ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો હતો....
આદિ એ કેસરી ટી શર્ટ પહેર્યું હતું ...જેના કારણે એ વધારે સોહામણો લાગી રહ્યો હતો...
"હવે ચાર વાગે એમાં એક કલાક ની વાર છે ભાઈ તું નીકળ ...." વરુણ કંટાળીને બોલ્યો..
"પણ આ કલર એને નહિ ગમે તો...?" આદિ બોલ્યો અને સામે પડેલા કપડા ના ઢગલાં ને જોઈ રહ્યો...
" કલર ગમે કે નો ગમે...પણ સમય ઉપર પહોંચી જાય તો એને અને મને બંને ને ગમશે..." વરુણ પૂરેપૂરો કંટાળી ગયો હતો...
" કેમ તને પણ ગમશે..." આદિ મોટી સ્માઇલ કરીને વરુણ તરફ જોઇને બોલ્યો...
વરુણ નો ચહેરો દેખાડી દેતો હતો કે એ ઊંઘ માં છે જેના કારણે એ આદિ થી કંટાળી ગયો હતો...
"ઓકે ઓકે જાવ છું....બસ એક વાર કલર જોઈ લવ.." આદિ બોલ્યો..
આ સાંભળીને વરુણ ના ગુસ્સા નો પારો ખૂબ ઊંચો ચડી ગયો...એને આજુ બાજુ ફાંફાં મારીને જે હાથ માં આવ્યું એ ઉઠાવીને આદિ પાછળ દોડ્યો...
વરુણે અડધો ભરેલો ચા નો કપ ઉઠાવ્યો હતો...કેસરી ટી શર્ટ બગડી ન જાય એની માટે આદિ મોટા મોટા પગલે ઘરની બહાર નીકળી ગયો...
આદિ ઓફિસ પહોંચ્યો...પ્રોજેક્ટ ની ચર્ચા જલ્દી પૂરી થાય એની માટે આદિ એ બધી તૈયારી કરી લીધી હતી...
___________________________________________
બાર માળની ઊંચી બિલ્ડિંગ માંથી આદિ બહાર નીકળ્યો...
આદિ ખૂબ ખુશ હતો ... સાડા પાંચ થયા ત્યાં એની ચર્ચા પૂરી થઈ ગઈ હતી...
મીરા એની રાહ જોઈને બેઠી હોય તો સારું એવી પ્રાર્થના કરીને આદિ એ ગ્લાસ કોફી શોપ તરફ ગાડી વાળી...
વચ્ચે ફૂલની શોપ આવતા આદિને ગુલાબના ફૂલ લઈને જવાનો વિચાર આવ્યો...શોપ માં જઈને આદિ એ મોટા મોટા ચાર પાંચ લાલ ગુલાબ ના ફૂલ લીધા...
આદિ ખૂબ જ ખુશ હતો એ કોફી શોપ નજીક પહોંચવા આવ્યો જ હતો ત્યાં એનું ધ્યાન રસ્તો પસાર કરતા વૃદ્ધ મહિલા ઉપર આવ્યું...આદિ અને એ મહિલા વચ્ચે થોડુક જ અંતર હતું ...આદિ ની ગાડી એ મહિલા સાથે અથડાય જવાની હતી...આદિ ની ગાડી ની સ્પીડ વધારે હતી જેના કારણે એ બ્રેક ન મારી શક્યો અને મહિલા ને બચાવવા માટે ગાડી વિરૂધ્ધ દિશામાં ચલાવી જેના કારણે ગાડીનું બેલેન્સ ન રહ્યું અને ગાડી ફૂલ સ્પીડ માં ઘસડાઈ પડી અને આદિનું માથું રોડ ઉપર અથડાતા આદિ બેભાન થઇ ગયો હતો...
આ દ્રશ્ય કોફી શોપ ની અંદર બેઠેલા બધા લોકોએ કાચમાંથી જોયું હતું....બધા દોડીને બહાર આવ્યા...એક છોકરી એ આગળ આવીને આદિનું માથું એના ખોળામાં મૂક્યું એના દુપટ્ટા થી પગ ઉપર પાટો બાંધી દીધો અને એના પર્સ માંથી રૂમાલ કાઢીને આદિના કપાળ ઉપર વહેતા લોહી ઉપર દાટો દઈ દીધો...
આસપાસ ઉભેલા લોકોએ એમ્બ્યુલન્સ ને ફોન જોડ્યો....દસ મિનિટમાં એમ્બ્યુલન્સ ત્યાં આવી પહોંચી હતી...
___________________________________________
"વધારે નથી વાગ્યું ...બસ થોડું લોહી વહી ગયું છે અને પગમાં થોડું એવું વાગ્યું છે બે દિવસ આરામ કરશે એટલે સારું થઈ જાશે..." ડોક્ટર આદિની સાથે આવેલી છોકરીને કહી રહ્યા હતા...
