Prem Safar - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમસફર - 1

નોંધ:પ્રસ્તુત ધારાવાહિકનાં પાત્રો, કથાનાક, સંવાદ, વિષયવસ્તુ તથા સ્થળ લેખકની કલ્પના માત્ર છે.


ધારાવાહિક : 'પ્રેમસફર'
Episode:01

1લી સપ્ટેમ્બર,2019


શિયાળાની તાજગીભરી વ્હેલી સવાર. 'હેલ્લો અમદાવાદ.ગુડ મોર્નિંગ'- 92.7 FM નો 5.45 નો સુરીલો ટહુકાર સંભળાઈ રહ્યો હતો. એક પછી એક સટાસટ આવતી રીક્ષા મુસાફરોને ઠાલવી રહી હતી. ઠુઠવાતી ઠંડીમાં ભીડનો ગરમાવો રાહત આપી રહી હતી. કોઈનાં ખભ્ભે, કોઈનાં માથે અને વળી કોઈનાં હાથમાં નાના-મોટાં થેલાં લટકી રહ્યાં હતાં. દૈનિક સમાચાર પત્રો નવી જ ખબરો ફેલાવી રહ્યાં હતાં. ટિકિટ લેવા માટે લાઈન લાગી હતી. હવે કહેવાની જરૂર નથી કે કાલુપુર રેલવે સ્ટેશન શિયાળાની ઠંડીમાં અને વ્હેલી સવારથી જ ધમધમતું થયું હતું.

