Visit to a prison inmate books and stories free download online pdf in Gujarati

જેલના કેદીની મુલાકાત

નમસ્કાર! આજે હું આપ સમક્ષ એક હૃદયને સ્પર્શતી વાર્તા લખવા જઇ રહ્યો છું. વાર્તાનો અંત આપને વિચારતા કરી મુકશે. ઘણા દિવસો સુધી વિચાર્યા પછી આ હૃદયસ્પર્શી વાર્તા લખી છે. એકાંત ચિત્ત થી વાંચશો. આભાર!

"જેલના કેદીની મુલાકાત"



હાશ! આજે મારી કોલેજનો છેલ્લો દિવસ હતો અને હું હમણાં જ TATA ની કંપનીમાં ઇન્ટરવ્યૂ આપીને આવ્યો હતો અને સદનસીબે મને જોબ લાગી ગઈ હતી. હવે ભણવાનું પૂરું અને મારી જિંદગીની નવી સફર શરૂ થવા જઈ રહી હતી.

૧ મહિના પછી મારે જોબ પર જવાનું હતું તેથી મેં મારી સાથે કોલેજમાં ભણતી પલક સાથે બહાર કશે જવાનું નક્કી કર્યું. અમે બન્ને કોલેજમાં સાથે ભણ્યા હતા એ મને ઘણી મદદ કરતી હતી એના લાંબા-સુંવાળા વાળ, અણિયાળુ નાક, વિશાળ કપાળ, નયનરમ્ય આંખોને શોભાવતી કાળી ઘટાદાર ભ્રમર અને મુલાયમ હોઠ! અને તેના શરીરમાંથી મંદ મંદ વહેતી ખુશ્બુ! ખરેખર પ્રભુની આ કરામત જોઈને હું તેના પ્રેમમાં પડવા લાગ્યો હતો!

કોલેજની પરિક્ષાઓના ટેનશન ના કારણે અમે લાંબા સમયથી મળ્યા ન હતા તેથી અમે બંને આજે ગાર્ડન માં મળવાનું નક્કી કર્યું.
હું બાંકડા પાર બેસી પલક નો ઇન્તેજાર કરી રહ્યો હતો એવામાં ભારતીય સંસ્કારી પોષકથી સજ્જ પલક મારી સામે આવીને ઉભી રહી ગઈ! એનો અંદાજ, સુસ્મિત નિર્દોષ મુખ! હું મનોમન આફરીન પોકારી રહ્યો! અમે બંને બેસીને ઘણી વાતો કરી, જુના સંસ્મરણો વાગોળ્યા.

અને હવે સાંજ પડી જતા, અમે છુટા થવાનું હતું. અમે બાંકડા પરથી ઉભા થવા જતા હતા. ખચાક !! આ શું! હું કઈ સમજુ એ પહેલાં જ એક બુકાનીધારી જુવાન પલકના હાથમાંથી પાકીટ જોરથી ખેંચીને ભાગી રહ્યો હતો! જોરથી પાકીટ ખેંચવાથી પાકીટની અણીદાર ધાર પલકના હાથને લોહીલુહાણ કરી મુક્યો હતો! મેં પલકના હાથમાં મારો રૂમાલ બાંધ્યો અને ચોર તરફ જોયું તો એ ઘણો દૂર નીકળી ગયો હતો. આહ! પળભરમાં જ ઘટના બની તેથી અમે બંને હેબતાઈ ગયા હતા.

