દરિયા નું મીઠું પાણી - 1 Binal Jay Thumbar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દરિયા નું મીઠું પાણી - 1

દરિયાનું મીઠું પાણી

ભાગ - ૧

આ સમયે જ્યારે સંબંધો નામ માત્રના રહી ગયા છે ત્યારે આજે એક અનોખા સંબંધની વાત તમને કહેવા ઇચ્છુ છું. આ વાત મેં ઘણી વખત મારા બાપુજી લક્ષમણભાઇ ડાયાભાઇ કોટડીયાના મોઢેથી સાંભળી છે અને જે એક સત્ય ઘટના છે. આવી વાતો પરથી માણસાઈ પરથી ઉઠવા લાગેલો વિશ્વાસ ફરીથી સ્થિર થઈ શકે તેમ છે. "દરિયાના મીઠા પાણી " શ્રેણીમાં આવી આવી ઘણી લોક સાહિત્યની વાતોને હું ઉજાગર કરવા ઇચ્છુ છું જેથી લુપ્ત થતી જતી લોક સાહિત્યની માણસાઈ ભરેલી વાતોને પુર્નજીવન આપવાનો પ્રયાસ કરી શકું.

પ્રસંગ - ૧ : હેમુભાઈ ગઢવી

હેમુભાઈ ગઢવી એ સમયે રાજકોટ આકાશવાણીમાં કામ કરતા હતા. તે સમયે તેમને એક કાગળ - પત્ર મળે છે જેમાં એક સ્ત્રી તેમને ધર્મના ભાઈ માનીને પોતાના ઘરે એક વખત આવવા માટેની વિનંતી કરે છે.

જૂનાગઢના ગિરનારની તળેટીમાં વસેલ મંડલીકપૂર ગામ. આ ગામમાં એક વિધવા ચારણ સ્ત્રી રહેતી હતી. બિચારી માવતર તો નાનપણમાં જ ખોય ચુકી હતી, પિયરમાં માં -બાપ કે ભાઈ કોઈ ન મળે. લગ્ન થયાને થોડો જ સમય થયો હશે કે એક દીકરાની ભેટ આપીને પતિ પણ લાંબે ગામતરે ચાલ્યો ગયો અને પાછળ રહી ગઈ આ નિરાધાર બાઈ અને તેનો છોકરો ગોપાલ.

બાઈની સમગ્ર ચેતના ગોપાલની આસ-પાસ ફર્યા કરે છે. તે જતનથી પોતાના બાળકને મોટો કરવા લાગે છે, અને છોકરો પણ નિશાળે જવા લાગ્યો. બાઈ વિચારે છે કે હમણાં દીકરો મોટો થઈ જશે અને હું રૂપાળી વહુ લાવીશ, પછી એય ને લીલા લે 'ર.....મારુ ઘર પાછું ભર્યું ભર્યું થઈ જશે. પોતાની પડું-પડું થતી ઝુપડીને નવા શણગાર સજાવી, જીવનમાં રંગત લાવવાના કોડ કરતી બાઈ પોતાના જીવનનું ગાડું ગાબડાવ્યે જાય છે.

છોકરો હવે સમજતો થયો તે એક વાર પોતાની બા ને પ્રશ્ન પૂછ્યો "બા આપણે મામા ને ઘેર જાયે તો? બધાય છોકરા મામાને ઘેર જાય છે તો આપણે કાં નો જાયે? હેં બા મારેય મામાને ઘેર જવું છે. બધાય કે'તા હોય કે મામાને ઘેર બોવ મજા આવે, હાલ્યને બા આપણે મામાં ઘરે જાયે."

છોકરાના મોઢે આવી વાત સાંભળી બાઈના પેટમાં ફાળ પડી, અરરર! આને મામાના ઘરે ક્યાંથી લઇ જાવ. મારે ક્યાં ભાઈ છે? બાઈ પોતાના માવતરના અધૂરા અભરખા વાગોળે છે કે ભાઈ હોત તો ટેકો થઈને ઉભો રે'ત, ભાભીને અંતરની વાત કરીને હૈયું હળવું કરી લેત. પણ આ વિચારોનો કાંઈ અંત નો'તો, પોતે એકલી જ છે એ જ વાસ્તવિકતા છે.

છોકરાએ હઠ લીધી " મારે મામાના ઘેર જવું". પોતાના કાળજાના કટકાને સમજાવવાની બાઈએ ઘણી કોશિશ કરી, પણ આતો બાળહઠ! ગોપાલ કેમેય કરીને માનતો જ નથી. બાઈને તો સમગ્ર સંસારમાં પોતાના બાળક સિવાય કોઈ આધાર નથી. તે ગોપાલને સમજાવી નથી શકતી અને તેને દુઃખી જોય નથી શકતી.