કાલુપુર રેલવે સ્ટેશનની હરોળમાં ગોઠવાયેલી દુકાનોમાં વાગતાં ગીતો લોકોને પણ પસંદ આવી રહ્યા હતાં:
'ઓ મેરે...દિલ કે ચૈન...', ' મેરા દિલ જીસ દિલ પે ફિદા હૈ એક બેવફા હૈ... ' , ' આજ મૌસમ...બડા બેઇમાન હૈ..'
આવી દુકાનોમાં ચાને પણ ઉકળવું ગમતું હતું. આદુંવાળી અને ગરમાગરમ ઉકળતી ચા તપેલાંને કાંઠે આવી હાર માની બેસી રહી હતી. ઉકળતાં તપેલાંને વીંટળાઈને ઊભેલી ભીડ ચાની ચુસ્કી લેવા અધીરી બની હતી.
આ ભીડથી થોડે દુર એક મોંઘી કાર આવીને ઊભી રહી હતી. તેમાંથી ઉતરતો યુવાન ધનવાન જ હોય, તેમાં શંકાને કોઈ સ્થાન નહોતું. ઓવર કોટ અને ગળાનું મફલર તેની શોભા વધારી રહ્યું હતું. તેની થોડી વધેલી દાઢીનો સફેદ વાળ સ્પષ્ટ દેખાઇ રહ્યો હતો. બંને હાથ કોટનાં ખિસ્સાની હૂંફ લઇ રહ્યાં હતાં. સામટી રાતોના ઉજાગરા એકઠાં થયા હોય, તેવી નશીલી આંખો તેની સુંદરતામાં વધારો કરી રહી હતી.
ભીડની વચ્ચેથી હાથ લાંબો કરીને બોલ્યો, " રાજુકાકા, ચા પીવડાવો."
ઘટ્ટ અને ભરાવદાર અવાજ જ તેની આગવી ઓળખ હતી. એટલે જ ચા પ્રેમી ગ્રાહકોને ચા આપવામાં તલ્લીન હોવાં છતાં, રાજુકાકા પરિચિત ભરાવદાર અવાજને તેની સામે જોયાં વગર જ ઓળખી ગયાં અને પૂછયું,
" અલ્યા, વ્રજ ! નીંદર જેવું કંઈ હોય કે ? કેમ પાછો આવ્યો?"
રાજુકાકાના આ સવાલથી જ ખ્યાલ આવે કે, વ્રજ હજુ રાત્રે બે વાગે ચા પીને ઘરે ગયો હતો અને વાગે પાછો આવ્યો. આ પરથી સમજી શકાય છે કે, વ્રજ માટે ઊંઘ કરતાં પણ રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર:5 અગ્રિમતા ધરાવતું હતું. એટલે જ ઠંડીની મોસમમાં ગરમાગરમ ચાની ચૂસકી મારી, ગાડીને પાર્કિંગમાં પાર્ક કરી.
ત્યારબાદ વ્રજ ટિકિટ બારીની લાઈનમાં ઊભો રહ્યો. ટિકિટ લેવાનો વારો આવતાં જ રેલવે કર્મચારીએ ચૂપચાપ ઉભેલાં વ્રજને પૂછ્યા વગર જ પ્લેટફોર્મ ટિકિટ આપી દીધી. સીધો મતલબ એ જ કે વ્રજ તેનો કાયમી ગ્રાહક હશે !
પ્લેટફોર્મ ટિકિટ મેળવી, પ્લેટફોર્મ નંબર:5 પરનાં ખાલી બાંકડા પર જઈને બેઠ્યો. તમે શું વિચારો છો ? અરે ! ના ભાઈ,ના. તે કોઈની રાહ નહોતો જોતો. તે તો અહીં બેસીને તેનો રંગીન અને લાજવાબ ભૂતકાળ જોવાનો હતો. ટ્રેન હોય કે ગર્લફ્રેન્ડ હોય....રાહ જોવામાં તો મન વિહ્વળ જ બને અને રાહ જોયા પછી પણ જો તે ન આવે તો વેદનાને વાચા મળે ! માટે જ વ્રજે પોતાના રોમાંચિત અને લાગણીસભર ભૂતકાળમાં ગુમનામ થઇ જવાનું પસંદ કર્યું હશે. ખેર,પ્લેટફોર્મ નંબર:5 વ્રજના શાનદાર ભૂતકાળનો એકમાત્ર સાક્ષી બનવા જઈ રહ્યું હતું.
ધીમે ધીમે અરુણોદય થઈ રહ્યો હતો. શિયાળાનું ધુમ્મસ છવાયેલું હતું. ઝાકળબિંદુઓએ વ્રજને ઘેરી લીધો હતો. અરે ! ના ભાઈ, વ્રજના મોઢામાંથી નીકળતાં ધુમાડા સિગારેટના નહીં, ઠંડીનાં હતાં. કારણકે વ્રજ ક્યારેય સિગારેટ કે બીડી પીતો જ ન હતો. ધીમે ધીમે મટકા મારતી તેની આંખો, સુંવાળા ભૂતકાળને શોધી રહી હતી. જાણે કે જલ્દીથી ભૂતકાળમાં ખોવાઈ જવા આતુર હતી !
એવામાં કોઈ મુસાફર નો અવાજ કાને પડ્યો, "કાકા, પ્લેટફોર્મ નંબર પાંચ અહીંયા છે. આપણી ટ્રેન આ પ્લેટફોર્મ ઉપર આવવાની છે."
આ અવાજ બે વર્ષ પહેલાંનાં ભવ્ય ભૂતકાળની યાદ તાજી કરાવવા માટે કાફી હતો. આજે 1લી સપ્ટેમ્બર હતી, બરાબર બે વર્ષ પહેલાંની 1લી સપ્ટેમ્બરની યાદ તાજી થઇ. જાણે કે પોતાના રંગીન ભૂતકાળમાં ખોવાઈ જવાનો મોકો મળ્યો હોય તેમ, 1લી સપ્ટેમ્બરમાં વ્રજ ભૂલો પડવા લાગ્યો ! આ રીતે વ્રજની પ્રેમસફર 1લી સપ્ટેમ્બરથી ચાલુ થઈ, ઠીક બે વર્ષ પહેલાંની....


