં....!” અભિમન્યુ આજુબાજુ જોતાં-જોતાં બોલ્યો.

“હમ્મ....! ત્યાંથી મેળ પડે એવો છે....!” સહેજ દૂર પહાડોની વચ્ચે પહાડોથી નાની પણ ઊંચી બરફથી ઘેરાયેલી એક ટેકરી તરફ જોઈને અભિમન્યુ બોલ્યો.

પૃથ્વીએ નીચે ઊંઘે-ઊંઘેજ પોતાનું મોઢું ડાબી તરફ ફેરવીને જોયું.

“હાં....! ટ્રાય કરીજો...!”

સહેજ દૂર પાઈન વૃક્ષોની હારમાળાંની વચ્ચેથી ડોકાતી એક ઊંચી ટેકરીની ટોચ સામે જોઈને પૃથ્વી બોલ્યો અને પાછું મ્હોં ફેરવીને આકાશ તરફ જોયું અને દર્દને લીધે માથું ધૂણાવાં લાગ્યો.

“હું આવું.....! તું મજા કર....!” અભિમન્યુ મજાકમાં બોલ્યો અને હાથમાં મોબાઈલ જેવું પોર્ટેબલ સેટેલાઈટ રેડિયો લઈને ટેકરી તરફ જવાં લાગ્યો.

“સાલાં ગધેડાં....!” પૃથ્વી ફરીવાર પરાણે હસ્યો અને જમીન ઉપર પડેલાં બરફમાંથી થોડો બરફ ઉઠાવીને જઈ રહેલાં અભિમન્યુ તરફ ઘા કર્યો.

પૃથ્વી તરફ જોતાં-જોતાં અભિમન્યુએ છેવટે આગળ જોઈને ટેકરી તરફ ચાલવાં માંડ્યુ.

જમીન ઉપર જામી ગયેલાં બરફનાં થરમાં ખૂંપતા અભિમન્યુનાં પગની છાપ બરફ ઉપર પડતી રહી. થોડું આગળ પહોંચ્યા પછી અભિમન્યુએ ચાલતાં-ચાલતાં પાછું પૃથ્વી તરફ જોયું અને આગળ જોઈને ઉત્તરાનાં વિચારોમાં ખોવાઈ ગયો.

બરફ ઉપર ઘાયલ પડેલાં પૃથ્વીએ ટેકરી તરફ જવાં પાઈન વૃક્ષોની હારમાળાંમાં અભિમન્યુને “ગૂમ” થતો જોયો.

***

“ક્યાં છે તું..!? મારે અર્જન્ટ મલવું છે...!” ઉત્તરાએ અભિમન્યુને ફોન ઉપર પૂછ્યું.

પુલવામાં પ્રાંતમાં ભારતીય સીઆરપીએફનાં જવાનો ઉપર થયેલાં ટેરરિસ્ટ અટેક પછી ઉત્તરાએ ન્યૂઝ જોઈને તરતજ અભિમન્યુને કૉલ કર્યો હતો.

“હું ....અ....અર્જન્ટ મીટિંગમાં જતો હતો....! તને કહી શકાય એવું નથી...!” અભિમન્યુ ખચકાટ સાથે બોલ્યો.

“પણ મને ખબર છે....! તારે શેની મીટિંગમાં જવાનું છે...! સ્ક્વોડ્રન લીડર અભિમન્યુ...!” ચિંતાથી ભરેલાં અવાજ સાથે ઉત્તરા વ્યંગ કરતાં બોલી “એટ્લેજ કીધું...! મારે અર્જન્ટ મલવું છે....!”

અભિમન્યુ સમજી ગયો કે પુલવામાં હુમલા પછી પ્રધાનમંત્રી કાર્યાલયની ઉચ્ચસ્તરીય મીટીંગો વિષે ન્યૂઝ જોઈને ઉત્તરા અને તેનાં અન્ય સગાં સમજી ગયાં હશે, કે આવાં સંજોગોમાં અભિમન્યુને માથે શું જવાબદારી આવી હશે.

