ઉડાન,
લેખક નાગરાજ "હ્ર્દય"
"મારુ જીવન સૌંદર્યના બ્રહ્માંડમાં ખીલ્યું છે. હું ખુદ સુંદરતાનું અભિન્ન અંગ છું. પુષ્પ મારુ પ્રિય આસન અને આહાર છે. મારા વિકાસની પ્રક્રિયા ખૂબ રસપ્રદ અને રહસ્યમય છે. મારી સુંદર પાંખમાં ઈશ્વર ખુદ પીંછી લઈને રંગો પુરે છે. એટલે હું સૌને ગમતું સુંદર પતંગિયું છું." આવી નાનકડી સ્પીચ આપી પીહુ પ્રાર્થના ખંડમાં છવાઈ જાય છે. તાળીઓનો અવાજ પીહુની શ્રેષ્ટ સમજને બિરદાવી અભિવાદન કરે છે. માત્ર દસ વર્ષની પીહુએ પ્રકૃતિના ખોળામાં મન ભરીને આળોટી લીધું છે. એટલે તેને કુદરત અને તેના સર્જનથી અનહદ લગાવ છે.
શાળાનો રીસેસ ટાઈમ હોય કે ઘરે રજાનો સમય તે હંમેશા બગીચાના સુંદર ફૂલો, પતંગિયાઓ અને લીલાછમ વૃક્ષઓથી ઘેરાઈ રહેતી. પતંગિયા અને ફૂલો સાથે વાતો કરતી. અને સારી રીતે બધાની માવજત કરતી પ્રકૃતિ સાથે એકાકાર થઈ જતી પીહુ ખુદ પ્રકૃતિ બની જતી.
દિવસેને દિવસે પીહુ ફૂલો અને પતંગિયા સાથે અતૂટ લાગણીથી જોડાતી ગઈ. કોઈને ક્યારેય ફૂલ તોડવા ન દેતી. અને ખરી પડેલા ફૂલો વીણી તેની માળા બનાવી મંદિરે આપી આવતી. આમ, કુદરતના પ્રેમમાં પીહુ બૌતિક વાતાવરણને સાવ ભૂલી જ ગઈ.
એક દિવસ પીહુએ પોતાના બગીચામાં એક સુંદર પુષ્પ ખીલતું જોયું. તેથી કુતુહલવશ પીહુ તે ફૂલને નજીકથી જોવા પુષ્પની બાજુમાં ગઈ. ત્યાં અચાનક એક ઝેરી માખ ફૂલમાંથી બહાર નીકળી. અને ઝેરી ડંખ પીહુની કોમળ આંખ પર માર્યો. પીડાના કારણે પીહુ બુમો પાડવા લાગી. એટલે આ બુમો સાંભળી પીહુના મમ્મી પપ્પા તેની પાસે દોડી આવ્યા. તેઓએ પીહુની આંખ પર સોજો ચડેલો જોયો. એટલે તરત પીહુને હોસ્પિટલ લઈ જવામાં આવી. હોસ્પિટલમાં ડોક્ટરે પીહુની સારવાર કરી. કેટલીક દવાઓ આપી પીહુને હોસ્પિટલમાંથી રજા આપી દીધી. આ દિવસ પીહુ માટે પીડા દાયક રહ્યો.
બીજી સવારે પક્ષીઓ જાગૃત થયા. સૂર્યના કોમળ કિરણો પીહુના ઘરના આંગણામાં રમી રહ્યા હતા. બાગના સુગંધિત ફૂલો પોતાની ફોરમ હવામાં ફેલાવી સુંદર સવારનું સ્વાગત કરતા ધીમે ધીમે પવનના પ્રવાહમાં મુખ હલાવી નૃત્ય કરી રહ્યા હતા. રંગબેરંગી પતંગિયાઓ ફૂલો પર આમથી તેમ કૂદાકૂદ કરીને ફૂલો સાથે ગેલ કરતા હતા. પીહુ પોતાની આંખ ચોળતી બેડ પર બેઠી હતી. તેણે પોતાની નજર ચારે બાજુ દોડાવી. અને તેના ચહેરા પર એક ડરનો ભાવ ઉપસી ગયો. તેણીએ પોતાની મમ્મીને બોલાવી. એટલે તરત તેની મમ્મી પીહુ પાસે આવી ઉભી.
પીહુએ પોતાની મમ્મીને પકડવા હવામાં હાથ ફેરવ્યો. તેણે ફરીવાર મમ્મીને અવાજ આપ્યો.
"મમ્મી! તું ક્યાં છો? મને કેમ બધી બાજુ અંધારું દેખાય છે?" પીહુના આ પ્રશ્નો સાંભળી મમ્મીના મુખ પર ડરની રેખાઓ ઉપસી ગઈ. તરત પીહુને હોસ્પિટલ લઈ જવામાં આવી. ત્યાં પીહુની આંખો તપાસીને ડોક્ટરે પીહુને સંપૂર્ણ અંધ જાહેર કરી. અને પીહુ ક્યારેય અજવાળાને આંખોમાં નહિ ભરી શકે તેમ પણ જણાવ્યું. આ દુઃખદ વાત સાંભળી પીહુના માતા પિતા ખૂબ વ્યતિથ થયા. આ વાતની ખબર પીહુને પણ થઈ.. પણ પીહુએ આ વાતને સમજવાની તસ્દી ન લીધી.
