Kargil War - Part 2 books and stories free download online pdf in Gujarati

કારગિલ યુદ્ધ - ભાગ 2

લેખ:- કારગિલ યુદ્ધ
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

નોંધ:- આ આખો લેખ ઈન્ટરનેટના માધ્યમથી તૈયાર કરવામાં આવ્યો છે. માટે માહિતી બદલ કોઈ ચૂક થઈ હોય તો ક્ષમા પ્રાર્થુ છું.

કારગિલ યુદ્ધ વિશેની થોડી માહિતી ભાગ 1માં આપણે જોઈ. હવે ભાગ 2માં અન્ય માહિતી જોઈશું.

8 મે 1999નાં રોજ શરુ થયેલું કારગિલ યુદ્ધ 26 જુલાઈ 1999નાં રોજ ભારતની જીત અને પાકિસ્તાનની હાર સાથે સમાપ્ત થયું હતું. આ યુદ્ધ કારગિલ વિસ્તારને ખાલી કરાવવા માટે લડાયુ હતું. 26 જુલાઈ 1999નાં રોજ ભારતીય વીર જવાનોએ કારગિલમાં ઓપરેશન વિજય કરી પાકિસ્તાનની ઘૂસણખોરી કરેલ સેનાને હરાવી હતી.

ઈ. સ. 2019માં આ વિજયને 20 વર્ષ પૂર્ણ થતાં ભારત સરકાર અને ભારતીય સેના દ્વારા ધામધૂમથી ઉજવણી કરાઈ હતી.

આશરે અઢાર હજાર ફૂટ ઉંચાઈએ લડવામાં આવેલ આ યુદ્ધમાં 527 ભારતીય જવાનો શહીદ થયા હતા. ઉપરાંત 1363 જવાનો ઘાયલ થયા હતા. આ યુદ્ધ જીતવા ભારતને 84 દિવસો લાગ્યા હતા.

બીજા વિશ્વયુદ્ધ પછી આ પહેલું એવું યુદ્ધ હતું કે જેમાં એક દેશે બીજા દેશ પર આટલા બધા બૉમ્બ ફેંક્યા હોય. આ યુદ્ધમાં દરરોજના 5000થી વધારે બૉમ્બ ભારત તરફથી ફેંકવામાં આવતાં હતાં. યુદ્ધના અતિ મહત્ત્વનાં સત્તર દિવસોમાં રોજ આર્ટીલરી બેટરીથી અંદાજે એક મિનિટમાં એક રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવતું હતું. યુદ્ધ દરમિયાન આશરે પચાસ હજાર જેટલા ગોળા અને રોકેટ છોડવામાં આવ્યાં હતાં. ત્રણસોથી વધારે તોપ, મોર્ટર, અને રોકેટ લોન્ચર વપરાયા હતાં.

યુદ્ધનું બહુ મોટું નુકસાન ભારત અને પાકિસ્તાન બંને પક્ષોએ ભોગવવું પડ્યું હતું. ઈ. સ. 1999માં તત્કાલીન વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીએ 26 જુલાઈને દર વર્ષે 'કારગિલ વિજય દિવસ' તરીકે મનાવવાનું જાહેર કર્યું. ત્યારથી દર વર્ષે આ દિવસ કારગિલ યોદ્ધાઓ અને શહીદોના માનમાં રાજધાની દિલ્હી અને કારગિલ વિસ્તારમાં ઉજવવામાં આવે છે.

ઉપરાંત, ભારતનાં પ્રધાનમંત્રી આજનાં દિવસે ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિ ખાતે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપે છે.

યુદ્ધને લગતી પૃષ્ઠભૂમિ ભાગ 1માં રજુ કરી છે. હવે બાકીની માહિતી ભાગ 2માં રજુ કરું છું.

મળતી માહિતી મુજબ, પાકિસ્તાનની ઘુસણખોરીની માહિતી મળતાં જ 5 મે 1999નાં રોજ કેપ્ટન સૌરભ કાલીયા સહિત 6 જવાનો ત્યાં પહોંચી ગયા હતા. પરંતુ પાકિસ્તાની સેનાએ તેમને ઘેરી લઈને પકડી લીધા હતા. ત્યારબાદ તેઓનાં મૃતદેહ એકદમ ક્ષોભનીય અવસ્થામાં મળ્યા હતા.