“હાં...પણ હું અત્યારે મારાં એરબેઝ ઉપર છું....! શ્રીનગર...તને મલવાં માટે મારે રજા લેવી પ..!”

“હું શ્રીનગરમાંજ છું....!” ઉત્તરા અભિમન્યુની વાત કાપતાં વચ્ચે બોલી પડી.

“હેં...!?” અભિમન્યુ ચોંકયો “તું અહિયાં...!? ક્યારે...!?”

“એ બધું છોડ....!?” ઉત્તરા તોછડાં સ્વરમાં બોલી “તું અત્યારેજ આય...! મને મળવા...!”

“પણ અત્યારે...!?”

“હાં કેમ...!? શું વાંધો છે...!?” ઉત્તરા બોલી “તારાં એરબેઝની નજીકમાં જે સીસીડી છે...! ત્યાં હું વેઈટ કરું છું તારી...! આપડે અડધો કલ્લાકમાં મળીએ...! ઓકે...!?”

ચોંકેલો અભિમન્યુ હજીતો કઈંપણ બોલે કે સમજે એ પહેલાંજ ઉત્તરાએ બધું “નક્કી” કરી નાંખ્યું.

“ચાલ...! તું આવ...! બાય...!” ઉત્તરા બોલી અને કૉલ કટ કર્યો.

વિચારે ચઢી ગયેલો અભિમન્યુ ફોન કાને ધરીને ઊભો રહ્યો.

***

“ધિસ ઈઝ બ્લેક ફોક્ષ...ઓવર....! ધિસ ઈઝ બ્લેક ફોક્ષ....ઓવર....!”

વાયરલેસ રેડિયોમાં અભિમન્યુ સામે એરફોર્સ કંટ્રોલ રૂમ કૉન્ટૅક્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

પાઈન વૃક્ષોની હારમાળાંની વચ્ચે ટેકરીની ટોચ ઉપર અભિમન્યુ આવી પહોંચ્યો હતો. સારી એવી ઊંચી ટેકરીની ટોચ ઉપર વાયરલેસ રેડિયોનું સિગ્નલ મળશે એ આશાએ અભિમન્યુ ટેકરીની ટોચે બેઠાં-બેઠાં લગભગ વીસેક મિનિટથી સિગ્નલ કેચ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

“ધિસ ઈઝ બ્લેક ફોક્ષ...ઓવર....! ધિસ ઈઝ બ્લેક ફોક્ષ....ઓવર....!”

ખાસ્સો પ્રયત્ન કર્યા છતાં પણ રેડિયો સિગ્નલ ના મળ્યો અને એરફોર્સના મિશન કંટ્રોલ રૂમ કૉન્ટૅક્ટ કરવાનો અભિમન્યુનો પ્રયત્ન લગભગ નિષ્ફળ થયો.

હવે સવાર પડી જવાં આવી હતી. જોકે શિયાળો હોવાથી અને ઘેરાં વાદળો ઘેરાયેલાં હોવાથી હજુ સૂર્યનો દેખાયો નહોતો. ઊલટાનું અસહ્ય ઠંડીને લીધે વાતો ઠંડો પવન અભિમન્યુના ચેહરાને જાણે “દઝાડી” રહ્યો હતો. ઠંડો પવન અભિમન્યુના ચેહરાની ખુલ્લી સ્કીનની આરપાર નીકળી જતો હોય એમ અભિમન્યનાં ચેહરાની સ્કીન સુકાવાં લાગી હતી.

“ધિસ ઈઝ બ્લેક ફોક્ષ...ઓવર....! ધિસ ઈઝ બ્લેક ફોક્ષ....ઓવર....!”

થોડીવાર પછી અભિમન્યુએ વધુ એક પ્રયત્ન કરી જોયો.

“ચરરર....!” અવાજ આવતો રહ્યો અને સામેથી કોઈ જવાબ ના આવ્યો.

