To be a fan of a writer is to be like Geoffrey Brithoid books and stories free download online pdf in Gujarati

કોઈ લેખક ના ચાહક હોવું તો જ્યોફ્રી બૃથોઇડ જેવા હોવું



ઇયાન ફ્લેમિંગ કૃત 'જેમ્સ બોન્ડ 007'ની કથાઓમાં શસ્ત્ર નિષ્ણાત તરીકે Q નું પાત્ર કેમ અને ક્યારે આવ્યું?

1952માં બ્રિટિશ નૌકા સેનાના ગુપ્તચર અધિકારી અને પત્રકાર એવા ઇઆન ફ્લેમિંગે પોતાના કામના અનુભવ નું ભાથું લઈને લેખનની નવી કારકિર્દી શરૂ કરી. જાસૂસી કથાઓની કાબિલેતારીફ ગુંથણી અને વાંચકોને જકડી રાખે તેવું વાર્તાકથન એ ફ્લેમિંગનો બીજા વિશ્વયુદ્ધ માં ભાગ લેવાના અનુભવ નો નિચોડ હતો. ફ્લેમિંગનું પહેલું પુસ્તક, કેસિનો રોયલ, એપ્રિલમાં 1953માં પ્રકાશિત થયું અને તેની સાથે, અમર જાસૂસ પાત્ર નામે જેમ્સ બોન્ડનો જન્મ થયો. પછીથી ઇયાન ફ્લેમિંગે સળંગ બીજી 11 જેમ્સ બોન્ડ નવલકથાઓ લખી. ફ્લેમિંગે જેમ્સ બોન્ડ કથાઓ નું લેખન સમાપ્ત કર્યા બાદ બીજા અનેક કલ્પનાશીલ લેખકોએ જેમ્સ બોન્ડ ના પાત્ર ને પોતાના લેખન દ્વારા જીવંત રાખ્યું. અને આ લખાય છે ત્યાં સુધીમાં જેમ્સ બોન્ડ ઉપર 26 ફીચરફિલ્મ્સ બની ચુકી છે અને 27 મી ફિલ્મ રિલીઝ થવાની રાહ જોવાય છે.

જેમ્સ બોન્ડ, બ્રિટીશ સિક્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસ એમઆઈ 6 નો એક જાસૂસ એજન્ટ છે જેનો કોડ નંબર 007 છે. જાસૂસી મિશન બાબતે બોન્ડ ભાગ્યે જ દ્વિધા માં હોય છે. બોન્ડ કાયમ છદ્મવેશે જ કામ કરે છે જે સફળ જાસૂસનું મુખ્ય લક્ષણ છે.પણ સ્વભાવ મળતાવડો હોવો, સામાજિક મેળાવડાઓમાં ભાગ લેવો વગેરે બોન્ડની લાક્ષણિકતો છે અને આથી જ બોન્ડ નું મિશન ફેલ થવાનું કે બોન્ડ ની ચાલ ખુલ્લી પડવાનું જોખમ ઘણું વધારે રહે છે. અણધારી પરિસ્તિથી ઉભી થાય એ પેહલા જ છટકી શકાય એ માટે બોન્ડ હંમેશા તૈયારી રાખે છે. હવે, આ તૈયારીઓ અને યોજનામાં કેટલાક રસપ્રદ ગેજેટ્સ નો સમાવેશ થાય છે. કટોકટીની સ્થિતિ માં વાપરી શકાય એ માટે જ ખાસ બનાવ્યા હોય છે. સવાલ થાય કે જેમ્સ બોન્ડ માટે આ બધા ગેજેટ્સ કોણ બનાવે છે?

એ છે એમઆઈ 6 માં જ કામ કરતો એક અજબ ટેક્નિશિયન અને ડિઝાઈનર Q. કદાચ બોન્ડ ની સફળ જાસૂસી કળા કે મિશન પૂરું પડશે જ એવો ભરોસો અને ધારેલ કે અણધારી સમસ્યામાંથી બચી જવાનો બોન્ડ નો આત્મવિશ્વાસ અથવા તો બોન્ડની કુશળ નિશાનબાજી અને License to Kill આ બધું જ Q ની વિચારક્ષમતા અને કુશળતાનું પરિણામ છે.

પણ કોણ છે આ Q? ઇયાન ફ્લેમિંગ ના એક સુપરફેનને કારણે Q નામના પાત્ર નો જન્મ થયો છે .

1953 માં કેસિનો રોયલની સફળતાને કારણે ઇયાન ફ્લેમિંગને અભૂતપૂર્વ એવી એક તક મળી, કે મોટાભાગના લેખકોએ તો એવી તકનું જ સપનું જોયું હોય - કેસિનો રોયલ પ્રકાશિત કર્યા બાદ ફ્લેમિંગ દર આવતા વર્ષે બીજું એક બોન્ડ પુસ્તક લખી નાખતો અને દરેક નવું પુસ્તક છપાતા ની સાથે જ અજબ સફલતા મેળવતું. ફ્લેમિંગની જેમ્સ બોન્ડ 007 કથાઓ 1954 થી 1966 સુધી સળંગ લખાતી રહી બહાર પડતી રહી. ફ્લેમિંગ નું મૃત્યુ 1964 માં થયા બાદ પણ બીજા બે વર્ષ સુધી તેના બે પુસ્તકો પ્રકાશિત થયા. લેખનપ્રક્રિયાના આ વર્ષો દરમ્યાન ફ્લેમિંગે એકે અલાયદો અને સમર્પિત ચાહક વર્ગ ઉભો કર્યો. જ્યોફ્રી બૂથ્રોઇડ નામનો ફ્લેમિંગનો એક વાચક જરા અલગ પ્રકારનો બોન્ડચાહક હતો. બૂથ્રોઇડ બંદૂક વિષે ઘણી જાણકારી ધરાવતો હતો. બૂથ્રોઇડ, ઘણા ચાહકોની જેમ, ફ્લેમિંગને તેમની વાર્તાઓ પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત કરવા માટે પત્રો લખતો એટલું જ નહિ પણ પરંતુ આ વિશિષ્ટ ચાહક ફ્લેમિંગની ફક્ત પ્રશંસા જ નહોતો કરતો પણ કેટલીક રચનાત્મક ટીકાઓ પણ લખી મોકલતો.

ફ્લેમિંગની કથાઓનો અઠંગ વાચક એવો બૂથ્રોઇડ જેમ્સ બોન્ડનો ચાહક જરૂર હતો. બંદૂકોનો પણ ચાહક હતો, પરંતુ તે જેમ્સ બોન્ડ જે નાની બંદૂક વાપરતો તેનો ચાહક ન હતો.
બોન્ડ એ વખતે સેમી ઓટોમેટિક પિસ્તોલ વાપરતો જેને 0.25 કેલિબર ની બેરેટ્ટા તરીકે ઓળખાય છે. (આ પિસ્તોલ નું સાચું નામ બેરેટ્ટા 418 છે). આ પિસ્તોલ સાવ હથેળીમાં સમાઈ જાય એવડી જ છે. એ પિસ્તોલની રચના જ એવી રીતે થઇ છે કે તેને છુપાડી ને સાથે ફેરવી શકાય. જાસૂસ માટે અગત્યનું એ જ તો છે કે પોતે સાથે રાખેલ શસ્ત્ર ની ઓળખ છતી ન થાય. પણ તકનીકી રીતે જોતા આ પિસ્તોલ શસ્ત્ર તરીકે નબળી છે.

પિસ્તોલ ના જાણકાર એવા જ્યોફ્રી ને આ જ વાત ખૂંચતી કે બોન્ડ શા માટે આવી નબળી પિસ્તોલ વાપરે છે! તેને લાગતું કે જેમ્સ બોન્ડે કોઈ બીજી સારી પિસ્તોલ વાપરવી જોઈએ. આ ઉણપને સુધારવા માટે તેણે ફ્લેમિંગને એક વિસ્તૃત કાગળ લખ્યો જેમાં બોન્ડે શા માટે બેરેટા ન વાપરવી જોઈએ અને બોન્ડ જેવા જાસૂસ માટે બેરેટા 0.25 કેમ નબળું શસ્ત્ર છે તેની છણાવટ કરતા વિસ્તૃત સૂચનો લખી મોકલ્યા! જ્યોફ્રી ના કહેવા પ્રમાણે 'બેરેટા 0.25 એ 'છોકરીઉ વાપરે' એવી પિસ્તોલ છે. મૂળ તો નાનકડા લેડી પર્સ માં આ પિસ્તોલ સમાઈ જાય એમ છે માટે જ્યોફ્રીએ આવી ટિપ્પણી કરેલ. ફક્ત પિસ્તોલની ટીકા ન કરતા જ્યોફ્રીએ કેટલાક અન્ય સૂચનો પણ આપ્યા.