મનમાં દુઃખ અને હતાશા સાથે હું મારા ઘરે પહોંચ્યો. એ રાતે મને બીલકુલ ઊંઘ ન આવી. એક મનુષ્ય કેમ બીજાને દુઃખી કરતો હશે? કેમ લોકો ચોરી જેવી નિમ્ન કાર્ય કરતા હશે? બીજાને દુઃખ પહોંચાડી ને એમને શુ મળતું હશે? ૫૦-૬૦ વર્ષની જિંદગી મળી છે તો શાંતિથી કેમ જીવતા-જીવવા દેતા નથી? મને એ પેલા બુકાનીધારી ચોર પર બહુ ગુસ્સો આવતો હતો પરંતુ મેં વિચાર્યું કે આમ ગુસ્સો કરવાથી કઈ નહીં વળે, આના મૂળ સુધી પહોંચવું જોઈએ. લોકો ચોરી શા માટે કરે છે એનું કારણ જાણવું જોઈએ તેથી મેં વિચાર્યું મારે ચોરોના નિવાસસ્થાન "જેલ"માં જવું જોઈએ.

બીજે દિવસે હું વડોદરા સ્થિત જેલરોડ પર આવેલી "જેલ"માં પહોંચી ગયો. પહેલી વાર જેલમાં ગયો હોવાથી ડર લાગતો હતો. હું અંદર ગયો તો પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અજયન એ મને અહીં આવવાનું કારણ પુછ્યું. મેં "ફેકલ્ટી ઓફ બીહેવીયર સાયન્સ" નું બનાવટી આઈ-કાર્ડ અને બનાવટી સંમતિપત્ર બતાવતા કહ્યું, મને કોલેજ માંથી એક પ્રોજેક્ટ કરવાનો છે જેના અંતર્ગત મારે જેલના કેદીઓની પૂછપરછ અને કાઉન્સેલિંગ કરવાની છે."
ઇન્સ્પેક્ટરે આઈકાર્ડ અને સંમતિપત્ર માંગ્યું. મેં પુરાવા આપ્યા. ઇન્સ્પેક્ટર સાહેબ ધ્યાનથી મારા પુરાવા જોઈ રહ્યા હતા! હું મોટું રિસ્ક લઈ રહ્યો હતો. મારા કપાળે પરસેવાની લહેર આવી ગઈ! ઇન્સ્પેક્ટરે પૂછ્યું કેમ અચાનક આટલો પરસેવો? ઓહ! મને એમ કે મેં બનાવટી પુરાવા આપ્યા છે પકડાયા વગર રહેશે નહીં ઉલટાનું મારે જેલમાં જવું પડશે! મેં હસતા હસતા કીધું, સાહેબ, પહેલી વાર જેલમાં આવ્યો છું તેથી થોડો ડર લાગે છે એટલે પરસેવો આવી ગયો. સાહેબે પણ હસી દીધું અને મને અંદર જાવા દીધો!

હાશ!

હું સૌ પ્રથમ એક કોટડીમાં ગયો ત્યાં ૪ કેદીઓ કેદ હતા. હું સળિયાની બહાર અને કેદીઓ સળિયાની અંદર! કેદીઓને જોતા હું મનોમન ગુસ્સે થઈ ગયો હતો શુ કામ એવું કામ કરતા હશે કે અહીં આવવું પડે?! મેં મારો ગુસ્સો કાબુમાં રાખ્યો અને એક કેદીને કહયુ, હું મારા કોલેજના પ્રોજેક્ટ અંતર્ગત અહીં આવ્યો છું અને તમારા સાથે થોડી પૂછપરછ કરવી છે."
અહો આશ્ચર્યમ્ ! કેદીઓ સામાન્ય રીતે ગુંડા જેવા હોય છે એટલે મને લાગ્યું કે ગુંડાગીરીથી વર્તન કરશે, પણ આશ્ચર્ય! એ કેદીએ અતિ વિનર્મ સાથે કહ્યું" નજીક આવ બેટા, હું તારો પૂરો સાથ આપીશ". હૃદયના ધબકારા જોર જોરથી ધબકી રહ્યા હતા.