કંટાળેલાં અભિમન્યુએ મોબાઈલ જેવુ નાનું વાયરલેસ રેડિયો ડિવાઈસ પાછું પોતાનાં ફ્લાઈટ સૂટનાં પોકેટમાં મૂક્યું અને ઊભો થયો.

બરફથી ઘેરાયેલાં આજુબાજુનાં પહાડો અને પોતે જે ટેકરીની ટોચે ઊભો હતો તે ટેકરીની બીજી બાજુનાં ખીણ પ્રદેશ ઉપર અભિમન્યુએ એક નજર નાંખી.

ટેકરીની બીજી બાજુની ખીણમાં પણ બરફની સફેદ ચાદર ઓઢેલાં શંકુ આકારનાં પાઈન વૃક્ષોનું જંગલ પથરાયેલું હતું.

અભિમન્યુ ટેકરી ઉપર ચઢી રહ્યો હતો ત્યારે શરૂ થયેલી હિમ વર્ષા હવે ધીરે-ધીરે વધવાં લાગી હતી. ટેકરીની બીજી તરફની ખીણમાંથી નજર હટાવી અભિમન્યુએ હવે ઉપર આકાશ તરફ જોયું. છીણ જેવાં બરફવર્ષાનાં કણો ઉપર આકાશ તરફ જોઈ રહેલાં અભિમન્યુનાં ચેહરાં ઉપર પડવાં લાગ્યાં.

થોડીવાર પછી છેવટે અભિમન્યુ પાછો ટેકરી ઉતરી પૃથ્વી તરફ જવાં લાગ્યો.

***

“આ રેઝિગનેશન લેટર છે.....!” ઉત્તરાએ અભિમન્યુને હાથમાં એક સફેદ રંગનું કવર પકડાવતાં કહ્યું.

શ્રીનગર એરબેઝની નજીક આવેલાં કેફે કોફી ડે કોફી શૉપમાં ઉત્તરાને મળવાં અભિમન્યુ આવી પહોંચ્યો હતો. નાની-મોટી ઔપચારિક વાત પછી ઉત્તરાએ તરતજ એક કવર અભિમન્યુ સામે ધર્યું.

“રેઝિગનેશન લેટર...!?” અભિમન્યુએ ચોંકીને કવર હાથમાં લેતાં કહ્યું “તું જોબ છોડે છે...!?”

કૉલેજ પત્યાં પછી ઉત્તરાએ પોતાનાં શહેરમાં જોબ ચાલું કરી હતી.

“હું નઈ....! તું જોબ છોડે છે...!” ઉત્તરાએ કડક સ્વરમાં અભિમન્યુ સામે જોતાં કહ્યું.

“વ્હોટ નોનસેન્સ....!” અભિમન્યુ તાડૂકયો “હું શું કામ જોબ છોડું...!? તને યાદ છેને...! તારાં પપ્પાંએજ શરત મૂકી હતી...! ગર્વમેન્ટ જોબ માટે...!?”

“હાં યાદ છે...!” ઉત્તરા શાંત સ્વરમાં બોલી “પણ હવે પપ્પાં ઈચ્છે છે...! કે તું આ જોબ છોડીદે...! અને હું પણ...!”

“અચ્છા....! કેમ...!?” અભિમન્યુ ટોંન્ટમાં બોલ્યો.

“તું જાણે છેને...! અત્યારે જે સંજોગો ઊભાં થયાં છે...!” ટેબલ ઉપર અભિમન્યુની હથેળી ઉપર હાથ મૂકીને ઉત્તરા ચિંતાતુર સ્વરમાં બોલી “ગમે ત્યારે યુદ્ધ છેડાઈ જાય...! આપડી સરકાર આ વખતે બહુ અગ્રેસિવ છે...!”

મોઢું પહોળું કરી મૌન બનીને ચોંકેલો અભિમન્યુ ઉત્તરાની વાત સાંભળી રહ્યો.

“જો તારે લડવાં માટે જવું પડ્યું તો....!?” ઉત્તરા બોલી પછી થોડીવાર મૌન થઈને અભિમન્યુ સામે જોઈ રહી.