એક વખત બાળક મામાના ઘરની વાત લઇને બેઠો હોય ત્યારે બાજુના ઘરમાંથી રેડિઓ પર એક ગીત સંભળાયું, અને બાઈએ બાળકને મનાવવા કઈ દીધું કે આ રેડિયો પર ગાય છે ને એ તારો મામો. છોકરોતો મામાના અસ્તિત્વથી રાજી રાજી થઈ ગયો. જો બેટા! તારા મામા બોવ આઘા રે'ય છે, અને કામ પણ એવું કરે કે નવરા જ નો હોય.

હેં બા - ઈ મારા મામા થાય

હા બેટા! - ઈ તારા મામા થાય

હેં બા - એનું નામ શું?

એનું નામ હેમુભાઈ. હેમુભાઈ ગઢવી

હેં બા! હાલ્ય ને મામાને ઘેર

નો જવાય બેટા, મામા નવરા નો હોય

તો મામાને કે ને એક આંટો મારી જાય, બા તું મામાને પત્ર લખ કે ઈ આપણા ઘેર આવે.

બાઈ ફરી મૂંઝાણી, એક ચોકઠું બેસાડ્યું ત્યાં વળી નવી મુસિબત! આ છોકરો સમજતો કેમ નઈ હોય? એમ કાંઈ થોડા પત્ર લખાય? આપણે ને એને કાંઈ ઓળખાણ ખરી? પણ બાળહઠ સામે ફરીથી તેણે નમતું મૂક્યું અને પોસ્ટકાર્ડ લઇ આવી. તેણે આકાશવાણીના સરનામે પત્ર લખ્યો.

ભાઈ હેમુભાઈ, તમને મારા ધરમના ભાઈ માનીને કાગળ લખું છું વીરા! દુઃખિયારી અભાગણ છું ભાઈ. મારો એક માત્ર આધાર મારો દીકરો કેટલા દિવસથી મામા - મામા કરે છે, પણ હું એનો મામો ક્યાંથી લાવું? મારેતો ભાઈ પણ નથી. માવતરમાં કોઈ નો મળે ત્યાં મામાને ઘેર ક્યાંથી લઇ જાવ એને? એક વાર રેડિયોમાં તારું ગીત આવતું'તું ત્યારે કઈ દીધું કે આ ગાય છે ઈ જ તારો મામો છે. ત્યારથી તેણે વેન લીધું છે કે મામાને કે આપણી ઘેર આવે.ઘણું સમજાવવા છતાં છોકરો કેમેય કરીને સમજતો નથી. તને ઠીક લાગે તો મારા છોકરાનો મામો થાજે. બાઈએ પોતાનું સરનામું પણ લખી નાખ્યું.

બાઈનો કાગળ આકાશવાણીમાં પહોંચ્યો અને ત્યાંથી હેમુભાઈ પાસે પહોંચ્યો.વાંકાચૂકા અક્ષરો વાળો કાગળ વાંચી હેમુભાઈની આંખના ખૂણા ભીના થયા. હૃદયમાં પ્રેમનો ઉભરો આવ્યો. પોતે જાત સાથે ગાંઠ બાંધી કે હું એક વાર તોતારા ઘેર આવીશ જ. બેન મને માં જણ્યો ભાઈ માનજે. હેમુભાઈએ આ સંબંધ નિભાવવાનું નક્કી કર્યું. તેઓ મનમાં સતત આ સરનામું વાગોળતા રહેતા કે મારે ત્યાં જવાનું જ છે.

છોકરા ગોપાલની પૃચ્છા પણ જાગૃત જ હતી, તે બાને પૂછ્યા જ કરતો કે મામા ક્યારે આવશે? બાઈ પણ મનમાં સમજતી કે આવડો મોટો માણસ, આંખનીય ઓળખાણ ઓળખ આપણે ત્યાં શેનો આવે? નવરો જ શેનો રહેતો હશે? ભગવાન તેને નરવો રાખે..... મેં તો ભાઈ માની જ લીધો છે, પણ એનેય કોણ જાણે કેટલી બહેનો હશે?

એક વાર હેમુભાઈનો જૂનાગઢ બાજુ કાર્યકમ હતો. તેઓ નક્કી કરે છે કે આજે તો બેનના ઘરે જાવું જ છે.રાત્રે કાર્યક્રમ પૂરો કરીને પાછા વળતી વખતે તેણે ગાડીને આ ગામ પાસે રોકવા માટે કહ્યું. સહકલાકાર શ્રી લાખાભાઇ ગઢવીએ પૂછ્યું કે અહીં અત્યારે શુ કામ છે? ત્યારે હેમુભાઈ કહે આ ગામમાં મારી બેન રહે છે. ગાડી ગામના પાદરમાં રોકાઈ કે હેમુભાઈ ઉતરી કડકડતી ટાઢમાં પણ ઉતાવળે ચાલવા લાગ્યા.

લાખાભાઈને નવાઈ લાગી, તેને ખબર હતી કે હેમુભાઈની કોઈ બેન આ ગામમાં નથી રહેતી. પણ તેના આત્મીય મિત્ર હેમુભાઈ કહે છે તો નક્કી કઈ વાત બની હશે. તેઓ અને સાથી કલાકારો ગાડીમાં બેઠા અને હેમુભાઈએ વર્ણનના આધારે બેનનું ખડકી શોધી અને બારણાની સાંકળ ખખડાવી.

