અનંતોયુધ્ધમ્ - 3 મૃગતૃષ્ણા mrigtrushna" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનંતોયુધ્ધમ્ - 3

મધ્યાહનનો સમય હતો, સૂર્ય નારાયણ પશ્ચિમાભિમુખ થઈ પોતાની મક્કમ ગતિથી આગળ વધી રહ્યાં હતાં. ગૌરા ઔષધિઓ ચૂંટવામાં મગ્ન હતી ત્યાં જ એને ઝાડીઓમાંથી કંઈક સળવળાટ અનુભવાયો. એ સાબદી થઈ. પીઠ પાછળ રાખેલ ભાલા પર એની પકડ મજબૂત થઇ. થોડી જ ક્ષણોમાં ઝાડીઓને ચીરતો એક નાનો ઘોડો એની સામેથી પવનવેગે પસાર થઇ ગયો. એણે રાહતનો શ્વાસ લીધો અને ઔષધીઓ ચૂંટવાની ક્રિયા ફરી આરંભી. થોડાં સમય બાદ એને ફરી એ જ દિશામાંથી કોઈનાં પગલાં સંભળાયા, એ દિશામાં નજર કરતાં એણે જોયું કે લગભગ એની જ ઉંમરનો એક કિશોર દોડતો આવી રહ્યો હતો. એણે નજીક આવી પ્રશ્ન કર્યો, "અહીં કોઈ નાનો ઘોડો જોયો?"


ગૌરાએ હકારમા માથું હલાવ્યું.


"એ કઈ દિશામાં ગયો?"


ગૌરાએ અંગૂલીનિર્દોષ કર્યો અને એ કિશોર ઝડપથી એ દિશામાં આગળ વધ્યો.


ગૌરા પોતાનું કાર્ય પૂર્ણ કરી એક વૃક્ષ નીચે બેસી સામે દેખાતી મધ્યમ પર્વત શિખર જોઇ રહી. આ જ તો એને ખાસ ગમતું, અરણ્યમાં અરણ્ય સાથે ખોવાઈ જવું. પર્વતનાં ઢોળાવ પર રંગ બદલી રહેલા તૃણને સાથે રંગ બદલતાં શિખરને જોઇ એ બોલી,


"ક્યારેક તો પોતાનો અસલ રંગ દેખાડ... હે નગ, તને આ બીજાની પાછળ છૂપાવુ શાં માટે ગમે છે?"


"હું ક્યાં છૂપાઉ છું! હું તો જે છું એ જ છું, એક અવિચળ પર્વત" પેલો છોકરો ઘોડાને દોરતો શિખરની દિશાએથી પ્રગટ્યો.


"છૂપાય જ છે ને.. આ તૃણ પાછળ અને પછી રંગ બદલે છે એની સાથે."


"તૃણ તો સાથી છે, શિખરને એનો અને એને શિખરનો આશરો છે. મિત્રતા છે બંનેમાં."


"પાષાણ મિત્રતા કરે!!! પાનખરમાં એ તૃણને ક્યાં લીલાંછમ રાખી શકે છે!!! આ કેવો મિત્ર?!"


"તૃણનું સૂકાવુ એ કુદરતી ક્રમ છે, આવશ્યક છે નવસર્જન માટે... શિખર ખરો મિત્ર છે. એ તૃણની જડને સાચવે છે જેથી એ ફરી ફૂટી શકે, નવપલ્લવિત થઈ શકે."


"હમમમ્...વાતો તો બહું સારી કરો છે. કોણ છો તમે?"


"આમ તો વહેતો પવન છું....."


"પવન... હાહાહા...એટલે જ આ ઘોડા પાછળ દોડવું પડ્યું ને..."


"હા... શું કરું? એ જ કામ છે."


"હમમમ્... પણ પરિચય ન આપ્યો."


"અરિધ... ત્રણેક ગાવ દૂર રહું છું અરણ્યની પશ્ચિમે... કામ તો જોઈ જ લીધું. હવે, તમારો પરિચય !!"


"ગૌરા... અહીંથી થોડે દૂર જ રહું છું. મારા પિતા વૈદ્ય છે."


"ઓહ... તો તમે વૈદ્યરાજ જયકરના પુત્રી."


"તમે ઓળખો છો મારા પિતાને..."


"હા... ને લગભગ બધાં જ ઓળખે છે. પરંતુ, તમારી ઓળખાણ આજે થઇ અને તમારી પ્રતિભાની પણ..."


"પ્રતિભા...!! શી પ્રતિભા?"


"એ જ નગ સાથે સંવાદની... હાહાહા..."


"આ જ નગ, પશુ-પક્ષીઓ મારાં મિત્રો છે તો મિત્રો સાથે વાત કરીએ એમાં શું નવાઈ?"


"મિત્રો સાથે વાત કરવામાં નવાઈ નથી પણ એકલાં એકલાં મોટે મોટેથી વાતો કરવામાં નવાઈ છે."


"તમે પણ તો જવાબ આપ્યાં!"


"કોઈ આટલાં મોટેથી પ્રશ્ન કરે તો કોઇએ તો જવાબ આપવો પડે ને."


"જવાબ આવડ્યો કઈ રીતે?"


"આવડવાનુ શું? જે જોયું હતું એ કહ્યું. પરંતુ, વનમાં તમે એકલાં? શું તમને ખ્યાલ નથી જોખમનો!"


"પ્રાણીઓ જોખમ ન હોય ત્યાં સુધી હુમલો નથી કરતાં અને એમપણ અહીં બધાં મારા મિત્રો છે તો મિત્રોથી શાંનું જોખમ ! ને મારી પાસે ભાલો તો છે."


"ચલાવતાં આવડે છે કે એમજ..."


ગૌરાએ ક્ષણભરમાં પીઠ પાછળ બાંધેલા ભાલાની અણી અરિધના ગળે અડાડી દીધી.


"ઓહ... ભારે ઝડપી. માની ગયો. પરંતુ, હું પ્રાણીઓની વાત નથી કરતો."


"માણસોને પણ હરાવી શકું છું."


"એ તો જોયું. હું તો આરણ્યકોની વાત કરું છું."


"આરણ્યકો? એ કોણ છે?"


"આરણ્યકો વિશે નથી ખબર !"


ત્યાં જ ગૌરાને વૈદ્ય જયકરનો સાદ સંભળાયો. એ એને શોધી રહ્યાં હતાં. ગૌરા એમને પ્રતિસાદ આપી ઔષધિઓનો ઝોલો લઇ ચાલવા લાગી અને અરિધ એને જોતો રહ્યો...

(ક્રમશઃ:)