સ્ત્રી. આ શબ્દ સાંભળતાં જ આપણને એક સૌમ્ય વ્યક્તિત્વ ની કલ્પના આવે છે. સ્ત્રી એ વિશ્વ નું સૌથી સુંદર સર્જન છે. જરૂરી નથી કે આ ઉપમા ફક્ત રૂપ થી સુંદર સ્ત્રી માટે જ અપાય છે. સ્ત્રી નો દેખાવ ભલે ગમે તેવો હોય. તે શ્યામ, ગોરી, જાડી, પાતડી, ઊંચી કે નીચી કોઈ પણ કદ કાઠી ની હોઈ શકે છે. પરંતુ એક વસ્તુ એવી છે જે એક સ્ત્રી ને દુનિયા ના બધા જ સર્જન થી અનોખી બનાવે છે. તે છે ' લાગણી '. અમસ્તું જ સ્ત્રી ને લાગણી નો દરિયો નથી કહેવાતું. તે પોતાના આખા જીવનકાળ દરમિયાન આ શબ્દ ને સાર્થક કરી ને જીવી જાણે છે.
ક્યારેક સ્ત્રી દીકરી રૂપે તો ક્યારેક માતા કે બહેન રૂપે પોતાના અસ્તિત્વ થી પરિવાર ને તથા તેની સાથે જોડાયેલા વ્યક્તિઓ પર પોતાની લાગણી વરસાવ્યા કરે છે. એક દીકરી જ્યારે પુત્રવધૂ બની ને નવા ઘર માં પ્રવેશ કરે છે તો તેની સાથે અનેક નવા સંબંધ જોડાય છે. આ સાથે તે અનેક કિરદાર નિભાવી જાણે છે. પુત્રવધૂ, પત્ની, ભાભી, માતા આ બધા એક જ સ્ત્રી ના વિભિન્ન સ્વરૂપ છે. સામાન્ય રીતે સ્ત્રીઓ પુરુષો ની તુલના માં પોતાની લાગણી વ્યક્ત કરવા માં ખૂબ જ પારંગત હોય છે. જો તે એકવાર લાગણીના આવેશ માં આવી જાય પોતાના મન ની વાત છૂપાવી નથી શકતી. કારણ કે એક સ્ત્રી નું હ્યદય ખૂબ જ પ્રેમાળ હોય છે.
પુરુષ ના જીવન ને સાર્થક બનાવવા માટે અથાગ પ્રયત્નો પણ સ્ત્રી જ કરે છે. એક જ સમયે અનેક કર્યો ભજવવા એ કામ પણ એના સિવાય ભાગ્યે જ કોઈ કરી શકે છે. પુરુષ પર ઘર નો કાર્યભાર હોવાથી તે પોતાના પરિવાર ને પૂરતો સમય નથી આપી શકતો. આ માટે તેના ખભે થી ખભો મિલાવી ને પારસ્પરિક સમજૂતી થી પરિવાર ની સારસંભાળ રાખવા માં પોતાનું યોગદાન આપે છે. આજના સમય માં તો સ્ત્રી ઘર પરિવાર ની સંભાળ રાખવાની સાથે સાથે વ્યવસાયિક કાર્ય પણ કરે છે. પણ તેમ છતાં તે પોતાના કામ અને ઘર ની જવાબદારી ને ખૂબ જ કલાત્મકતા થી નિભાવી જાણે છે. સાચે જ એ ઘર ની લક્ષ્મી છે. એક સ્ત્રી ની મહત્વાકાંક્ષા બસ એટલી જ હોય છે કે એને પોતાના પરિવાર નો ભરપુર આદર અને પ્રેમ મળે. કહેવાય છે ને કે જે ઘર ની લક્ષ્મી ખુશ એ પરિવાર પણ સદા માટે સુખી. સમય આવ્યે આ જ કૂમળા મન ની સ્ત્રી પોતાના પરિવરજનો ની રક્ષા માટે કાલિકા સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. અને આ જ એ સ્ત્રી છે. જે નાની અમથી વાત માટે પણ આંસુ પાડે.
લોકો કહે છે કે સ્ત્રી ને સમજવી મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય છે. પણ મારી માનો તો એને યોગ્ય લાગણી, આદર અને પ્રેમ આપવામાં આવે તો સ્ત્રી ને સમજવા થી વધારે સરળ કાર્ય બીજું કોઈ જ નથી.
આપણા દેશ માં નારી ને દેવી તરીકે પૂજવામાં આવે છે. ઇતિહાસ તથા શાસ્ત્રો માં પણ સ્ત્રી ની વીરતા ના પુરાવા મળી આવે છે. સ્ત્રી ધારે તો વિકટ માં વિકટ પરિસ્થિતિ નો સામનો પણ એકલા હાથે કરી જાણે છે. આજ ની સ્ત્રી આધુનિક હોવાની સાથે સાથે સંસ્કૃતિ નું માન પણ જાળવે છે. તેથી જ તે દરેક પરિસ્થિતિ મુજબ પોતાને ઢાળી શકવાની ક્ષમતા ધરાવે છે...
જે પુરુષ સ્ત્રી નું મહત્વ સમજે છે તે કદી દુઃખી થતો નથી. સમજદાર પુરુષ હંમેશા પોતાના જીવન સાથે જોડાયેલી દરેક સ્ત્રી ને ભરપુર સન્માન આપે છે. સમાજ માં પુરુષ નું પણ પોતાનું આગવું યોગદાન છે. એમનું પણ એટલું જ મહત્વ છે જેટલું એક સ્ત્રી નું. પુરુષ પણ એટલા જ લાગણીશીલ હોય છે જેટલું એક સ્ત્રી. ફરક માત્ર એટલો છે કે તેઓ સ્ત્રી ની જેમ મુક્ત મન થી પોતાની લાગણી દર્શાવી નથી શકતા. અંતે તો આ જગત સ્ત્રી અને પુરુષ બંને ના પારસ્પરિક સમજણ અને સમન્વય થી જ ચાલે છે. સન્માન બંને ને સરખું મળવું જરૂરી છે.
નારી તું નારાયણી... એજ આદિ શક્તિ જેમને આપણે માં જગત જનની કહીએ છે. તેમનો જ ભૌતિક જગત માં અંશ એટલે સ્ત્રી...