"આઈ એમ હેપ્પી"
આજે વિહાન ખૂબ ખુશ હતો એની આતુરતાનો આજે અંત આવવાનો હતો, જુહુ બીચ પર તે ભીડથી દૂર પોતાની મન પસંદ જગ્યાએ એકાંતમાં બેઠો હતો, દરિયાનો મંદ શીતલ પવન એના રોમ રોમમાં એક અનેરા આનંદનો ઉત્સાહ ભરતો હતો અને આંખો એની પ્રિયસીની પ્રતીક્ષામાં સ્થિર પેલા રસ્તા પર હતી. ઘણો લાંબો સમય વીતી ચુક્યો હતો સૂરજ પણ ધીરે..... ધીરે.... ઢળવાની તૈયારી કરી રહ્યો હતો, હવે વિહાનના મનમાં ઘણા પ્રશ્નો ઊભા થાય છે, કેમ આટલું મોડું થયું હશે? બિચાડી અજાણી છે આ શહેરમાં શું રસ્તો ભૂલી ગઈ હશે? કે પછી એના આવવાની કોઇને જાણ થઈ ગઈ હશે અને કઈ અજુગતું....... ના ના મારે આવા વિચારો નથી કરવા, કદાચ આ મારી ભૂલ છે મારે આવી ઈચ્છા વ્યક્ત કરવાની જરૂર ન હતી કે એ મને મળવા આવે, પણ શું કરું એની સાદગીથી ભરેલી વાતો, એ માસુમ ચહેરો! એની અહીંયા આવવાની વાત સાંભળી મારી નજર સામે આવી ગયો અને એને મળવાની ઈચ્છા મારાં પર હાવી થઈ ગઈ. કાશ!સંજોગો એવા હોત કે હું એને સામે ચાલીને લેવા જઈ શકત, હજું આ બધી ગડમથલ મનમાં ચાલતી હતી
ત્યાં જ તેની નજર સાદા સરળ ગુલાબી ડ્રેસમાં સજ્જ તેની પ્રિયસી પર પડે છે અને તેને દૂરથી જોઈ એ હાશકાંરો અનુભવે છે.
આંચલ જાણે ભોંઠપ અનુભવતી હોય તે રીતે સોરી વિહાન પહેલી વાર તને મળવા આવું છું અને બરાબર તૈયાર પણ નથી થઈ પણ હું જ્યાં તૈયાર થવા જતી હતી ત્યાં જ...... વિહાન તેને ચુપ કરે છે અને કહે છે બસ મારે કોઇ ખુલાસાની જરૂર નથી તું તારી ફેમિલી સાથે બોમ્બે ફરવા આવી છે અને એમાંથી સમય કાઢી આટલી દૂર મને મળવા આવી એ જ ઘણું છે અને રહી વાત તૈયાર થવાની તો મેડમ તમારી સાદગી એ જ આ દિલ જીતી લીધું છે. તને ખબર છે ડીઅર આ શહેરમાં બધા ખોટી ચમકમાં અંજાઈને જીવે છે પણ મારા વિચાર તદ્દન જુદા છે, કેવા છે જણાવીશ નહીં? આંચલ આશ્ચર્ય સાથે પૂછે છે, કંઈક આવા છે ડીઅર,
"મળી જાય મૃગજળ ક્યાંય,
એવુ એક રણ શોધું છું,
કપટી આ જમાનામાં થોડું,
ભોળપણ શોધું છું,
ને કળી શકાય સહજતાથી,
એવુ શાણપણ શોધું છું.
ભીંજવી શકે લાગણીથી કોઇ,
તો તરબોળ થવા એક ક્ષણ શોધું છું.
ઝવેરાતોથી સજ્જ બજારમાં,
હું સાદગીનું આભૂષણ શોધું છું
અને એ સાદગી તારામાં છે આંચલ, તાળીઓથી પંક્તિઓને વધાવતા આંચલ બોલે છે અરે....... મિસ્ટર તમે તો કવિ પણ છો! પહેલા ક્યારેય જણાવ્યું તો નહીં, એટલું સરળ ક્યાં છે બધું જણાવી દેવું આંચલ, વિહાન મનમાં બોલે છે, અરે છોડ આ બધું હું તો કવિતા બોલવામાં ભૂલી જ ગયો કે તું કઈ રોજ મને મળવા નથી આવવાની ચલ ચલ હવે તું બોલ, હું તારી સાથે વાત કરવાની એક પણ ક્ષણ ચૂકવા નથી માંગતો.
