T 52 B
By : I I Shaikh
ભારતીય રેલ્વેના 18 ક્ષેત્રીય ઘટકો પૈકીના એક એવા પશ્ચિમ રેલ્વે-મુંબઇ ઝોન હેઠળના વિભાગીય કાર્યક્ષેત્ર વડોદરા ડિવિઝન મા "A" કેટેગરી ધરાવતું અંકલેશ્વર જંકશન રેલવે સ્ટેશન મુંબઈ સેન્ટ્રલ થી ઉત્તર દિશામા 312 km અને સુરત જંકશન થી ઉત્તર દિશામા 49 km ના અંતરે આવેલ છે. અંકલેશ્વર જંકશન થી વધુ ઉત્તર દિશામા 10km ના અંતરે આગળ જતા નર્મદા નદી પાર કરતા ભરૂચ જંકશન રેલ્વે સ્ટેશન આવે છે. અંકલેશ્વર અને ભરુચને જોડતો નર્મદા નદી પર 1935 ના વર્ષ બંધાયેલ 1.4km લંબાઈનો ભારતીય રેલ્વે નો "સિલ્વર જ્યુબ્લિ બ્રિજ" છે. આજ "સિલ્વર જ્યુબ્લિ બ્રિજ" ને સમાંતર પુર્વ દિશામા થોડાજ અંતરે 1881 ના વર્ષમા બંધાયેલ 1.4km લંબાઈનો "ગોલ્ડન બ્રિજ" આવેલ છે. મુળ સ્વરૂપે "ગોલ્ડન બ્રિજ" જ રેલ્વે વ્યવહારનો પુલ હતો પરંતુ "સિલ્વર જ્યુબ્લિ બ્રિજ" ના બાંધકામ પછી "ગોલ્ડન બ્રિજ" માર્ગ વાહન વ્યવહાર માટે પરિવર્તિત કરવામા આવેલ છે. આમ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન નર્મદા નદીના દક્ષિણ કિનારા થી આશરે 8.5km ના અંતરે દક્ષિણ દિશામા આવેલ છે.
અંકલેશ્વર જંકશન રેલ્વે સ્ટેશનને સમાંતર અડીને પુર્વ દિશામા જૂનો નેશનલ હાઇવે નમ્બર 08 તથા નવો નેશનલ હાઇવે નમ્બર 48 પસાર થાય છે. અંકલેશ્વર જંકશન રેલ્વે સ્ટેશને શરૂઆતમા બ્રોડગેજ રેલવે લાઇનના કુલ 03 પકેટફોર્મ તથા નેરો ગેજ રેલવે લાઈનના કુલ 02 પ્લેટફોર્મ હતા, આમ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન કુલ 05 પ્લેટફોર્મ ધરાવતુ હતું જે બાદમા નેરોગેજ રેલવે લાઈન બંધ થઈ જતા બ્રોડગેજના કુલ 04 પ્લેટફોર્મ ધરાવતું સ્ટેશન બન્યું. અહીં નોંધવા વાળી વાત એ છે કે આજની તારીખે સુરત જંકશન રેલવે સ્ટેશન પણ 04 પ્લેટફોર્મ જ ધરાવે છે.
જો કોઈ વ્યક્તિ ટ્રેન માર્ગે મુંબઇ અથવા વડોદરા તરફથી અંકલેશ્વેર મુસાફરી કરે તો GIDC ની કેમિકલ/ફાર્માસ્યુટિકલ કંપનીથી છોડવા મા આવતા દુર્ગન્ધ મારતા ગેસ થી પ્રદુષિત થયેલ વાતાવરણ તેનો સ્વાગત કરે છે પરંતુ સ્થાનિક રહેવાસીઓના આ વાતાવરણમા વર્ષોથી ટેવાય જવાના કારણે આ પ્રદુષિત દુર્ગંધ મારતા વાતાવરણની તેમના જીવનમાં કોઈ અસર વર્તાતી નથી આમ સ્થાનિક શહેરીજનો માટે તો આ પ્રદુષિત વાતાવરણ હોવા છતા અન્ય શહેરોના વાતાવરણની જેમ સામાન્ય છે.