ઉત્તરા સામે જોઈ રહીને અભિમન્યુ વિચારે ચઢી ગયો.

“તે મારાં કે’વાથી જોબ મેળવી હતીને..!?” ઉત્તરા શાંત સ્વરમાં બોલી “હવે હું જ કહું છું...! છોડીદે આવી જોબ...! જ્યાં જીવવાં-મરવાનું કશું નક્કી નથી...!”

ઉત્તરાનાં શબ્દો અભિમન્યુનાં કાનમાં પડઘાઈ રહ્યાં.

“પણ મેં જે મહેનત કરી એનું શું...!?” થોડીવાર પછી અભિમન્યુ બોલ્યો “અને હું આ જોબ છોડીને કરીશ શું...!?”

“એ બધું જોયું જશે અભિ...!” ઉત્તરા પ્રેમથી બોલી “તું છે...તો બધું છે...!”

અભિમન્યુ પાછો મૌન થઈ ગયો અને ઉત્તરાની વાત મનમાં મમળાઈ રહ્યો.

“સપોઝ હું જોબ નાં છોડું તો...!?” અભિમન્યુએ શાંત સ્વરમાં પૂછ્યું.

“તો આપડી સગાઈ તૂટશે....!”

ઉત્તરા સહેજ ધમકીભર્યા સ્વરમાં બોલી અને અભિમન્યુ વિચારે ચઢી જઈ શૂન્યમનસ્ક તાકી રહ્યો.

***

“ઘરર...ઘરર....!” ઘાયલ અવસ્થામાં બરફ ઉપર પડેલાં પૃથ્વીએ દૂરથી નજીક આવી રહેલો એ ઘરેરાટીભર્યો અવાજ સાંભળ્યો અને ચોંકી પડ્યો.

ચોંકીને પૃથ્વીએ કોણીનાં સહારે જમીન ઉપર અધડૂકાં બેઠાં થઈને આમતેમ નજર ફેરવી. પાઈન વૃક્ષોની હારમાળાંની ઘાટીમાં મેદાનનાં એકબાજુની દિશા તરફ પૃથ્વીએ કશુંક હલચલ દીઠી.

થોડીવાર પછી વૃક્ષોની ઘાટીમાંથી એક વિશાળ બેટલ ટેન્ક અને તેની આજુબાજુ હાથમાં એકે-47 પકડીને ચાલતાં કેટલાંક સૈનિકોને પોતાની તરફ આવતાં પૃથ્વીએ દીઠાં.

સૈનિકોએ પહેરેલાં યુનિફોર્મને પૃથ્વી ઓળખી ગયો. તેઓ પાકિસ્તાની આર્મીના જવાનો હતાં. જોકે પૃથ્વીને નવાઈ એ વાતની લાગી પાકિસ્તાની આર્મીના જવાનોની જોડે જોડે ચાઈનીઝ આર્મીના જવાનો પણ ચાલી રહ્યાં હતાં. ટેન્કની આજુબાજુ લગભગ ચાલીસેક જવાનોની ટુકડી પૃથ્વી તરફ આવી રહી હતી.

“F**k…!” પોતાની તરફ આવી રહેલી “મુસીબત”ને જોઈને પૃથ્વીના મોઢાંમાંથી ગાળ નીકળી ગઈ.

“અભિમન્યુને ચેતવણી આપવી પડશે...!” પાકિસ્તાની અને ચાઈનીઝ આર્મીની પલટનને પોતાની તરફ આવતાં જોઈ રહીને પૃથ્વી બબડ્યો પછી પાછળ મોઢું કરીને ટેકરી તરફ જોયું.

પાઈન વૃક્ષોની જે ઘાટી તરફ અભિમન્યુ ગયો હતો તે તરફ જોઈને પૃથ્વીએ પાછું પોતાની તરફ આવી રહેલી સૈનિકોની ટુકડી તરફ જોયું.

તે લોકો હવે ધીરે-ધીરે નજીક આવી રહ્યાં હતાં.

