હેત્વી અને હિતાર્થ ... ત્રિભંગ - 03 Mahendra R. Amin દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હેત્વી અને હિતાર્થ ... ત્રિભંગ - 03


મિત્રો, ગયા ભાગમાં આપણે જોઈ ગયા કે પરિતા ગીત સ્પર્ધામાં ખરી ઉતરી અને શિલ્ડ મેળવી લીધો. આ સાથે તેણે હિતાર્થને પોતાના દિલના દરબારના આરાધ્ય તરીકે સ્થાપિત પણ કરી દીધો. તેમની પ્રેમકથા તદ્દન નાવિન્ય માર્ગે ગતિશીલ હતી. પ્રેમની આ કેડી તો ખરેખર કાંટાળી હોય છે, તેમાં સો વિઘ્નો આવે જ ! અહીં એજ સમસ્યા ઊભી થઈ.
હવે આગળ શું થયું કે થશે ? ... વાંચો ભાગ 03.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

હેત્વી અને હિતાર્થ ...!!
(એક પ્રેમ કથા)
ભાગ 03

હેત્વીના ઘરનું વાતાવરણઘણું તંગ બની રહ્યું હતું અને ઘરમાં સૌ હેત્વીનાં દુશ્મન હોય તેવો વ્યવહાર થઈ રહ્યો હતો. હેત્વી પોતાની વાતમાં અડગ હતી. તે હિતાર્થ સાથે વાત કરવામાં માનતી હતી પરંતુ તેના પપ્પા આ વાત માનવા તૈયાર ન હતા. હેત્વીને તેના પપ્પાએ તમાચો માર્યો તેથી છંછેડાયેલી હતી અને તે છેલ્લા કેટલાક દિવસથી કોલેજ પણ ગઈ ન હતી. તેણે ઘરમાં બધાં સાથે અબોલા લઈ લીધા હતા. તેની મમ્મીએ તેને સમજાવવા પ્રયત્ન કરતાં હતાં પણ તેમને કોઈજ સફળતા મળતી ન હતી. તેમને સતત એવો ડર સતાવી રહ્યો હતો કે આમને આમ હેત્વી કોઈ અઘટિત પગલું ના ભરે. તે સતત તેના પર નજર પણ રાખતાં હતાં.
છેલ્લા એક સપ્તાહમથી હેત્વી કોલેજ આવતી ન હોવાથી કોલેજમાં સૌ ચિંતાગ્રસ્ત હતા. હેત્વી તો આ કોલેજની શાન હતી. અહીં હેત્વીએ પોતાનું એક નામ બનાવ્યું હતું. આથી તેની બહેનપણીઓએ હિતાર્થનો સંપર્ક કર્યો તો તેણે જણાવ્યું, "હું તો હેત્વીને ઘણા દિવસથી મળ્યો જ નથી. મને આ બાબતે કંઈ ખબર નથી." આ વાત સાંભળી હેત્વીની ખાસ બહેનપણી પ્રિયા ચિંતા કરવા લાગી. તેણે જોયું હતું કે હિતાર્થ કોલેજ આવતો, પણ મન વગર આવતો. તે પણ ઘણીવાર પાગલની જેમ વર્તન કરતો.
હિતાર્થના ઘરમાં પણ તેનાં મમ્મી દર્શનાબહેન હિતાર્થના થોડા સમરથી બદલાયેલા આ વર્તનથી ઘણા જ વ્યકુળ હતાં. આ અંગે માર્ગદર્શન મેળવવા તેમણે મહિલા કોલેજના વરિષ્ઠ પ્રાધ્યાપિકા અને જાણીતા સામાજિક કાર્યકર શ્વેતાબહેનનો સંપર્ક કરવાનું નક્કી કર્યું. શ્વેતાબહેન દર્શનાબહેનનાં માસીની દીકરી હતાં તેથી પહેલેથી તે એકબીજાના પરિચયમાં પણ છે. આ બાબતે તેઓએ શ્વેતાબહેનને ફોન પણ કર્યો. તેઓએ આ રવિવારે મળવા આવશે તેમ જણાવ્યું.