આદિ હોસ્પિટલ ના કપડા પહેરીને હોસ્પિટલ ના બેડ ઉપર સૂતો હતો...એના કપડા અને વીંટી , ઘડિયાળ , મોબાઇલ ફોન વગેરે બધી વસ્તુ એની સાથે આવેલી છોકરી પાસે હતું ....
આદિના ફોન ની રીંગ વાગી...
ફોનની સ્ક્રીન ઉપર ' કમીના યાર ' લખેલું હતું...આવું નામ જોઇને પેલી છોકરીએ ફોન ઉપાડવાનું ટાળ્યું...
થોડા સમય બાદ ફરી ફોન ની રીંગ વાગી...આદિ ની આંખો ખુલી ગઈ ...છોકરીએ ફોન આદિને આપ્યો...
ફોન વરુણ નો હતો...
" વાહ , છોકરી ને મળવા ગયો એમાં મને ભૂલી પણ ગયો કે શું ફોન કેમ નથી ઉપાડતો ક્યારનો કરું છું..." વરુણ એકસાથે બધું બોલી ગયો ....
ત્યારે આદિ એ એના એક્સિડન્ટ ની જાણકારી વરુણ ને કરી ....
વરુણ સાથે વાત કરતા કરતા આદિ એની સામે ઉભેલી છોકરીને જોઈ રહ્યો હતો...
એની સામે ઉભેલી છોકરી એ સફેદ સલવાર કમીઝ પેહર્યું હતું...એના કુરતા ની નીચેની કોર ઉપર ચાંદીના તારથી ખાટલી ભરતકામ કરેલી ડિઝાઇન હતી જેના કારણે એનો ડ્રેસ ખૂબ ચમકી રહ્યો હતો...હમણાં જ નવો તૈયાર કરીને પહેર્યો હોય એવો દેખાઈ રહ્યો હતો ...એના સફેદ દુપટ્ટા નો થોડોક ભાગ લોહી વાળો હતો જે એના હાથમાં લઈને ઉભી હતી... બારી પાસે ઊભી હતી જેના કારણે એના વાળ હવામાં લહેરાઈ રહ્યા હતા...વરસાદ ના કારણે વાળ આછા ભીના હતા... ગળામાં એક પારા નો પાતળો ચાંદીનો ચેન પહેર્યો હતો... કાનમાં નાની મોતી માણેક હતી ...ચહેરા ઉપર થોડોક પણ મેકઅપ દેખાતો ન હતો છતાં એનો ચહેરો ખૂબ ચમકી રહ્યો હતો...એની આંખો હરણ જેવી હતી.... સારો એવો વધારે સમય લઈને એના હોઠ કોતરવામાં આવ્યા હોય એટલા આકાર માં હતા....
આદિની નજર બે મિનિટ માટે એ છોકરી ઉપર અટકી ગઈ હતી...
" એટલું પણ ધ્યાન નથી રાખી શકતો મારી વગર...." વરુણ દરવાજો ખોલીને અંદર આવ્યો અને બોલ્યો..
એ છોકરીની નજર આદિ અને વરુણ તરફ આવી...જેનું એક્સિડન્ટ થયું એનો મિત્ર આવી ગયો હતો એટલે એણે પણ અહીંથી નીકળવાનું વિચાર્યું...
એ આદિ અને વરુણ પાસે જાય એ પહેલા એ આદિ ને જોઇને કંઇક વિચારી રહી હતી...
___________________________________________
કોફી શોપ ના દરવાજા ઉપર વરસાદ ના છાંટા ને જોઇને મીરા વિચારી રહી હતી...આદિ કેવો દેખાતો હશે , એ એવો જ હશે જેવો એના પત્ર માં મને દેખાઈ છે....
પાંચ વાગી ગયા હતા છતાં આદિ પહોંચ્યો ન હતો...કંઇક કામ હશે જેના કારણે મોડું થઈ ગયું હશે ....પરંતુ એ આવશે જરૂર એ પણ મીરા જાણતી હતી...
હવે સાડા પાંચ થવા આવ્યા હતા...આદિ હજી પહોંચ્યો ન હતો ....તો પણ મીરા ત્યાં જ બેઠી હતી આદિ ની રાહ જોઈ રહી હતી...
એવામાં એની નજર દરવાજાની બહાર વૃદ્ધ મહિલા ઉપર પડી એ ગાડી સાથે અથડાય જવાની હતી એટલે મીરા દોડીને બહાર આવી એવામાં ગાડી વાળાએ ગાડી બીજી દિશામાં ચલાવી જેના કારણે મહિલા બચી ગઈ પરંતુ ગાડી વાળો પડી ગયો અને એને લોહી વહેવા લાગ્યું...મીરા દોડીને એની પાસે આવી અને ખોળામાં એનું માથું મૂકી દીધું....