ગયા ભાગમાં જોયું કે વિરલ સાહેબને સ્કાય બ્લ્યુ એપાર્ટમેન્ટના ટેરેસ પરથી દોરી મળી પરંતુ ફિંગર પ્રિન્ટ મેચ ન થઇ.
વિરલ સાહેબના મનમાં ઘણી ઉથલ પાથલ ચાલી રહી હતી કારણ કે તેમને એક પછી પછી ઘણી બધી અસફળતા મળી રહી હતી અને ઉપરથી તેમના પર પ્રેશર પણ વધી રહ્યું હતું.
વિરલ સાહેબને હવે કશું સુજતું ન હતું કે ક્યાંથી કેસને આગળ વધારીએ. તેમણે લ્યુક , પાંડે અને રાવને કેબિનમાં બોલાવ્યા.
જુઓ આપણી પાસે ફક્ત કેશવના ફ્લેટની આ ફૂટેજ છે , ત્યાંથી મળેલી પેલી દોરી , તેના મિત્રોની ફિંગર પ્રિન્ટ તેમજ આ મસૂરીની ટ્રીપના ફોટોઝ છે અને ફક્ત તેના મિત્રો દ્વારા આપેલી માહિતી છે.
હવે અહીંયાથી આપણે કેસને જેમ બને તેમ ઝડપથી સોલ્વ કરવાનો છે.
લ્યુક , પાંડે અને રાવે વિરલ સાહેબની વાત ધ્યાનથી સમજી લીધી.
વિરલ સાહેબે થોડી વાર વિચાર્યું અને પાંડે તેમજ રાવને કેશવના એપાર્ટમેન્ટમાં જઈ તેનો તેમજ તેની આજુબાજુના ફ્લેટની ઉપર ઉપરથી ફરીથી તપાસ કરવા કહ્યું કારણ કે તે વ્યક્તિ ફરાર ત્યાંથી જ થઈ છે.
જ્યારે વિરલ સાહેબ અને લ્યુક જેસિકાના ઘરે જઈ તેના માતા પિતાને મળવાનું નક્કી કર્યું.
****************************
જેસિકાના ઘર આગળ વિરલ સાહેબની ગાડી આવીને ઊભી રહી. આ તો ઘર નહીં પરંતુ મોટો બંગલો હતો. આગળથી બંગલા તરફ જવાનો માર્ગ હતો અને આજુબાજુ નાના નાના ઝાડવાઓ વાવેલા હતા. જમણી બાજુ મોટો બગીચો હતો.
મેઈન ગેટ આગળ વોચ-મેને થોડી પૂછ પરછ કરી વિરલ સાહેબ તેમજ લ્યૂકને અંદર આવવા કહ્યું. બંને બંગલા તરફ આગળ વધી રહ્યા હતા. તેઓ બંગલાના દરવાજા પર પહોંચી બેલ વગાડી.
બેલ વગાડતા ઘરનો નોકર આવ્યો અને તેણે દરવાજો ખોલ્યો. વિરલ સાહેબ અને લ્યુક અંદર ગયા ત્યાં જેસિકાના માતા પિતા ડાઇનિંગ ટેબલ પર બેસી નાસ્તો કરી રહ્યા હતા. તેઓ આમ અચાનક તેમના ઘરમાં પોલીસ જોઈ તરત ઊભા થઈ ગયા.
' ગભરાશો નહીં બેસો બેસો...' વિરલ સાહેબે માનવતા દેખાડી સારી રીતે વર્તાવ કર્યો.
વિરલ સાહેબે જેસિકાના માતા પિતાને કેશવની ઘટના ઉપર ઉપરથી તેમને સમજાય તેમ જણાવી દીધી.
જેસિકાના માતા પિતા પણ કેશવ અને જેસિકાની મિત્રતા વિશે જાણતા હતા.
થોડી વાર માહોલ એકદમ શાંત હતો. વિરલ સાહેબ સોફા પર બેઠા બેઠા આખું ઘર નિહાળી રહ્યા હતા આખરે બંગલો જ એવો ગજબનો હતો. મેઈન હોલમાં જ જેસિકાનો મોટો હસતો ચહેરા સાથે આલ્બમ ફોટો હતો.