પોતાનાં ફ્લાઈટ સૂટમાં કમર પાસેનાં ડાબા પોકેટમાંથી પૃથ્વીએ ગ્લોક-97 કહેવાતી પિસ્તોલ કાઢી.

“ધાંય....ધાંય....!” વગર વિચારે પૃથ્વીએ પોતાની તરફ ટેન્ક લઈને આવી રહેલી ટુકડી તરફ ફાયર કરી દીધું.

“ટંગ...ટંગ....!”

બંને ગોળીઓ ટેન્કનાં લોખંડી મજબૂત કવચ ઉપર અથડાઈ.

તેની તરફ આવી રહેલાં પાકિસ્તાની અને ચાઈનીઝ આર્મીનાં સોલ્જરો ટેન્કની આડાશે સંતાયા. પૃથ્વીએ ફાયર કર્યા પછી પણ તેઓ ટેન્કની આડાશે રહીને પૃથ્વી તરફ આવતાંજ રહ્યાં.

પૃથ્વી જાણતોજ હતો તેઓ પૃથ્વીને જીવતો પકડવાં માટે તેની તરફ વળતું ફાયરીંગ નહીં કરે. પણ પૃથ્વીએ ફાયર કરેલી ગોળીઓનો અવાજ અભિમન્યુને સંભળાઈ જે આશયે પૃથ્વીએ વધુ બે ગોળીઓ ટેન્ક ઉપરજ ફાયર કરી.

“ધાંય....ધાંય....!” ધીરે-ધીરે તેઓ હવે પૃથ્વીની વધુ નજીક આવી રહ્યાં હતાં.

પોતાની તરફ આવી રહેલાં સૈનિકો અને ટેન્કને જોઈ રહી પૃથ્વી હવે તેની જોડે જે ટોર્ચર થવાનું હતું તેનાં માટે પોતાને તૈયાર કરી રહ્યો હતો.

***

“ધાંય....ધાંય....!”

“ઓહ તેરી...!” ટેકરી ઉપરથી ઉતરીને પૃથ્વી તરફ જઈ રહેલો અભિમન્યુ પાઈન વૃક્ષોનાં જંગલની ઘાટીમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યાં તેણે ગોળીઓનાં ફાયરીંગનો અવાજ સાંભળ્યો.

અવાજ સાંભળીને અભિમન્યુએ વૃક્ષોની વચ્ચેથી દોટ મૂકી અને પૃથ્વી તરફ ભાગ્યો.

જમીન ઉપર પડેલાં બરફમાં પગ ખૂંપવાંને લીધે જોકે અભિમન્યુની વધુ ઝડપે દોડી નહોતો શકતો.

“ધાંય....ધાંય....!” બીજી વખત ફાયરીંગ સાંભળી અભિમન્યુએ પોતાની દોડવાની ઝડપ વધારી.

પાઈન વૃક્ષોની ઘાટી પૂરી થવાં આવતાંજ અભિમન્યુ અટકયો અને પોતાની દોડવાની ઝડપ ઘટાડી.

એક વૃક્ષના થડની આડાશમાં રહીને અભિમન્યુ મેદાનમાં દેખાઈ રહેલું દ્રશ્ય જોઈ રહ્યો.

***

“ઢીશૂમ... ઢીશૂમ...!”

પૃથ્વીએ પોતાની ઉપર પ્રહાર કરવાં જતાં પાકિસ્તાની સોલ્જરની દાઢી ઉપર ઉપરાં-છાપરી બે પંચ મારી દીધાં અને તેને ભોંય ભેગો કરી નાંખ્યો.

ટેન્ક લઈને આવી પહોંચેલી પાકિસ્તાની અને ચાઈનીઝ આર્મીનાં જવાનોની ટુકડી જોડે પૃથ્વી હાથાપાઈ ઉપર ઉતરી આવ્યો હતો. ઘાયલ હોવાં છતાં હાથોહાથની લડાઈમાં માહેર પૃથ્વીએ એકલાં હાથે બે ચાઈનીઝ અને એક પાકિસ્તાની સોલ્જર્સને જમીન ઉપર પટકી દીધાં હતાં. જોકે પૃથ્વી આ બધું ફકત અભિમન્યુને બચાવવાં અને આ લોકોનું ધ્યાન પોતાની તરફ ભટકાવી રાખવાં કરી રહ્યો હતો.