જો ટ્રેનમા ભરૂચ થી અંકલેશ્વર આવશો તો નર્મદા નદી પાર થતા જ સર્પાકાર વણાક લઈ ટ્રેન અંકલેશ્વરમા પ્રવેશ કરશે અને ડાબા હાથે સમાંતર માર્ગ વાહન વ્યવહાર ના ઉપયોગ નો ગોલ્ડન બ્રિજ થી નીકળતો જુના નેશનલ હાઈવે 08 નો રસ્તો દેખાશે જેની પર મુસાફરી કરતા વાહનો છેક અંકલેશ્વર રેલવે સ્ટેશન સુધી ટ્રેન સાથે હરીફાઈ કરતા જણાશે અને સાથોસાથ આ"ગોલ્ડન બ્રિજ" તરફ ધ્યાનથી જોશો તો તેના લોખંડના અલગ અલગ ગાળા ઉપર અલગ અલગ પ્રકારની ભૌમિતિક ડિઝાઇન ઉધભવતી અને લુપ્ત થતી જણાશે. જેમ અંકલેશ્વર સ્ટેશનની નજીક પહોંચશો તેમ રેલવે ટ્રેક અને જુના નેશનલ હાઈવે 08 ઉપરથી પસાર થતો અને શહેરનાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો ONGC બ્રિજ અને બાદમા ડાબી બાજુએ કન્ટેનર યાર્ડમા પડેલ વિવિધ રંગી કન્ટેનર તમને અંકલેશ્વર રેલવે સ્ટેશન આવી ગયાની ટકોર કરશે.
જો તમે ટ્રેન મા સુરત તરફથી અંકલેશ્વર આવશો તો પાનોલી રેલવે સ્ટેશન પછી જમણા હાથે સમાંતર માર્ગ વાહન વ્યવહાર ના ઉપયોગ નો નેશનલ હાઈવે 48 નો રસ્તો દેખાશે જેની પર પુર ઝડપે જતા હલ્કા અને ભારે થી અતિ ભારે વાહનો અવરજવર કરતા દેખાશે અને અંકલેશ્વર રેલવે સ્ટેશન પહોંચતાં પહેલા ભંગારના વેપારીઓના સંખ્યા બન્ધ ગોડાઉનો પણ દેખાશે.
ટ્રેન અંકલેશ્વર રેલવે સ્ટેશન પ્રવેશ કરે તે પહેલા ડાબા હાથે ધ્યાન જશે તો ૧૯૨૮ ના વર્ષમાં બંધાયેલ બ્રિટિશ કાળની અદભુત સ્થાપત્ય બાંધકામ ધરાવતી શૈક્ષણિક સંસ્થા જોવા મળશે જે વિશાળ વિસ્તારમાં પથરાયેલી છે. વાસ્તવમાં આ શૈક્ષણિક સંસ્થા વોકેશનલ ટ્રેનિંગ કોલેજ એટલે કે V.T.કોલેજ કે બીજા અર્થમાં PTC કોલેજ તરીકે કાર્યરત છે અને આજ કોલેજ સંચાલિત ધોરણ 1 થી 7 સુધી શિક્ષણ આપતી પ્રાથમિક શાળા છે જેની જાહોજલાલીના યુગમાં મેં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે તથા મારા સ્વભાવમા આવેલી સકારાત્મકતા/નકારાત્મકતા પૈકીના ફક્ત સકારાત્મક પાસાઓનુ સિંચન આજ શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવેલ જેનો મને ગર્વ છે અને તે શિક્ષકોનો મારા ઉપર ઉપકાર છે ઉપરાંત મારા સ્વભાવમા આવેલ નકારાત્મક પાસાઓ બાબતે આ શાળા કે આ શાળાના શિક્ષકોની કોઈ જવાબદારી નથી. કમનસીબે આજના દિવસે આ શાળા પોતાની ભવ્યતા ગુમાવી બેઠી છે તે આ શાળાની કમનસીબી નથી પરંતુ શહેરમાં વસતા અને ખાસ કરીને આજ શાળાના આસપાસ રહેતા ગરીબ પરિવારના બાળકોની કમનસીબી છે કારણ કે એક સમયે આ શાળા ગરીબ કે અમીર બાળકોનું ભેદભાવ કર્યા વગર નિસ્વાર્થ ભાવે લોક કલ્યાણની ભાવનાથી શિક્ષણ દાનમા આપતી હતી અને આ દાન મેળવ્યાનો મને ગર્વ છે પરંતુ આ દાન આપનારી દિલદાર સંસ્થાની દયનીય પરિસ્થિતિ નો હું પોતે સાક્ષી બનેલ છે તેનું મને જીવનભર દુઃખ રહેશે કારણકે આ શાળા જ નહીં પરંતુ આ શાળાની ચતુરદિશામા ફેલાયેલી જમીન સાથે મારી વર્ષોની યાદો છે તથા આ શાળાના રમતના મેદાન, તેની આસપાસના ખેતરો, તેની આસપાસ આવેલ વૃક્ષો અને તેની નજીક આવેલ ટીચર કોલોની સાથે મારે જીવનભરનો નાતો છે.
અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 01 ઉપર ટ્રેનમાંથી ઉતરશો તો રેલવે પ્લેટફોર્મ ની હદ નક્કી કરતી લોખંડની વાડ દેખાશે અને આ વાળને અડીને સામેના ભાગે રેલવેમા ફરજ બજાવતા કર્મચારીઓના બ્રિટિશકાળના રહેણાંકના બેઠા અતિ સુંદર કમ્પાઉન્ડ વાળા સરકારી મકાનો દેખાશે. પ્લેટફોર્મ ઉપર ચાલતા ચાલતા આગળ વધશો તો RMS રેલ્વે પોસ્ટ ઓફિસ દેખાશે જેમાંથી એક રસ્તો સીધો સ્ટેશનની બહાર જતો દેખાશે જે ટૂંકો રસ્તો હોવા છતાં જાહેર જનતા માટે પ્રવેશ નિષેધ હોય અને એ રસ્તા નો ઉપયોગ ફક્ત રેલવે સ્ટાફના માણસો ને કરતા જોઈ સામાન્ય મુસાફરો ને તે રસ્તાનો ઉપયોગ નહિ કરી શકવાનો રંજ રહી જાય છે. આ પોસ્ટ ઓફિસના ઉપરના ભાગેથી શહેરના પૂર્વ અને પશ્ચિમા વિસ્તારને જોડતો રાહદારીઓ માટે નો રેલવેની માલિકીનો ફૂટ ઓવર બ્રિજ આવેલ છે. પોસ્ટ ઓફિસ થોડે આગળ જતા રેલવે સ્ટોલ આવે છે અને રેલવે સ્ટોલ થી આગળ જતા રેલ્વે સ્ટેશનની સરકારી કચેરીઓ ના મકાન આવેલ છે. રેલ્વે પ્લેટફોર્મ થી બહાર નીકળવા સારું ડાબા હાથે વળતા રેલવે સ્ટેશનનું મુસાફરખાનું અને ટિકિટબારી આવેલ છે આ મુસાફરખાના માં અન્ય એક રેલવે સ્ટોલ આવેલ છે.
મુસાફરખાના માંથી બહાર નીકળતા રીક્ષા સ્ટેન્ડ આવેલ છે તથા રીક્ષા સ્ટેન્ડ ના બહારના ભાગે રેલ્વે સ્ટેશનની હદ નક્કી કરતું એક્ઝીટ ગેટ આવેલ છે. જો મુસાફરખાના થી બહાર નીકળી તરત ડાબા હાથે વળી જવામાં આવે તો રેલવે સ્ટેશનની કચેરીના મકાનનો પાછળનો ભાગ આવેલ છે અને જમણા હાથે શહેરને પૂર્વ અને પશ્ચિમ મેં જોડતા રાહદારીઓ માટેના ફૂટ ઓવરબ્રિજ નો ચઢાણ નો પ્રવેશ શરૂ થાય છે અને આજ પુલ ને અડીને જમણી બાજુ રેલવેની હદ નક્કી કરતી લોખંડની વાડ આવેલ છે જેની બહારના ભાગે થી એક જાહેર રસ્તો પસાર થાય છે જે મારા સ્વપ્નની શાળા વોકેશનલ ટ્રેનિંગ કોલેજ તરફ જાય છે પરંતુ તે પહેલા આ રસ્તા ઉપર જમણા હાથે જોતા મારા નાનપણના સમયથી કદી ઉપયોગમા ન આવેલુ ભુત બંગલાની ચાડી ખાતુ માનનીય ન્યાયાધીશો માટેનુ સરકારી મકાન દેખાય છે જ્યાંથી વધુ થોડે આગળ જતા ડાબા હાથે રેલવે કોલોનીનુ મકાન નમ્બર T 52 B નો પાછળના ભાગનો પ્રવેશ દ્વાર આવે છે.