આ વિગતવાર સૂચનોથી ફ્લેમિંગ ભારે પ્રભાવિત થયો. થોડા સમય બાદ ફ્લેમિંગે જ્યોફ્રીને બે પાના ભરીને લાંબો જવાબ લખ્યો. ફ્લેમિંગે જણાવ્યું કે પોતે ખરેખર માની ગયો છે કે જ્યોફ્રીના તમામ સૂચનો ઘ્યાનમાં લેવા લાયક છે અને પોતે જ્યોફ્રીને 'કયા અને કેવા શસ્ત્રો બોન્ડે વાપરવા જઈએ' એ વિશે મહેનતાણું આપીને પણ સલાહ લેવા તૈયાર છે. ફ્લેમિંગ બીજા કોઈ વ્યક્તિની ખાસ કુશળતા ની કદર કરવા આ રીતે પણ તૈયાર હતો.

આપણને જાણકારી નથી કે ખરેખર જ્યોફ્રી બૂથ્રોઇડ ને કોઈ પૈસા મળ્યા કે નહીં પણ એટલું ચોક્કસ કે 1958 માં આવેલ છઠ્ઠી બોન્ડકથા નામે ડૉ. નો. ના એક પ્રકરણ માં જાસૂસી સંસ્થા MI 6 નો વડો બોન્ડને બ્રિટિશ આર્મી ના કોઈ 'ક્વાર્ટરમાસ્ટર' સાથે ઓળખાણ કરાવે છે અને જણાવે છે આ 'ક્વાર્ટરમાસ્ટર' નાની સાઈઝના શસ્ત્રો બનાવવાનો દુનિયાનો એકમાત્ર નિષ્ણાત છે. ક્વાર્ટરમાસ્ટર જેમ્સ બોન્ડને 'વેલ્થર પીપીકે' નામની થોડી મોટી સેમી ઓટોમેટીક પિસ્તોલ થી સજ્જ કરે છે જે પિસ્તોલ પેલા ચાહક જ્યોફ્રી બૃથોઇડ ના સુચનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી હોય છે.

સુધારો ચોખ્ખો જણાઈ આવે માટે ફ્લેમિંગે ક્વાર્ટરમાસ્ટરના પાત્રનું નામ પણ 'મેજર બૃથોઇડ' રાખ્યું હોય છે! બુક ઉપરથી બનાવવામાં આવેલ આ જ નામની ફિલ્મમાં પહેલી જ વાર શસ્ત્ર નિષ્ણાત તરીકેના અલગ પાત્ર નો સમાવેશ કરવામાં આવે છે. ફિલ્મ ડૉ. નો. માં પીટર બર્ટન નામના અભિનેતાએ મેજર બૃથોઇડ નું પાત્રમાં અભિનય કરેલ. બસ, બાકીની તમામ બોન્ડફિલ્મોમાં આ મેજર નું નામ 'ક્વાર્ટરમાસ્ટર' માં થી ટૂંકાવીને ફક્ત Q રાખવામાં આવે છે. કલ્પનાજગત અને ફિલ્મજગતમાં માં જ્યાં સુધી બોન્ડ જીવશે ત્યાં સુધી બોન્ડનો ચાહક જ્યોફ્રી બૃથોઇડ Q ના નામે અવનવા શસ્ત્રો પુરા પાડીને બોન્ડને સાથ આપશે અને ચિરંજીવ રહશે..

(નીચે આપેલ લિંક માં તમે ઇયાન ફ્લેમિંગે કે પોતાના ચાહક અને ટીકાકાર એવા જ્યોફ્રી બૃથોઇડ ને લખેલ કાગળ પણ જોઈ શકશો.)

https://lettersofnote.com/2011/06/01/may-i-suggest-that-mr-bond-be-armed-with-a-revolver/


બીજા રસપ્રદ વિકલ્પો