મેં નોટબુકમાં પેનથી કૈક લખતો હોવ એવો ઢોંગ કરીને પૂછ્યું, તમારે અહીં કેમ આવવું પડ્યું? કેદી એ લાંબો નિસાસો નાખીને કહ્યું, બેટા, મારુ નામ રાકેશ. મેં આજથી દોઢ વર્ષ પહેલાં મોબાઈલની દુકાનમાંથી ચોરી કરતા પકડાયો હતો. મેં તુચ્છ ભાવ સાથે ચોરી કરવાનું કારણ પૂછ્યું.

કેદી રાકેશે એની આપવીતી વર્ણવતા કહ્યું," હું જીઆઇડીસીમાં ખાનગી ફેકટરીમાં ૧૦,૦૦૦ ની નોકરી કરતો હતો. મારા પરિવારમાં પત્ની અને એક ૧૪વર્ષીય પુત્રી છે. અમે લોકો સાદાઈમાં જીવન પસાર કરતા હતા. મહિનાના અંતે બચત જેવું બચતુ ન હતું છતાં જીવનમાં સંતોષ હતો પરિવાર પ્રત્યે પ્રેમભાવ હતો ખૂબ સરસ જિંદગી ચાલી જતી હતી. એવામાં મારી દીકરીએ મારે સમક્ષ સ્માર્ટ ફોન અપાવવાની જીદ કરી. મારી પાસે બચતના પૈસા પણ ન હતા ને સ્માર્ટફોન ક્યાંથી લાવું? પણ સાહેબ, નસીબદારને ત્યાં જ દીકરી જન્મ લે છે હું મારી દિકરીથી ઘણો ખુશ હતો. હું એને દુઃખી કરવા નહોતો માંગતો. ખરેખર એક પિતા માટે એની દીકરી જ સર્વેસર્વા હોય છે. જે ખુશીથી દીકરી સ્માર્ટફોન માંગી રહી હતી એ જોતાજ મને લાગ્યું કે હું કેટલો ખીશનસીબ છુ, કે મારે ત્યાં આ ફૂલ જેવડી દીકરી એની મુસ્કાનથી ઘર સ્વર્ગ બનાવી દે છે.! અમે એ બિચારી નાની ભોળી દીકરીને ઘરની ગરીબ સ્થિતિનો અનુભવ સુધ્ધાં થવા દીધો ન હતો. પણ ખરેખર એની બધી બહેનપણીઓ પાસે સ્માર્ટફોન હોય અને ખાલી મારી કુમળી-એકનીએક દીકરી પાસે જ ન હોય તો એને ખરાબ ન લાગે? હું તેને નિરાશ થવા દેવા માંગતો ન હતો. અને હું મધ્યમવર્ગીય પરિવારવાળો, કોઈની પાસે પૈસા માટે હાથ નો ફેલાવીએ. તેથી મેં મોબાઈલની દુકાનેથી ચોરી કરવાનો ઈરાદો કર્યો. મને ચોરી નોતી કરવી પણ એની બધી બહેનપાણીઓના હાથમાં મોબાઈલ હોય અને મારી દીકરીનો હાથ ખાલી હોય એટલે મારુ જીવન નકામું! તેથી મેં એક રાતે ચોરી કરી એ જ રાતે CCTV કેમેરામાં પકડાઈ ગયો. મને ૨ વર્ષની સજા મળી અને મેં મારી પત્નીને કીધું હતું કે" મારી દીકરીને મારી સજા વિશે ના કહેતી, એમ કહેજે કે પપ્પાની બીજે નોકરી લાગી છે એટલે બહાર ગયા છે" બસ આટલું કહીને હું અહી જેલમાં ૨ વર્ષથી પીડાઈ રહ્યો છું"

રાકેશકેદીની વાત સાંભળીને મારી આંખોમાં ઝળહળીયા આવી ગયા. ઓહ ! કુદરતની કમાલ! એના મુખ પરની દુઃખદ વેદના તેની દીકરીની ખુશીમાટે કરેલો નિષ્ફળ પ્રયત્ન બતાવતી હતી. ખરેખર, એની વાત, ચહેરા પરના હાવભાવ, દીકરીની યાદમાં સુકાઈ ગયેલું શરીર, દીકરીની ચિંતામાં સફેદ પડી ગયેલા વાળ ! સાચે રાકેશકેદીની આપવીતી સાંભળી હૃદયમાં એક કંપારી છૂટી ગઈ!