પરંતુ જો મુસાફરખાના થી બહાર નીકળી જો ડાબા હાથે તરત વળી જાઓ અને આગળ ચાલતાં જાવ તો રેલવેની કચેરીઓના પાછળના ભાગ દેખાય છે અને પછી ફરીથી તે જ પોસ્ટ ઓફિસ આવે છે કે જેમાથી રેલવે સ્ટાફના લોકો બહાર નીકળવા માટે શોર્ટ કટ તરીકે ઉપયોગ કરતા હોય છે તેનો બહારનો ભાગ આવે છે. આ પોસ્ટ ઓફિસથી આગળ જતાં ઉપર જોતા ફરીથી તેજ રેલવેનો રાહદારીઓ માટે નો ફૂટ ઓવરબ્રિજ પસાર થતો દેખાય છે અને ત્યારબાદ આ ઓવરબ્રિજના નીચેથી પસાર થઈ આગળના ભાગે જતા એક સાંકડો રસ્તો પસાર થાય છે જે ફક્ત ટુ વ્હીલર વાહનોના ઉપયોગમાં આવી શકે એટલી પહોળાઈ નો છે અને સરકારી મેટલના પથ્થરો વાળો ખરબચડો ઉબળ ખાબળ સપાટી વાળો છે. આ રસ્તાની ડાબી બાજુ ફરીથી રેલવે પ્લેટફોર્મ ની હદ નક્કી કરતી સામાન્ય બાળક પણ કૂદી શકે એટલે ઊંચાઇની લોખંડની વાડ છે અને જમણી બાજુએ રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવતા કર્મચારીઓના બ્રિટિશકાળના રહેણાંકના બેઠા અતિ સુંદર કમ્પાઉન્ડ વાળા સરકારી મકાનો દેખાશે. રેલવેની લોખંડની વાડ ને અડી ને આંબલીનું વર્ષો જૂનું મહાકાય વૃક્ષ આવેલ છે અને આ વૃક્ષના નીચે રેલવેની પ્રાથમિક સારવારની સુવિધાવાળી એક ઓરડી આવેલ છે જે ઓરડી ની અંદર શું છે તે મારી સાથે જે બાળકોનો બાળપણ તે રેલવે કોલોનીમા વિત્યું છે તેમના માટે આજ દિન સુધી રહસ્ય જ રહી ગયેલ છે. આ રસ્તાની જમણી બાજુએ રેલવે કર્મચારીઓના રહેવા માટેના બેઠા કમ્પાઉન્ડ વાળા સરકારી મકાનો પૈકી ત્રીજા નમ્બરે એક મકાન T 52 B છે.
આ T 52 B સંઘર્ષની ગાથા છે, આ T 52 B ધીરજ ની પરાકાષ્ઠા છે, આ T 52 B ત્યાગ અને બલિદાન નું સ્મારક છે, આ T 52 B શિસ્તની શાળા છે, આ T 52 B દિલદારીનો દરિયો છે, આ T 52 B ખુશીઓનો ખજાનો છે, આજુબાજુના રહીશોનો મેળો છે, આ T 52 B તહેવારોનો મેદાન છે, આ T 52 B તરસ્યાઓ માટે સાગર છે, આ T 52 B વિશ્વાસનું પ્રતિક છે, આ T 52 B આશાનું કિરણ છે, આ T 52 B પ્રગતિનો પાયો છે, આ T 52 B સમૃદ્ધિનો સારથી છે અને આ T 52 B આજે તેના પરિવારની સફળતાઓનો સાક્ષી છે.
આ T 52 B એ બધાને સુખી અને સમૃદ્ધ કર્યા છે.
કમનસીબે મારી શાળા અને મારા T 52 B ની જાહોજલાલી અને અને તેનું પતન એક સાથે થયું.
પરંતુ સત્ય એ પણ છે કે મારી શાળા અને મારા T 52 B એ મારા જીવનના ઘડતરની જવાબદારી નિભાવ્યા સુધી ટકી રહેવાનું મારા ઉપર ઉપકાર કર્યું છે.
મારા મતે મારી શાળા જેવી કોઈ શાળા નથી અને T 52 B જેવું કોઈ ઘર નથી.
T 52 B
By : I I Shaikh