સંસ્કૃતમાં એક શબ્દ છે "रङ्ग" જેનો અર્થ થાય છે રંગ. રંગોળી એ સંસ્કૃત શબ્દ 'રંગાવલી' પરથી બન્યો છે.
ભારતનાં અલગ અલગ ક્ષેત્રોમાં રંગોળી જુદા જુદા નામથી ઓળખાય છે. જેમ કે,
આંધ્રપ્રદેશ અને તેલંગણામાં muggu (ముగ్గు),
કર્ણાટકમાં rangoli/rangole (ರಂಗೋಲಿ/ರಂಗೋಲೆ),
તમિલનાડુમાં Kolam (கோலம்),
રાજસ્થાનમાં mandana/mandas (माँडना),
છત્તીસગઢમાં chowkpurana (छोवकपुराणा),
પશ્ચિમ બંગાળમાં alpana/alpona (আল্পনা),
ઓડિશામાં muruja/marje (मूर्जा) or jhoti (झोटी) or chita (चिता),
બિહારમાં haripan/aripan (आरिपना),
ઉત્તર પ્રદેશમાં chowkpujan (चौकपूजन),
પંજાબમાં chowk poorana,
કેરળમાં pookkalam (പൂക്കളം),
મહારાષ્ટ્રમાં Rangoli/ sanskarbharti/bharti,
ગુજરાતમાં saathiya/gahuli/, અને
ઉત્તરાખંડમાં aipan/eipan (ऐपण).
રંગોળી એ મૂળ ભારતની જ શોધ છે, જેને ઘરનાં આંગણામાં કે કોઈ ટેબલ પર કે કોઈ પણ સમતલ સપાટી પર કરવામાં આવે છે. રંગોળી કરવા માટે મોટા ભાગે વિવિધ રંગની કરોટી/કરોઠી વડે કરવામાં આવે છે. ક્યારેક વિવિધ કઠોળ, તો ક્યારેક ચોખાને વિવિધ રંગોથી રંગી તેનો ઉપયોગ રંગોળી પુરવા માટે કરાય છે. ક્યારેક રંગબેરંગી પથ્થરોથી તો ક્યારેક ફૂલોની રંગીન પાંખડીઓ રંગોળી માટે વપરાય છે. હિંદુઓના ઘરમાં રંગોળી મોટા ભાગે દરરોજ થાય છે, પરંતુ એમાં રંગ ભાગ્યે જ પુરાય છે. રંગોળીની ડિઝાઈનમાં રંગ તહેવારો કે કોઈ શુભ પ્રસંગોએ જ મોટા ભાગે પુરવામાં આવે છે.
ઓણમ, પોંગલ, મકરસંક્રાંતિ, નવરાત્રિ, દિવાળી કે પછી અન્ય કોઈ ધાર્મિક તહેવારોના દિવસે રંગોળી કરવામાં આવે છે. મોટા ભાગે રંગોળી દિવાળીના તહેવારમાં વધારે થાય છે. કાયમ માટે દરરોજ રંગબેરંગી કરવી શક્ય બનતી નથી, કારણ કે એ ખૂબ જ સમય લે છે. રંગોળી કરવાનાં મુખ્ય ઉદ્દેશો આંગણું સુંદર બનાવવું અને મહેમાનોનું કલાત્મક સ્વાગત કરવાનાં છે. પહેલાનાં સમયમાં ઘરોમાં ટાઈલ્સ કે પથ્થરો નહોતા. ઘર અને આંગણું બંને છાણ માટીથી લિપવામાં આવતાં હતાં. આથી આંગણાને સુશોભિત રાખવા રંગોળી કરવામાં આવતી. આ જ રંગોળીની ડિઝાઈન ઘરની દિવાલો ઉપર પણ કરાતી કે જેથી દિવાલો સુંદર દેખાય.
હજારો વર્ષોથી ચાલતી આવતી રંગોળીની પરંપરા પેઢી દર પેઢી સચવાતી આવી છે. આજની 21મી સદીમાં પણ રંગોળીએ પોતાનું મહત્ત્વ જાળવી રાખ્યું છે.
રંગોળી એ સકારાત્મકતા, આનંદ અને ઘરનાં સભ્યોની જીવંતતાનું પ્રતિક છે. હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે જેનું આંગણું સૂનું હોય, એટલે કે સુશોભન કર્યા વગરનું હોય તેને ત્યાં લક્ષ્મી માતા નિવાસ કરતા નથી. તેને ત્યાં દરિદ્રતા આવે છે.
કેટલીક વાર રંગોળી કરવા માટે અનાજનો લોટ વાપરવામાં આવે છે. પહેલાનાં જમાનામાં પણ અનાજનો લોટ રંગોળી કરવા માટે વાપરવામાં આવતો હતો. આની પાછળનો મુખ્ય હેતુ એ હતો કે બહાર ફરતાં કીડાઓ ઘરમાં ન આવે અને તે બધાંને ખોરાક પણ મળી રહે.
સ્થળ, પ્રાંત અને રિવાજ પ્રમાણે રંગોળીની ડિઝાઈન અલગ અલગ હોઈ શકે છે. મોટા ભાગે રંગોળી ઘરની સ્ત્રીઓ કે નાની છોકરીઓ કરે છે, પરંતુ પુરુષો પણ સુંદર રંગોળી કરતા હોય છે. રંગોળીની ડિઝાઈન ભૌમિતિક આકારમાં હોય છે. ક્યારેક ફૂલોની ડિઝાઈન તો ક્યારેક ફૂલોનાં પાંદડાની ડિઝાઈન હોય છે. કોઈક વાર યજ્ઞની હવન કુંડી જેવા આકારમાં પણ રંગોળી કરાય છે. હવે તો કથા કે હવન કે પછી અન્ય કોઈ ધાર્મિક પ્રસંગોએ પૂરવામાં આવતાં મંડળ પણ રંગીન ચોખાથી રંગોળી સ્વરૂપે કરવામાં આવે છે. સમય જતાં મોડર્ન ડિઝાઈન પણ રંગોળીનું સ્થાન લેવા માંડી. હવે તો વિવિધ સંદેશાઓ આપતી થીમ કે પછી અલગ અલગ કાર્ટૂન ધરાવતી થીમ પર પણ રંગોળી કરવામાં આવે છે.
મોટી મોટી હોટલોમાં પણ હવે તો મહેમાનોના સ્વાગત માટે મુખ્ય દરવાજા આગળ આકર્ષક રંગોળી કરવામાં આવે છે.
આ સિવાય પણ રંગોળી વિશે ઘણી માહિતી છે, જે હું બીજા ભાગમાં રજુ કરીશ.
સૌજન્ય:- ઈન્ટરનેટના વિવિધ વેબપેજ
વધુ આવતાં અંકે...
- સ્નેહલ જાની