તારાઓનો જન્મ Parvez Ansar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારાઓનો જન્મ


કોઈ સ્વચ્છ અંધારી રાત્રીએ જ્યારે આપણે આકાશમાં નજર કર્યે તો આપણને આકાશમાં ઘણાં બધાં તારાઓ જોવા મળે છે. ધ્યાનથી જોવામાં આવે તો આ બધાં તારાઓ તેમની તેજસ્વીતા,રંગ વગેરે જેવી અનેક બાબતો માં ઘણીબધી વિવિધતાં ધરાવે છે. આ તારા આદિકાળથી મનુષ્યને આકર્ષિત કરતાં રહ્યાં છે પરંતુ આજથી બે એક સદી પહેલાંની વાત કરવામાં આવે તો તારાઓ અંગેનું આપણું જ્ઞાન ખૂબજ મર્યાદિત હતું પરંતુ વિજ્ઞાન અને ખાસ કરીને ખગોળશાસ્ત્રની આપણી સમજનાં વિકાસ અને વિવિધ પ્રકારનાં ટેલિસ્કોપ્સનાં ઉદ્ભવ અને ઉપયોગ દ્વારા આજે તારાઓ અંગેની આપણી જાણકારીમાં ઘણો વધારો થયો છે.

આજે આપણે જાણી શક્યા છે કે તારોઓ પણ મનુષ્ય અને પ્રાણીઓની જેમ જ જન્મે છે યુવાન થાય છે અને મૃત્યુ પામે છે.પરંતુ મનુષ્યની સરખામણીમાં તારાઓનો જીવનકાળ ઘણો લાંબો હોય છે. તારાઓનાં આયુષ્યમાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે અમુક તારાઓનો જીવનકાળ લાખો વર્ષ નો હોય છે તો અમુક તારાઓ અબજો વર્ષ સુધીનું જીવન ભોગવે છે. આપણાં સૌથી નજીકનાં તારા સૂર્યની જ વાત કરવાંમાં આવે તો હાલની આપણી જાણકારી મુજબ સૂર્ય પોતાનાં જીવનનું પાંચેક અબજ વર્ષ જેટલું આયુષ્ય ભોગવી ચૂક્યો છે અને હજી બીજા પાંચેક અબજ વર્ષ સુધી જીવતો રહેવાનો છે આમ સૂર્યનું આયુષ્ય આશરે દસ અબજ વર્ષનું છે.

તારાઓનાં જન્મ વિશે વાત કર્યે તો, તારાઓના સર્જનની પ્રક્રિયા આંતર-તારાકિય અવકાશમાં આવેલા વાયુ વાદળોમાં થાય છે.આંતર-તારાકીય અવકાશના તત્વોમાં મૂખ્યત્વે હાઈડ્રોજનના પરમાણુ અને હિલિયમના પરમાણુજ હોય છે અને તેમની સંખ્યા દર ઘન સેન્ટિમીટર દીઠ એકાદ પરમાણુ જેટલી જ હોય, પરંતુ આકાશગંગાના અમુક વિસ્તારોમાં આવા પરમાણુઓ વધુ સંખ્યામાં વાદળ સ્વરૂપે એકત્રિત થયેલા જણાય છે. આવા વિસ્તારોમાં વાયુ પરમાણુઓનું પ્રમાણ વધીને ઘન સેન્ટિમીટરે ૧૦૦૦ જેટલુ હોય છે તેમજ તેની સાથે ખૂબજ અલ્પ માત્રામાં ધૂલીય રજકણો પણ મિશ્રિત થયેલા હોય છે.આવા વાયુ અને ધૂળનાં વાદળો ધરાવતાં વિસ્તારોના પરીમાણ ઘણાં મોટા આશરે દસ વીસ પ્રકાશવર્ષ થી માંડીને સો એક પ્રકાશવર્ષ જેવા હોવાથી આવા વાદળ માંથી પસાર થતું પ્રકાશનું કિરણ વાયુ તેમજ ધૂળનાં રજકણો દ્વારા વારંવાર વિખેરણ પામી અત્યંત નિર્બળ બને છે જેને કારણે આવા વાદળોનાં પાછળનાં ભાગમાં રહેલો પ્રકાશ આપણી સુધી પહોંચી શકતો નથી. આથી આવા વાદળોને ડાર્ક ક્લાઉડ્સ તરીકે ઓળખવામાં આવે છે.

આ પ્રકારનાં પરમાણુ સ્વરૂપે હાઈડ્રોજન ધરાવતાં વાયુ વાદળોનું વધુ સંગઠન થતા વિશાળ વિસ્તારના અણુ સ્વરૂપે હાઈડ્રોજન ધરાવતા વાયુ વાદળો સર્જાય છે જેને જાયન્ટ મોલેક્યુલર ક્લાઉડ (વિશાળ અણુકિય વાદળ) તરીકે ઓળખવામાં આવે છે.આવા વાદળોમાં અણુ-પરમાણુઓની સંખ્યા, સેન્ટિમીટર દીઠ દસ હજારથી માંડીને લાખ જેવી હોઈ શકે. આવા વાયુ તથા ધૂળનાં વાદળોને ખગોળશાસ્ત્રની ભાષામાં નિહારિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. આવા વાદળોનાં અંદરનાં ભાગમાં તાપમાન આશરે વીસેક હજાર કેલ્વિન જેટલું હોય છે. માત્ર સરખામણી ખાતર, પૃથ્વિના વાતાવરણના નીચેના સ્તરમાં અણુઓની સંખ્યા ઘન સેન્ટિમીટર દીઠ જેટલી અર્થાત એક પછી ઓગણીસ શૂન્યો લખો તેટલી છે.