થોડી વાર રહીને વિરલ સાહેબે વાત આગળ વધારી.
વિરલ સાહેબ :- તો તમને ખબર હતી કે જેસિકા કેશવને પસંદ કરે છે?
" હા...અમને જેસિકાએ આ વાત કહી હતી અને અમે ખુશ હતા કારણ કે જે રીતે કેશવ તેને હોસ્પિટલ તેમજ તેને ખુશ રાખવા જ્યાં પણ લઈ જતો તે બહુ મોટી વાત હતી. તે અઠવાડિયામાં ત્રણ થી ચાર વખત જેસિકા તેમજ અમારી ખબર પૂછવા ઘરે આવતો. "
વિરલ સાહેબ :- હમ્મમ...ક્યારેક કેશવે એવી કોઈ વાત કહી હતી જેથી તે મુશ્કેલીમાં હોય કે મૂંઝવણ અનુભવતો હોય?
"ના એવી કોઈ બાબત તેણે ક્યારે નહતી કરી. અમે તો તેના સમાચાર જોઈને જ દંગ રહી ગયા કે આવું કેવું બની શકે."
એટલામાં નોકર વિરલ સાહેબ તેમજ લ્યુક માટે ચા લઈને આવ્યો.
વિરલ સાહેબે એક ચા નો ઘૂંટ માર્યો અને ફરી પૂછ્યું...
" તો હવે તમે તમારું ગુજરાન કેવી રીતે ચલાવો છો.?"
" અમારી ખાસી F.D તેમજ બચતો અને ઘણી બધી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો તેમાંથી જ અમારું જીવન ચાલી જશે. "
વિરલ સાહેબે ઘણી બધી અગત્યની વાત પૂછી અને માહિતી મેળવી પરંતુ કોઈ ખાસ માહિતી હાથ લાગી નહીં.
" તો કયા ડોક્ટર પાસે જેસિકાની ટ્રીટમેન્ટ ચાલતી હતી? " વિરલ સાહેબે ઊભા થયા અને હવે ઘરના ખૂણાઓને તેમની માંજરી ભૂરી આંખોથી જોઈ રહ્યા હતા સાથે સાથે સવાલ પણ પૂછી રહ્યા હતા.
" અમદાવાદના સૌથી સારા કેન્સરના ડોક્ટર પાસે તેની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી " જેસિકાના પિતાએ વિરલ સાહેબને હોસ્પિટલની ફાઈલ બતાવી. લ્યુકે જરૂરી ફોટોઝ ક્લિક કરી લીધા.
હવે વિરલ સાહેબે જેસિકાના રૂમમાં દાખલ થયા. તેનો રૂમતો એકદમ વ્યવસ્થિત ગોઠવેલો હતો જાણે કોઈ ખાસા વર્ષો સુધી તે રૂમમાં આવ્યું ના હોય.
વિરલ સાહેબે જેસિકાના રૂમને ઉપર ઉપરથી જોઈ લીધું અને આખરે ત્યાંથી નીકળવાનું નક્કી કર્યું.
વિરલ સાહેબે તેના માતા પિતાનો આભાર માની ત્યાંથી નીકળી ગયા.
***************************
પેલી બાજુ પાંડે અને રાવ પણ કેશવના ઘરને ફરીથી તપાસી રહ્યા હતા અને ટેરેસ પર પણ અને આજુબાજુના ફ્લેટમાં તપાસ કરી પરંતુ ક્યાંથી કઈ માહિતી મળી નહીં.
આખરે બધા પાછા વિરલ સાહેબના કેબિનમાં મળ્યા.
પાંડે : સર અમે પાછી દરેક જગ્યાએ તપાસ કરી પરંતુ કોઈ બાબત હાથમાં નથી લાગી.
વિરલ સાહેબે પાંડેની વાત તો સાંભળી પરંતુ તેઓ ક્યાંક ખોવાયેલા હતા.
પાંડેએ બે વાર સર...સર...કહ્યું પરંતુ વિરલ સાહેબે કંઈ બોલ્યા નહીં પરંતુ અચાનક વિરલ સાહેબ બોલ્યા
"જેસિકા ઇઝ સ્ટીલ અલાઈવ..."
(ક્રમશ:)
- Urvil Gor