આ દરમિયાન શ્વેતાબહેને હિતાર્થની કોલેજના ક્લાર્ક અને તેમને ઓળખતી એક અધ્યાપિકા પાસેથી હિતાર્થની બધી માહિતી મેળવી લીધી. આ સાથે જ કેટલીક માહિતી આપતાં તેમની દીકરી પ્રિયાએ હેત્વી અને હિતાર્થના પ્રેમ પ્રકરણની પણ વાત કરી. રવિવારે તેઓ દર્શનાબહેનના ધરે આવ્યાં. તેમની સાથે પ્રિયા પણ આવી. શ્વેતાબહેને હિતાર્થ બાબતે બધી વાત દર્શનાબહેનને કરી. હેત્વીને પણ તે ઓળખતાં હોવાની તથા કોલેજમાં તેની જ્વલંતતા અને તેની સિદ્ધિઓ અંગે પણ ઘણી બધી વાતો થઈ. હિતાર્થનાં મમ્મીને તો આ બાબતમાં કાંઈ ખબર જ નહોતી. એટલામાં હિતાર્થના પપ્પા બહારથી આવ્યા. તે શ્વેતાબહેનને મળીને ઘણા ખુશ થયા. શ્વેતાબહેને તેમને પણ હિતાર્થ અને હેત્વીના પ્રેમની વિગતે વાત કરી. આ સાથે જ તેમણે હેત્વીની હોશિયારી, જીવનના અભિગમની સમજ તથા તેની કોલેજ કારકિર્દીના પણ ઘણા વખાણ કર્યા. આ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું કે નાતજાતનો ભેદ ભૂલી હિતાર્થ અને હેત્વીને કેટલીક શરતોને આધીન એક કરવાં. આ અંગે હેત્વી અને તેના પરિવારની મુલાકાત લેવી. આ મુલાકાતમાં શ્રેયાબહેન, હેત્વીની કોલેજનાં સ્ટેટના પ્રાધ્યાપિકા રચનાબહેન તથા પ્રિયા હાજર રહેશે તેવું નક્કી કરવામાં આવ્યું. હિતાર્થના મમ્મી અને પપ્પાએ તેમને પૂર્ણ સહકારની ખાત્રી આપી.
શ્રેયાબહેને રચનાબહેનને ફોન કરી 25 તારીખે એટલે કે પરમદિવસે હેત્વીના ઘેર મળવા જવાનું નક્કી થયું. 25 તારીખે સાંજે ચાર વાગે એકાએક તેઓ હેત્વીના ઘરે પહોંચ્યા. આમ એકાએક બધાને આવેલા જોઈ સૌ અચંબામાં પડ્યા. હેત્વીના પિતા આજે કોઈ કારણથી ઓફિસમાં ગયા ન હતા. તેમણે સૌને મીઠો આવકારો દીધો.
રચના મેડમે હેત્વી કોલેજ ન આવતી હોવાથી તે બાબતે અમે મળવા આવ્યાની વાત કરી. આ સાથે તેમણે કોલેજમાં હેત્વી શું છે તે બાબતની પણ વિગતે ચર્ચા કરી. હેત્વીના પિતાએ તેના પ્રેમ પ્રકરણની વાત કરી. એટલે રચના મેડમે હેત્વીની સમજદારી તેમજ તેના શાણપણની વાત કરી. શ્રેયાબહેને પણ એક સામાજ સેવિકાના નાતે ... "સમાજના બદલાતા જતા નવા સમીકરણોનો સ્વીકાર આપણા બાળકોના હિતને ધ્યાનમાં રાખી કરવો જરુરી બન્યો હોવાની વાત કરી." તેમણે જણાવ્યું," આપણી દીકરી સુખી થાય તે જરુરી ખરું પણ તે સાથે એક સ્ત્રી તરીકેનાં એનાં સ્વપ્નો પણ સાકાર થાય તે વિચારવું એટલું જરૂરી છે. હવે સમાજની રૂઢિગત માન્યતાઓ છોડી આપણે હાલ કેટલીક શરતો મૂકી તેમના પ્રેમનો સ્વીકાર પણ કરવો જોઈએ. બન્ને પરિવાર ભેગા મળે અને તેમના હિતને અનુમોદન સાથે શુભેચ્છા આપવી, તે એટલું જ જરૂરી અને મહત્વનું છે."