એવામાં રાકેશકેદીએ મને ધીરે રહીને કીધું' સાહેબ, તમારો ફોન આપશો? મેં દોઢ વર્ષથી મારી પત્ની સાથે વાત કીધી નથી. મને મારી દીકરીની ખૂબ ચિંતા સતાવે છે એ નાનું ફૂલ શુ કરતું હશે મારા વગર? મારી યાદ આવતી હશે? દોઢ વર્ષથી એનો અવાજ સાંભળ્યો નથી. સાહેબ હું આજીજી કરું છું ખાલી ૨ મિનિટ તમારો ફોન આપશો? અહીંયા જેલમાં ફોન કરવાની સખત મનાઈ છે પણ તમે જ એવા પહેલા વ્યક્તિ છો જેને મારી પુરી આપવીતી સાંભળી હોય!.

હવે મારો વારો હતો. મેં ઊંડે સુધી વિચાર્યું કે ફોન આપવો કે નહીં. રાકેશકેદીની આંખોમાં એની દીકરીનો અવાજ સાંભળવાનું ઝનૂન સ્પષ્ટ દેખાઈ આવતું હતું. જો કેદીને ફોન આપીશ તો કાયદાકીય રીતે મેં ગુનો કર્યો જણાશે. પરંતુ પુરી હકીકત જાણ્યા પછી મેં તરણ કાઢ્યું, દર વખતે લાલચ જ મનુષ્યને ગુનો કરાવતો નથી કેટલીક વાર મજબૂરી પણ મનુષ્યને ગુનો કરવા પ્રેરે છે. તેથી મેં કાયદાને બાજુ પર મૂકીને ધીરે રહીને મારો મોબાઇલ કેદીના હાથમાં મૂકી દીધો
.
જાણે નરકમાં સ્વર્ગનો અહેસાસ થયો હોય એમ કેદીના મુખઅંગો પ્રફુલ્લિત થઈને મને આભાર માનતા હતા.
કેદી મારો મોબાઈલ લઈને અંદર દૂર જતો રહ્યો અને

મેં મારી નોટમાં દિવાસભરનું મૂલ્યાંકન કરતા લખ્યું, "દરેક માણસને જીવન જીવવાનો અધિકાર છે. દરેક આંગળા સરખા હોતા નથી એમ દરેક માણસ અમીર હોતો નથી. બધા માણસો સરખા વિચારો-વ્યક્તિત્વ લઈને જન્મ્યા હોય છે પણ તેમની આસપાસનું વાતાવરણ તેમને સારું-ખરાબ બનાવી દે છે. અને ખરાબ વાતાવરણમાં જન્મ થવો એ માણસનો ગુનો નથી. તેથી આપણે સૌ એકબીજાના ભાઈઓ-બહેનો છીએ. આપણે એક જ વિચારો-વ્યક્તિત્વોથી બન્યા છીએ ખાલી આસપાસનું વાતાવરણ અલગ હોય છે તેથી કોઈ ખરાબ કામ કરે તો તેને માફ કરી દઈને જીવનનો સાચો રસ્તો બતાવવો જોઇએ"

--------------સમાપ્ત--------------

પ્રિય વાચક મિત્રો! તમને આ કૃતિ કેવી લાગી એનું મંતવ્ય આપશો. કંઈક ભૂલ/સુધારણા હોય તો તે પ્રતિ ધ્યાન દોરશો.

કૃતિ આખી વાંચવા બદલ આભાર👍

બીજા રસપ્રદ વિકલ્પો