ફોન પર તો મળતા રહીએ છીએ પણ આ આપણી પહેલી મુલાકાત છે, બોલ કેમ છે તું આંચલ? બસ મજામાં એક ઊંડા શ્વાસ સાથે આંચલ પ્રત્યુત્તર આપે છે, આંચલ અને વિહાનની મિત્રતાને પાંચ વર્ષ પુરા થયા અને જોગાનું જોગ આજે બંને તે દિવસે સાથે છે.બંને પાંચ વર્ષ પહેલા ફેસબુક પર મળેલા.
આંચલ ખૂબ મહત્વકાંક્ષી નવું નવું શીખવાનો અને જાણવાનો એને ખૂબ જ શોખ.ઘરમાંથી એવી પરવાનગી ન હતી કે તે બહાર નિકળી કઈ કરી શકે તેથી એ ઘરમાં જ રહી અલગ અલગ પ્રવૃત્તિ કરી આનંદ મેળવતી અને આજે નહીં તો કાલે છૂટ મળશે એ આશામાં પરિસ્થિતિને અનુકૂળ રહી જીવતી આવતી.દરેક વસ્તુમાં માહિર એવી આંચલની મુલાકાત ફેસબુક પર વિહાન સાથે થાય છે.
વિહાન અને આંચલ એક જ શહેરના હતા પરંતુ પહેલા ક્યારેય એકબીજાને મળ્યા ન હતા.ઓળખાણ હતી તેથી બંને મેસેન્જર પર વાતો કરતા થયા અને ધીરે ધીરે ગાઢ મિત્રો બન્યા, હવે બંનેની મૈત્રી એટલી ગાઢ થઈ ચુકી હતી કે, બંને પોતાના અંગત જીવન ની વાતો પણ એક બીજા સાથે વહેંચવા લાગ્યા હતા.વિહાનને આંચલનો સ્વભાવ ખૂબ ગમવા માંડે છે, અને આંચલ પણ વિહાન સાથે વાતો કરી હળવાશ અનુભવે છે આંચલ જે પરિસ્થિતિમાં જીવતી આવતી હતી તે જોઈ વિહાનને તેના પ્રત્યેય ખૂબ માન હતું, અને જયારે પણ આંચલનો જન્મદિવસ હોય ત્યારે કહેતો કે, હું તને રૂબરૂ મળું ત્યારે તને કોઇ અમૂલ્ય ભેટ આપવા માંગુ છું કે જે ખરેખર તારા લાયક હોય, આંચલ હસીને એની વાત ઉડાવી દેતી કે તું સપના નઈ જો હું તને ક્યારેય મળવા નથી આવવાની, પણ આંચલને એ ખબર ન હતી કે વિહાનનું સપનું એક દિવસ સાચું થવાનું હતું.
આજે બંને ખૂબ જ ખુશ છે.પક્ષીઓના ઝુંડ કલરવ કરતા કરતા ક્ષિતિજ તરફ જઈ રહ્યા છે, અને જેમ જેમ સંધ્યાનો રંગ ઘેરો થતો જાય છે, તેમ તેમ બંને પોતાની વાતોમાં ખોવાતા જાય છે.વાત વાતમાં આંચલ પૂછી લે છે તું હર વખત કહેતો હોય તો કાંઈ ભેટ લાવ્યો છો કે પછી ખાલી હાથે જ અહીં આવ્યો છો?વિહાન સ્તબ્ધ થઈ એક નજરે આંચલ સામે જુએ છે, આંચલ અરે! તું આટલો ગંભીર ન થઈ જા હું ખાલી તારી મજાક કરું છું. આપણે મિત્ર તરીકે આટલો વખત સાથે વિતાવ્યો એ જ મારાં માટે સૌથી મોટી ભેટ છે, વિહાન કહે, તે મજાક ભલે કરી પણ હવે હું તને જે કાંઈ કહેવા જઈ રહ્યો છું તે બિલકુલ મજાક નથી આંચલ અને મને ખબર નથી કે આ સાંભળ્યા પછી તારો શું પ્રતિભાવ હશે, પણ જે હશે તે મને માન્ય રહેશે.વિહાન પોતાની સાથે જે બોક્સ લાવ્યો હતો તે આંચલના હાથમા મૂકે છે અને આંખના ઈશારે તેને ખોલવા જણાવે છે, ખોલતા જ તેમાંથી એક નાનું નાજુક ઝળહળતું સોનાનુ મંગલ સૂત્ર નીકળે છે.