પીહુને હોસ્પિટલમાંથી ઘરે પાછી લાવવામાં આવી. અંધકારથી ઘેરાઈએલી પીહુનો અભ્યાસ થંભી ગયો. કિસમતે પીહુના પગમાં તિમિર ઝાળ નાખી, ઉછળતી કૂદતી અને પ્રકૃતિના ખોળામાં રમતી નાની બાળાની પાંખો મર્યાદાઓથી બાંધી દીધી.
ઈશ્વર પણ અજબ ગજબના ખેલ નાખ્યા કરે છે. સમાજના હિંમતવાન લોકોની પસંદગી કરી તેને એકાદ અંગ વગર જીવન જીવવાની ચેલેન્જ આપે છે. કારણકે ઈશ્વર પણ જાણે છે કે સામાન્ય માણસને આ પડકાર આપીશ તો તે ભાંગી પડશે, પણ મજબૂત વ્યક્તિત્વ પડકારોને ઝીલીને દુનિયામાં એક નવો જ દાખલો બેસાડશે. એ જ મજબૂત વ્યક્તિત્વ હતું પીહુ.
પીહુએ ધીમે ધીમે બધી હિંમતને મુઠ્ઠીમાં ભરી, મર્યાદાઓની સાંકળને તોડીને આગળ ડગલાં માંડયા. શરૂઆતમાં અથડાઈ, પછડાઈ પણ હિંમત અને જુસ્સાને વેરવિખેર ન થવા દીધા. હવે પીહુને હાથમાં અને પગમાં આંખો ફૂટવા લાગી. સ્પર્શ, શ્રવણ અને ગંધ દ્વારા તે ફરીથી ઘરમાં હરતી ફરતી થઈ ગઈ. પીહુના માતા પિતાએ પણ તેના આ અદમ્ય સાહસને પ્રોત્સાહન આપ્યું.
પણ આંખોના અંધકારને પ્રગતિના પ્રકાશમાં પરિવર્તિત કરવા પીહુ શાળાએ જવા માંગતી હતી. ફરી વખત મુક્ત ગગનમાં પાંખો ફેલાવી અનોખી ઉડાન ભરી, જગતમાં ચાલતા દિવ્યાંગ પ્રત્યેના ખોટા ખ્યાલોને ધ્વસ્ત કરી, એક સમરસ સમાજનું ઘડતર કરવા પીહુ આગળ વધવાની ઈચ્છાઓ સેવતી હતી.
પીહુને શાળાએ જવાની મંજૂરી તો મળી ગઈ. પણ બગીચાથી દૂર રહેવાનું માતા પિતાએ જણાવ્યું. આ શરત પીહુના દિલમાં ઝેરી માંખીની જેમ ડંખી. અત્યાર સુધી તે પ્રકૃતિના ખોળામાં આળોટીને મોટી થઈ. હવે તેનાથી દૂર રહેવું પીહુ માટે અશક્ય હતું. તેથી પ્રકૃતિની મૈત્રી તેણે અતૂટ રાખી હતી. પીહુ પાસે કુદરતના સૌંદર્યને નિહાળવાની દ્રષ્ટિ તો હવે ન હતી. પરંતુ સ્પર્શ, સુગંધ અને કલ્પના શક્તિ દ્વારા તે પ્રકૃતિના દર્શન કરી લેતી. ઉપરાંત સ્પર્શ અને ગંધ દ્વારા તે કોઈ પણ ફૂલ છોડને ઓળખી જતી.
પીહુ પોતાની તેજસ્વીતાનો પરિચય આપતા ધોરણ બારની બોર્ડની પરીક્ષામાં રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું. કોલેજમાં ગોલ્ડમેદલિસ્ટ થઈ. અને અનુસ્નાતકની પદવી મેળવી, વનસ્પતિ શાસ્ત્ર પર પીએચડી શરૂ કર્યું. અને તેણે ખૂબ ટૂંકા સમયગાળામાં પોતાનું પીએચડી પૂરું કર્યું. તે રાજ્યની પ્રથમ નેત્રહીન વનસ્પતિ વિદ બની ગઈ હતી. તેથી ડૉ પીહુને રાજ્યની નામાંકિત કોલેજમાં પ્રોફેસરનું કાર્ય મળી ગયું. હવે ઘણા બધા સામાન્ય વિદ્યાર્થીઓ ડૉ પીહુ પાસે વનસ્પતિ શાસ્ત્રનું માર્ગદર્શન લેવા આવતા.
જે પ્રકૃતિએ પીહુની રોશની છીનવી હતી. એ જ પ્રકૃતિએ આજે પીહુને પ્રસિદ્ધ વિદ્વાન બનાવી હતી. કુદરતની ચેલેન્જને પુરી કરી, પીહુએ ઉત્તમ માનવની ભૂમિકા અદા કરતા શિક્ષણ જગતમાં અને વિશાળ સમાજમાં આત્મવિશ્વાસની ઉડાન ભરી, દરેક લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી.