અમંગળ લગ્ન - 1 Keval Makvana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમંગળ લગ્ન - 1


"वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥"

પંડિતજી આ શ્લોક બોલીને હવન કુંડમાં ઘીની આહુતિ આપી રહ્યાં હતાં. વાતાવરણમાં શરણાઈનાં સૂર ગૂંજી રહ્યાં હતાં. માંડવીયા પક્ષની સ્ત્રીઓ લગ્નગીત અને ફટાણાં ગાઇ રહી હતી. જાનૈયા પક્ષની સ્ત્રીઓ તેમને દરકાર ન આપતી હોય તેમ સેલ્ફી લેવામાં મશગૂલ હતી. ઘરનાં મુખ્યદ્વારે આસોપાલવનું તોરણ મહેમાનોને આવકારી રહ્યું હતું. વૃદ્ધો બહારનાં માંડવે બેસીને ચાની ચૂસકી સાથે વાતોનાં વડાં ખાઇ રહ્યાં હતાં. યુવાન છોકરાઓમાં કોઈ ખુરશીઓ લેવા મૂકવામાં વ્યસ્ત હતું, તો કોઈ ચા-પાણીની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત હતું, કોઈ નાનાં બાળકોને નાસ્તો લઇ આપવામાં વ્યસ્ત હતું તો કોઈ મોબાઇલમાં વ્યસ્ત હતું.

આજે ગામનાં સરપંચ એવાં રઘુવીરસિંહનાં નાના દીકરા આદિત્યનાં લગ્ન હતાં. તેમનો મોટો દીકરો કબીર છ મહિના પહેલા જ મૃત્યુ પામ્યો હતો. આદિત્યને નોકરી માટે વિદેશ જવાનું હોવાથી તેનાં લગ્ન જલ્દી કરાવવામાં આવતાં હતાં. આદિત્ય મીરાં નામની યુવતીને પ્રેમ કરતો હતો. સામાન્ય રીતે બધાં કહેતાં હોય છે કે તમે જેને પ્રેમ કરો છો તે પાત્ર તમને મળતું નથી, પરંતુ આદિત્ય જેને પ્રેમ કરતો હતો તે મીરાં સાથે જ તેનાં લગ્ન થઈ રહ્યાં હતાં. મીરાં ખૂબ સુંદર અને સંસ્કારી યુવતી હતી. મીરાંના માતા-પિતા તેને બાળપણમાં જ એકલી મૂકીને ભગવાનનાં ચરણોમાં ચાલ્યાં ગયાં હતાં. મીરાનું પાલન-પોષણ આદિત્યનાં પિતા રઘુવીરસિંહે કર્યું હતું. રઘુવીરસિંહને માત્ર બે દિકરા હોવાથી તે મીરાંને દીકરીની જેમ સાચવતાં હતાં.

આદિત્ય વાજતે ગાજતે જાન લઈને આવી ગયો હતો. ઘોડી પર બેસેલો આદિત્ય કોઈ રાજકુમારથી ઓછો નહોતો લાગી રહ્યો. તેણે લાલ રંગની શેરવાની અને કાળાં ચશ્માં પહેર્યાં હતાં. આદિત્ય જેને પ્રેમ કરતો હતો તેની સાથે જ તેનાં લગ્ન થઈ રહ્યાં હતાં એટલે તે ખુશીથી ઝૂમી રહ્યોં હતો.

કાળી આંખો, ગુલાબી ગાલ, ફૂલ જેવા હોઠ, ગળામાં માણેકની માળા, કમરમાં કમરકંદોરો, નાકમાં નથડી, કાનમાં ઝૂમખાં, પગમાં ઝાંઝર, હાથમાં ચૂડલો અને આદિત્યની પ્રીતનું પાનેતર પહેરીને મીરાં રૂપ રૂપનાં અંબાર જેવી લાગતી હતી. તેની સખીઓ અગાસી પર જઈને આદિત્યને જોઈ રહી હતી.

(મીરાંની સહેલી સૃષ્ટી મીરાંની પાસે જઈને બોલી)

સૃષ્ટિ : જિજાજી તો આજે રાજકુમાર જેવાં લાગે છે.

મીરાં : રાજકુમારી માટે રાજકુમાર જ હોય ને!

સૃષ્ટિ : હા! એ વાત સાચી છે.

મીરાં : હવે વધારે ચાપલી ન થઈશ. જા અહીંયાથી. મને તૈયાર થવા દે.

સૃષ્ટિ : હા‌ હવે! જાઉં છું. મને ખબર છે કે સજના હૈ તૂજે સજના કે લીએ.