હેત્વીની મેડમે હેત્વીને તેના મમ્મી-પપ્પાને પગે લાગી આશીર્વાદ લેવા જણાવ્યું. હેત્વી પગે લાગી ત્યારે તેના પપ્પાને પોતાની ભૂલનો પસ્તાવો થતાં તેઓ ચોધાર આંસુએ રડી પડ્યા. શ્વેતાબહેને તેમને શાંત પાડવા હેત્વી ને પાણી લઈ આવવા જણાવ્યું. ત્યારબાદ તેમણે કહ્યું કે, "આ હેત્વી તમારા કળજાનો કટકો છે, તેજ તમારા નામને સમાજમાં ઊજળું કરશે તેમાં બે મત નથી" એટલામાં તો હિતાર્થની સાથે તેના મમ્મી-પપ્પા પણ આવી પહોંચ્યા. શ્વેતાબહેને બધી જ વિગત સાથે આ સંબંધને એક કરવાની સમજ પણ આપી. સૌએ ભેગા મળી, નાતજાતના ભેદ ભૂલી હેત્વી - હિતાર્થના સંબંધને કેટલીક શરતોને આધિન રહી મંજૂર રાખ્યો.
હેત્વી હિતાર્થનાં મમ્મી-પપ્પાને અને હિતાર્થ હેત્વીના મમ્મી-પપ્પાને પગે લાગ્યાં તેમજ તેમના આશીર્વાદ મેળવ્યા. આ પછી બન્ને શ્વેતાબહેન તથા રચના મેડમને પણ પગે લાગ્યાં. હેત્વીનાં મમ્મીએ બધાને ચા-નાસ્તો કરાવ્યો. સતત તંગ વાતાવરણમાં હળવાશ સાથે આનંદનો મહોલ સર્જાયો. હિતાર્થનાં
મમ્મીએ હેત્વીના ઘરના બધાને રવિવારે જમવા માટે નિમંત્રણ દીધું અને સૌ વિદાય થયા.
હવે તો હિતાર્થ પણ હેત્વીના ઘરે આવતો-જતો થયો. બંને પરિવારો તરફથી તેમના પ્રેમને અનુમતિ પણ મળી ચૂકી હતી. પ્રેમની ગાડી ફરી પાટા પર આવી ગઈ હતી. તેમની સામે રાખવામાં આવેલી શરત, 'લગ્ન પહેલાં તેમણે પગભર થવું એટલે કે પોતે કોઈ નોકરી કે ધંધો કરતા થવું.' જે બન્ને માન્ય હતી. આમ પણ હેત્વી અને હિતાર્થ પોતાના માતા-પિતા અને વડીલોના આશીર્વાદ સાથે લગ્ન કરવા ચાહતા હતા. હેત્વી અને હિતાર્થના દિલની આ એકાત્મકતા તેમના પ્રેમનું એક મહત્વનું પાસું રહ્યું, જેના કારણે જ બંનેના પરિવારોએ તેમના પ્રેમને સ્વીકાર કરવો જ પડ્યો.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ'.
સુરત (વીરસદ/આણંદ)
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
માત્ર વૉટ્સ ઍપ (No Call) : 87804 20985.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