“બસ હવે....! બહુ થયો ટાઈમપાસ...!” એક પાકિસ્તાની સોલ્જર સાથે પૃથ્વી હાથાપાઈ કરી રહ્યો હતો ત્યાંજ કમાન્ડર જેવો દેખાતો એક પાકિસ્તાની સોલ્જર આગળ આવીને બોલ્યો.

“તારું એરક્રાફ્ટ ક્યાં ક્રેશ થયું છે...!?” તે પાકિસ્તાની કમાન્ડર કરડાકીભર્યા સ્વરમાં બોલ્યો “બોલ...!?”

લંગડા પગે ઉભેલો પૃથ્વી કમરમાંથી સહેજ ટટ્ટાર થયો. અત્યાર સુધી તે એકલે હાથ ત્રણેક સોલ્જરો જોડે ઘાયલ અવસ્થામાં લડ્યો હતો. જેમાં પૃથ્વીનાં મોઢા ઉપર પંચ વાગતાં તેનાં દાંતમાં આવેલાં લોહીથી તેનું મોઢું ભરાઈ ગયું હતું. એરક્રાફ્ટ વિષે પૂછનાર તે કમાન્ડર સામે જોઈને પૃથ્વી તુચ્છકારમાં હસ્યો અને મોઢામાં આવેલું લોહી થૂંકયું.

“મારી જોડે લડ....!” પોતાનાં બંને હાથ બોક્સિંગની મુદ્રામાં તેની સામે ધરી ચેલેન્જ કરતો હોય એમ પૃથ્વી બોલ્યો “પછી કવ....!”

ઓલો કમાન્ડર ગુસ્સે થયો અને પૃથ્વી સામે કુધ્યો. જોકે તે કઈં સમજે એ પહેલાં તો પૃથ્વીએ નીચાં નમીને એક જોરદાર પંચ તેનાં લીવરનાં ભાગે પેટ ઉપર ઠોકી દીધો.

એરફોર્સની ટ્રેનીંગમાં બોક્સિંગ પૃથ્વીની ફેવરિટ સ્પોર્ટ હતી. પોતાની કસરતમાં રેગ્યુલર બોક્સિંગ પ્રેક્ટિસને લીધે પૃથ્વીનું શરીર ભયંકર મજબૂત બન્યું હતું. આજ કારણ હતું કે ઘાયલ હોવાં છતાં પૃથ્વીએ ત્રણ-ચાર હટ્ટાકટ્ટા દુશ્મન સોલ્જરોને ધૂળ ચટાવી દીધી હતી.

“આહ......!” ઓલો બૂમ પાડી ઉઠ્યો અને પેટ પકડીને નીચે પડ્યો.

નીચે પડેલાં એ પાકિસ્તાની કમાન્ડરને જોઈને પૃથ્વી ફરીવાર એજરીતે તુચ્છકારમાં હસ્યો અને આજુબાજુ ઉભેલાં તેને ઘેરીને ઉભેલાં અન્ય સોલ્જરો સામે મ્હોં ફેરવીને જોવાં લાગ્યો. બધાંજ પાકિસ્તાની તેમજ ચાઈનીઝ સૈનિકો પૃથ્વી તરફ ગુસ્સાંથી જોઈ રહ્યાં હતાં. કેટલાંકના મોઢાં ઉપર ગભરાટ પણ હતો.

પાઈન વૃક્ષની આડાશમાં રહીને ઉભેલો અભિમન્યુએ પૃથ્વીની જેમજ કટાક્ષમાં હસીને પાકિસ્તાની સોલ્જર્સ સામે જોયું. પૃથ્વીની માઈન્ડ ગેમ અભિમન્યુ જાણતો હતો.