(મીરાં અરીસાની સામે જોઈને શરમાઈ ગઈ.)

આદિત્ય ફૂલોથી સજાવેલા લગ્ન મંડપમાં બેસી ગયો હતો. પંડિતજી વરપૂજા કરી રહ્યાં હતાં.

પંડિતજી : કન્યા પધરાવો સાવધાન!

(મીરાંની સહેલીઓ તેને લઈને મંડપ તરફ જવા લાગી. મીરાં મંડપમાં પગ મૂકવાની હતી ત્યાં કોઈ યુવતીનો અવાજ આવ્યો.)

યુવતી : થોભી જા.

(આ સાંભળીને મીરાંએ તેનો પગ પાછળ લઈ લીધો. બધાં મહેમાનો તે યુવતીને જોવાં લાગ્યાં.)

યુવતી : આ લગ્ન નહીં થઈ શકે.

(રઘુવીરસિંહ તે યુવતી પાસે જઈને બોલ્યાં)

રઘુવીરસિંહ : વેદિકા બેટા તું! તું અહીંયાં શું કરે છે? અને આ લગ્ન નહીં થઈ શકે એવું કેમ કહે છે. ચાલ મારી સાથે.

(રઘુવીરસિંહ વેદિકાનો હાથ પકડી તેને રૂમમાં લઈ ગયાં. તેમની પાછળ આદિત્ય અને મીરાં પણ તે રૂમમાં ગયાં.)

રઘુવીરસિંહ : આદિત્ય! રૂમ બંધ કરી દે.

(આદિત્ય એ રૂમ બંધ કરી દીધો.)

રઘુવીરસિંહ : હવે બોલ બેટા! શું વાત છે?

વેદિકા : હું તમારાં પુત્ર કબીરનાં બાળકની મા બનવાની છું.

(આ સાંભળી રઘુવીરસિંહ, આદિત્ય અને મીરાં ચોંકી ગયાં.)

રઘુવીરસિંહ : આ તું શું બોલે છે? આ શક્ય જ નથી. કબીરનું મૃત્યુ છ મહિના પહેલા થયું હતું. તું તેનાં બાળકની મા કેમ બની શકે?

વેદિકા : કેમકે કબીરનું મૃત્યુ થયું એ પહેલાંથી અમે પ્રેમસંબંધમાં હતાં અને કબીરનું મૃત્યુ તળાવમાં ડૂબી જવાથી નહોતું થયું.

રઘુવીરસિંહ : શું? કબીરનું મૃત્યુ તળાવમાં ડૂબી જવાથી નહોતું થયું? તો કંઈ રીતે થયું હતું?

વેદિકા : અમારી કોલેજમાં એક આશિષ નામનો યુવક હતો. તે મને પસંદ કરતો હતો. પરંતુ હું કબીરને પ્રેમ કરતી હતી એટલે આશિષને મહત્વ ન આપતી. આશિષને આ વાત ન ગમી. તેણે કબીરને મળવાનાં બહાને બોલાવી તળાવમાં ધક્કો મારી દીધો.

(આટલું બોલીને વેદિકા રડવા લાગી. કબીરનાં મૃત્યુનું રહસ્ય સામે આવતાં રઘુવીરસિંહ, આદિત્ય અને મીરાંની આંખમાં પણ આંસું આવી ગયાં. થોડીવાર પછી મીરાં બોલી)

મીરાં : કબીરનાં મૃત્યુનો અને અમારા લગ્નનો પરસ્પર શું સંબંધ છે?

વેદિકા : મારાં પેટમાં કબીરનું બાળક છે. અમારા લગ્ન પણ નહોતાં થયાં એટલે આ બાળકને સમાજ સ્વીકારશે નહીં. એટલે હું ઇચ્છું છું કે મારી સાથે લગ્ન કરી આદિત્ય આ બાળકને પોતાનું નામ આપે. તમને કબીરની છેલ્લી નિશાની મળી જશે અને આ બાળકને તેનું ભવિષ્ય!

(આ સાંભળી રઘુવીરસિંહ આદિત્ય અને મીરાં આશ્વર્ય માં મૂકાઈ ગયાં.)

શું આદિત્ય મીરાં સાથે લગ્ન કરશે? કે પછી કબીરનાં બાળકને પોતાનું નામ આપવા વેદિકા સાથે લગ્ન કરશે. શું વળાંક આવશે ત્રણેયનાં જીવનમાં? જાણવાં માટે વાંચો... અમંગળ લગ્ન ભાગ-2.