: 1લી સપ્ટેમ્બર,2017 :


શિયાળાની સવારનાં 8:30 થયાં હતાં.
" સાહેબ,તમારી ટ્રેન આ પ્લેટફોર્મ પર આવવાની છે, પ્લેટફોર્મ નંબર 5." માથા ઉપરથી સામાન નીચે મુકતાં કુલી બોલ્યો.
વ્રજ તેના મામાને મુકવા માટે પહેલીવાર રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ ઉપર આવ્યો હતો. પ્લેનમાં જ ઉડનારાં વ્રજે કદાચ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ આ પહેલાં ક્યારેય જોયું પણ નહીં હોય ! હા, એમ જ હતું. કારણ કે 26 વર્ષનો વ્રજ ગર્ભશ્રીમંત હતો અને 'ગ્લોબલ સોફ્ટવેર કંપનીનો' માલિક પણ હતો.
વ્રજના મામા પ્લેટફોર્મ પરની દુકાનેથી પાણીની બોટલ લેવા માટે ગયાં. સામાન સાચવીને ઊભેલો વ્રજ પ્લેટફોર્મને, લોકોના કોલાહલને અને આવતી જતી ટ્રેનોને કુતૂહલથી જોઈ રહ્યો હતો. એવામાં તેની નજર એક ખાલી બાંકડા પર પડી. સામાન લઈને તે બાંકડા પર બેસી ગયો. ટ્રેનને હજી આવવાની થોડી વાર હતી, એટલે મામાને કુરસદનો સમય મળતાં પ્લેટફોર્મ ઉપર આમ તેમ લટાર મારવા લાગ્યાં.
વ્રજની સફર ચાલુ થવાની હશે અને એટલે જ તેની બાજુમાં એક યુવતી આવીને બેઠી. જો કે વ્રજ માટે તો આ ગૌણ બાબત હતી. આમેય વ્રજનું ધ્યાન તેના મોબાઇલમાં કેન્દ્રિત હતું. પેલી યુવતીએ પણ પર્સમાંથી મોબાઈલ કાઢ્યો. કોઇ સ્વરૂપવાન યુવતીની સામે કોઈ સુંદર છોકરો જોવે પણ નહીં, તો યુવતીનાં નાજૂક અહંકારને થોડો ધક્કો તો લાગે જ ! પરંતુ આ યુવતીને તો તેવો આગ્રહ પણ ન હતો. કારણ કે તે સૈદ્ધાંતિક સ્વભાવવાળી હતી.
કાળા રંગની કુર્તી, બ્લ્યુ જીન્સ અને હાથમાં ઘડિયાળ પહેરેલી આ 23 વર્ષની યુવતી, થોડી અક્કડ અને વધારે જીદ્દી હતી. રૂપનું જરાપણ અહંકાર નહીં અને સાચી વાત મોઢે કહી દેતાં જરાય અચકાતી પણ નહીં. આ યુવતીને 'પ્રેમ' શબ્દથી જ નફરત હતી, પ્રેમ થવાની વાત તો દૂર દૂર સુધી અશક્ય હતી !
વ્રજ સ્વભાવે પ્રેમાળ અને નિખાલસ હતો, પરંતુ વ્રજના જીવનમાં છોકરી માટેનાં પ્રેમની કોઈ પરિભાષા ન હતી. કારણકે બહુ જ નાની ઉંમરથી તેણે બહુ મોટો બિઝનેસ સંભાળી લીધો હતો. સમજો કે વ્રજ પાસે ચીલાચાલુ 'પ્રેમકથા' આદરવાનો સમય જ ન હતો !
એક પાસે પ્રેમ કરવાનો સમય ન હતો અને બીજાને પ્રેમ શબ્દથી જ નફરત. આવા બે યુવા દિલ એક બેંચ પર બેઠાં હતાં. બંને એકબીજા સામે જોવા પણ તૈયાર ન હતાં. દૂર ઉભેલાં મામા તો સમાચારપત્ર વાંચવામાં મશગુલ થઈ ગયેલાં. બંને યુવા દિલનાં જીવનમાં પ્રેમ માટે કોઇ અગ્રીમતા ન હતી. એક જ બેંચ પર બેઠેલાં આ બંને વચ્ચે પ્રેમ જાણે કે બાધારૂપ હતો.

○ તો શું બંનેનું મિલન થઇ શકશે ?
○ જેના જીવનમાં પ્રેમને કોઈ સ્થાન જ નથી, તેવા બે દિલ એક સાથે 'પ્રેમસફર' કરી શકશે?

આગળની વાર્તા હવે પછીના EP:02 માં જોઈશું. 🔜
****************************

બીજા રસપ્રદ વિકલ્પો