આ દુર્ઘટના બાદ જ કારગિલનું યુદ્ધ શરુ થયું હતું. સીમાની ઊંચાઈ પર રહેલ તમામ પોસ્ટ પર પાકિસ્તાનનો કબ્જો હોવાથી ભારત માટે આ યુદ્ધ જીતવું ખૂબ જ મુશ્કેલ હતું. તેમ છતાં પણ ભારતીય સૈન્યએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો.

ઈ.સ. 1999માં કારગિલ ક્ષેત્રમાં યુદ્ધ શરુ થવાનાં કેટલાંક અઠવાડિયા પહેલાં જ પરવેઝ મુશરફે હેલિકોપ્ટરમાં બેસીને નિયંત્રણ રેખા પાર કરી હતી અને ભારતીય સીમામાં અગિયાર કિલોમીટર સુધી અંદર આવી ત્યાંના જિકરિયા મુસ્તકાર નામનાં સ્થળે રાત્રિ રોકાણ કર્યું હતું.

મળતી માહિતી મુજબ ઈ.સ. 1998માં જ્યારે પાકિસ્તાને પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારથી જ એ આ યુદ્ધની તૈયારી કરી રહ્યું હતું. તેણે પોતાનાં પાંચ હજાર સૈનિકો તૈયાર કર્યા હતા. પાકિસ્તાની સેનાએ આ પાંચ હજાર સૈનિકોને કારગિલ પર ચઢાઈ કરવા મોકલ્યા હતા.

આ યુદ્ધની મહત્ત્વની વાત એ હતી કે પાકિસ્તાનની વાયુસેનાને આ વિશે કોઈ જ માહિતી ન હતી. આથી જ્યારે પાકિસ્તાનની વાયુસેના પાસે મદદ માંગવામાં આવી ત્યારે એરફોર્સ ચીફે ના પાડી દીધી હતી.

આનાથી ઊલટું, જ્યારે પાકિસ્તાની સેના ઉંચા પહાડો પરથી ભારતીય સેના પર ગોળીબાર કરી રહી હતી ત્યારે ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેન મદદે આવ્યાં હતાં. આ યુદ્ધમાં ભારતીય વાયુસેનાએ મિગ 27 અને મિગ 29 જેવા ફાઈટર પ્લેનનો ઉપયોગ કર્યો હતો. મિગ 29 વિમાન દ્વારા પાકિસ્તાની ચોકીઓ પર R 77 મિસાઈલ નાંખવામાં આવી હતી.

કારગિલ યુદ્ધ શરુ થયાં બાદ 11મી મેથી ભારતીય વાયુસેના આર્મીની મદદે આવી હતી. આ યુદ્ધમાં વાયુસેનાના કુલ 300 વિમાનો ઉડાન ભરતાં હતાં. કારગિલ સમુદ્રની સપાટીથી આશરે 16000 ફૂટથી 18000 ફૂટ જેટલી ઉંચાઈએ આવેલ છે. આથી અહીં ઉડાન ભરવા માટે વિમાને આશરે 20000 ફૂટની ઉંચાઈએથી ઉડાન ભરવી પડે. જો આ સ્થિતિમાં હવાનું દબાણ 30%થી ઓછું હોય તો પાયલોટનો શ્વાસ રૂંધાઈ શકે છે અને તેનું મૃત્યુ પણ થઈ શકે છે. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાનાં પણ પૂરતાં કારણો છે.

આવી અત્યંત અને વિષમ પરિસ્થિતિમાં પણ ભારતીય વાયુ સેનાના જવાનોએ ખૂબ જ બહાદુરીપૂર્વક પાકિસ્તાની સેનાનો સામનો કર્યો અને પોતાની વીરતા અને સાહસનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

ઉર્દુ ડેલીમાં છપાયેલા એક સમાચાર મુજબ નવાઝ શરીફે કબૂલ કર્યું હતું કે આ યુદ્ધમાં તેમને ઘણું નુકસાન વેઠવું પડ્યું હતું. તેમનાં 2700થી વધુ સૈનિકો માર્યા ગયા હતા.

અંતે, 26 જુલાઈ 1999નાં રોજ ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને તમામ પ્રકારે પરાસ્ત કર્યા બાદ યુદ્ધ સમાપ્તિની ઘોષણા કરવામાં આવી હતી. ભારતીય જવાનોએ કારગિલની ટોચ પર તિરંગો લહેરાવી પોતાની તાકાતનો પરિચય આપ્યો હતો.

વાંચવા બદલ આભાર.
- સ્નેહલ જાની

બીજા રસપ્રદ વિકલ્પો