જ્યારે અવકાશમાં કોઈ વિસ્ફોટ કે ઊથલપાથલ થાય ત્યારે આવી નિહારિકાઓમાં જમાં થયેલાં દ્રવ્યને આંચકઓ લાગતાં તેનાં કોઇક ભાગમાં વધુ પ્રમાણમાં એકત્રિત થયેલા દ્રવ્યમાં ગુરુત્વાકર્ષણનું જોર વધવાં માંડે છે. આવા વાદળમાં જેમ જેમ વધારે દ્રવ્ય ઉમેરાતું જાય તેમ તેમ તેનું ગુરુત્વાકર્ષણ વધતું જાય છે. પરીણામે આવું વાદળ ધીમે ધીમે સંકોચાતું જાય છે જેને કારણે તેનું તાપમાન વધતું જાય છે.આવા સંકોચન પામતા વાયુ તથા ધૂળના વાદળનાં કેન્દ્રિય ભાગનું તાપમાન જ્યારે દસ થી પચાસ લાખ ડિગ્રી સુધી પહોચે ત્યારે તેમાંથી ઝાંખો પ્રકાશ ઉત્સર્જાવા લાગે છે. વાદળની આવી અવસ્થાને ખગોળ વિજ્ઞાનીઓ આદિતારક (પ્રોટોસ્ટાર) તરીકે ઓળખાવે છે. આ આદિતારક માંથી ભવિષ્યમાં એક તારો જન્મ લેવાનો હોઈ તેને તારાનો પૂર્વજ ગણી શકાય.

મૃગશીર્ષ નક્ષત્રમાં આવી જ એક નિહારિકા આવેલી છે. જેને ઓરાયન નેબ્યુલા તરીકે ઓળખવામાં આવે છે. એક્સ-રે ટેલિસ્કોપની મદદ થી જોતા આ નિહારિકામાં આવા અસંખ્ય પ્રકાશિત આદિતારકો જોવા મળે છે. જે આવી નિહારિકા માં આજે પણ તારાઓનાં જન્મની પ્રક્રિયા ચાલુ હોવાનું રજુ કરે છે.

ઘણીવાર ઘૂળ અને વાયુનું વાદળ કદમાં ઘણું મોટું હોય તો ગુરુત્વીય સંકોચન દરમ્યાન અસ્થિરતાને કારણે તૂટી જાય છે. અને એક કરતાં વધારે ઘણાં બધાં વાદળોમાં વિભાજીત થઈ જાય છે. અને આ દરેક વાદળ વધુ સંકોચાઈને એક સાથે ઘણાં બધા તારાઓને જન્મ આપે છે. પરિણામે એક સાથે ઘણાં બધા તારાઓનું જૂથ રચાય છેે.

આદિતારકોમાં પણ ગુરુત્વાકર્ષણને કારણે સંકોચન ચાલુ રહે છે અને પરિણામે તેમનાં તાપમાનમાં સતત વધારો થતો રહે છે. પરંતુ જ્યારે આદિતારકના ગર્ભભાગનું તાપમાન છ કરોડ ડિગ્રી સુધી પહોંચી જાય ત્યારે આટલાં પ્રચંડ તાપમાને તેના કેન્દ્રભાગમાં રહેલો હાઈડ્રોજન પરમાણુઓ એક બીજા સાથે સંયોજાઈ ને ન્યુક્લિયર ફ્યુઝન તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા હિલિયમનાં પરમાણુઓમાં પરીવર્તિત થવા માંડે છે. આ પ્રક્રિયામાં હાઈડ્રોજન વાયુનાં બે પરમાણુ ભેગા થઈ હિલિયમ પરમાણુ બનાવે છે અને પ્રચંડ માત્રામાં ઉષ્મા અને પ્રકાશનાં સ્વરૂપે શક્તિ છુટી પડે છે આ છુટી પડેલી શક્તિને કારણે ગુરુત્વાકર્ષણથી તારાનું વધુ સંકોચન થતું અટકે છે અને તારામાં સંતુલન સ્થપાય છે.તારામાં આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે જેને કારણે તારા માંથી સતત પ્રકાશ અને ઉષ્મા ઉત્સર્જાતા રહે છે વધુમાં જ્યાં સુધી તારાનાં કેન્દ્રિય ભાગમાં હાઇડ્રોજન માંથી હિલિયમ બનવાની આ પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તારા કદમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થતો નથી અને આ અવસ્થાની શરૂઆત સાથે જ એક તારાનો જન્મ થયો એમ કહિ શકાય છે.