કોણ? - બાઈ વિચારવા લાગી કે આટલું અસૂરું કોણ હશે?

હું હેમુભાઈ! હેમુભાઈ ગઢવી બેન, તારો કાગળ મળ્યો એટલે આવ્યો.

હેં! હેમુભાઈ! બાઈએ બારણું ખોલ્યું. સામે ઉભેલા પોતાના માનેલા ધરમભાઈના ઓવારણાં લીધા. આંખોમાંથી આંસુડાંની ધાર ચાલી. તૂટેલ ફાટેલ ગોદડું ખાટલે નાખી ભાઈને બેસાડ્યો. મને તો એમ હતું કે તું નહિ આવે વીરા! પણ તે તો મારી આશા પુરી કરી મારા ભાઈ, તને ઘણી ખમ્મા....

હેમુભાઈએ ઓરડી પર નજર કરી... કણેકણમાંથી ગરીબાઈ ટપકતી હતી. આવું જ ને બેન! કેમ ના આવું? બેન બોલાવે તો ભાઈને આવવું જ પડે ને!

શું બેન! મારા ભાણાએ હઠ પકડી હતી મને મળવાની?

હા ભાઈ, કેમેય માનતો નો'તો, એટલે મ કાગળ લખ્યો.

ઉઠાડ મારા ભાણાને...

બાઈએ ઝટપટ છોકરાને ઉઠાડ્યો. તે તો મામાને જોઈને રાજી રાજી થઈ ગયો. આવા રૂપાળા રૂપાળા મામા તો વળી તેને વધુ મીઠા લાગ્યા.

હેમુભાઈએ ગોપાલને માથે હાથ ફેરવ્યો અને કહ્યું, જો ભાણા! હું જ તારો મામો. કામમાં હતો એટલે આવતા વાર લાગી. તું તારી બાને હેરાન ના કરતો. ડાયો થયને રહેજે. હું પણ આંટો મારતો રહીશ. તું અને તારી બા પણ માં ઘેર આવજો.

બાઈ તો મામા - ભાણા નું અદભુત મિલન જોઈ રહી. બાઈ ને વીરપસલીના અને ભાણાને ધોતીના એમ કહીને કાર્યક્રમનું ભેટનું આખું કવર સમ દઈને બેનના હાથમાં પકડાવીને હેમુભાઈ આવ્યા હતા એમ જ ઉતાવળી ચાલે ચાલ્યા ગયા. જન્મારામાં ના જોયેલ ૧૦૦-૧૦૦ ની નોટું ની થપ્પી જોઈને બાઈતો હેમુભાઈની પાછળ ભાગી..... એ વીરા!, મારા ભાઈ, આટલા બધા ન હોય, ઉભો રે..... અરે સાંભળતો ખરો.... પણ ઉભે તો હેમુભાઈ શાના? ઝડપથી ગાડીમાં બેઠા અને ડરાઇવરે ગાડી મારી મૂકી. લાખાભાઈના પૂછવા પર હેમુભાઈ એ આખી વાત કરી ત્યારે બધા કલાકારોની આંખો ભીની થઇ ગઈ હતી.

હેમુભાઈએ કહ્યું કે પૈસાનું કવર તો હું આપી આવ્યો પણ તમારા ભાગના પૈસા હું તમને અપાવી દઈશ. ત્યારે લાખાભાઈએ કહ્યું કે હવે કાંઈ નો બોલતા હેમુભાઈ! તમારી બેન એ અમારી પણ બેન......

કેવો અદભુત પ્રસંગ! ૧૯૬૦-૬૧માં બનેલી આ ઘટનાની કદાચ ઘણા લોકોને ખબર હશે, પણ હવેની પઢી પણ તેનાથી માહિતગાર થાય તે મારો ઉદ્દેશ છે. હેમુભાઈએ સૌથી વધારે ઝવેરચંદ મેઘાણીના સાહિત્યને ગાયું છે. લોકસંગીતને નવી વાચા આપી છે. ગુજરાતી લોકસાહિત્યને આગળ વધાર્યું છે. તેઓ માત્ર ૩૬ વર્ષની વયે ૧૯૬૫માં હેમરેજ થવાથી મૃત્યુ પામ્યા હતા, પરંતુ આજે પણ તેઓ શાબ્દિક દેહે લોકોના હૈયામાં જીવંત છે.

રાજકોટમાં તેમના નામે હેમુ ગઢવી માર્ગ, અને હેમુ ગઢવી નાટ્યગૃહ (ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ) આવેલા છે.

ફરી મળીશું નવા પ્રસંગ સાથે.

મારી આગળની કૃતિ જર્જરિત મહેલ ને માત્રૃભારતી પર વાંચો.

આપના પ્રતિભાવ આપશો.