Featured Books
શ્રેણી
શેયર કરો

હૃદય દ્વારા હૃદયને લખાયેલા પત્રો - 3

(3)

ડિયર મન,

તું પણ ગજબ છે. ક્યારેક અહીં તો ક્યારેક તહીં. કોણ જાણે ક્યાં ક્યાં ભટકે છે. એક જગ્યા શાંતિથી બેસતા તો તને આવડતું જ નથી કદાચ. જ્યારે હોય ત્યારે બસ ભાગતું ફરે છે. બહુ જબરું છે તું અને બહુ ચંચળ પણ !! આજ સુધી તને કોઈએ જોયું નથી. પણ હા,, હું ચોક્કસપણે કહી શકું છું, તું મસ્ત જ હશે ! તું સારું રહે તો મજા જ મજા અને જો જાણતાં અજાણતાં વિફરી બેઠું તો મારું તો થઈ રહ્યું કલ્યાણ !!! અરે, મારુ જ શું ? કદાચ તો સૌનું જ.

તું છે જ એવું. તારા વિના ન જ ગમે. એથી જ તો બધા તને સ્વસ્થ, તરોતાજા ને મસ્ત રાખવાની કોશિશોમાં લાગ્યા રહે છે. એ બધામાં હું ય ખરી !! ને એમાં મારો થોડો સ્વાર્થ પણ ખરો...તારા વગર ક્યાંય મજા જો ન આવે. કે ન તો કોઈ પણ કામમાં ધ્યાન લાગે. બધું જ જાણે અસ્તવ્યસ્ત બની જાય. એ બધું જ તારા પ્રતાપે. એટલે તને મસ્ત ટકાટક તો રાખવું જ પડે ને.

ઘણી વાર તું અમસ્તું જ ખોવાઈ જાય છે ને પછી સાંભળવાનો વારો મારો આવે છે. મારા દોસ્તો તો ઘણી વાર મને ચીડવતા કહે ય ખરા, 'યક્ષુ,..તારું મન કેમ નથી..કોઈની પાસે મૂકી તો નથી આવી ને ??!...' 'કે પછી કોઈ ચોરી ગયું ??' લોકો દિલ ચોરાયાની મજાક કરતા હોય છે ને મારા આ પાગલો મારા મન ચોરાયાની વાત કરે; ત્યારે ખરેખર હસવું કે ગુસ્સો કરવો એ પણ ન સમજાય. આવું કઈ હોય નહીં. તારા ભટકવાનું કારણ કંઈક બીજું જ હોય ને તો પણ મારે આવું સાંભળવાનું. એ પણ તારા કારણે જ !! જરા મારા કહ્યામાં રહેતું હોય તો મારી સાથે આવું ન થાય. મમ્મી તો રાડો ને રાડો પાડી બોલે કેટલીય વાર...ખેર,,ચાલ્યા કરે હવે એતો.

'જેણે તને જીતી લીધું, એણે તો દુનિયા જ જીતી લીધી કહેવાય.' કૃષ્ણકાંત ઉનડકટ તારા માટે શું કહે તને ખબર છે?? કે,,' જેનું મન મક્કમ છે, જેનું મન મજબૂત છે, એ જ જીવનને સાચી રીતે સમજી શકે છે.' ' માંદલું મન માણસને સ્વસ્થ રહેવા દેતું નથી. મનથી મરી જાય એ જીવતો હોય તો પણ જિંદગીને માણી શકતો નથી. મનનું પ્રતિબિંબ ચેહરા પર પડે છે. જેનું મન પ્રફુલ્લિત હોય એનો ચહેરો ખીલેલો હોય છે.' અને એમનું કહેલું મને એકદમ સાચું લાગે છે. એથી જ હું તને પ્રસન્ન રાખવાના પ્રયત્નો કરું છું.

દરેક વ્યક્તિમાં તું અલગ અલગ રૂપે હોય છે. પોતાનામાં જ તને સમજવું ઘણું મુશ્કેલ હોય છે ત્યારે બીજી વ્યક્તિમાં તો તને કઈ રીતે વાંચી શકાય ?! ખરેખર આ કામ ખુબ જ કપરું છે. દરેક વખતે તું નથી વંચાતું. ક્યારેક આપણી જ વ્યક્તિમાં તને વાંચવુ ને સમજવું ભારે થઈ પડે છે. તો કયારેક આપણે જ આપણી વ્યક્તિને મોઢેથી બોલીને તને વંચાવવું પડે છે.

તારી અંદર શું ચાલતું હોય ? વિચારો...સતત વિચારો ને વિચારો. પોતે તો ઊંઘતું નથી ને ક્યારેક અમને પણ ઊંઘવા નથી દેતું. ત્યારે બહુ ગુસ્સો આવે તારા પર. સતત કાર્યશીલ રહે છે તું યાર.

ચાલ,, હવે વધુ નથી કહેવું. આજે આટલું બસ !! તને એકવાર ફરી યાદ અપાવી દવ ' જરા મારા કહ્યામાં રહેજે યાર...બસ આટલું કરજે મારા માટે. ને ધ્યાન રાખજે તારું. ટાટા...બાય બાય.. સી યુ..

લિ
......યક્ષિતા


🍁🌿🍀🙏🌿🍀🍁


વાંચીને આપ સૌના અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં.

ખૂબ ખૂબ આભાર🙏

©Yakshita Patel