આંચલ કઈ બોલે તે પહેલા જ વિહાન તેને જણાવે છે કે, હું તને ઘણા સમયથી કહેવા માંગુ છું કે હું તને પ્રેમ કરું છું, આંચલ જાણે કોઇ પથ્થરનું પૂતળું બની ગઈ!
તેને સમજાતું નથી કે આ શું થઈ રહ્યું છે, આગળ ઉમેરતા વિહાન કહે છે, જો આંચલ તને ખબર છે. મારી પત્નીનો સ્વભાવ મને બિલકુલ પસંદ નથી હું ગમે તેટલું કમાઈને દઉં એને ઓછું જ લાગે છે, બચતનું નામ નહીં બસ મોજ શોખ અને પાર્ટી અમારી વચ્ચેનું અંતર દિવસે દિવસે વધતું જ જાય છે બસ રહેવા ખાતર સાથે રહીયે છીએ, મને જીવનસાથી તરીકે જેવી વ્યક્તિ જોઈતી હતી એ બધા ગુણ તારામાં છે, અને તારા પતિનો સ્વભાવ પણ તને લાયક નથી, નાની નાની વાતોમાં ગુસ્સો કરવો તારા પર હાથ ઉપાડવો અને તારી બિલકુલ કદર નહીં, આ બધું તે જ જણાવેલુ છે ને મને?આંચલ જરૂરી નથી કે આપણે આપણી ઈચ્છાઓ ને મારીને જીવતા રહીયે, તને પણ આ જિંદગી માણવાનો અને જીવવાનો પૂરો અધિકાર છે, જો તું આ મંગલ સૂત્ર પહેરી લઈશ તો હું તારો જવાબ હા માં સમજીશ અને તને કોઇ દબાણ નથી, હું માત્ર તને એક હસતી રમતી જિંદગી આપવા માંગુ છું. તને ખુશ જોવા માંગુ છું.
આંચલ પર જાણે કોઇ પહાડ તૂટ્યો ન હોય! તેમ મૂક બધીર બની બસ બધું સાંભળ્યા કરે છે, વિહાનને ખબર હતી આંચલ એક ચરિત્રવાન સ્ત્રી છે તેથી તે તેને અડકવાની જરા પણ કોશિશ નથી કરતો, માત્ર તેનું ધ્યાન દોરવા તેના ચહેરા સામે ચપટી વગાડે છે.
લાંબા સમયના અંતર પછી આંચલ પોતાની જાતને સ્વસ્થ કરી મૌન તોડતા ગળગળા અવાજમાં કહે છે. વિહાન હું ચરિત્રને ખૂબ મહત્વ આપું છું એ તો તું જાણે જ છે, હું તારી લાગણીની કદર કરું છું કે, તું મને ખુશ જોવા માંગે છે, પણ જે મળ્યું એ નિભાવાનો મારો સ્વભાવ છે. તારે દસ વર્ષનો એક દીકરો છે, કદાચ તું તારી પત્ની વગર જીવી શકીશ પણ એ માસુમ એની માં વગર એક ક્ષણ પણ રહી શકશે ખરા? અને હું પણ એક છ વર્ષની દીકરીની માં છું આપણે એટલા સ્વાર્થી પણ ન થઈ શકીયે કે માત્ર આપણી ખુશી ખાતર બે પરિવારને બરબાદ કરીએ, જે પરિસ્થિતિ છે એને અનુકૂળ રહીને જીવતા શીખ વિહાન અને આ મંગલ સૂત્ર ખૂબ જ સરસ છે જે મારાં તરફથી તારી પત્નીને ભેટમાં આપજે અને તારા હાથે તેને પહેરાવ જે, વિહાનની આંખોમાંથી આંસુ સરી પડે છે, ચલ વિહાન બહુ લેટ થઈ ગયું છે.મારી દીકરી મારી રાહ જોતી હશે અને આકાશ પણ....