“ધાંય....!” ત્યાંજ નીચે પડેલાં ઓલાં પાકિસ્તાની કમાન્ડરે પોતાનાં કમરે બાંધેલાં બેલ્ટમાં ભરાવેલી પિસ્તોલ કાઢીને પૃથ્વીના પગ ઉપર ગોળી ચલાવી દીધી.

“આહ....!” બૂમ પાડતાંની સાથેજ પૃથ્વી નીચે બરફ ઉપર ફસડાઈ પડ્યો.

ગોળી ખૂબ નજીકથી ફાયર થઈ હોવાથી પગની આરપાર નીકળી ગઈ અને ઘામાંથી લોહી નીકળવાં લાગ્યું. સફેદ બરફ ઉપર લોહીનાં લાલ ડાઘાં પડ્યાં.

દર્દથી પૃથ્વી કણસવાં લાગ્યો.

“બોલ સાલાં...! તારું એરક્રાફ્ટ ક્યાં ક્રેશ થયું છે...! બોલ...!?”ઓલાં કમાન્ડરે ઝડપથી ઊભાં થઈને પૃથ્વીને જેમ-તેમ લાતો મારવાં લાગી.

“મારો સાલાંને...!” ઓલો ઘાંટો પાડીને બોલ્યો અને આજુબાજુ ઉભેલાં બાકીનાં સૈનિકોએ ટોળેવળી પૃથ્વીને લાતો મારવાં માંડી.

ઈચ્છવાં છતાં અભિમન્યુ પૃથ્વીની કોઈ મદદ ના કરી શક્યો. અભિમન્યુ પોતે જાણતો હતો કે પૃથ્વી આ બધુ ટોર્ચર કેમ સહન કરી રહ્યો હતો.

“બોલ તારું મિશન શું હતું...!? બોલ....!” ઓલાં કમાન્ડરે લાતો મારતાં-મારતાં પૃથ્વીને ઘાંટો પાડીને પૂછ્યું.

લગભગ દસેક મિનિટ સુધી બધાં ભેગાં થઈને પૃથ્વીને મારતાં રહ્યાં. અભિમન્યુ ઝાડની ઓથે ઊભાં રહીને દયાપૂર્વક એ દ્રશ્ય જોઈ રહ્યો.

છેવટે બધાં અટક્યાં અને ઘાયલ થઈને દર્દથી કણસી રહેલાં પૃથ્વીને કોલરમાંથી પકડીને ઢસડયો અને જેમતેમ કરીને ઘૂંટણ ઉપર બેઠો કર્યો.

“હુંફ....હુંફ....!” ઘૂંટણ ઉપર પરાણે બેસી રહેલાં પૃથ્વીનાં શ્વાસ ફૂલી રહ્યાં હતાં.

તેનું મોઢું લોહીથી ભરાઈ ગયું હતું. પરાણે શ્વાસ લઈ રહેલાં પૃથ્વીનાં મોઢાંમાંથી લોહી હવે લાળ સ્વરૂપે ટપકી રહ્યું હતું.

એવાં લાળ ટપકતાં મોઢે પૃથ્વીએ મોઢું ઊંચું કરીને ઓલાં પાકિસ્તાની કમાન્ડર સામે જોયું અને ફરીવાર એવુંજ તુચ્છકારભર્યું સ્મિત કર્યું.

“તમારાં બધાં કરતાં મજબૂત તો....હુંફ...હુંફ....!” હાંફતો-હાંફતો પૃથ્વી મજાક ઉડાવતો હોય એમ બોલ્યો “અમારાં ઘરનાં નાનાં ટેણીયાઓ છે....! હી...હી...!”

ઓલો કમાન્ડર ચિડાયો અને પોતાનાં હાથમાં રહેલી પિસ્તોલ ઊંચી કરીને પૃથ્વી સામે ધરી.

જરા પણ ડર્યા વિના પૃથ્વીએ દાંત ભીંચી કઠોર નજરે તેની સામે જોયું.

“ભાર....ત માતા કી......!”

“ધાંય....!”

****

Instagram@Krutika.ksh123