સ્ટોરીમિરરની ઓનલાઈન કોમ્પિટિશનમાં એક વિષય હતો, પ્રેમ કથાનો. જેના આધારે એક કલાકમાં નાનકડી સ્ટોરી શીઘ્ર વાર્તા રજૂ કરવાની હતી. જે હું અહીં રજૂ કરવા જઈ રહી છું. જેની કથાવસ્તુ એકદમ કાલ્પનિક છે. પાત્રો, સંવાદ, વાતાવરણ વિચારપ્રધાન કલ્પનાની દુનિયા છે. જેને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી.
◆◆◆◆◆
જિંદગીની પરિભાષા શુ? નથી ખબર. કઈ નહિ. આવા જ કોઈ અવઢવમાં કેટલાક ક્ષણો વિતાવી રહ્યો હતો દેવેન. દેવેન નું આખું નામ દેવેન્દ્રસિંહ પ્રતાપ. પરિવારમાં એકનો એક દીકરો. એ નાનપણથી એસોઆરામની જિંદગી જીવતો. જેની નાનકડી પ્રેમકહાની.
મંગળવારની એ સવાર હતી. તારીખ 29 ફેબ્રુઆરી. આ દિવસ એટલે દેવેનની જિંદગીનો એકદમ ખાસ દિવસ. એ સવારે ઉઠે એ પહેલાં જ એના બેડ પાસે એક લેટર હોય. અને એમાં લખ્યું હોય,
" આજની ફરમાઈશ કહીને જજે દીકરા. સાંજે આવે એટલે એ તૈયાર મળશે. તારા જીવનમાં આ દિવસ હમેશા ખુશખુશાલ આવે એવા આશીર્વાદ. મારા દેવુને જન્મદિનની ખોબલે ખોબલે શુભેચ્છાઓ. "
આ પત્ર વાંચીને દેવેનનો આજનો દિવસ શરૂ થયો. તે ચાર વર્ષમાં એક દિવસ વહેલો ઉઠે અને એ પણ પોતાના જન્મદિવસે. તે ઉઠ્યો અને જલ્દી જલ્દી ન્હાઇને તૈયાર થયો. દોડીને રસોડામાં ગયો અને મમ્મીને જઈને ભેટી પડ્યો. પગે લાગ્યો અને આશીર્વાદ લીધા. મમ્મી પછી જ તે ઘરમાં કોઈની બધાઈ સ્વીકાર કરે. મમ્મીનો એટલો લાડલો. બધાના વારાફરતી આશીર્વાદ લઈને તેને મમ્મી પાસે આજની ફરમાઈશ મૂકી.
" મમ્મી, આજે હું તારા હાથનો બદામનો હલવો ખાવાનો છું. "
" હા, હા, જરૂર. હમણાં નાસ્તો કરી લે. " - કહીને દેવેનની મમ્મી ઘરના બધા સભ્યો માટે નાસ્તો કાઢે છે.
દેવેન જલ્દી જલ્દી નાસ્તો કરીને ઉતાવળે પગલે ઘરની બહાર નીકળી ગયો અને જતા જતા બોલ્યો, " મમ્મી, તું હલવો બનાવ. હું તારા માટે એક સરપ્રાઈઝ લઈને આવું છું."
આટલું બોલીને તે ઉત્સાહમાં ને ઉત્સાહમાં કોલેજ તરફ પોતાની બાઈક લઈને ગયો. આશરે અડધા કલાકમાં દેવેન કોલેજ પહોંચ્યો. ત્યાં પહોંચીને તે સૌથી પહેલા એક જ વ્યક્તિને જોવા ઈચ્છતો હતો. જવાનું નામ છે પ્રિયા.
પ્રિયા એટલે દેવેન માટે એની મમ્મી પછીની આખી દુનિયા. પ્રિયા હોય એટલે દેવેન હમેંશા હસતો રમતો જ દેખાય. દેવેન આમ તો બે વર્ષથી કોલેજ કરતો હતો. પણ એના મનને કોઈ પસંદ આવે એવું કોઈ પાત્ર આટલા વર્ષોમાં પ્રિયા સિવાય કોઈ મળ્યું ન હતું.
31, ડિસેમ્બર નો દિવસ અને કોલેજનો એન્યુઅલ ફંકશન હતો. તે દિવસે બ્લેક કલરના પાર્ટીવેરમાં ગોરા રંગની ચમક દેવેનની આંખોમાં પ્રસરી ગઈ. એ દિવસને આજની ઘડી દેવેન પ્રિયા વગર કોઈ પણ સારો પ્રસંગ મનાવતો નહિ. દેવેન ભણવામાં સારો એવો હોશિયાર અને દેખાવે કોઈ ફિલ્મસ્ટાર હીરોને પણ પાછળ પાડે એવો હેન્ડસમ હતો. એટલે દેવેનના પ્રપોઝલને ઠુકરાવે એ તો કોઈ નસીબફૂટલી જ છોકરી હશે. દેવેનના પહેલા જ પ્રપોઝલમાં પ્રિયા દેવેનને હા પાડી દે છે. પ્રિયા પણ એને ચાહવા લાગે છે. આમ જ એ બન્નેના પ્રેમને એક વર્ષ ક્યારે થઈ ગયું એનો બંનેને ખ્યાલ પણ ના રહ્યો.
આજે તો દેવેનનો બર્થડે હતો એટલે પ્રિયા પણ દેવેન માટે સરપ્રાઈઝ લઈને આવી હતી. દેવેન આવ્યો એટલે પ્રિયાએ તેને એક બોક્સ આપ્યું. આ બોક્સ લઈને દેવેન ખુશ ખુશ થયો. એને ખ્યાલ હતો કે કંઈક તો એને ગમતી વસ્તુ જ હશે. એને ઉતાવળે બોક્સ ખોલ્યું.
શું હશે એ બોક્સમાં?
દેવેન બોક્સમાં રહેલી ગિફ્ટનો શું પ્રતિકાર આપશે?
જોઈશું આગળના ભાગમાં. ત્યાં સુધી આ ભાગમાં પોતાના અમૂલ્ય પ્રતિભાવ અને જરૂરી માર્ગદર્શન આપવા નમ્ર વિનંતી.
ક્રમશ:...