જતા જતા હું તને એક વચન આપું છું કે એક મિત્ર તરીકે હું તારો સાથ જીવન ભર નહીં છોડું કદાચ તું દુઃખી હો ત્યારે તને માથું રાખીને રડવા હું મારો ખંભો નહીં આપી શકું પણ એક હમદર્દ બની હું હંમેશા તારી સાથે રહીશ,તને ખબર છે વિહાન જયારે આપણને જિંદગી બોજ લાગવા માંડે અથવા એવુ લાગે કે આ જિંદગી એ નથી જે મારે જોઈતી હતી, ત્યારે ફકત આંખો બંધ કરી, ચહેરા પર સ્મિત લાવી ઊંડો શ્વાસ લઈ એટલું જ પોતાની જાતને કહેવાની કે,I AM HAPPY હું ખુશ છું પછી થોડીવારમાં ફરી આ જિંદગી ગમવા માંડશે.હું એ જ રીતે જીવતી આવું છું વિહાન, પહેલીવાર વિહાન આંચલનો હાથ પોતાના હાથમા લે છે અને કોઇ આનાકાની કર્યા વગર આંચલ પણ પ્રેમથી પોતાનો હાથ વિહાનના હાથમા સોંપી દે છે બંને એક સાથે આંખો બધા બંધ કરી, ચહેરા પર સ્મિત લાવી, ઊંડો શ્વાસ લઈ બોલે છે કે, I AM HAPPY.જાણે જીવવાનો એક નવો રસ્તો વિહાનને મળી ગયો એ હસતા હસતા આંચલને જવાની રજા આપે છે.બંને પોત પોતાના રસ્તે ચાલતા થાય છે.
બોમ્બે ફરીને આંચલ પોતાના શહેર પરત ફરે છે અને વિહાન આંચલે આપેલા જીવનમંત્ર સાથે જીવતો જાય છે.હવે તેની પત્નીના વર્તનથી તેને કોઇ ખાસ ફરક નથી પડતો પોતાના દીકરા સાથે મોજમાં રહે છે.પણ આજે આકાશનો ગુસ્સો સાતમા આસમાને છે.આંચલ ઘરની ચીજ વસ્તુ લેવા બહાર ગઈ છે.અને આકાશ ઓફિસના કિંમતી ડોક્યુમેન્ટ્સ શોધતો હોય છે જે લાંબા સમયની મહેનત પછી પણ તેને મળતા નથી તે ગુસ્સામાં આંચલને કોલ કરે છે. ઉતાવળમાં આંચલ મોબાઈલ ઘરે ભૂલી જાય છે.બધું તપાસી લીધા પછી આકાશ કબાટ ખોલે છે અને ધુઆફુઆ થતો કબાટની બધી વસ્તુઓ બહાર રૂમમાં ફેંકી દે છે ત્યાં કબાટના એક ખૂણામાંથી તેને કંઈક હાથ લાગે છે કે જેને ખોલી તે વાંચવા બેસી જાય છે. વાંચનમાં તે એટલો મશગુલ છે કે, ઓફિસના ડોક્યુમેન્ટ્સ હવે તેને યાદ નથી, ને આ શું? જે આકાશ ગુસ્સામાં લાલચોળ હતો તેની આંખોમાં અત્યારે આંસુ છે!પહેલી વખત તેને પોતાની જાત પ્રત્યેય ખૂબ નફરત થાય છે.તે જે વાંચી રહ્યો હોય છે તે એક ડાયરી હોય છે કે જેમાં આંચલે કશું જ છુપાવ્યા વગર પોતાની જિંદગીની તમામ હકીકત લખી છે.તે પોતાના આંસુ લૂછતો હોય છે ત્યાં આંચલ આવી જાય છે અને પોતાના બેડરૂમની આવી અસ્તવ્યસ્ત હાલત જોઈ તે આકાશને હળવેથી પૂછે છે કે, શું થયું તમને? કેમ બધું આમ......અને આંચલની નજર આકાશના હાથમા રહેલી ડાયરી પર પડે છે અને મનમાં ઘણા સવાલો રમવા માંડે છે કે આકાશ હવે આગળ શું પગલું ભરશે? આકાશ જરા હાથ લંબાવે છે ત્યાં જ આંચલ ધ્રુજી ઉઠે છે પણ આજે આકાશનો હાથ તેને મારવા માટે નહીં પરંતુ તેને ગળે લગાવવા માટે લંબાયો હોય છે આંચલ ને ભેટી ને આકાશ ખૂબ રડે છે જાણે અત્યાર સુધીના પોતાના તમામ વ્યહવારની આંચલ પાસે માફી ન માગતો હોય! તે આંચલને કહે છે I AM HAPPY અને આંચલને એ તમામ સ્વત્રંતા મળી જાય છે જે તેને જોઇતી હોય છે.
પાઠક કૃતિકા
14/5/21